શુક્રવાર, 4 નવેમ્બર, 2022

છૂપો રૂસ્તમ - એક હલકી ફૂલકી રોમાંચક પ્રેમ કથા

(અરે! કિંજલ! તમે તો ‘આવ બલા, પકડ ગલા’ જેવુ કરો છો! મારો સંપૂર્ણ બાયોડેટા તમારી પાસે છે પણ હું તો તમારા વિષે કક્કો જાણતો નથી. એમ આવા મહત્વના નિર્ણયો અત્તરીયાળ ન લેવાય. તમને કોઈ આ રીતે પ્રપોઝ કરે તો તમે હા પાડી દો? જરા તો વિચાર કરો. મને તમારો બાયો ડેટા મોકલો અને સાથે તમારા બે-ત્રણ અલગ અલગ પોઝમાં ફોટા મોકલો (કપડાં પહેરેલા!) પછી હું વિચાર કરું. ઈઝ ઈટ ઓકે?  


છૂપો રૂસ્તમ

હલકી ફૂલકી રોમાંચક પ્રેમ કથા.


ઋષભ સુવાની તૈયારી કરતો હતો. રાતના અગિયાર વાગ્યા હતા. મમ્મી-પપ્પા પણ ટીવી બંધ કરી તેમના રૂમમાં જતાં રહ્યા હતાં. ત્યાં અચાનક મોબાઈલની રિંગ વાગી. એ જ નંબર. આછા મલકાટ સાથે તેણે મોબાઈલમાં કહ્યું. “હલ્લો?”


“.. મેં તમને કેટલા મેસેજ કર્યા, ફોન પણ કર્યા પણ તમે ન તો મેસેજના જવાબ આપ્યા, ન ફોન ઉપાડ્યો. તેથી આટલી મોડી રાતે તમને ડીસ્ટર્બ કરું છે. સોરી.” સામેથી રૂપાની ઘંટડી જેવો મધુર અવાજ આવ્યો.

“માફ કરજો, પણ હું તમને ઓળખતો નથી. અને સામાન્ય રીતે હું અજાણ્યા મેસેજ કે ફોનનો જવાબ આપતો નથી. અને ખાસ કરીને અજાણી યુવતીઓને તો નહીં જ. માટે કૃપા કરી ફોન મૂકી દો અને ફરી ક્યારે પણ ફોન કરતા નહીં.” ઋષભે રુક્ષ અવાજે કહ્યું.    

“અરે! થોભો, થોભો. ફોન કટ ન કરતા. હું કિંજલ. આપણે ખેવનાના મેરેજમાં મળ્યા હતાં. ખેવના મારી ખાસ સખી છે. હું કોઈ તમે માનો છો તેવી છોકરી નથી. પ્લીઝ, મારે તમારી સાથે વાત કરવી છે. તમે કેમેરા ઓન કરો તો હું વિડીયો કોલ કરું.” સામેથી વિનંતીના સૂરમાં આજીજીભર્યો અવાજ આવ્યો.

સોરી. હું ફોન મૂકું છું. તમને વોટ્સેપ કરું છું. આપણે ચેટ કરીએ. અત્યારે મોડું ઘણું થયું છે અને વાતોના અવાજથી મમ્મી ડોકિયું કરશે.” કહી મોં મલકાવતાં તેણે ફોન કટ કર્યો. અને વોટ્સેપ પર નંબર લગાડ્યો.

હી!! ઋષભ હીયર.

થેન્ક્સ. હા. તો ટુંકમાં કહું તો મને તમે પસંદ છો.

મેં તમને લગ્નમાં જોયા પછી તમારા વિષે બધી

માહિતી મેળવી છે. મારી ઉમર 23 વર્ષની છે. હું

તમારી સાથે લગ્ન કરવા ઈચ્છું છું.   

અરે! તમે મારા વિષે બધુ જાણો છો પણ હું તો તમારા વિષે કાંઇ જાણતો નથી. માત્ર નામ સિવાય. મેં તમને જોયાં હોય તે પણ યાદ નથી. તમે તો સીધા લગ્નની જ વાત કરો છો!?  

“તમે મને જોઈ છે. આપણે વાત પણ કરી છે.

