શુક્રવાર, 16 સપ્ટેમ્બર, 2022

કિસ હર! કિસ હર!


(પમ્મી થોડી ક્ષણો કાંઇ બોલી ન શકી. પછી દોડીને નિલેંદુને વળગી પડી અને રડતાં રડતાં બોલી, “સર, તમે મારી સાથે લગ્ન કરી લો. હું તમને ખૂબ પ્રેમ કરું છું. સર. પ્લીઝ.”.. .. .. .. ના. નહીં છોડું. પહેલા તમે મને વચન આપો કે તમે મારી સાથે લગ્ન કરશો.” કહી પમ્મીએ વધારે જોરથી તેને જકડી લીધો. યુવાનીમાં ડગ ભરતી ષોડશી કન્યાના બાહુપાશથી નિલેંદુ અસ્વસ્થ થઈ ગયો. તેને સમજ ન પડી કે શું કરવું? ) 


કિસ હર! કિસ હર!                                    

                                                                                               

અખિલ ભારતીય વિજ્ઞાન સંસ્થાનના બેંગલોર અધિવેશનમાં યુએસએથી ખાસ આમંત્રણને માન આપીને આવેલા પ્રોફે. ડૉ. નિલેન્દુ ભટ્ટએ ભૌતિકશાસ્ત્રના વિષય પર ખૂબજ વિદ્વતાપૂર્ણ પેપર પ્રેઝન્ટેશન સમાપ્ત કર્યુ. દેશ-વિદેશથી આવેલા વૈજ્ઞાનીકોથી ખીચોખીચ ભરેલા વિજ્ઞાન હૉલમાં સહુએ ઊભા થઈને તાળીઓના ગડગડાટથી તેના પ્રેઝન્ટેશનને દાદ આપી. નિલેન્દુ ભટ્ટ સહુનું અભિવાદન ઝીલતા મંચ પરથી નીચે ઊતર્યા અને પેપર પ્રેઝન્ટેશનનો થાક અને તાણ ઊતારવા હોલની બહાર નીકળ્યા. ફોયરમાં કોફી ડેસ્ક ખોળવા આમતેમ જોવા લાગ્યા. એટલામાં તેના કાનમાં મધુર અવાજ સંભળાયો;

“સર, કેમ છો? મને ઓળખી?”

***

ચાર વર્ષ પહેલાં, નિલેંદુ ભટ્ટ, બેંગ્લુરુની વિજ્ઞાન સંસ્થામાં M.Sc. પૂરું કર્યા પછી અમદાવાદની એક કોલેજમાં લેક્ચરર તરીકે જોડાયો હતો. કોલેજ કાળથી જ નાટકોમાં રસ હોવાને કારણે પ્રખ્યાત નાટ્ય દિગ્દર્શક, લેખક અને પ્રોડયુસર રવીન્દ્ર દેસાઈની ટીમમાં મદદનીશ તરીકે શોખ ખાતર જતો હતો. એક નવા નાટકનું રીહર્સલ ચાલતું હતું ત્યારે શહેરની સેન્ટ મેરી ગર્લ્સ સ્કૂલનાં આચાર્યા મધર ડોરોથી  અને તેની કલ્ચરલ પ્રવૃત્તિના ટીચર શીતલ ઠાકર રવિદાદાને મળવા આવ્યાં. સ્કૂલમાં પહેલી વખત કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમમાં નાટક  કરવું હતું અને તેઓને કોઈ અનુભવ ન હતો. ચર્ચા વિચારણાને અંતે એમ નક્કી થયું કે ૩૦ મિનિટનું એક એકાંકી કરવું અને તેનું દિગ્દર્શન દાદાએ નિલેંદુને સોંપ્યું. શીતલ ટીચરની વિનંતીથી સમગ્ર ગીત-સંગીત, નૃત્ય, ગરબા, રાસ વિ.ના કો-ઓર્ડીનેશનની જવાબદારી પણ તેને સોંપી. એકાંકી માટેના પાત્રોની પસંદગી શાળાની વિદ્યાર્થીનીઓમાંથી દાદાએ જાતે કરવી. એમ નક્કી થયું હતું.         

 રોજ સાંજે પાંચ વાગ્યા પછી શાળામાં જ નાટક, ગરબા, રાસ વિ. ની પ્રેકટીસ શરૂ થઈ. નાટકમાં એક મુખ્ય પાત્ર નાયકનું હતું પણ કોઈ છોકરી તેમાં ફિટ બેસતી ન હતી. આથી બધાની માંગણીને વશ થઈ નિલેંદુએ પોતે તે પાત્ર કરવાનું નક્કી કર્યું. તેની સામે નાયિકા તરીકે એક ખૂબસૂરત ષોડશી કન્યા પામેલા હતી. શીતલ ટીચરે જણાવ્યું કે પમ્મી ભણવામાં પણ ખૂબ હોંશિયાર છે અને હમેશ પહેલો નંબર લાવે છે. બધાજ ટીચર્સની અને ખાસ કરીને આચાર્યા મધર ડોરોથી મે’મની તે પ્રિય વિદ્યાર્થિની છે. પ્રેકટીસ દરમ્યાન નિલેંદુએ અનુભવ્યું કે પમ્મીનો અભિનય જરા વધુ પડતો વાસ્તવિક છે. પણ તેણે તે તરફ બહુ ધ્યાન ન આપ્યું.

 એક દિવસ સાંજે નિલેંદુ ઘેર આવ્યો અને ખાવાનું બનાવવાની તૈયારી કરતો હતો. એકલો રહેતો હતો. પિતા કેન્દ્રમાં ઉચ્ચ હોદ્દા પર હોવાથી માતા-પિતા દિલ્હી રહેતા હતા. બ્રાહ્મણનો દીકરો હતો તેથી રસોઈકળા હસ્તગત હતી. એટલામાં દરવાજો ખખડ્યો, ઊઘાડીને જોયું તો પમ્મી હતી. તેને આવકાર આપીને બેસવાનું કહ્યુ, “કેમ આમ અચાનક ઘેર આવી? કાંઇ કામ હતું?”

“હા સર, મને મેથ્સ અને સાયન્સમાં થોડીક ડિફીકલ્ટી છે તે માટે આવી છું.” પમ્મીએ અચકાતાં અચકાતાં જવાબ આપ્યો.         

“ઘરનું સરનામું કોણે આપ્યું?”

“શીતલ ટીચરે.” 

“સારું. હું મારા માંટે ચા બનાવતો  હતો, તું પીશ?”

“હા, ભલે.” નિલેંદુ ચા બનાવવામાં વ્યસ્ત થયો. પમ્મી થોડીવારે ઊભી થઈ અને ઘર જોવા લાગી. બે ઓરડા હતા. આગળના ઓરડામાં એક સોફાસેટ અને એક તરફ ટેબલ મૂકીને નાનું કીચન  જેવુ બનાવ્યું હતું. બીજા ઓરડામાં બેડરૂમ હતો. એક બાજુ એક બેડ હતી અને બીજી દીવાલે ટેબલ પર ડેસ્કટોપ અને લેપટોપ પડ્યા હતા. એક ખુલ્લો કબાટ ભરીને પુસ્તકો હતાં. ટેબલ પર અને જમીન પર પણ થોડાં પુસ્તકો વેરાયેલા પડ્યાં હતાં. બેડ પર એક પાયજામો અને કુરતો પડ્યા હતા. પમ્મીએ પાયાજામાની ગડી કરી અને કુર્તાની ગડી કરતી હતી ત્યાં નિલેંદુ ચા માટે બોલાવવા આવ્યો.  “અરે, તું અહીં શું કરે છે?

પમ્મીના હાથમાંથી કુર્તો નીચે પડી ગયો. તે સ્તબ્ધ થઈ ગઈ. થોડીવાર પછી રડમસ અવાજે બોલી. “સર, મને માફ કરો. હું.. હું તમારી પાસે ખોટું બોલી.”

“શું ખોટું બોલી?” નિલેંદુએ ચમકીને પૂછ્યું.

પમ્મી થોડી ક્ષણો કાંઇ બોલી ન શકી. પછી દોડીને નિલેંદુને વળગી પડી અને રડતાં રડતાં બોલી, “સર, તમે મારી સાથે લગ્ન કરી લો. હું તમને ખૂબ પ્રેમ કરું છું. સર. પ્લીઝ.”

“અરે! અરે, આ શું કરે છે? છોડ, છોડ.”

ના. નહીં છોડું. પહેલા તમે મને વચન આપો કે તમે મારી સાથે લગ્ન કરશો.” કહી પમ્મીએ વધારે જોરથી તેને જકડી લીધો. યુવાનીમાં ડગ ભરતી ષોડશી કન્યાના બાહુપાશથી નિલેંદુ અસ્વસ્થ થઈ ગયો. તેને સમજ ન પડી કે શું કરવું? પણ પછી ઝડપથી સ્વસ્થ થઈ તેણે પમ્મીને ધક્કો મારી પોતાનાથી દૂર કરી. બાંવડું પકડી બેડ પર બેસાડી.

“આ શું ગાંડપણ આદર્યું છે? કાંઇ ભાન છે? આ તારી ઉમર છે લગ્ન કરવાની? હજી તો સોળ વર્ષની છે તું. કાંઇક તો શરમ તો રાખ.” નિલેંદુ ગુસ્સાથી બોલ્યો.    

“ના સર, મારી ઉમર અઢાર વર્ષની છે. શાળામાં ખોટી જન્મતારીખ લખાવી છે. તમે લગ્ન નહીં કરો તો મારી જીંદગી બરબાદ થઈ જશે.” પમ્મી રડતાં રડતાં બોલી.

“શું બકવાસ કરે છે? રજીસ્ટરમાં ખોટી જન્મ તારીખ કેવીરીતે હોય? અને બરબાદ થઈ જશે એટલે શું?” નિલેંદુ નરમ પડ્યો અને સમજાવટથી બોલ્યો, “જો પમ્મી, તું ખૂબ હોશિયાર છે, બુદ્ધિશાળી  છે. ગણિત અને વિજ્ઞાનમાં તો તું અવ્વલ છે. શીતલ મે’મ કહેતા હતાં કે તું વૈજ્ઞાનિક બનવા માંગે છે.  અને તારામાં તે માટે ભરપૂર શક્તિ છે. આવી ઉજ્જવળ કારકિર્દી છોડીને તું અત્યારથી આવા પ્રેમના ફિતૂરમાં ક્યાં પડી? અને આમેય કાયદા મુજબ તું અઢાર વર્ષની થાય ત્યાં સુધી લગ્ન ન કરી શકે. માટે પ્લીઝ આ ગાંડપણ છોડ અને તારી ફાયનલ એક્ઝામની તૈયારી કરવા ભણવા પર ધ્યાન આપ. ખરેખર તો હું જ્યાં ભણ્યો છું તે બેંગ્લુરુની વિજ્ઞાન સંસ્થામાં પ્રવેશ મેળવવાની તારે માટે ઘણી ઊજળી તકો છે.”

“પણ સર, હું અઢાર વર્ષની જ છું. તમે શીતલ મેમને પૂછી જોજો. તમે લગ્ન ન કરી શકો તો બસ એકવાર મને તમારી બનાવી દો, થોડી ક્ષણો, બસ થોડી મધુરી પળો હું તમારી સાથે ગાળીશ તો મારી જીંદગી બચી જશે. મને  બચાવી લો. હું હાથ જોડું છું.” કહી તે નિલેંદુના પગમાં પડી ગઈ.

નિલેંદુના ગુસ્સાનો પાર ન રહ્યો. “અરે નાદાન છોકરી, નાટકમાં પ્રેમનો અભિનય કરીએ તે વાસ્તવિક ન હોય. તું આવા ગાંડાઘેલા શબ્દો ન કાઢ. તું જેને પ્રેમ માને છે તે ટીનએજ ઇનફેચ્યુએશન છે, અર્થાત કિશોર વયનો મોહ, માત્ર એક વિજાતીય આકર્ષણ છે. અને શું મતલબ “થોડી ક્ષણો ગાળીશ” ? તું મને સગીર સાથે બળાત્કારના ગુનામાં જેલ ભેગો કરવા માંગે છે? ચાલ, ઊભી થા અને ભાગ અહીથી, ચૂપચાપ સીધી ઘરભેગી થા. ખબરદાર! જો હવે આવા વેવલાવેડા કર્યા છે તો. ‘જીંદગી બરબાદ થઈ જાશે!’ શાની બરબાદ? ઊલટાનું તું સામે ચાલીને બરબાદ થવાના પ્રયત્નો કરે છે. કાંઇ ભાન છે?” પમ્મી રડતાં રડતાં ચૂપચાપ ત્યાંથી બહાર નીકળી ગઈ.                   

 

બીજે દિવસે નિલેંદુએ શીતલ મેમને આગલા દિવસની ઘટના કહી. શીતલ બોલી, “પમ્મીનો મામલો ઘણો પેચીદો છે. તે અઢાર વર્ષની જ છે. તેની જન્મતારીખ ખોટી લખાઈ છે. અને તમારી સાથે જે વર્તન કર્યું તેનું પણ એક કારણ છે.”

નિલેંદુ ગૂંચવાયો. “મેમ, પ્લીઝ તમે મને વિગતથી વાત કરો. આ શું ગોટાળો છે?”

“તો સાંભળો. વાત જાણીને તમે પણ આંચકો ખાઈ જશો. પમ્મીની મા ગોમતી એક દેહવિક્રય કરતી સ્ત્રી છે. શહેરમાં તેના ઘણા સંપર્કો છે. તેથી તે અબાધિત રીતે તેનો વ્યવસાય કરી રહી છે. દસમા ધોરણ પછી જ તે પમ્મીને શાળામાંથી ઊઠાડી મૂકવા માંગતી હતી અને તેનાં ધંધામાં જોતરવા માંગતી હતી. મધર ડોરોથી મેમ, ગણિત તથા વિજ્ઞાનના ટીચર્સ અને મેં તેના ઘેર જઈને મહામુશ્કેલીએ બારમું પાસ થાય ત્યાં સુધી તેનું ભણતર ચાલુ રાખવા સમજાવી હતી. ખબર છે, પમ્મી દસમા ધોરણમાં અમદાવાદમાં પહેલા દસમા આવી હતી. અમને આશા છે કે તે બોર્ડમાં નંબર લાવી શકે.”  

“તો તેને બેંગ્લુરુમાં પ્રવેશ મેળવવો બહુ સરળ થઈ જશે.” નિલેંદુ ઉત્સાહમાં આવી ગયો. પછી અટક્યો. “પણ તેણે મારી પાસે બેહૂદી માગણી કેમ કરી?”

“ગોમતીના ધંધામાં એક પ્રણાલી હોય છે કે નવી કન્યાને ધંધામાં પ્રવેશ કરાવતી વેળાએ તેની ખાસ પૂજા થાય અને પછી તેનો ભાવ બોલાય. મતલબ કહો કે પ્રથમ ગ્રાહક માટે લીલામી થાય. આને “નથ ઉતારવી” કહે છે. સામાન્ય રીતે સોળમે વર્ષે કન્યાની નથ ઉતારાતી હોય છે. પમ્મીને આ ધંધા પ્રત્યે સખત ઘૃણા છે. જો તે વિધિ પહેલાં કૌમાર્ય ગુમાવે તો તે આમાંથી બચી શકે તેમ તે માનતી લાગે છે. તેના જીવનમાં તમે પહેલા પુરુષ છો વળી નાટકમાં તમે બંને પ્રેમી છો.  આથી તેના માસૂમ દિલે તે સાચું માની લીધું અને તમને જાત સોંપવા તૈયાર થઈ ગઈ.”        

“ડિસઘસ્ટીઁગ!” નિલેંદુ કમકમી ઊઠયો. “પણ તમે જ કહ્યું કે તેની માએ બારમું પાસ થાય ત્યાં સુધી રાહ જોવાની હા પાડી હતી?”

થોડીવાર વિચાર કરી શીતલ બોલી, “સાચું. પણ મને લાગે છે પમ્મીને વહેમ પડી ગયો છે કે તેની મા તેને ધંધામાં ખેંચવાનાં કારસ્તાન કરતી હશે. મને લાગે છે ગોમતીએ પમ્મીને શોમાં ભાગ લેવાની પણ એટલે જ સંમતિ આપી હશે.”

“હું સમજ્યો નહીં. શોને આની સાથે શું લાગેવળગે?”

“અરે બહુ લાગેવળગે. શોમાં શહેરની નામી હસ્તીઓ અને ધનવાન વ્યક્તિઓ તેમજ મોટામોટા ઓફિસરો હાજરી આપશે. શો દ્વારા તે પમ્મીનું આ બધા સામે પ્રદર્શન કરશે જેથી ઊંચો ભાવ આવે. 

“આ ન ચાલે. આપણે તાત્કાલિક ગોમતીબેનને મળવું પડે.”

“બરાબર છે આપણે મધર ડોરોથી મેમને મળીને તેને સાથે લઈને ગોમતીને મળવા જઈએ.” શીતલે સૂર પૂરાવ્યો.  

 

“ગોમતી, આ પ્રોફ. નિલેંદુ ભટ્ટ છે શાળાના શોમાં નાટકનું દિગ્દર્શન તેઓ કરે છે અને યુનિવર્સિટીમાં વિજ્ઞાનના પ્રોફેસર છે. તેઓ તારી સાથે પમ્મી બાબત વાત કરવા માંગે છે.” મધર ડોરોથીએ પરિચય કરાવ્યો.

“હવે પાસા સું લેવા ગુડાણા સો? સું વાત કરવી સે? જો પેલેથી કહી દઉં, મારી સોડીને આ તમારું નાટક પતે પસી નિહાળે નથ મોકલવાની. પસી કેતા નહીં કીધું નઇ.“ ગોમતીએ કાઠિયાવાડી લહેકામાં સંભળાવ્યું. 

‘જુઓ ગોમતીબેન, પમ્મી જેવી તેજસ્વી છોકરીનું ભણવાનું બંધ કરીને તમે તેના ભવિષ્ય સાથે ચેડાં કરો છો. શું તમે ઈચ્છો કે તમારી દિકરી કાયમ ગરીબીમાં સડે? તે એટલી બધી હોશિયાર છે કે તે દેશની એક મહાન વૈજ્ઞાનિક બની શકે છે. તેનાથી તેનું, તમારું અને આ દેશનું ભાવિ પણ ઉજ્વળ બનશે. તમારે આ નરકની જીંદગીમાંથી શું ક્યારેય છુટકારો નથી જોઈતો? શા માટે તમે તેને નરકમાં ધકેલવા માંગો છો?તમે કયા સંજોગોમાં આ ધંધામાં આવ્યાં તે મને ખબર નથી પણ માસૂમ પમ્મીને શા માટે આમાં નાખવા માંગો છો? તેનો શું વાંક?     

“જો સાએબ, દાક્તરનો દીકરો દાકતર થાય, વકીલનો છોરો વકીલ થાય ઈમ મારી છોરી પણ અમારા ધંધામાં આવે. ઈમાં કાંઇ નવું નથ.”

“ગોમતીબેન મને એક સવાલનો જવાબ આપો. તમારી મા પણ આ ધંધામાં હતી એટલે....”  

“એ સાએબ. મોં હંભાળીને બોલજે. રોયા, મારી માને ગાળ દે છ? મારા નરાધમ દેવાળિયા ધણીએ મને માંય ધકેલી સ. મારા નખ્ખોદિયા બાપે ગાંજાના પાપે ગામના મવાલીને મને વેચી મારી. હું મજૂરી કરીને કાવડિયા લાવું ને ઇ રોયો ઝૂંટવી જાય. બે વરહે પમલી જન્મી, પસી રોયાનું મન  ઊઠી ગ્યું. રાં..’નો બીજાને રોજ રાતે લઈ આવે. તોય મી બે વરહ નિભાવ્યું. પસેં મને થયું આયાં શરીર સૂંથાવવું ન્યા કરતાં શેરમાં જાઉં તો બે પાંદડે તો થાઉં. અટલે એક દિ’ છોરીને કાખમાં ઘાલીને હાલી આવી આંયાં. બાર વરહમાં મેલડીમાની કીરપા સે.” ગોમતીએ પોતાની કથની કહી.            

ગોમતીબેન, વિચારો જ્યારે પહેલી વાર તમને આ દોઝખમાં તમારા પતિએ ધકેલ્યા ત્યારે તમારી સ્થિતિ શું હતી. શું તમારું કાળજું લોહીનાં આંસૂ નહોતું સારતું? એકેએક ક્ષણ તમે મરી રહ્યાં હોવ તેમ નહોતું લાગતું? શામાટે? શામાટે તમે પમ્મીને આ દોઝખની આગમાં નાખવા તૈયાર થયાં  છો? શું તમને દિલ નથી? તમારી મમતા ક્યાં મરી ગઈ છે? તમને તમારી દીકરી વહાલી નથી?ગોમતીબેન, તમને હાથ જોડીને વિનવું છું જરા વિચારો.” નિલેંદુએ ખરેખર હાથ જોડીને વિનંતી કરી.

“ઇ બધુ હાસું, પણ મારી છોરીને પૈણસે કોણ? બે વરહ હુધી ઈને નિહાળમાંય નો’તી લેતા, કાં તોકે અછૂતની છોરી સે. ઈને માટે અમારી જાતમાં કોણ ભણેલો મળવાનો?સાએબ, બધી સીકણીચૂભડી   વાત્યું તો મને હો આવડે સે. મારો કેડો મેલો, સાએબ. ઇ અભાગણીના ભાયગમાં જી લખ્યું હસે તી થાસે. અમને અમારા હાલ પર સોડી દ્યો.” ગોમતીએ સામા હાથ જોડ્યા.     

“બસ. એટલી જ વાત છે ને? હું તેની સાથે લગન કરીશ. હવે શાંતિ? પણ મારી શરત એ છે કે તેણે બેંગ્લુરુ જઈને ભણવું પડશે. એ પછી જ હું તેની સાથે લગ્ન કરીશ. પણ પમ્મીને આ વાતની ગંધ પણ આવવી ન જોઈએ. તેને કાંઇ ન કહેતા,પ્લીઝ.” નિલેંદુએ જનોઈ શર્ટની બહાર કાઢીને હાથમાં લઈને બોલ્યો, “ આ બ્રાહ્મણનું વચન છે તમને. પણ એને બચાવી લો.”    

 

ગોમતીની આંખમાંથી શ્રાવણ-ભાદરવો વરસી રહ્યા. તેણે માથું હકારમાં ધૂણાવી હા પાડી.

***

“સર, કેમ છો? મને ઓળખી?”

ડૉ. નિલેન્દુએ ચમકીને પાછળ જોયું. એક ખૂબસરત યુવતી સફેદ સિલ્કની સાડીમાં સજ્જ થઈને તેની સામે મરક મરક સ્મિત રેલાવતી ઊભી હતી, સાથે એક સોહામણો યુવક પણ હતો. ડૉ. નિલેન્દુ બંને સામે વારાફરતી જોઈ રહ્યા યુવતીનો ચહેરો જાણીતો હોય તેમ લાગ્યું પણ ઓળખી ન શકયો.

“શું સર, ચાર વર્ષમાં સાવ ભૂલી ગયા? સેન્ટ મેરી ગર્લ્સ સ્કૂલનો કલ્ચરલ પ્રોગ્રામ, એકાંકીની તમારી હિરોઈન..!”

“પમ્મી! પામેલા ચૂડગર?!” નિલેન્દુએ એકદમ આગળ વધીને તેના બંને ખભા પકડીને હચમચાવી નાખ્યા. સાથેનો યુવક જરા અસ્વસ્થ થઈ ગયો. “અરે! તું તો સાવ બદલાઈ ગઈ! ટોટલ મેકઓવર!” પમ્મીને ખેંચીને ભેટી પડ્યા. થોડીવાર પછી અલગ કરીને પગથી માથા સુધી નિહાળતા રહ્યા. પમ્મી પણ લજ્જા અને સંકોચથી અભિભૂત થઈને તેની નજર માણતી રહી. પછી નિલેન્દુ અચાનક સભાન થઈ ગયો અને બોલ્યો,

“સૉરી, થોડો લાગણીમાં તણાઈ ગયો. તારા આ દોસ્તનો પરિચય તો કરાવ.”               

પમ્મીએ અંગ્રેજીમાં યુવકની ઓળખાણ આપી.

“ધીસ ઈઝ માય ફ્રેન્ડ એન્ડ કો-સ્ટુડન્ટ પ્રોણોય રૉય. પ્રોણોય, મીટ માય ફ્રેન્ડ, ફિલોસોફર, ગાઈડ એન્ડ વેલવીશર ડૉ નિલેન્દુ ભટ્ટ. ઈટ ઈઝ બીકોઝ ઑવ હિમ આઈ એમ હીઅર”

યુવકે હાથ લંબાવીને કહ્યું, “સર, ઈટ ઈઝ માય ઓનર ટુ મીટ યુ. યોર પેપર વોઝ એક્સેલેન્ટ ધો વી કૂડ નોટ અંડરસ્ટેંડ મચ.”   

“થેંક્સ મી રૉય. અરે પમ્મી! તેં કેમ કોમ્યુનિકેશન કટ ઑફ કરી નાખ્યું હતું? એક વર્ષ ઈમેલ પર વાતચીત થતી પછી મારો એક ઈમેલ નૉનડીલીવર થયો. તેં ઈમેલ એડ્રેસ જ બદલી નાખ્યું? શીતલ ટીચર પાસે પણ કોઈ માહિતી ન હતી.”      

ઓહ, ઈટ્સ આ લોંગ સ્ટોરી. ચાલો, આપણે કોફી પીએ. આજે તમને હું બેંગલુરુની સૌથી મસ્ત કોફી પીવડાવું.” પછી રૉય તરફ ફરીને, “રૉય, સી યુ લેઈટર. બાય નાવ.” કહી તેને વિદાય કર્યો.   

“અરે, તારા બોયફ્રેન્ડને કેમ વિદાય કર્યો?”

“એ કોઈ મારો બોયફ્રેન્ડ નથી, આવા તો દસ-બાર લાઈનમાં ઊભા છે.” સ્મિત રેલાવતાં પમ્મીએ નિલેન્દુનો હાથ હકથી પકડીને બહાર દોરી ગઈ.  

થોડીવારમાં તેઓ કાફે સેંટ્રાલીસ પહોંચ્યા અને જગ્યા મેળવી બેઠા. ઓર્ડરની વિધી પતાવી.  

“હમ્ ! તો સર, અમદાવાદના શું સમાચાર? હજી નાટ્ય પ્રવૃત્તિ ચાલુ છે? કેટલાં નાટકો કર્યા?”

“એક પણ નહીં. યુએસએ ગયા પછી બધું બંધ. હવે આ બધી લપ મૂક. મને કહે તેં મને કેમ બ્લોક કર્યો? શીતલ ટીચર પણ કોઈ મદદરૂપ ન થયાં. મોબાઈલ નંબર પણ બદલી નાખ્યો!” નિલેન્દુએ કૃત્રીમ રોષ સાથે પૂછ્યું.

પમ્મીએ સહેજ નિરાશાભર્યા સૂરે કહ્યું, સર, તમને તમારો છેલ્લો ઇમેલ યાદ છે?”

“હા. અને એ પછીનો મારો નૉનડીલીવર્ડ મેલ પણ મેં સાચવી રાખ્યો છે. એમાં ખોટું શું લખ્યું હતું? તું મને દરેક મેલમાં “મારા પ્રિય પતિદેવ”,  અને છેલ્લે ‘તમારી પ્રેમાતુર પમ્મી. Love you forever” લખવાનું શરૂ કર્યું હતું, તે બિલકુલ અયોગ્ય હતું અને મને કઠતું હતું. તે લખવાની મનાઈ કરી હતી. બસ.”  

“.... ….” પમ્મી ચૂપ રહી.

“ઓહ! કમ ઓન, પમ્મી ! સત્તર વર્ષની ઊમરે તારું ધ્યાન સ્ટડીમાં પરોવવાનું હોય. આવું ગાંડપણ થોડું કરવાનું હોય? મને હતું કે તું તારું પાગલપણું અમદાવાદ મૂકીને આવી હોઈશ. અને હા, મારો ઈમેલ જે તને ન મળ્યો તે મેં સાચવી રાખ્યો છે તે વાંચી સાંભળાવું.”

નિલેન્દુએ મોબાઈલમાંથી ઈમેલ શોધીને કહ્યું, “ હમ્, જો સાંભળ.  પ્રિય પમ્મી, કદાચ તને મારો આગળનો ઇમેલ ગમ્યો ન હતો. પરંતુ મહેરબાની કરીને હમણાં સમજી લે તારું લક્ષ્ય તારા સ્વપ્નને પૂર્ણ કરવાનું છે અને આ તારી ઉંમર નથી, કે નથી લાગણીઓનો ભોગ બનવાનો યોગ્ય સમય. મેં નોંધ્યું છે કે તું ખૂબ પ્રતિભાશાળી, સ્માર્ટ અને મહત્વાકાંક્ષી છે. તું તારા સ્વપ્નને પરિપૂર્ણ કરવા માટે સમર્પિત, નિશ્ચિત, આગ્રહી અને મહેનતુ છોકરી છે. ભારતના શ્રેષ્ઠ વૈજ્ઞાનિકોમાંના એક બનવાના તારા લક્ષ્યથી તારે ડગવું જોઈએ નહીં. મેં આ સ્વપ્ન તારી આંખોમાં જોયું છે. કૃપા કરીને તારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કર. તેજસ્વી ભાવિ તારી રાહ જુવે છે. હું હંમેશાં તારો શુભેચ્છક રહીશ.”

“પ.. ણ સર!” પમ્મીની આંખો ભીની થઈ ગઈ, તે આગળ બોલી ન શકી.

નિલેન્દુએ તેને પાણીનો ગ્લાસ ધર્યો. પમ્મીએ તે લઈ પાણી પીને ગ્લાસ ટેબલ પર મૂક્યો અને સ્વસ્થ થઈ.

“ચલ, ફરગેટ ઈટ! તારો ચાર વર્ષનો પ્રોગ્રેસ રિપોર્ટ આપ.”

“સર, શરૂઆતમાં જરા અઘરું પડ્યું પણ મેલ દ્વારા તમારું માર્ગદર્શન મળતું હતું તેથી કૉંફીડન્સ આવી ગયો. સરેરાશ A+ મળતા રહ્યા. અહીના પ્રોફેસર્સ અને અહીનું વાતાવરણ જ એવું છે કે ભણ્યા જ કરવાનું મન થાય. જોકે ઈતર આકર્ષણો હતાં પણ મને તેમાં કોઈ રસ ન હતો. કોલેજથી લાયબ્રેરી અને લાયબ્રેરીથી હોસ્ટેલ, બસ દિવસ પૂરો થઈ જતો.”

“મને ખબર છે. તું એકવીસમી સદીના અર્જુનનો નારી-અવતાર છે.”

“સર! હવે તમે કહો. તમે હજુ એ જ નાનકડા ઘરમાં રહો છો? કે ઘર બદલ્યું ? હવે તો તમે અમેરિકા જઈને પીએચડી થયા. જે તમારું સ્વપ્ન હતું. બાય ધ વે, મારા અભિનંદન સ્વીકારશો. ત્યાંની મશહૂર યુનિવર્સિટીમાં પણ પ્રોફેસર થયા!” પમ્મીએ વાત બદલી.

“હા. હવે હું અમેરિકન યુનિવર્સીટીમાં આસી. પ્રોફેસર છું. પણ મને હમેશા ભારતનું આકર્ષણ રહ્યું છે. મેં અમદાવાદમાં બે બેડરૂમનો ફ્લેટ પણ લઈ રાખ્યો છે.

“ફોટો તો બતાવો!”

“શાનો? ઘરનો ? ઘરનો ફોટો જોઈને તું શું કરીશ?”

“અરે! ઘરનો નહીં, ઘરવાળીનો!” પમ્મીએ આંખોમાં ઉત્સુક્તાથી પૂછ્યું.

“અરે રામ! જે નથી તેનો ફોટો ક્યાંથી લાવું!”

પમ્મીનું  દિલ આનંદ અને ઉલ્લાસથી છલકી ઊઠયું. તેનો ચહેરો એક અનોખી ચમકથી ખીલી ઊઠયો. તેણે પૂછ્યું, “શું તમે હજી સુધી લગ્ન નથી કર્યાં?”

“થીસિસની તૈયારીમાં રિસર્ચ કરવામાં એટલો બધો સમય જોઈતો હતો કે મને ચોવીસ કલાક ઓછા પડતા હતા. તેમાં લગ્ન તો શું તેનો વિચાર સુદ્ધાં કરવાનો સમય ન હતો.”

“ત્યાં પરદેશમાં જ કોઈ ગર્લફ્રેન્ડ શોધી લીધી હશે, નહીં?”

ના રે ના. મેં કહ્યું એમ ત્યાં ચોવીસ કલાક પણ ભણવા માટે ઓછા પડતાં હતા ત્યાં એ બધામાં ક્યાંથી પડે. આપણા રામ તો અલગારી રામ.”

“હજી યુએસએ માં જ રહેવાના છો કે દેશમાં આવવાનો કોઈ પ્લાન છે?”

“ચોક્કસ ઈચ્છા ખરી. ઇનફેક્ટ, હું અહી આવ્યો છું જ એ માટે. ભારત સરકાર સાથે મારી વાતચીત ચાલે છે. કદાચ અહીં સેટ થઈ જાઉં. મારા જ્ઞાનનો મારા દેશ માટે ઉપયોગ કરું તો જ તે સાર્થક છે.”                 

“યે હુઈ ના બાત! જયહિન્દ! તો હવે આગળ શું પ્લાન છે?”

“પ્લાન શું હોય? ભારત સરકારની સેવા, બીજું શું?” કહી નિલેંદુ પમ્મી સામે મંદ મંદ હાસ્ય વેરતો રહ્યો.

ટેબલ પર મૂકેલા ગુલદસ્તામાંથી એક ફૂલ ઉઠાવી પમ્મી ઊભી થઈ, નિલેંદુ બેઠો હતો ત્યાં ખુરશી પાસે જમીન પર એક ગોઠણ ટેકવી બેસી ગઈ અને પ્રેમાળ સ્વરે બોલી, “ડો. નિલેંદુ ભટ્ટ, હું પમ્મી – પામેલા ચૂડગર. મેં તમે કહેલી બધી શરતો પૂરી કરી છે. તો શું તમે મને તમારી જીવનસાથી તરીકે સ્વીકારશો?” આખા કોફી હાઉસમાં સોપો પડી ગયો. બધા જ આ ટેબલ તરફ મીટ માંડીને નિલેંદુના જવાબની રાહ જોતા હતા. નિલેંદુ થોડીવાર તો સ્તબ્ધ થઈ ગયો. તેણે ધાર્યું ન હતું કે પમ્મી આવું કાંઇ કરશે. થોડી પળો પછી, જે અન્ય સર્વ માટે કલાકો બની ગઈ હતી, નિલેંદુ ઊભો થયો તેણે નીચા નમી પમ્મીને ખભેથી પકડી ઊભી કરી. હાથમાંથી ફૂલ લઈ કોટના ઉપરના ખિસ્સામાં ભરાવ્યું અને બોલ્યો, “હા, મારી પમ્મી, તને મારી જીવનસંગિની જરૂર બનાવીશ હું તારી સાથે હવે લગ્ન કરવા તૈયાર છું.” આટલું કહી તેને છાતીસારસી ચાંપી દીધી. તાળીઓના ગડગડાટ અને હુર્રેના નાદથી કોફીહાઉસ ગૂંજી ઉઠ્યું. ચારે બાજુથી અવાજો આવવા લાગ્યા, “કિસ હર!, કિસ હર!, કિસ હર!”  

અને નિલેંદુએ પોતાના હોઠ પમ્મીના હોઠ પર ભીડી દીધા.         

===== >< ====

-ભજમન નાણાવટી


2 ટિપ્પણીઓ: