શુક્રવાર, 26 નવેમ્બર, 2021

અવ્યક્ત પ્રેમ

(સાત વર્ષ પછી મને ફોન કરજે. હું તારા ફોનની રાહ જોઈશ અને જ્યાં હોઈશ ત્યાંથી આવી જઈશ. કારણ કે તું મને બહુ ગમે છે. આ ચબરખી અહીં મૂકું છું, જો તને રસ હોય તો લઈ લેજે.” એમ એક શ્વાસે બોલીને તે અંદર ઘરમાં જતો રહ્યો.)

શુક્રવાર, 1 ઑક્ટોબર, 2021

બાંધી મુઠ્ઠી ?

બાંધી મુઠ્ઠી ?

સાંપ્રત સમાજની વરવી વાસ્તવિકતા એ છે કે સામાન્ય મનુષ્યને માટે બળિયા સામે બાથ ભીડવાનું લગભગ અશક્ય થઈ ગયું છે. સત્તાધારીઓ સતાનો બેફામ ઉપયોગ સ્વાર્થ માટે કરે છતાં તેઓનો  વાળ પણ વાંકો નથી થતો. કઢંગી અને અટપટી ન્યાયપ્રક્રિયા માત્ર અમીરોને અને પહોંચેલા ગુનેગારોને જ બચાવે છે.  

બાંધી મુઠ્ઠી ?

 

"જુઓ સુમનભાઈ,  જે કાંઇ થયું તે ખૂબ જ આઘાતજનક છે. મને પણ તેનું અપાર દુખ છે. પરંતુ  દુખને રોયા કરવાનો કોઈ અર્થ નથી. બીજું બધુ બાજુએ મૂકીને અત્યારે તમારે દીકરી ચૈતાલીને સંભાળવાની જરૂર છે. બળીયા સામે બાથ ભીડવાનું આપણું ગજું નથી. તમને ખબર ન હોય તો કહું કે ત્રણમાંથી એક મીનીસ્ટરનો છોકરો છે બીજો જે ક્લબમાં આ બન્યું તેનાં ચેરમેનનો પુત્ર છે અને ત્રીજો પણ રાજકીય આગેવાનનો છોકરો છે. એ લોકો મોટા બિલ્ડર અને અતિ ધનિક અને પહોંચેલી માયા છે. તમને ખબર છે તમારી ફરિયાદ પછી જ્યારે પોલીસ પ્રેસિડેન્ટને ઘેર તેનાં છોકરાને પકડવા ગઈ ત્યારે પોલીસ કમીશ્નરને દોડતો બોલાવ્યો હતો અને કલબના પ્રેસિડેન્ટે  તેને લાફો ઝીંકી દીધો હતો! પોલીસ વિલા મોંએ  પાછી ફરી હતી. .” અન્ડર સેક્રેટરી મહેશભાઇ પટેલ તેમના મદદનીશ સુમનભાઈને પોતાના નિવાસસ્થાને બોલાવી સમજાવતા હતા.   

"હવે આમાં તમે કેટલું દોડશો? મારી સલાહ છે કે મુઠ્ઠી બંધ રાખવામાં જ શાણપણ છે. તમે સિદ્ધાંતને વળગી રહેશો તો દીકરી ચૈતાલીની અને તમારા કુટુંબની બદનામી સિવાય તમારા હાથમાં કાંઇ નહીં આવે. સમાજ અને મીડિયા ફોલી ખાશે. સત્તર સવાલો કરશે. ક્લબમાં શું કામ ગઈ હતી? કેટલા સમયથી દોસ્તી હતી?  માં-બાપે કેમ ધ્યાન ન આપ્યું? વિ. અનેક આડાતેડા પ્રશ્નો ઊભા કરીને વાતને દિવસો સુધી ડખોળ્યા કરશે. કોર્ટમાં વકીલો જેવા તેવા અશ્લીલ સવાલો કરશે અને  દીકરી પર અનેકવાર માનસિક બળાત્કાર કરશે. ક્લબમાંથી તમને એક પણ સાક્ષી નહીં મળે. તમે દિવસો નહીં, વર્ષો સુધી આ આઘાતમાંથી બહાર નહીં આવી શકો. તમે ખોટું ન લગાડતા પણ આ વરવી વાસ્તવિકતા છે. આપણા જેવા સરકારી નોકરિયાતો માટે નીચી મુંડીએ ચૂપ રહેવામાં જ ડહાપણ છે. મીનીસ્ટર સાહેબે કહ્યું છે કે ગુજરાતનાં નકશામાં જે શહેર પર આંગળી મૂકો ત્યાં તમને પ્રોમોશન સાથે બદલી કરી આપશે. બે-ત્રણ વર્ષ તમે અમદાવાદથી દૂર રહો અને બધુ શાંત થવા દો. ચૈતાલીને તમારા સાળા ઑસ્ટ્રેલિયા છે ત્યાં ભણવા મોકલી દો. તે પણ આ માહોલથી દૂર રહેશે અને જીવનમાં આગળ વધશે. તેનાં ભવિષ્યનો વિચાર કરો. કલબના પ્રેસિડેન્ટ તેનાં બધા ખરચા માટે વીસ લાખ રૂપિયા આપવા તૈયાર છે. મારુ માનો તો આ ઓફર સ્વીકારી લો અને બાંધીમુઠ્ઠી રાખો.