તમે ક્યાંક જતાં હતા ત્યારે મેં તમને પૂછ્યું હતું

કે અણવરજી ક્યાં ચાલ્યા? તમે કહ્યુ ફરવા. હાલો

આવવું છે? યાદ છે?”  

“ઓહ! હા, યાદ આવ્યું. એટલા માટે કે તમે સામે કહ્યું હતું ફરવા કે ચરવા? બરાબર?” 

બરાબર. મતલબ તમે મને જોઈ છે. તો હવે શું

વિચાર છે? જો હું સીધું ને સટ કહી દઉં છેલ્લા

દોઢ-બે મહિનાથી રાત અને દિવસ હું તમારા જ

વિચારોમાં ગૂમ હોઉં છું. આઈ થિંક આઈ લવ યુ.         

હોલ્ડ ઇટ. બુલેટ ટ્રેનની ઝડપ પણ તમારા કરતાં ઓછી હશે! બહુ  દોડો છો. જરા શ્વાસ ખાવ. માત્ર ચાર દિવસના ગાળામાં તમને મારા પર પ્રેમ થઈ ગયો? એમેઝીંગ!     

કેમ? એમાં નવાઈ પામવા જેવુ શું છે લવ એટ ફર્સ્ટ

સાઇટ- પહેલી નજરમાં પ્રેમ બાબત નથી સાંભળ્યું?

યસ. હું પ્રથમ દ્રષ્ટિએ જ તમારા પ્રેમમાં પડી છું

અને તમારી સાથે આખી જીંદગી ગાળવા તૈયાર છું.

બોલો તમે તૈયાર છો?  

અરે! કિંજલ! તમે તો ‘આવ બલા, પકડ ગલા’ જેવુ કરો છો! મારો સંપૂર્ણ બાયોડેટા તમારી પાસે છે પણ હું તો તમારા વિષે કક્કો જાણતો નથી. એમ આવા મહત્વના નિર્ણયો અત્તરીયાળ ન લેવાય. તમને કોઈ આ રીતે પ્રપોઝ કરે તો તમે હા પાડી દો? જરા તો વિચાર કરો. મને તમારો બાયો ડેટા મોકલો અને સાથે તમારા બે-ત્રણ અલગ અલગ પોઝમાં ફોટા મોકલો (કપડાં પહેરેલા!) પછી હું વિચાર કરું. ઈઝ ઈટ ઓકે?   

મેં ચરવાનું કીધું એટલે તમે મને એવી માની લીધી?

જોકે હું તો બધી રીતે તૈયાર છું. આ કિંજલ હવે સંપૂર્ણ

રીતે તમારી છે. પણ ઓકે, હું કાલે તમને તમારી ઈચ્છા

મુજબ વોટ્સેપ કરી દઈશ. ગુડ નાઈટ. લવ યુ.    

                                સરસ. ગુડ નાઈટ. ડોન્ટ કોલ મી ઈન યોર ડ્રીમ.  

ઋષભે ફોન બંધ કર્યો. અને પછી અવાજ ન થાય તેમ ખડખડાટ હસી પડ્યો. ત્યાર બાદ થોડા દિવસ તેનો સંપર્ક ટાળ્યો. તેના ફોન ન ઉપાડે, બહાનું કાઢીને મેસેજના જવાબ પણ ન આપે.

આ બાજુ કિંજલની અકળામણનો પાર ન હતો. ઋષભ કેમ કોઈ રીસ્પોન્સ નથી આપતો? તેણે શું પ્રેમનો એકરાર કરવાની ઉતાવળ કરી હતી? તેને બદલે તેણે મમ્મીને વાત કરીને વિધિસર માંગુ મોકલાવ્યું હોત તો વધુ સારું હતું? કદાચ તેને ‘ચરવા’ની બાબતે ખોટો અભિપ્રાય બાંધી લીધો હશે તો? પોતે બહુ દોઢ-ડાહી ન થઈ હોત તો સારું હતું. હવે શું કરવું? મમ્મીને વાત કરું? પણ ઋષભ ના પડાવે તો? તો તો પપ્પા તેના દોસ્તના ઢગા જોડે ગોઠવી જ દે. હે ભગવાન! મને બચાવી લેજે.

 

આમ કિંજલ પાણી વિના માછલી તરફડે તેમ તરફડતી રહી. ત્યાં અચાનક તેના પર ઋષભનો ફોન આવ્યો.

“કિંજલ! હું ઓફિસ કામે તમારા શહેરમાં શુક્રવારે આવવાનો છું. હોટેલ શેરેટનમાં ઉતારવાનો છું. શુક્રવારે તો હું મીટીંગોમાં બીઝી હોઈશ જો તમને અનુકૂળ હોય તો શનિવારે અગિયાર વાગે હોટેલ પર આવી શકો? સમય કાઢીને આવજો. ઘેર કહીને આવજો આપણે લંચ સાથે લઈશું.”

“.. .. .. .. “

કિંજલ નું હ્રદય ધબકવાનું ચૂકી ગયું. તે માની ન શકી કે ઋષભનો ફોન છે.

“હલ્લો કિંજલ, આર યુ ધેર?”

“હ.. હા. હા. ભલે હું આવીશ.” એટલું કહી તેણે ફોન બંધ કરી દીધો. તે પોતાના ધબકારા સાંભળી શકતી હતી. શરીર આખામાં ઝણઝણાટી થતી હતી. તેના પગ કાંપતા હતા. તે એકદમ બેડ પર બેસી ગઈ.

****

 ક્રોપટોપ અને કેપ્રી પહેરી કિંજલ હોટેલ પર પહોંચી. હોટેલની લાઉન્જમાં ઋષભ રાહ જોતો હતો. તેણે ઊભા થઈને કિંજલને આવકારી અને બાજુના સોફા પર બેસવાનું કહ્યું.

“સોરી, પણ અત્યારે લંચ અવર છે તેથી હોટેલનું રેસ્તરાં ભરચક્ક છે. નિરાંતે વાત નહીં કરી શકીએ. તમને વાંધો ન હોય તો આપણે ઉપર મારી રૂમમાં જઈએ ત્યાં રૂમ સર્વીસમાં બધુ મળશે. અને શાંતિથી વાત પણ થશે.” રુષભે કિંજલને કહ્યું.

“ના, મને વાંધો નથી. ચાલો.” કિંજલ ઊભાં થતાં બોલી. બંને હોટેલની લિફ્ટ તરફ ચાલ્યાં.   

***

લુક, કિંજલ, તમે કહ્યું છે અને વારંવાર કહ્યું છે કે તમે મને પ્રેમ કરો છો. તમારી ઉષ્માભરી નિખાલસતાને કારણે મને થયું એકવાર મળવામાં કાંઇ વાંધો નહીં. તમે મારી વિષે બધી માહિતી મેળવી છે તેમ જણાવ્યું. પણ મને તમારા બાયોડેટા સિવાય બીજી કોઈ ખબર નથી. ખરેખર તો હુ તમને બિલકુલ ઓળખતો નથી. હવે તમે જ કહો સાવ અજાણી યુવતી જોડે જીંદગી ગાળવાનો મહત્વનો નિર્ણય હું કેવી રીતે લઈ શકું?” રુષભે વાતની શરૂઆત કરતાં કહ્યું.   

 “બરાબર. તમે મને મળવા માટે સંમત થયા તે બદલ આભાર. પણ આપણે સાવ અજાણ્યા તો નથી જ. મારો બાયોડેટા તમારી પાસે છે અગાઉ આપણે ચેટ કરી ચૂક્યાં છીએ. ચેટમાં મેં તમને કહ્યું હતું તેમ મેં તમને ખેવનાના લગ્નમાં જોયા ત્યારે જ મને પસંદ પડી ગયા હતા. તે પછી શક્ય તેટલી જાણકારી તમારા વિષે મેળવી. આપણે એક જ જ્ઞાતિનાં છીએ. માની લો કે આપણા માતા-પિતાએ આ મુલાકાત આપણાં માટે ગોઠવી છે જેમ એરેન્જ્ડ મેરેજમાં હોય છે. તેમાં પણ યુવક યુવતી એક બીજાને પહેલી વાર જ રૂબરૂ મળતાં હોય છે. અને જીવન સાથે ગાળવાનો નિર્ણય પણ લેતાં  હોય છે. હા, એક તફાવત છે કે આ વિષયમાં મેં મારા દિલની વાત તમને કહી દીધી છે. હવે તમારે નક્કી કરવાનું છે. તમે મને જે પૂછવું હોય તે પૂછી શકો છે.” કિંજલ હિંમતભેર એક શ્વાસે બોલી ગઈ. તેના ચહેરા પર લાલીમા છવાઈ ગઈ હતી અને શ્વાસ પણ ઝડપથી ચાલતા હતા.

   

“રીલેક્સ! હું કાંઇ તમારો ઈન્ટરવ્યૂ લેવાનો નથી. માની લો કે બે મિત્રો ઘણા વખત પછી મળ્યા છે અને “તને સાંભરે રે, મને વિસરે રે” ની જેમ એકબીજા વિષે ખૂટતી કડીઓની આપ-લે કરે છે.

સૌ પ્રથમ તો તમે મારા વિષે શું જાણો છે તે મને વિસ્તારથી કહો. ચેટમાં તમે જે જણાવ્યું તે બહુ પ્રાથમિક માહિતી હતી.” રૂષભે વાતાવરણ હળવું કરતા કહ્યું. “અને હા, બીફોર આઈ ફરગેટ, તમે શું લેશો?”

“કાંઇ પણ. સમથીંગ લાઈટ એન્ડ કોલ્ડ કોફી ચાલશે.” કિંજલે સ્વસ્થ થઈ જવાબ આપ્યો. રુષભે રૂમ સર્વીસ પર ઓર્ડર નોંધાવ્યો.       

“ચાલો, હવે નિરાંતે વાતો કરીએ. હમમ્, તમે મારા સ્વભાવ, શોખ, ગમા-અણગમા  વિષે શું જાણો છો?”

“ખાસ કાંઇ નહીં.” કિંજલે થોડી વાર વિચાર કરી કહ્યું.

“એક્ઝેક્ટલી! સહુ પ્રથમ તો આપણે મિત્ર બનીએ. પરસ્પરની સાચી ઓળખ કરીએ. તે વધુ જરૂરી છે. એ પછી આગળનો વિચાર કરીએ. એમ મને લાગે છે. તમારું શું માનવું છે?”

કિંજલ મૂંઝાણી. ત્યાં પપ્પા તેમના દોસ્તના ઢગાની રટ લઈને બેઠા છે. આને કેમ સમજાવવો? અત્યાર સુધી કેટલાયને ના પાડી ચૂકી છું. સા.. લું, કોઈ જોતાં વેંત મનનો કબજો લે તેવો મળ્યો જ નહીં. અને હવે જેને દિલ દઇ ચૂકી છું, જેને મારો પ્રિયતમ માની ચૂકી છું તે ત્રાગાં કરે છે! હવે પપ્પાની ધીરજ નહીં રહે. મારી ના નહીં સાંભળે. કેવો માણસ છે? કોઈ યુવતી સામેથી પ્રેમનો એકરાર કરીને લગ્નનો પ્રસ્તાવ કરે છે તો ભાઈસાહેબ આઘાપાછા થાય છે! 

“કેમ? શું વિચારમાં પડી ગયાં?” રુષભે ટકોર કરી.

“હેં? હા, મને લાગે છે તમારી કોઈ ગર્લફ્રેન્ડ છે માટે તમે મને ના પાડો છો, ખરું? જો તેમ હોય તો ભલે વાંધો નહીં. હું મારી હાર સ્વીકારી લઈશ.” કહી તે ઊભી થવા લાગી.

“અરે, બેસો, બેસો. મારે ગર્લફ્રેન્ડ હતી પણ તે કોલેજ કાળમાં. અત્યારે તો હું તમારી જેમ ફક્કડરામ છું. અને મેં કયાં તમને ના કહી છે! તમારી સાથે મિત્રતા અને બંનેને યોગ્ય લાગે તો આગળ સંબંધ વધારવામાં ચોક્કસ રસ છે. ચાલો એક કામ કરીએ. તમે તો તમારો ચૂકાદો આપી દીધો છે. હવે મારી વાત કરીએ. એક લગ્નોત્સુક યુવક પોતાની પત્નીમાં શું અપેક્ષા રાખતો હોય? તે દેખાવાડી અને સુંદર હોય. તમે છો. તે સંસ્કારી હોય. માનું છું તમે છો. તે ભણેલી હોય. તે પણ તમે છો. તેની દેહાકૃતિ આકર્ષક અને કમનીય હોય. તે પણ છે. ચતુર, બુદ્ધીશાળી અને થોડી નટખટ પણ હોય. તે પણ તમારી ‘ચરવા’ ની કોમેન્ટ પરથી હું સમજી શકું છું. સાચું કહું તો મારી પાસે તમને ન પસંદ કરવા માટે કે તમને ના પાડવા માટે કોઈ કારણ નથી.” રુષભે સ્મિત સાથે ખુલાસો કર્યો.

કિંજલના મોઢા પર આનંદ અને આશ્ચર્યની રેખાઓ ઉપસી આવી. તેનું હૈયું હર્ષથી નાચી ઊઠયું. ઋષભ ઊભો થઈને તેના સોફા પાસે નીચે એક પગ ટેકવીને બેસી ગયો અને કિંજલના હાથ પોતાના હાથમાં લઈ બોલ્યો, “કિંજલ, તમે મને તમારા જીવનસાથી તરીકે પસંદ કર્યો છે તેથી હું ધન્ય બન્યો છું. હા. તમે મને ગમો છો, ખૂબ ખૂબ ગમો છો. હું મારુ સમગ્ર જીવન તમને સમર્પિત કરું છું.” 

તે તરત જ ઋષભને વળગી પડી અને તેના હોઠ પર પોતાના હોઠ મૂકવા લાગી. પણ રુષભે તેને અટકાવી.  

 “અરે, અરે! આ શું કરે છે? ધીરી ખમ મારી બુલબુલ, પ્રેમ અને રોમાંસનો આનંદ ધીરે ધીરે આગળ વધવાથી વધુ રસપ્રદ અને ઉત્તેજક બને છે. આપણે ઊતાવળ કરવાની કોઈ જરૂર નથી. હજી વ્યાવહારિક રીતે આપણે બંને એક નથી થયાં.”                        

“પણ હું તો તને મારું સર્વસ્વ અર્પણ કરી દેવા માંગું છું. તને ગમે તે ..”

“અરે થોભ! થોભ. વ્હાલી બુલબુલ, મને આનંદ છે કે તું મારા પર વિશ્વાસ મૂકે છે. પરસ્પરનો અતૂટ વિશ્વાસ જ સફળ લગ્નજીવનનો પાયો છે. પણ મેં કહ્યું તેમ ધીરજ ધર.”

“પણ છેલ્લા બે મહિનાથી હું તારા માટે તલસું છું, તારામાં સમાઈ જવા માટે તડપું છું.. “

“બસ બે જ મહિનાથી તડપે છેને? હું તો તારા માટે બાર મહિનાથી તડપું છું, ખબર છે?”

“હેં! તેં મને ખેવનાનાં લગ્ન પહેલાં ક્યારે જોઈ હતી?” કિંજલની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ.

કેમ? ગયા વર્ષે હિમાચલ પ્રદેશના ચંદ્રખાની ટ્રેકિંગના બેઝ કેમ્પમાં તું રોક ક્લાઇમ્બીંગની તાલીમ આપતી હતી કે લેતી હતી? ત્યારે એક દિવસ રોક ક્લાઈમબિંગ કરતી વખતે એક પેગ બરાબર રોકમાં બેઠો ન હોવાથી નીકળી ગયો હતો અને તું તથા ખેવના લટકી પડયાં હતાં? યાદ છે?

“હા. પણ તને કેવીરીતે ખબર?” કિંજલ વધુ  આશ્ચર્યચકિત થઈ.

“ત્યારે ઊપરથી એક રોપ નીચે ઊતર્યું હતું અને તેની સાથે એક ટ્રેકર ઊતર્યો  હતો અને ખેવનાને અને તને લઈને પાછો ઊપર પહોંચ્યો હતો. બરાબર? ખેવના ભયથી બેહોશ થઈ ગઈ હતી અને તું પણ અસ્વસ્થ હતી. તમને બંનેને બેઝ કેમ્પના મેડિકલ સેન્ટરમાં સારવાર અપાવી હતી. જાણે છે એ ટ્રેકર કોણ હતું?

“ઓ માય ગોડ! તે તું હતો? પણ તું ત્યાં કેવીરીતે..?”

“ત્યારથી હું તને ઓળખું છું. તારા ક્લાઇમ્બીંગ યુનિફોર્મ પર તારા નામની નેમટેગ હતી. તારું અને ખેવનાનું નામ મેં તે પરથી જાણ્યું. જ્યારે હેલમેટ ઊતારીને તને ઑક્સીજન આપતા હતા ત્યારે તારા કાળા ભમ્મર વાળમાં તારો ચહેરો જાણે કાળાં વાદળોની વચ્ચેથી પૂર્ણિમાનો ચંદ્ર ડોકિયું કરતો હોય તેમ લાગતું હતું. બસ તે જ ઘડીથી હું તારા પ્રેમમાં પડી ગયો હતો. તું કહે છે ને તેમ પહેલી નજરનો પ્યાર. સમજી મારી બુલબુલ!”   

“અચ્છા, તો તું મારી જાસૂસી કરતો હતો! બહુ ખરાબ છે તું. અને મને અત્યાર સુધી અંધારામાં ભૂ પીવડાવતો હતો, ખરું?” કિંજલે પ્રેમથી ખોટો રોષ કરતાં કહ્યું.

“અને મને નવાઈ લાગે છે કે તેં તારો આટલો સરસ સાહસ ભર્યો શોખ તારા બાયોડેટામાં કેમ નથી લખ્યો? ઠીક. તું જાણે છે મેં મારા મોબાઈલમાં તારો નંબર શું નામથી સેવ કર્યો છે? બુલબુલ ના નામથી કારણકે મને ખબર પડી કે તું ખૂબ સરસ મધુર કંઠે ગાય છે અને તેં શાસ્ત્રીય સંગીતની તાલીમ પણ લીધી છે. તારા શહેરમાં તું ગરબાગૌરી તરીકે પંકાય છે. દર નવરાત્રીએ જે સ્થળે તું ગાતી હોય ત્યાં કીડિયારાની જેમ રાસ-ગરબાના ચાહકો ઊભરાય છે. અને આ બંને અતિ મહત્વના અને જાણવા-જણાવવા જેવા શોખ બાબતે તેં સંપૂર્ણ મૌન પાળ્યું? મને તે નથી સમજાતું.”

“પણ તું ખેવનાના લગ્નમાં જાનમાં કયા સંબંધે આવ્યો હતો?”

“અરે, મૈંને તેરે પ્યારમેં કયા કયા ન કિયા બુલબુલ..’. ચંદ્રખાની કેમ્પમાં ખેવનાને જોવા કિરણ આવ્યો હતો ત્યારે ખબર પડી કે તેનું સગપણ ખેવના સાથે થયું હતું. તેઓ ટ્રેકીંગ કરતાં જ પ્રેમમાં પડ્યાં હતાં. કિરણ મારો જૂનો માઉંટેનીયરિંગનો વિદ્યાર્થી છે. હું શોખ ખાતર સાત વર્ષથી આ ક્ષેત્રમાં છું. તેથી મેં કિરણ સાથે દોસ્તી કરી અને તારા વિષે બધી માહિતી ધીરે ધીરે કઢાવી. ખેવનાને તો જાણ પણ નથી. અને માન ન માન મેં તેરા મહેમાનની  જેમ જાનમાં જોડાઈ ગયો. મને ખબર હતી કે તું તો હશે જ. બસ પછી જ્યારે ને ત્યારે તારી નજરમાં આવતો. અને મેં નોંધ્યું કે તું પણ મને જ જોયા કરતી હતી. બાકીની વાત તો તું જાણે છે!”

“બદમાશ! બહુ, બહુ ખરાબ છે.” કિંજલે રુષભની છાતીમાં કૃત્રીમ રોષથી મુઠ્ઠીઓ મારતા કહ્યું,  

”એક વર્ષ સુધી તું મારી જાસૂસી કરતો હતો અને મને ખબર પણ ન પડી. તું તો છુપો રૂસ્તમ નીકળ્યો! આજથી હું તને છુપો રૂસ્તમ જ કહીશ. મારા વ્હાલા છુપા રૂસ્તમ!”

“આવ મારી બુલબુલ.” અને બંને એકબીજાના દ્રઢ આલિંગનમાં જકડાઈ ગયાં.

#########

-ભજમન નાણાવટી.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો