શુક્રવાર, 29 મે, 2020

લોકડાઉનની સાઈડ ઈફેક્ટ - 2 અણુવાર્તા (microfiction) મણકો 10


                                                                 લોકડાઉન  ના - 7
લોકડાઉનની સાઈડ ઈફેક્ટ - 2

“કહું છું, રાજેશભાઈ પાસેથી રોહનના ટ્યુશનના પૈસાની ઊઘરાણી તો કરો.”       પ્રકાશભાઈ માસ્તરનાં પત્ની વિભાબહેને પતિને ટપાર્યા.                         

“હા, પણ લોકડાઉનને લીધે હમણાં બે મહિનાથી રોહન ક્યાં ટ્યુશને આવે છે? એમ પૈસા શેના આપે?
“અરે! પણ ત્રણ મહિના થયા જાન્યુઆરીના પૈસા પણ નથી આપ્યા. બીજા ટ્યુશન માસ્તરો તો આખા વર્ષના સામટા લઈ લે છે એટલે તેઓને આવી ઝંઝટમાં નથી પડવું પડતું. આપણે તો ગાંધીજીના અવતાર એટલે બિચારાં મા-બાપને રાહત આપવા મહિને મહિને લઈએ. એમાં દર વખતે વેકેશનના પૈસા કોઈ આપતું નથી.” 
હા, તે વેકેશનના શેના આપે? હું વેકેશનમાં ભણાવું છું?”
“કેમ ન આપે? નિશાળવાળા બાર મહિનાની ફી લે છે કે નહિ? અરે સ્કૂલ-રિક્ષાવાળા પણ આખા વર્ષના પૈસા લે છે. તો આપણને કેમ ન આપે? આપણે ખર્ચો કેમ કાઢશું એનો કાંઈ વિચાર કર્યો છે?”
આ લોકડાઉન ચાલે છે એમાં હું બધે પૈસા લેવા ફરું? ખબર છે ને પોલીસવાળા ડંડા મારે છે!”
“મેં બધાનું નામ લીધું? રાજેશભાઈ આપણી સોસાયટીમાં બાજુના બિલ્ડીંગમાં તો રહે છે તેના ઘેર જવા માટે તમારે સોસાયટીની બહાર પગ પણ મૂકવો પડે તેમ નથી. અરે, ફોન કરીને બહાર બોલાવી લેવાના. નહિ તો આવતે અઠવાડીયે દૂધ વગરની ચા પીવા અને શાક વિના દાળ-રૉટલી ખાવાની તૈયારી રાખજો.” 
પ્રકાશ માસ્તર ન છૂટકે બુશકોટ ચડાવી રાજેશભાઈના ઘેર જવા નીકળ્યા. ત્યાં નીચે વોચમેને કહ્યું, “શા, બહાર જાને મેં ખતરા હૈ.“
“અરે, હું તો બી બિલ્ડીંગમાં રાજેશભાઈને ત્યાં જાવ છું, બહાર નથી જાતો.”
“કૌન રાજેશભાઈ? વો 702 વાલે ?
“હા”
“અરે વો તો દો દિન પહેલે ગાડી લેકે પૂરા ફેમિલી કહીં ચલે ગયે હૈં!”
***

શુક્રવાર, 22 મે, 2020

ન્યાય - અણુવાર્તા મણકો 9 microfiction

અણુવાર્તા મણકો 9
                                                                લોકડાઉન રચના - 6
ન્યાય
રામનગરની ઝૂંપડપટ્ટી પર બિલ્ડર મનુભાઈ સંઘવીએ કોર્ટ ઓર્ડરથી બુલડોઝર ચલાવી જમીન ખાલી કરાવી – એક સમાચાર
બે વર્ષ પછી.
પ્રદેશમાં થયેલા ભયંકર ભૂકમ્પ દરમ્યાન મશહૂર બિલ્ડર મનુભાઈ સંઘવીનું પોતાના બંગલાના કાટમાળમાં દબાઈ જવાથી મૃત્યુ, ‌- એક સમાચાર.
***                                           

ગુરુવાર, 14 મે, 2020

પ્રિય સંગિનીને પ્રેમપત્ર

(સુખી લગ્નજીવનનાં 45 વર્ષનો સાથ નિભાવનાર મારી પ્રિય જીવનસંગિની નલીનીને આ વાર્તા સમર્પિત કરું છું)
પ્રિય સંગિનીને પ્રેમપત્ર

શુક્રવાર, 8 મે, 2020

લોકડાઉન ની સાઈડ ઈફેક્ટ્સ - 1 અણુવાર્તા મણકો 8

અણુવાર્તા મણકો 8 microfiction
                                                                      લોકડાઉન રચના-5
લોકડાઉન ની સાઈડ ઈફેક્ટ્સ - 1
“અરેરે! મારાં કરમ ફુટ્યાંતા કે મેં તમારી સાથે લગ્ન કર્યાં! આખો દિ ઘરમાં ગુડાણા છો પણ એક સળી ભાંગીને બે નથી કરતા. જોતા નથી ફેસબુકમાં અને વોટ્સેપમાં બધા કેવા પુરુષોના ઘરકામ કરતા  ફોટાઓ આવે છે.”
“શું ધૂળ કરમ ફુટ્યાંતાં? તને મારા જેવો મરદ કોઈ બીજો ન મળત. લ્યો બોલી ક..ર..ર..મ ફુટ્યાંતાં! કોલેજમાં તો મારી આગળ-પાછળ આંટા મારતી હતી. કોલેજમાંથી જ કોઈની સાથે ભાગી જવું હતું ને , મારી સાથે કેમ ભાગી?”
“હા..હા. ભાગી જ ગઈ હોત, પણ તું એક જ ગાડી વાળો હતો, બીજા બધા સાયકલ વાળા હતા, સાયકલ ઉપર કેટલે ભગાય?”
***