માનસી, જે ચૈતાલીની સહેલી હતી અને અત્યાર સુધી છુપાઈને બધુ સાંભળતી હતી તે ધસમસતી બહાર આવી, આંખમાં આંસૂ અને રોષિત અવાજે બોલી, “અંકલ, પપ્પાને એ પણ પૂછી લો કે ન કરે નારાયણ અને મારી સાથે આવું કાંઇ બને તો મારી કિમત શું આંકી છે તેમણે? વીસ લાખ? પચ્ચીસ લાખ? કેટલા લાખ રૂપિયા લઈને મને તડીપાર કરશે?”  

--ભજમન નાણાવટી                                                           1

                                          @@@@@  

Image: courtsey shutterstock,google images 


શુક્રવાર, 28 મે, 2021

વરવી સંવેદના

 કોઈપણ કવિ કલ્પનાની પાંખે સવાર થઈને રચના કરે. કવિ અને કલ્પનાને અલગ ન કરી શકાય. પણ.. પણ કોઈ કવિ શેતાની કલ્પના કરે તો? અને તે પણ પાયાવિહોણી અફવાઓથી દોરાઈને? દેશના વડા પ્રધાનને માટે અભદ્ર ભાષા વાપરે ? તો.. તો મને તેના કાન  ખેંચવાનું મન થાય. પ્રસ્તુત છે.. 

શુક્રવાર, 9 એપ્રિલ, 2021

તો મારે શું કરવું?

 (પતિ-પત્નીના અતિ અંગત અને નાજુક સંબંધો અને  તેના પ્રશ્નો પર આધારીત આ વાર્તાં છે. સુખી દાંપત્ય જીવનમાં કોઈ ક્ષણે અણધાર્યો વળાંક આવે કે સંબંધોના તાણાવાણા વીંખાય  જાય છે. બંનેના સંયુક્ત પ્રયત્નો છતાં લગ્નજીવન જોખમમાં આવી પડે છે. હસતું રમતું કુટુંબ પળવારમાં છિન્નભિન્ન થવાના આરે આવી પહોંચે છે. ત્યારે પતિ કે પત્ની વિચારે છે, "તો મારે શું કરવું?)


શુક્રવાર, 3 જુલાઈ, 2020

રામાની ગુલ્લી-અણુવાર્તા મણકો 13


અણુવાર્તા micro fiction ની શ્રેણીમાં 13મો મણકો

રામાની ગુલ્લી

જ્યારે હું સોનોગ્રાફી મશીનોનો વ્યવસાય કરતો હતો ત્યારની વાત છે. એક ડૉક્ટર યુગલને મશીન ખરીદવું હતું અને શાંતિથી વાતચીત થાય માટે મને રવિવારે ઘેર બોલાવ્યો હતો. સવારના નવેક વાગ્યે હું તેઓને ઘેર પહોંચ્યો. ડૉક્ટર બેઠક રૂમમાં વેક્યૂમ ક્લીનર ફેરવતા હતા. મને ઈશારાથી સોફા પર બેસવા જણાવ્યું અને હાથની પાંચ આંગળીઓ અને અંગૂઠો બે વાર ભેગા કરી દસેક મિનિટ થશે તેમ કહ્યું. મેં બેગમાંથી કેટલોગ અને ઑર્ડર બુક કાઢી ટેબલ પર મુક્યાં અને રાહ જોતો બેઠો. ડૉક્ટર સફાઈ પૂરી કરી વેક્યૂમ ક્લીનર મુકવા અંદર ગયા. તેવામાં મેડમ નેપકીનથી હાથ લુછતાં લુછતાં બહાર આવ્યાં. 

“ગુડ મૉર્નીંગ, મેમ!” મેં ઊભા થઇ વીશ કર્યું.
“અરે! નાણાવટીભાઇ તમે આવી ગયા છો? વિ..પુલ! મી.નાણાવટી આવ્યા છે.” તેણે ડૉક્ટરને બોલાવ્યા.
“હા. મને ખબર છે.” ડૉ. વિપુલ બહાર આવ્યા.”ક્યારના આવ્યા છે. તું અંદર હતી.”
“શું તમે પણ...?” મેડમે થોડો ક્ષોભ, થોડો રોષ અને થોડી શરમના મિશ્રીત ભાવે ડૉ.વિપુલને ટપાર્યા. ”નાણાવટીભાઇને લાગશે કે કેવી બાઈ છે! સર્જન પતિની પાસે ઘરકામ કરાવે છે.!”
“નોટ ટુ વરી! તું ગાયનેકોલોજીસ્ટ થઈને વાસણ ઘસી શકે તો હું વેક્યૂમ ક્લીનર ન ફેરવી શકું? દર્દીઓના પેટમાંથી તો આનાથી વધારે ગંદકી સાફ કરૂં છું.” પછી મારી સામે જોઇ બોલ્યા, “આજે અમારા રામાએ ગુલ્લી મારી છે.
#####

શુક્રવાર, 26 જૂન, 2020

ભજમનનાં ભોળકણાં -38 છપ્પો



છપ્પો 

ઘૂસણખોરી બેરોકટોક, વિપક્ષો કેરો વિદ્રોહી ઝોક
ઘૂસખોરીથી વાધે ઘૂસપેઠ, મતપેટી કાજે ન કોઈ એઠ
સત્તા સાટે દેશ વેચે, ભજમન તેથી અળગો રહેજે.

દેશી કોણ? વિદેશી કોણ? અને વળી ઘૂસણખોર કોણ?
નાગરિક ધારો લાગે ખારો, મત કાજે વિધર્મીને ચારો  
અંત:રિપુને કોણ નાથેભજમન જે દેશને રાખે સાથે.

શુક્રવાર, 19 જૂન, 2020

અમલદારી -અણુવાર્તા(miceofiction)-12



અણુવાર્તા micro fiction ની શ્રેણીમાં  12મો મણકો

અમલદારી

એક રવિવારે સવારે હું મારા મિત્રને ઘેર ગયો હતો. મિત્ર સરકારી અમલદાર હતા. અમે ડ્રોઇંગ રૂમમાં બેઠા હતા અને ફ્લેટનો દરવાજો ખુલ્લો જ હતો. અમારી વાતચીત ચાલતી હતી ત્યાં દરવાજે કચરો લેવા માટે બાઇ આવીને ઊભી રહી. મિત્રે તેના શ્રીમતિજીને બે-ત્રણ હાક મારી પણ ભાભીનો કોઇ પ્રતિભાવ કે જવાબ ન આવ્યો. થાકીને અને થોડા અકળાઇને મિત્રએ કચરાવાળાં બહેનને પછી કચરો લઇ જવા કહ્યું.
થોડા સમય પછી ભાભી બેઠક રૂમમાં આવ્યાં અને મિત્રએ તેનો ઉધડો લેતા સ્વરે
કહ્યું, “તું ક્યાં હતી? કચરાવાળી બાઈ આવી હતી. મેં તને બે-ત્રણ બૂમ મારી પણ
તેં સાંભળ્યું નહીં!”
“અરે! હું બેડરૂમમાં વેક્યૂમ મશીનથી સફાઈ કરતી હતી. મશીનના અવાજમાં તમારી હાકલ નહિ સંભળાઇ હોય. હવે.. ...”
“મેં તેને કીધું છે પાછી આવશે.”
“ત્રણ દાદરા ચઢીને કોઇ પાછી નહિ આવે. મારે જ કચરો ભરેલી બાલદી લઈને નીચે જવું પડશે.” ભાભીએ આછા રોષ અને છણકા સાથે જવાબ આપ્યો.
*

શુક્રવાર, 12 જૂન, 2020

લોકડાઉનની સાઈડ ઈફેક્ટ્સ – 3 અણુવાર્તા (microfiction) 11


                                                                                    લોકડાઉન ના 9

લોકડાઉનની સાઈડ ઈફેક્ટ્સ – 3

અસદને આજે ક્યાંય ચેન પડતું ન હતું. બા...ર વર્ષ! બાર બાર વર્ષથી જેનું મોઢું તો ઠીક નામ સુદ્ધાં લેવાની મનાઈ હતી તે, તેની અમ્મા, ખુદની જનેતા! આજ માંદગીના બિછાને પડી છે! કાળમુખા કોરોનાએ અમ્મીજાનને પોતાના સાણસામાં ઝડપી લીધી છે. અબ્બાજાને તો સમાચાર પણ નથી મોકલાવ્યા. પાડોશી સુલેમાનચાચાએ સમાચાર મોકલ્યા. અમ્મીજાન તેના અસદને યાદ કરતી હતી એકવાર રૂબરૂ બોલાવવા માટે આજીજી કરતી હતી તેમ સુલેમાનચાચાને બોલા થા. ક્યા કરું? ફોન તક નહિ કર સકતા. તહેસીન કભી નહી માનેગી. ખુદ તો આએગી નહિ મુજે ભી નહિ જાને દેગી. આખરે તો શેખ સાદિકની બેટી છે. અહિં અબુધાબીમાં પોતે જાણે કેદ થઈ ગયો હોય તેવી લાગણી બાર વર્ષમાં પહેલીવાર થઈ. પણ કરવું શું? કોરોનાને કારણે ફ્લાઈટ્સ પણ બંધ છે! યા ખુદા! રહમ, રહમ! અમ્મીજાન માટે દુવા માંગું છું.

“ક્યા મિયાં! આધે ઘંટેસે  નમાજ અદા કર રહે હો? અબ્બાજાનને ફરમાયા હૈ ફોરન સ્ટોરપે ચલે જાઓ” તહેસીન બેગમકા નસીહતભરા ફરમાન આયા.
***

શુક્રવાર, 5 જૂન, 2020

બ્રેકડાઉન - લોકડાઉન રચના - 8

લોકડાઉન રચના - 8
બ્રેકડાઉન      
                                                              
સ્વર્ગારોહણ બિલ્ડિંગના પચ્ચીસમા માળે લક્ઝુરીયસ ફ્લેટની બાલ્કનીમાં પરીશે ઊભી હતી. લોખંડની જાળીમાંથી હાથ નાખીને કાચની એક વીંડો સ્લાઈડ કરીને મોંમા રહેલો ધુમાડો બારીની બહાર ફૂંક્યો. ઊંચાઈએથી દેખાતી

શુક્રવાર, 29 મે, 2020

લોકડાઉનની સાઈડ ઈફેક્ટ - 2 અણુવાર્તા (microfiction) મણકો 10


                                                                 લોકડાઉન  ના - 7
લોકડાઉનની સાઈડ ઈફેક્ટ - 2

“કહું છું, રાજેશભાઈ પાસેથી રોહનના ટ્યુશનના પૈસાની ઊઘરાણી તો કરો.”       પ્રકાશભાઈ માસ્તરનાં પત્ની વિભાબહેને પતિને ટપાર્યા.                         

“હા, પણ લોકડાઉનને લીધે હમણાં બે મહિનાથી રોહન ક્યાં ટ્યુશને આવે છે? એમ પૈસા શેના આપે?
“અરે! પણ ત્રણ મહિના થયા જાન્યુઆરીના પૈસા પણ નથી આપ્યા. બીજા ટ્યુશન માસ્તરો તો આખા વર્ષના સામટા લઈ લે છે એટલે તેઓને આવી ઝંઝટમાં નથી પડવું પડતું. આપણે તો ગાંધીજીના અવતાર એટલે બિચારાં મા-બાપને રાહત આપવા મહિને મહિને લઈએ. એમાં દર વખતે વેકેશનના પૈસા કોઈ આપતું નથી.” 
હા, તે વેકેશનના શેના આપે? હું વેકેશનમાં ભણાવું છું?”
“કેમ ન આપે? નિશાળવાળા બાર મહિનાની ફી લે છે કે નહિ? અરે સ્કૂલ-રિક્ષાવાળા પણ આખા વર્ષના પૈસા લે છે. તો આપણને કેમ ન આપે? આપણે ખર્ચો કેમ કાઢશું એનો કાંઈ વિચાર કર્યો છે?”
આ લોકડાઉન ચાલે છે એમાં હું બધે પૈસા લેવા ફરું? ખબર છે ને પોલીસવાળા ડંડા મારે છે!”
“મેં બધાનું નામ લીધું? રાજેશભાઈ આપણી સોસાયટીમાં બાજુના બિલ્ડીંગમાં તો રહે છે તેના ઘેર જવા માટે તમારે સોસાયટીની બહાર પગ પણ મૂકવો પડે તેમ નથી. અરે, ફોન કરીને બહાર બોલાવી લેવાના. નહિ તો આવતે અઠવાડીયે દૂધ વગરની ચા પીવા અને શાક વિના દાળ-રૉટલી ખાવાની તૈયારી રાખજો.” 
પ્રકાશ માસ્તર ન છૂટકે બુશકોટ ચડાવી રાજેશભાઈના ઘેર જવા નીકળ્યા. ત્યાં નીચે વોચમેને કહ્યું, “શા, બહાર જાને મેં ખતરા હૈ.“
“અરે, હું તો બી બિલ્ડીંગમાં રાજેશભાઈને ત્યાં જાવ છું, બહાર નથી જાતો.”
“કૌન રાજેશભાઈ? વો 702 વાલે ?
“હા”
“અરે વો તો દો દિન પહેલે ગાડી લેકે પૂરા ફેમિલી કહીં ચલે ગયે હૈં!”
***