શુક્રવાર, 7 ઑક્ટોબર, 2022

આજ રે સપનામાં મેં તો....

(ધતત્ તેરેકીઆ વયમનું શસ્ત્ર તો બુઠ્ઠું નિકળ્યુંકોણ હશે આ યુવતીછે તો ઈન્ડીયન એ નક્કી. કોને માટે આવી હશેપરણેલી હશેહાસ્તો. તો જ પોતાના બાળકને લેવા આવી હોય ને! પણ..પરણેલી હોય તેવી દેખાતી નથી! બની શકે કે કદાચ એ પણ મારી જેમ તેના ભાઈ કે બહેનના બાળકને લેવા આવી હોયકહેવાય નહિ. ભાભીને પૂછવું જોઇએ. તેને કદાચ ખબર હશે! ના,ના. ભાભી વળી કેવો અર્થ કરે કોને ખબર?)

 

'આજ રે સપનામાં મેં તો....'

વીરેન તેને જોઇ રહ્યો, બસ એકીટશે જોઇ જ રહ્યો. સ્થળ, કાળનું સાનભાન જાણે ગુમાવી બેઠો!

ટૂંકી શોર્ટ અને સ્લીવલેસ હાફ કુર્તી પહેરેલી એક સુંદર યુવતી કારમાંથી ઉતરી. ઈશ્વરે જાણે ખાસ સમય કાઢીને તેને ઘડી હોય તેમ ઉન્નત વક્ષ:સ્થળ, તંદુરસ્ત બાવડાં, ગોરું બદન, શૉર્ટમાંથી નીકળતાં મુલાયમ સાથળદ્વય અને સપ્રમાણ દેહાયષ્ઠી. એક નજર વિરેન તરફ નાખીને તે ડે-કેરના પ્રવેશદ્વાર તરફ ચાલી.   

'વીરેન, ચાલ!'

સાડા ત્રણ વર્ષના વયમે જ્યારે તેને હાથ પકડી જોરથી ખેંચ્યો ત્યારે તે સ્વસ્થ થયો. ફટાફટ કારનો દરવાજો ખોલી વયમને કારસીટ પર બેસાડી, પટ્ટો બાંધી. પોતે સ્ટીયરીંગ પાછળ ગોઠવાયો. રીઅર-વ્યુ મીરરમાં જોયું તો તે યુવતી ડે-કેરના દરવાજામાં અદ્રશ્ય થઇ ગઇ હતી. એક ઊનો નિ:શ્વાસ નાંખી કાર ચાલુ કરી. ઘર સુધીનો દસ મિનિટનો રસ્તો યંત્રવત પસાર કર્યો. વયમના સવાલોના પણ ટુંકા હા-નાથી જ જવાબ આપ્યા. વયમ પણ કાકાનો મૂડ પારખી ચૂપ થઇ ગયો. 

'વયમ ! ડે-કેરમાં તારે કોઈ ફ્રેન્ડ છે?

'ફ્રેન્ડ છે.'

'શું નામ એનું?'

'યયમ શાહ.'

'અરે ! તારું નહિ, તારા ફ્રેન્ડનું નામ શું?'

'જેક'

'બીજા ફ્રેન્ડનું નામ શું?'

'ટોમ… વીરેન, એ ટોમ મને બ્લોક્સ નથી બનાવવા દેતો. પુશ કરે છે.'

''તો તેં માર્ગરેટને કીધું કેમ નહિ?'

'કીધુંઉંઉં. માર્ગરેટ ડોન્ ડુ ઈટ એમ કીધું.'

'ગુડ. કોઈ ઈન્ડીયન ફ્રેન્ડ છે?'

'નો.'

ધતત્ તેરેકી! આ વયમનું શસ્ત્ર તો બુઠ્ઠું નિકળ્યું. કોણ હશે આ યુવતી? છે તો ઈન્ડીયન એ નક્કી. કોને માટે આવી હશે? પરણેલી હશે? હાસ્તો. તો જ પોતાના બાળકને લેવા આવી હોય ને! પણ..પરણેલી હોય તેવી દેખાતી નથી! બની શકે કે કદાચ એ પણ મારી જેમ તેના ભાઈ કે બહેનના બાળકને લેવા આવી હોય? કહેવાય નહિ. ભાભીને પૂછવું જોઇએ. તેને કદાચ ખબર હશે! ના,ના. ભાભી વળી કેવો અર્થ કરે કોને ખબર?

*

મુંબઈના ઝવેરી બઝારમાં હીરાનાં આભુષણોનો શો-રૂમ ધરાવતા જમનાદાસ ઝવેરીના બે પુત્રો, વિજય અને વીરેન. લાડમાં જય અને વીરૂ. જય સોફ્ટવેર એંજિનીયર થઇને થોડો વખત ટાટા કંસલ્ટંસીમાં નોકરીએ રહ્યો. ત્યાં સહકર્મચારી રીટાને મળ્યો, પ્રણય થયો અને પરણ્યો. ન્યુઝીલેન્ડની એક આગળ પડતી સોફ્ટવેર કંપનીમાં જય-રીટાને નોકરી મળતાં બંને ઑકલેન્ડ આવ્યાં. ન્યુઝીલેન્ડની નાગરિકતા લીધી અને ચાર જ વર્ષમાં પોતાની સોફ્ટવેર કંપની સ્થાપી. દક્ષિણ ઑકલેન્ડના બોટની વિસ્તારમાં ટ્વીન ગેરેજનું હાઉસ ખરીદ્યું. વીરૂને નાનપણથી જ ભણવામાં ઓછો અને રખડવામાં વધારે રસ હતો. માંડ માંડ બી.કોમ. થયો. રમત-ગમત, ટ્રેકીંગ, પર્વતારોહણ, તરણ, વિ. તેના શોખ હતા અને તે પોતાનો પૂરો સમય તેમાં જ ગાળતો. ખાસ કરીને પર્વતારોહણ અને સ્કીઈંગ તેની પ્રિય પ્રવૃતિઓ હતી. ભારતના બધાં જ સ્કી-રીસોર્ટ, ગુલમર્ગ, ઔલી, લદ્દાખ, વિ.  પર તે દર સીઝનમાં અચૂક જતો. ભારતના અગ્ર પર્વતખેડુ અને સ્કીઅર તરીકે તે ગણાતો. ઇંડીયન માઉંટેનીયરીંગ એસોસીઅશનનો તે સભ્ય હતો. નવરાશની પળોમાં તે પિતાને ધંધામાં મદદ કરતો. હમણાં ત્રણ મહિના માટે તે ન્યુઝીલેંડ ફરવા અને સ્કીઈંગ કરવા આવ્યો હતો.

રીટાભાભીનું એક તો કહેવું પડે! ઓકલેંડ આવતાંવેંત પોતાની કાર સોંપી દીધી. સ્કોડા લોરામાં સધર્ન મોટરવે પર 120 Km. ની ઝડપે જતાં વીરેન વિચારતો હતો. ભાભીએ પોતે બોટની રોડથી બસમાં ઑફિસે જવાનું શરૂ કર્યું. વીરેને ઘણી ના પાડી પણ એમનો આગ્રહ હતો કે કારમાં GPRS સિસ્ટમ છે તેથી વીરેનને જ્યાં જવું હોય ત્યાં વિના તકલીફે જઇ શકે.’ શરૂ શરૂમાં ક્લચ વિનાની કાર ચલાવતાં તકલીફ પડી. વારેવારે ડાબો પગ ક્લચપેડલ ગોતવા લંબાય પણ પછી તો એવું ફાવી ગયું કે ઈંડીયા જઈને હોંડા સીટી બદલીને સ્કોડા લોરા લેવી એમ મનથી નક્કિ કરી નાખ્યું. એક વાત સારી હતી કે ન્યુઝીલેંડમાં પણ ભારતની જેમ જ રસ્તાની ડાબી બાજુનો વાહન વ્યવહાર હતો.

“એક્ઝીટ 430 ફોર ન્યુમાર્કેટ આફ્ટર ફાઇવ હંડ્રેડ મીટર્સ” GPRS સીસ્ટમમાંથી લૌરાનો ઘંટડી જેવો અવાજ આવ્યો. વીરેન સજાગ થ ગયો. લેફ્ટનું સિગ્નલ આપી કારને છેલ્લી લેનમાં લીધી. ન્યુમાર્કેટ એટલે ઓકલેંડનો વેપાર-ઉદ્યોગથી ધમધમતો વિસ્તાર. જાણે મુમ્બઇનો કોલાબા કે અમદાવાદના સીજી રોડ કે એસજી હાઈવે. દુનિયાના બધા જ રેપ્યુટેડ બ્રાંડ અને સ્ટોર્સનાં આઉટલેટ અહિં મોજૂદ છે. ન્યુઝીલેંડમાં પશુપાલન અને ઊન સિવાય કોઇ મેજર ઔદ્યોગિક સંકુલો નથી. આથી જીવન જરૂરિયાત અને મોજશોખની બધી ચીજો પરદેશથી આવે. શાકભાજી પણ ફીજીથી આવે. વીરેને યોગ્ય પાર્કિંગની જગ્યા ગોતીને ગાડી પાર્ક કરી. વીરેનને સ્કી ગીયર ખરીદવાં હતાં તેથી તે સ્નોસેન્ટર નામના સ્કીગુડ્સ સ્ટોરમાં પ્રવેશ્યો. ત્યાં તે પોતાને જોઈતા સ્કીશૂઝ તપાસતો હતો ત્યાં તેને કાને મધુર ઘંટડી જેવો શુદ્ધ અંગ્રેજીમાં વાતચીતનો અવાજ સંભળાયો. તેણે જોયું તો, એ જ, એ જ ડે-કેરવાળી યુવતી સેલ્સગર્લ જોડે કાઈક માથાકૂટ કરતી હતી. વીરેનથી ન રહેવાયું. પાસે જઈને ગુજરાતીમાં જ પૂછ્યું, “માફ કરશો. હું તમને કાઇ મદદ કરી શકું?”

યુવતીએ તેને પગથી માથા સુધી જોયો. પછી બોલી "અરે, આ બાઘીને સમજ નથી પડતી. મારે આ સેકન્ડહેન્ડ સ્કી ખરીદવી છે પણ ખબર નહીં તે પૂરું અંગ્રેજી પણ બોલી શકતી નથી.”

વીરેને તેણે પસંદ કરેલ સ્કી બોર્ડ જોયા. પછી પૂછ્યું, “તમને સ્કીઇંગનો અનુભવ છે?”

“કેમ એમ પૂછો છો?” યુવતી જરા ગિન્નાઈ, “એ વિના તો હું અહી શોખ ખાતર તો નહીં જ આવી હોવ ને!”

“સોરી, મારો એ મતલબ ન હતો. પણ તમને એક-બે વાર ગોલ્ફલેન્ડ ડ્રાઈવના ડે-કેરમાં જોયાં છે અને ગુજરાતી લાગો છો તેથી સહજ પૂછ્યું. તમે જે બોર્ડ પસંદ કર્યાં છે તે યોગ્ય નથી.” વીરેને ખુલાસો કર્યો.

“ઓહ, મને ખાસ અનુભવ નથી. તમે જ સજેસ્ટ કરો અહીં સ્નો-સ્કીઈંગ માટે મારો પ્રથમ પ્રયાસ છે.” વીરેને કલ્પના પણ નહોતી કરી કે તેની સ્વપ્નસુંદરી સાથે આમ અચાનક ભેટો થાશે! પછી તો બંનેએ જોઈતી ખરીદી પતાવીને બહાર નીકળ્યા. પણ તે યુવતી પોતાનો પરિચય આપ્યા વિના જ ‘થેન્ક યુ’ કહી છૂટી પડી. વીરેનને જરા નવાઈ લાગી. આવી તોછડાઈ? કે પછી ઘમંડી? કે પોતે જે રીતે એપ્રોચ કર્યો તે યોગ્ય ન હતો? તેને કદાચ હું ફ્લર્ટ કરતો હોવ તેમ લાગ્યું હશે? જે હોય તે. પણ તારે તારું નામ તો કહેવું હતું? તો સામે તેનું નામ પણ જાણી શકાત. હવે પસ્તાવો કરવાનો કોઈ અર્થ નથી એમ મન મનાવી શોપીંગની બેગો કારમાં મૂકી તેણે કાર સ્ટાર્ટ કરી.

અગાઉથી બુકીંગ કર્યા પ્રમાણે વીરેન સ્કીઈંગ કરવા ટાઉપો જવા નીકળ્યો. આ વખતે રીટાભાભીની કાર લીધી ન હતી. કેમ કે તેમાં સ્કીબોર્ડ રાખવાની સગવડ ન હતી. તેથી 4 વ્હીલ-ડ્રાઈવ કાર હાયર કરીને તે એકલો જ ટાઊપો જવા રવાના થયો. રસ્તામાં “ટે રા(Te Ra)”ના જીઓથર્મલ સક્રીય ક્ષેત્રોની મુલાકાત પણ લીધી. જમીન પર વરાળ કાઢતો કાદવ ખદબદતો અને ઊકળતો હોય, તેમાંથી વરાળના પરપોટાઓ ફૂટતા હોય. કોઈ કોઈવાર અચાનક વરાળના ફુવારા(geysers) પણ જોસભેર ઊડે. બહુ અદભૂત દ્રશ્યો હતાં. ત્યાંથી નેશનલ પાર્ક વીંધીને રાત્રે ટાઉપો પહોંચ્યો. હોટેલમાં રાત રોકાઈને વહેલી સવારે વ્હાકાપાપા સ્નોફીલ્ડ જવા રવાના થયો.

ન્યુઝીલેન્ડમાં નોર્થ આઈલેન્ડના ટોંગારીરો નેશનલ પાર્કમાં ઊભેલો માઉન્ટ રૂપેહુ (Mt.Ruapehu) દક્ષિણ ગોળાર્ધનો આલ્પ્સ પર્વત તરીકે ઓળખાય છે. વીરેને વિચાર્યું હતું કે અજાણ્યું ક્ષેત્ર છે તેથી તે હેપીવેલીમાં એક રાઉન્ડ બીગીનર્સ સ્લોપ પર લેશે પછી ઈન્ટરમીડીટએટ અને બીજે દિવસે એડવાન્સ ક્ષેત્રમાં સ્કીઈંગ કરશે. પ્રવેશ માટે જરૂરી વિધિ પતાવી તે સ્કી-સ્ટેશન પર પહોંચ્યો. વીરેન માટે આ રાઉન્ડ સરળ હતો પણ તેને મજા આવી તેથી બીજો રાઉન્ડ પણ લીધો. પછી થોડો ફ્રેશ થઈ માધ્યમિક ક્ષેત્ર માટે રવાના થયો. હજી અર્ધે પહોંચ્યો હશે ત્યાં તેને એક સ્કીસવારે ઓવરટેક કર્યો. વીરેનને લાગ્યું કે તેની ઝડપ સ્લોપના પ્રમાણમાં વધુ પડતી હતી અને તે જોખમભરી હતી. તેણે પોતાની ઝડપ થોડી વધારી જેથી તે તેના પર ધ્યાન રાખી શકે. થવાકાળ અને આગળનો સ્કીસવાર એક વળાંક પર કાબૂ ન રાખી શક્યો અને ઢોળાવ બાજુની ખીણમાં ફેંકાઈ ગયો. વીરેને તુરતજ પોતાની પાસે રહેલા ઈમરજન્સી ડીવાઈસ પર બટન દબાવીને કંટ્રોલ રૂમને જાણ કરી. પોતે બનાવની જગ્યાએ ભયસૂચક બીકન મૂકી, પોતાની સ્કી કાઢીને તે સ્કી-સવારની મદદ કરવા નીચે ઊતર્યો. સદભાગ્યે ઢોળાવ બહુ નીચે સુધી ન હતો. સ્કી-સવારનું માસ્ક અને ગોગલ્સ કાઢીને જોયું તો તેના શ્વાસ તૂટી રહ્યા હતા. તેણે તરત જ CPR દેવાનું ચાલુ કર્યુ. એટલે કે દર્દીના મો પર મો મૂકી તેના ફેફસાંમાં હવા ભરવી અને છાતી પર દબાણ કરી બહાર કાઢવી. આને કૃત્રિમ રીતે શ્વાસોચ્છવાસ કાર્યરત કરવા કહેવાય. એ દરમ્યાન બીજા સ્કી-સવારો પણ અટકીને નચે ઊતરવા લાગ્યા. થોડીવારમાં એર એમ્બુલંસ સાથે સત્તાવાર મદદનીશો આવી પહોંચ્યા સાથે ડૉક્ટર પણ હતો. પ્રાથમિક સારવાર આપી તેને હોસ્પિટલ લઈ જવા હેલીકોપ્ટરમાં સુવાડયો. આ દરમ્યાન ઓળખકાર્ડની મદદથી વિરેને જાણી લીધું હતું કે તે સ્કી-સવાર બીજું કોઈ નહીં પણ મિહીકા ચોકસી છે. તે જ યુવતી છે જે તેને સ્વપ્નો માં સતાવે છે.

વિરેન હોસ્પીટલમાં સાથે જ ગયો. મિહીકાના એક હાથ અને એક પગમાં ફ્રેકચર હતાં, ભાનમાં હજી આવી ન હતી. વીરેને તેના ઘરવાળાઓ સાથે પણ ફોનથી વાત કરી અને બીજા દિવસે ઓકલેન્ડની હોસ્પીટલમાં લઈ જવા હેલીકોપ્ટરની વ્યવસ્થા પણ કરી. તે પોતે પણ સાથે ગયો.

પછીના દિવસો વિરેને મિહીકાની સેવાસુશ્રુષામાં ગાળ્યા. મિહીકા અને તેના ભાઈ-ભાભી સાથે પરિચય થયો. મિહીકાએ પોતાના વર્તન બદલ માફી માંગી. અને આ પરિચય પ્રેમમાં ક્યારે પલટાઈ ગયો તે વીરેન કે મિહિકાને ખબર જ ન પડી. બે મહિના પછી તેઓ બંનેએ આખા ન્યુઝીલેન્ડનાં જોવા-માણવા લાયક સ્થળોની મુલાકાત લઈ લીધી.

બસ. હવે શું બાકી રહ્યું ? શરણાઈના સૂર જ રેલાવવાના હતા!!!  

====<>====

 

--ભજમન નાણાવટી.

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો