શુક્રવાર, 2 સપ્ટેમ્બર, 2022

ફક્ત પુખ્તવયના માટે

(પણ સતીશને આ શું સૂઝ્યું? શું પોતાના પ્રેમમાં કોઈ ઉણપ હતી? શું એ મારાથી જાતીય રીતે અસંતોષ અનુભવતો હતો? અનેકવાર સવાર સવાર સુધી માણેલી રંગીલી રાતો, એવું એક પણ આસન ન હતું કે તેઓએ ન માણ્યું હોય! એકમેકને હંફાવી દેવાની પ્રેમાળ હરિફાઇ વિ. શું પુરવાર કરતાં હતાં? શું ધીમે ધીમે સતીશનું અસલી સ્વરૂપ પ્રગટ થઈ રહ્યું છે? ના,ના. ઉર્વી, આવું તો ન જ હોય. તો શું એ શક્ય છે કે તે હવે મારાથી કંટાળી ગયો હતો?” ) 



ફક્ત પુખ્તવયના માટે. 

 

હોટેલ સીમલાના ટેરેસ ગાર્ડનમાં  ગરમ ગરમ કોફીનો મગ હાથમાં લઈને ઊર્વી બેઠી હતી. ઢળતી બપોરનો સમય હતો. વાતાવરણમાં ઠંડીની ચમક હતી. સૂર્ય હતો પણ અમદાવાદના બપોરના ચાર વાગે જેમ તપતો હોય તેમ નહીં પણ અહીં પહાડોની ઊંચાઈએ તે મંદ મંદ તડકાથી ઉષ્ણતા બનાવી રાખવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યો હતો. પહાડોની ગોદમાં બનાવેલી હોટેલનું ટેરેસ ગાર્ડન વાસ્તવમાં હોટલના આગળના ભાગમાં થોડી સપાટ જમીન પર સરસ રીતે સજાવેલું ઉદ્યાન હતું. ટેરેસ પછી તુરત જ શરૂ થતો ઢાળ ખૂબ નીચે ખીણમાં વસેલાં નાનાં નાનાં ગામો, ઢાળ પર છુટાછવાયા બંગલાઓ, સામે દૂર દૂર સુધી પહાડીઓ અને તેની હરિયાળી, પહાડ પર ઊનાળામાં પણ ફૂટી નીકળેલાં ઝરણાંઓ, ઢોળાવ પર અલગ અલગ સ્થળે ચરતાં શ્વેત ઘેટાંનાં ઝૂંડો, એક મનોરમ ચિત્ર સર્જાતું હતું.

 

પણ ઊર્વીને આ મનમોહક દ્રશ્ય માણવાના હોશ ન હતા. તેનું મન એક અકથ્ય મુંઝવણ અનુભવતું હતું. લગ્નની પાંચમી વર્ષગાંઠ ઊજવવા તે અને સતીશ સિમલા આવ્યાં હતાં.     મા-બાપે શોધી આપેલો મૂરતીયો ઊર્વીને પસંદ પડી ગયો હતો. પૈસેટકે સુખી સાસરું હતું. સાસુ-સસરાનો સ્વભાવ પણ સારો હતો. સતીશ, હવે ડો. સતીશ, યુનિવર્સિટીમાં પ્રોફેસર હતો. આનંદી અને મળતાવડા સ્વભાવને કારણે વિદ્યાર્થીઓમાં તે લોકપ્રિય હતો. પોતાને તો બેન્કની નોકરી હતી જ. લગ્નનાં પાંચ વર્ષ ક્યાં વીતી ગયાં તે ખબર પણ ન પડી! ઈશ્વરની અપાર કૃપા સ્વરૂપે એક સુંદર મજાની ગુડિયા પણ પ્રાપ્ત થઈ. આજે ગુડિયા એક વર્ષની હતી. કોઈપણ યુવતીને ઈર્ષા થાય તેવો તેનો ભર્યોભાદર્યો ઘરસંસાર હતો.

 

“પણ સતીશને આ શું સૂઝ્યું? શું પોતાના પ્રેમમાં કોઈ ઉણપ હતી? શું એ મારાથી જાતીય રીતે અસંતોષ અનુભવતો હતો? અનેકવાર સવાર સવાર સુધી માણેલી રંગીલી રાતો, એવું એક પણ આસન ન હતું કે તેઓએ ન માણ્યું હોય! એકમેકને હંફાવી દેવાની પ્રેમાળ હરિફાઇ વિ. શું પુરવાર કરતાં હતાં? શું ધીમે ધીમે સતીશનું અસલી સ્વરૂપ પ્રગટ થઈ રહ્યું છે? ના,ના. ઉર્વી, આવું તો ન જ હોય. તો શું એ શક્ય છે કે તે હવે મારાથી કંટાળી ગયો હતો?” હાથમાં રહેલ મગની કોફી ઠંડી પડી ગઈ હતી. વેઈટરને બીજી લાવવાનો ઈશારો કરી તેણે આસપાસના અનુપમ કુદરતી દ્રશ્યને જોવાની કોશીશ કરી. સુર્ય પહાડો પાછળ સંતાઈને અસ્તાચળ તરફ પ્રયાણ કરી રહ્યો હતો. સ્વાભાવિકત: ઠંડી પણ વધી હતી. ઊર્વીની આંખમાં એક ચમક આવી તેને લાગ્યું એ જ, બસ હવે એ જ ઉકેલ છે. તે કોઈ એક નિર્ણય પર આવી હોય તેમ તેના ચહેરા પરની દ્રઢતાથી લાગ્યું. ઝટપટ ગરમાગરમ કોફીનો મગ પૂરો કરી હોટલના પ્રવેશદ્વાર તરફ ડગલાં માંડ્યાં.              

 

ત્રણ દિવસમાં તેને હોટેલની રીસેપ્શનિસ્ટ ડેલનાઝ સાથે દોસ્તી થઈ ગઈ હતી. તેણીને એક બાજુ બોલાવી ઊર્વીએ કાંઇક વાત કરી ડેલનાઝે તેને એક નંબર આપ્યો તેના પર ઊર્વીએ ફોન કર્યો અને ડેલનાઝે વાત કરી પછી ઊર્વીએ પણ વાત કરી. વાત પૂરી થયા પછી ડેલનાઝનો આભાર માની તે પોતાના રૂમ તરફ ગઈ.

 

સતીશ અને ઊર્વી, ગુડિયાને સાસુ અને આયાની કેરમાં મૂકીને પાંચ દિવસ માટે લગ્નની પાંચમી વર્ષગાંઠ ઉજવવા સિમલા આવ્યાં હતા.  પહેલા જ દિવસે સવારે બ્રન્ચમાં તેમનો પરિચય કામિની-કૌશલ તથા રૂબી-જહાંગીર નામના સમવયસ્ક યુગલો સાથે થયો. ત્રણેય યુગલો તુરત જ એકદમ ગાઢ મિત્રો બની ગયાં. કામિની-કૌશલ બેંગલોરથી અને રૂબી-જહાંગીર ચેન્નાઈથી આવ્યાં હતાં. ભાષાના કોઈ પ્રશ્નો મિત્રોને નડતા નથી. બસ પછી તો સિમલાના દરેક જોવા, માણવા લાયક સ્થળો અને રેસ્ટોરાંમાં સાથે જ ઘૂમતા. રાત્રે જ છેલ્લે ગુડનાઈટ કહીને છૂટા પડતાં. ત્રીજે દિવસે લંચ પછી પુરૂષોએ સ્વીમીંગપુલમાં વીતાવવાનું વિચાર્યું પણ રૂબી અને ઊર્વીને તરતાં આવડતું ન હતું તેથી સ્ત્રીઓએ સ્પામાં સમય વિતાવવાનું નક્કી કર્યું. વાતવાતમાં રૂબીએ ઊર્વીને કાઈક કહ્યું તેનાથી ઊર્વી અસ્વસ્થ થઈ ગઈ અને બહાનું કાઢીને રૂમમાં જતી રહી. દિલમાં ક્રોધ અને ઘૃણાનો જ્વાળામુખી ફાટી રહ્યો હતો. મગજ જાણે શૂન્યમનસ્ક થઈ ગયું હતું. રૂમમાં જઈને પણ થોડીવાર આંટા માર્યા, ઘડીક બેડ પર પડખાં ઘસ્યાં કે ટીવી ચાલુ કરીને મનને શાંત કરવાનો પ્રયાસ કર્યો કિન્તુ બેચેની દૂર ન થઈ. છેવટે તે ટેરેસ ગાર્ડનમાં કોફી પીવા ઉતરી.         

 

રાત્રે આઠ વાગે બધાં હોટેલના બારમાં ભેગાં થયાં. પુરુષો એક ટેબલ પર વ્હીસ્કીના ગ્લાસ લઈને અને સ્ત્રીઓ બીજા ટેબલ પર વાઈનની મોજ લેતાં બેઠી. વાતોનો દોર શરૂ થયો. થોડો સમય એમ જ આડીતેડી વાતો થઈ. પણ કામિનીએ જોયું કે ઊર્વી ગંભીર જણાય છે.વાતચીતમાં ખાસ ભાગ લેતી નથી અને એકાક્ષરી જવાબો જ આપે છે. વાતાવરણમાં હળવાશ લાવવા તે બોલી,

“અરે ઊર્વી, તારો ગ્લાસ તો હજુ એમને એમ જ છે ખાલી પણ નથી થયો. ચાલ, બોટમ્સ અપ. આપણે બીજો રાઉન્ડ શરૂ કરીએ.”      

“નો, નો. આઇ એમ ગુડ.” ઊર્વીએ પ્રતિકાર કર્યો.

“મને તો એમ કે તું આજે ખૂબ એક્સાઈટેડ હશે. પણ તું તો મૂડલેસ છે. ડોન્ટ માઈન્ડ, બટ સરખી તૈયાર પણ નથી થઈ. આજે તું એક નવી જ દુનિયામાં પ્રવેશ કરવાની છે. ચાલ, ચીયર અપ!”

”કદાચ તેને આપણા પ્લાનની ખબર ન હતી.” રૂબીએ કહ્યું.
”વ્હોટ !, સતીશે તને કાંઇ નથી કહ્યું? ચલ, અમે તને કહીએ. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બે નાઈટ માટે આપણે આપણા હસબંડની અદલાબદલી કરવાની છે. હું અને રૂબી એક એક રાત સતીશ સાથે અને કૌશલ તથા જહાંગીર તારી સાથે એક એક રાત હશે. ઇટ્સ એ ગ્રેટ એક્સપિરિયન્સ, યુ નો?” કામિનીએ ખુલાસો કર્યો.         

“યા, આઇ ટેલ યુ, યુ વીલ લવ ઈટ.” રૂબીએ સૂર પૂર્યો.

‘ડિસગસ્ટિંગ! તમને લોકોને શરમ જેવુ કાંઇ છે કે નહીં? બટ એનીવે, તમારો પ્લાન તમને મુબારક. હું તેમાં પાર્ટીસિપેટ નહીં કરી શકું.” ઊર્વીએ પોતાના ગુસ્સાને કાબૂમાં લેતાં કહ્યું. 

“વેઈટ, વેઈટ! લીસન, અમે બંને પોતપોતાના પતિને ભરપૂર પ્રેમ કરીએ છીએં. પણ એનો અર્થ એ નહીં કે કોઈવાર થોડું ફન ન કરી લઈએ. લાસ્ટ યર, એક્ચૂઅલી દોઢ વર્ષ પહેલાં, નાતાલની રજાઓમાં અમે ઉટી ફરવા ગયા હતા. સંજોગવશાત અમે અને રૂબી લોકો એક જ હોટેલમાં બાજુબાજુની રૂમમાં હતા. અહી જેમ તમારી સાથે મૈત્રી થઈ તેમ પહેલા જ દિવસથી અમે મિત્રો બની ગયા. અને અહીની જેમ ત્યાં પણ સનસેટ પોઈન્ટ, વોટર ફોલ્સ, બોટાનીકલ ગાર્ડન વિ સ્થળોએ સાથે જ ફર્યાં. વાતવાતમાં હસબન્ડ સ્વોપિંગની વાત નીકળી અને અમે ચારે જણાએ સાથે મળીને પ્રયોગ ખાતર એક રાત અદલાબદલી કરવાનું નક્કી કર્યું. અમારે માટે પણ નવો જ અનુભવ હતો.” કામિનીએ વિસ્તારથી સમજાવવાનું શરૂ કર્યું.

“એન્ડ યુ નો, ઈટ વોઝ આ મોસ્ટ અમેજિંગ એક્સપિરિયન્સ! ટુ ટેલ યુ ફ્રેન્કલી, શરુ શરૂમાં અમને બંનેને પણ થોડો ડર, થોડો સંકોચ હતો, થોડી શરમ પણ આવતી હતી. પણ કાંઈક નવું કરવાનો ઉત્સાહ અને ઉત્કંઠા પણ હતી. કૌશલ ઇઝ સુપર્બ એન્ડ કેરિંગ. તને જરા પણ અજાણ્યું નહીં લાગવા દે.” રૂબીએ પ્રોત્સાહન આપ્યું.   

“એંડ સેમ ઈઝ જહાંગીર.” બંનેએ એકબીજાના પતિની પ્રશંસા કરી.  

“બુલશીટ! તમે જેને ફન કહો છો તે વ્યભિચાર છે, એડલ્ટરી છે.” ઊર્વીનો ગુસ્સો ભભૂકી ઊઠયો. મહાપરાણે ગુસ્સા પર કાબૂ મેળવી તે બોલી, “પણ કાંઇ નહીં, જવા દો. હું માનું છું કે ધર્મ અને સેક્સ સહુની વ્યક્તિગત પસંદગીનો પ્રશ્ન છે. ધર્મ બાબત આપણે બહુ ચીકાશ નથી કરતા પણ યસ, મારે સેક્સ કોની સાથે કરવી અને કોની સાથે ન કરવી તે મારી પસંદગી પર આધારિત છે, મારી મરજી છે.”

“પણ, સતીશે ગઈકાલે કહ્યું હતું કે ‘ડોન્ટ વરી અબાઉટ ઊર્વી, શી વિલ ડુ વૉટએવર આઇ સે’. તને તેણે કાંઇ કહ્યું નથી? ગઈકાલે રાતના છૂટા પડતી વખતે અમે લોકોએ આ નક્કી કર્યું હતું. તું જરા વહેલી નીકળી ગઈ હતી. સતીશને અમે અમારો ઊટીનો અનુભવ કહ્યો અને તે તુરતજ એગ્રી થઈ ગયો હતો. તેણે કહ્યું પણ હતું કે તે તને ઇન્ફોર્મ કરી દેશે.” કામિનીએ કહ્યું.

“અને કામિનીને તો સતીશ પર ક્રશ થયો છે!’ રૂબીએ આંખો નચાવતાં વાતાવરણ હળવું કરવા બોલી.

“ચાલ, લુચ્ચી ! તેં જ આખો પ્લાન પ્રપોઝ કર્યો હતો! જો ઊર્વી! અમે સમજીએ છીએ તમે ગુજરાતીઓ આ બાબતમાં થોડા કોનઝર્વેટીવ હશો. જમાનો બહુ આગળ વધી ગયો છે. ફ્રી સેક્સનો ટ્રેન્ડ છે. ઓકે, અમે પણ એ હદ સુધી જવામાં નથી માનતા પણ એક-દોઢ વર્ષે થોડી વેરાયટી માણી લેવામાં શું ખોટું? તને ખાતરી આપું છું કે આ એક પ્રયોગ પછી તું ધારે છે એમ અન્તર નહીં વધે. તારું અને સતીશનું બોંડિંગ વધુ મજબૂત બનશે. અને આમાં કોઈ કોઈને ઓબલાઈજ કરતું નથી.”             

 

રૂબીના ફોન પર મેસેજનું નોટીફીકેશન આવ્યું. રૂબીએ બારમાં ચારે તરફ નજર ફેરવી. એક ખૂણામાં એક યુવતી બેઠી હતી. બંનેની નજર મળી.

“જિંદગી જીવવાનો તે તમારો વ્યુપોઈન્ટ છે. મારો અલગ છે. એક્સક્યુઝ મી.” કહીને તે ઊઠીને વૉશરુમ  તરફ ગઈ. ધીમેથી સરકીને તે યુવતી પણ વૉશરુમમાં ગઈ.

“અરે યાર, આ આપણો પ્લાન બગાડવા બેઠી છે. એકવીસમી સદીમાં પણ હજી આવી યુવતીઓ છે!?” રૂબીએ બખાળો કાઢ્યો.

“યે ગુજરાતી લૉગ હોતે હી ઐસે હૈં. બસ પૈસે ઈકઠઠે કરના જાનતે હૈં. નો પ્રોબ્લેમ, વી વિલ મેનેજ સમથિંગ. અરે! યે કહાં જા રહી હૈ?” કામિનીએ ચમકીને રૂબીનું ધ્યાન દોર્યું. તેઓએ જોયું કે ઊર્વી સીધી સતીશના ટેબલ તરફ જઈ રહી હતી. બંને ઝડપથી ઊઠીને ત્યાં આવ્યાં.          

 

“સતીશ, આ શું માંડ્યું છે તમે? તમે મને શું સમજો છો? હું કોણ છું? તમારી ગુલામ?” ઊર્વી ક્રોધથી લાલઘૂમ થઈ ગઈ હતી, તેનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. બધા સ્તબ્ધ થઈ ગયા.  હાથમાંના ગ્લાસ અદ્ધર જ રહી ગયા. કામિની અને રૂબીએ આવીને ઊર્વીને ખભેથી પકડીને એક સ્ટૂલ ખેંચીને બેસાડી. પોતે બંને પણ બેઠાં.

“ઊર્વી, શાંત થા. તમાશો ન કર. જે કહેવું હોય તે શાંતિથી કહે. દરેક પ્રશ્ન વાત કરવાથી ઉકલે છે.” કામિનીએ તેને ટાઢી પાડતાં કહ્યું.       

ઊર્વી સ્ટૂલ પર બેઠી. રૂબીએ તેને પાણીનો ગ્લાસ ધર્યો તે ગટગટાવી ગઈ.

“કમ ઓન ઉરુ, શાંત થા. પહેલાં તું આખી વાત સમજ. આપણે આ લોકોને ઓળખતા પણ ન હતા. પણ આટલા થોડા દિવસમાં આપણે ખૂબ નજીક આવી ગયા છીએં. એક બીજાને સમજીએ છીએં. અને આ કોઈ કાયમી એરેન્જમેન્ટ તો નથી. ફક્ત બે દિવસની વાત છે! ભવિષ્યમાં ફરી ક્યારે મળીએ કે ન પણ મળીએ. અમદાવાદ જઈને આપણે બધું ભૂલી પણ જઈશું.” સતીશે ઊર્વીને સમજાવવાનો પ્રયત્ન કર્યો.

“તમે ભૂલી જશો. હું નહીં. તમે તો મને તમારી ગુલામ સમજો છો મને પૂછવાની, કહેવાની, મારી મરજી-નામરજી જાણવાની પણ દરકાર કરી નથી. આજે અહી બારોબાર મને કોઈના તરફ ધકેલવાનું નક્કી કર્યું . આજે અહીં તો કાલે અમદાવાદમાં પણ ગમે તેને મારા બેડરૂમમાં મોકલી દેશો! તમારો શું ભરોસો?”

“અરે ઊર્વીજી, અમે તો એમ જ નક્કી કરી નાખ્યું. પણ આઇ એગ્રી, તમને પણ પહેલેથી પ્લાન માં શામિલ કરવા જોઈએ. અમારી ભૂલ હું સ્વીકારું છું. આમાં કોઈ જોર જબરજસ્તી નથી. ચાલો આ પ્લાન જ કેન્સલ કરીએ છીએ. આપણે સહુ મિત્રો હતા અને રહીશું. કોઈ ગીલા શિકવા નહીં. બસ!” કૌશલે ઊર્વીના ગુસ્સાને શાંત કરવા કહ્યું.

“ના,ના,ના. એમ કરવાની કોઈ જરૂર નથી. મેં રૂબી-કામિનીને કહ્યું હતું, તમને લોકોને ફરી કહું છું. રીલીજીઅન અને સેક્સ એ દરેકની અંગત, વ્યક્તિગત પસંદગીનો મામલો છે. મારી પસંદ તમારા સહુ કરતા જુદી છે પણ તમે બધા તો સહમત છો તો હું તમારા ફનમાં ભંગ કરવા નથી માંગતી. મેં પહેલેથી વ્યવસ્થા કરી છે.” ઊર્વીએ હાથના ઈશારાથી પેલી યુવતીને બોલાવી.

 

“આ મિસ તાહીરા છે. તે પ્રોફેસનલ કોલગર્લ છે. મારી જગ્યા તે લેશે. બંને રાતોએ. સતીશ, મેં તેને મારી પાસે હતા તેટલા પૈસા આપ્યા છે થોડા આપવાના છે તે તમે આપી દેજો. અને હા, હું જાઉ છું. અહીથી પણ, અને આ હોટેલ છોડીને પણ. મેં બીજી કોઈ હોટેલમાં મારો રૂમ બૂક કરી  દીધો છે. મારો સંપર્ક કરવાનો કે મને મળવાનો કોઈ પ્રયાસ ન કરતા હવે હું તમને સીધી એરપોર્ટ પર ફ્લાઈટના સમયે મળીશ. આપણે ઘેર સાથે જઈશું. પછી ત્યાં જઈને આગળ વાત કરીશું ગુડ નાઈટ! હેવ ફન!”

આટલું એક શ્વાસે બોલી તે ગૌરવભેર ઉન્નત મસ્તકે ચાલતી થઈ.

 

 -ભજમન નાણાવટી   

31/08/2022.

photo courtsey: commons.m.wikimwdia.org     

       

 

 

 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો