શુક્રવાર, 1 ઑક્ટોબર, 2021

બાંધી મુઠ્ઠી ?

બાંધી મુઠ્ઠી ?

સાંપ્રત સમાજની વરવી વાસ્તવિકતા એ છે કે સામાન્ય મનુષ્યને માટે બળિયા સામે બાથ ભીડવાનું લગભગ અશક્ય થઈ ગયું છે. સત્તાધારીઓ સતાનો બેફામ ઉપયોગ સ્વાર્થ માટે કરે છતાં તેઓનો  વાળ પણ વાંકો નથી થતો. કઢંગી અને અટપટી ન્યાયપ્રક્રિયા માત્ર અમીરોને અને પહોંચેલા ગુનેગારોને જ બચાવે છે.  

બાંધી મુઠ્ઠી ?

 

"જુઓ સુમનભાઈ,  જે કાંઇ થયું તે ખૂબ જ આઘાતજનક છે. મને પણ તેનું અપાર દુખ છે. પરંતુ  દુખને રોયા કરવાનો કોઈ અર્થ નથી. બીજું બધુ બાજુએ મૂકીને અત્યારે તમારે દીકરી ચૈતાલીને સંભાળવાની જરૂર છે. બળીયા સામે બાથ ભીડવાનું આપણું ગજું નથી. તમને ખબર ન હોય તો કહું કે ત્રણમાંથી એક મીનીસ્ટરનો છોકરો છે બીજો જે ક્લબમાં આ બન્યું તેનાં ચેરમેનનો પુત્ર છે અને ત્રીજો પણ રાજકીય આગેવાનનો છોકરો છે. એ લોકો મોટા બિલ્ડર અને અતિ ધનિક અને પહોંચેલી માયા છે. તમને ખબર છે તમારી ફરિયાદ પછી જ્યારે પોલીસ પ્રેસિડેન્ટને ઘેર તેનાં છોકરાને પકડવા ગઈ ત્યારે પોલીસ કમીશ્નરને દોડતો બોલાવ્યો હતો અને કલબના પ્રેસિડેન્ટે  તેને લાફો ઝીંકી દીધો હતો! પોલીસ વિલા મોંએ  પાછી ફરી હતી. .” અન્ડર સેક્રેટરી મહેશભાઇ પટેલ તેમના મદદનીશ સુમનભાઈને પોતાના નિવાસસ્થાને બોલાવી સમજાવતા હતા.   

"હવે આમાં તમે કેટલું દોડશો? મારી સલાહ છે કે મુઠ્ઠી બંધ રાખવામાં જ શાણપણ છે. તમે સિદ્ધાંતને વળગી રહેશો તો દીકરી ચૈતાલીની અને તમારા કુટુંબની બદનામી સિવાય તમારા હાથમાં કાંઇ નહીં આવે. સમાજ અને મીડિયા ફોલી ખાશે. સત્તર સવાલો કરશે. ક્લબમાં શું કામ ગઈ હતી? કેટલા સમયથી દોસ્તી હતી?  માં-બાપે કેમ ધ્યાન ન આપ્યું? વિ. અનેક આડાતેડા પ્રશ્નો ઊભા કરીને વાતને દિવસો સુધી ડખોળ્યા કરશે. કોર્ટમાં વકીલો જેવા તેવા અશ્લીલ સવાલો કરશે અને  દીકરી પર અનેકવાર માનસિક બળાત્કાર કરશે. ક્લબમાંથી તમને એક પણ સાક્ષી નહીં મળે. તમે દિવસો નહીં, વર્ષો સુધી આ આઘાતમાંથી બહાર નહીં આવી શકો. તમે ખોટું ન લગાડતા પણ આ વરવી વાસ્તવિકતા છે. આપણા જેવા સરકારી નોકરિયાતો માટે નીચી મુંડીએ ચૂપ રહેવામાં જ ડહાપણ છે. મીનીસ્ટર સાહેબે કહ્યું છે કે ગુજરાતનાં નકશામાં જે શહેર પર આંગળી મૂકો ત્યાં તમને પ્રોમોશન સાથે બદલી કરી આપશે. બે-ત્રણ વર્ષ તમે અમદાવાદથી દૂર રહો અને બધુ શાંત થવા દો. ચૈતાલીને તમારા સાળા ઑસ્ટ્રેલિયા છે ત્યાં ભણવા મોકલી દો. તે પણ આ માહોલથી દૂર રહેશે અને જીવનમાં આગળ વધશે. તેનાં ભવિષ્યનો વિચાર કરો. કલબના પ્રેસિડેન્ટ તેનાં બધા ખરચા માટે વીસ લાખ રૂપિયા આપવા તૈયાર છે. મારુ માનો તો આ ઓફર સ્વીકારી લો અને બાંધીમુઠ્ઠી રાખો.

માનસી, જે ચૈતાલીની સહેલી હતી અને અત્યાર સુધી છુપાઈને બધુ સાંભળતી હતી તે ધસમસતી બહાર આવી, આંખમાં આંસૂ અને રોષિત અવાજે બોલી, “અંકલ, પપ્પાને એ પણ પૂછી લો કે ન કરે નારાયણ અને મારી સાથે આવું કાંઇ બને તો મારી કિમત શું આંકી છે તેમણે? વીસ લાખ? પચ્ચીસ લાખ? કેટલા લાખ રૂપિયા લઈને મને તડીપાર કરશે?”  

--ભજમન નાણાવટી                                                           1

                                          @@@@@  

Image: courtsey shutterstock,google images