શુક્રવાર, 23 સપ્ટેમ્બર, 2022

આખરે મેં જાન જોડી.

(હવે વારો આવ્યો કંકોત્રીનો નમુનો પસંદ કરવાનો. છગન છાપખાનાવાળો ત્રણ ચાર આલ્બમ આપી ગયો. ઘરની દરેક વ્યક્તિ એક એક આલ્બમ લઈને બેસી ગઈ. પહેલા જ આલ્બમમાં અમારા  લગ્નની કંકોત્રીનો  નમુનો હતો! માળા બેટાએ પાંત્રીસ વર્ષ જૂના નમુના પણ રાખી મુક્યા હતા!)

 

આખરે મેં જાન જોડી.   

મારા દિકરાનાં લગન લીધાં છે. એક સુંદર, સુશીલ, રૂપવાન, ગુણવાન કન્યા સાથે. આમ તો લગ્ન પહેલાં બધી જ કન્યાઓ સુંદર, સુશીલ, રૂપવાન, ગુણવાન જ લાગતી હોય છે. આ હું નથી કહેતો પણ બધા લગ્નવાંચ્છુક કુંવારા યુવાનોનો અને કન્યાના માતા-પિતાનો અભિપ્રાય છે. કોણ જાણે કેમ લગ્ન પછી બધું બદલાય જાય છે. શું કામ બદલાય જાય છે તે બાબત દુનિયાના મહાન સમાજશાસ્ત્રીઓ અને માનસશાસ્ત્રીઓ સદીઓથી સંશોધન કરી રહ્યા છે પરંતુ હજી સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. ઉકેલ આવશે એટલે તમને તાત્કાલિક ટ્વીટર પર કે એફબી પર અપલોડ કરીને જણાવીશ. જોકે વોટ્સેપ કે એસએમએસ પણ કરી શકાય પણ મારા મોબાઈલમાં એટલું બેલેંસ હોવું જોઈએને! આથી ત્યાં સુધી જેમ છે તેમ ચાલવા દો.

હા, તો લગન તો લીધાં. પણ જાન પરગામ લઈ જવાની છે, સગાં-વહાલાંઓને આમંત્રણ આપવાનું છે, કંકોત્રીઓ છપાવવાની છે, રેલ્વેની ટિકિટ કઢાવવાની છે,. . કામનો કાંઈ પાર નથી. હવે હું રહ્યો એકલ પંડે. કેટલે પહોંચી વળું? છતાં આપણે તો યા હોમ કરીને ઝંપલાવ્યું

સૌથી પહેલું કામ કંકોત્રીઓ મોકલવા માટે નામની યાદિ બનાવવાનું શરૂ કર્યું. મને તો એમ કે આ તો સાવ સરળ કામ છે ઝટ પતી જશે. પણ ભાર છે ભાજીના કે તેલીયો વઘાર પી જાય! એમ આ યાદિ બાનવતાં બનાવતાં તો ઘરમાં મહાભારતના યુધ્ધ જેવું વાતાવરણ ખડું થઇ ગયું.

ઈ તમારા કાકાના દિકરાને નથી બોલાવવાના. સુકેતુના લગ્નમાં તમને કંકોત્રી નોતી મોકલી યાદ છે ને?શ્રીમતીજી ઉવાચ.

“મારી માસીસાસુની દિકરી અને તેના દેર-દેરાણીના પાડોશીને તો બોલાવવા જ જોઈએને. મને તેઓએ બોલાવી હતી.” શકુબેને રોકેટ ફોડ્યું.

“અને પપ્પા, મારા સસરાના મોટાભાઈના વેવાયને નહિ બોલાવો તો મારું સાસરામાં ખરાબ લાગશે.” પરિણીત પુત્રીનો ધડાકો.

આમ પત્ની, પરિણીત પુત્રી, બેન વિ. તરફથી સલાહ, સુચનો અને ધમકીઓનો વરસાદ વરસવાનો શરૂ થયો.

ભાનુ! તું તારા વેવાઈને બોલાવશે, અને શકુના સાસરીવાળાને શકોરું આપીશ એમ?” બાએ પણ પોતાનો સૂર પુરાવ્યો.

“અરે પણ! બા, બનેવીલાલ તો વર્ષોથી સ્વધામ સિધાવ્યા છે, મેં પણ એને ફોટામાં જ જોયા છે. શકુબેનને તો સાસરાવાળા કોઈ દિ યાદ પણ નથી કરતા.” મેં લૂલો બચાવ કરવાનો પ્રયત્ન કર્યો. “ઠીક ભાઈ, તારું સારું દેખાય માટે કવ છું બાકી અમારી આબરૂના ભલેને ધજાગરા ઊડે, તને ક્યાં પડી છે!”

“ને લ્યા, હીંમતનું નામ ભૂલતો નહીં.” બાપુજીએ પોતાના નગુણા હલકટ બાળગોઠિયાનું નામ સુચવ્યું.

“પણ બાપુજી વીસ વર્ષમાં તમને કોઈ દિ મોઢું બતાવવા ય આવ્યા છે હીંમતકાકા?માત્ર પોતાનો સ્વાર્થ હોય ત્યારે કાગળ લખીને કામ કઢાવી લે છે.

આમ કેટલાય દિવસની મહેનત, કંકાસ, કકળાટ, રીસામણાં, મનામણાં પછી, સત્તર નામ કપાણાં તો બીજા સીત્તેર નામ ઊમેરાણાં, અને છેવટે યાદિ તૈયાર થઈ.

હવે વારો આવ્યો કંકોત્રીનો નમુનો પસંદ કરવાનો. છગન છાપખાનાવાળો ત્રણ ચાર આલ્બમ આપી ગયો. ઘરની દરેક વ્યક્તિ એક એક આલ્બમ લઈને બેસી ગઈ. પહેલા જ આલ્બમમાં અમારા  લગ્નની કંકોત્રીનો  નમુનો હતો! માળા બેટાએ પાંત્રીસ વર્ષ જૂના નમુના પણ રાખી મુક્યા હતા. જો કે મને નિરાંત થઈ કે એક આલ્બમ તો રદ થયું. તુણ્ડે તુણ્ડે મતિર્ભિન્ના એ ન્યાયે સહુએ પોત-પોતાની પસંદગીના પાંચ-છ નમુના કાઢ્યા. અને ફરી વિશ્વયુદ્ધના ભણકારા વાગવાના શરૂ થયા. પરંતુ મેં પાણી પહેલાં જ પાળ બાંધી દીધી.

“જુવો લગ્ન જેનાં હોય તેની પસંદગીને પ્રથમ અગ્રતા આપવામાં આવશે માટે વરરાજા જે નમૂનો પસંદ કરે તે બધાએ માન્ય રાખવાનો.” આથી સદભાગ્યે ટૂંકેથી પત્યું. જોકે બા-બાપુજીની ઈચ્છા મુજબ મુખ્ય નિમંત્રણ પત્રનું લખાણ ગુજરાતીમાં રાખવામાં આવ્યું અને રિસેપ્શન માટે અંગ્રેજી લખાણ રાખવું તેમ નક્કિ થયું. નિમંત્રકો તરીકે કોનાં કોનાં નામ રાખવાં તે બાબત પણ ઉગ્ર યુદ્ધ તરફ ગતિ કરવાની તૈયારીમાં હતી પણ મેં બ્રેક મારી. બા-બાપુજી સિવાય કોઈનાં નામ નહિ રાખવાં એમ વટહુકમ જારી કરી દીધો. આ વટહુકમની જાહેરાત થતાંની સાથેજ રસોડામાંથી...ખડિં....ગ., ખડિં....ગ એમ  બે વાસણ પડવાનો અવાજ આવ્યો. શકુબેન(શકુંતલા-મારી વિધવા બહેન) ઊઠીને અંદર ગયાં. બીજા સહુએ મારા નિર્ણયને કમને સ્વિકારી લીધો. પણ મારા મનમાં ધ્રાસકો પડ્યો કે શ્રીમતિજીને કાંઈક વાંધો પડ્યો લાગે છે એટલે તપેલાં જમીનદોસ્ત થયાં હશે.

થોડીવારે શકુબેન રસોડામાંથી બહાર આવ્યાં અને મારી નવાઈ વચ્ચે જીંદગીમાં કદાચ પહેલીવાર ભાભીની વકિલાત કરતાં બોલ્યાં, “ભઈ, વરરાજાના મા-બાપનાં નામ જ કંકોત્રીમાં ન હોય એવું ક્યાંય જોયું-સાંભળ્યું છે? એકનો એક તો દિકરો છે. અને વળી કુટુમ્બનો છેલ્લો પ્રસંગ છે. બાપુજી, તમે કેમ ચૂપ છો?”     

બાપુજી ચમક્યા. આ તો રેલો પોતાના પગ નીચે આવ્યો!

“હેં? હાઆ..હા. અમારા બેનાં નામ કાઢીને તમારાં નામ રાખો. દર વખતે  તો અમારાં નામ હોય છે જ ને!”  બાપુજી એકદમ ડીફેંસીવ રમવા માંડ્યા.

“લ્યો બોલ્યા, “અમારાં નામ કાઢીઈઈ નાંખો” બાએ બાપુજીના ચાળા પાડતાં બમ્પર ફેંક્યો. ”કેમ અલિ શકુ! અમે મરી પરવાર્યાં છ? તારી ભાભીને કઈ દે જે અમે છ્યેં તો ઈ છ,  સમજી?

“પણ બા! ભાભીએ ક્યાં કાંઈ કીધું છે?” શકુબેને બાના બમ્પરને નો-બોલ જાહેર કરવા હાથ લંબાવ્યો ! “તમે જ કો પરણનારના સગાં મા-બાપનાં નામ કંકોત્રીમાં ન હોય તો લોકો શું કે કે છોકરો અનાથ હશે. એમાં તમારું જ ખરાબ દેખાય કે નહિ? ભાનુભાઈ-ભાભીનાં નામ ઉમેરવાની વાત છે, કોઈનાં નામ કાઢવાની વાત નથી. શકુબેનની વાત બાને ગળે ઊતરી ગઈ.

“ઠીક, તો ભલે. મને ક્યાં વાંધો છે! ભાનુ ને વહુનું નામ તો હોય જ ને!” બાએ સ્વતંત્ર નિર્ણય જાહેર કર્યો. ચાઆ.. લો. ઘીના ઠામમાં ઘી પડી  ગયું. મને પહેલી વખત શકુબેનની કુનેહનો પરિચય થયો.

તો ચાલો, હવે કંકોત્રીનું કામ ઊંચું મૂકીએ. હવે બધા જમવા બેસીએ.” મેં સભા સમેટવાની વેતરણ શરુ કરી.

“એક મિનિટ પપ્પા, તમને કંકોત્રીના લખાણની લેટેસ્ટ ફેશનની ખબર છે? ઘરના નાનાં બાળકોના નામે કાલી-કાલી ભાષામાં પણ સંગીત માટે કે જમણવાર માટે નીચે તેમના નામ લખાતાં હોય છે.  મારા ચુન્નુ-મુન્નીનાં નામ પણ ઉમેરો. કેમ બા, તમારી ચોથી પેઢી પણ આવી જાયને?” દીકરીએ બાને પોતાના પક્ષમાં લઈ લીધાં.

“એમ કરીએ, આપણા બધાના, પાડોશીના અને તેમના કૂતરાના નામ પણ લખી નાખીએ” હવે મારો પારો ચઢ્યો.

“અરે એમ સપરમા પ્રસંગમાં ગુસ્સે શું થાય છે? તને શું વાંધો છે? એ તારાં છોકરાં નથી? આમતો મારી મુન્ની દીકરી, મુન્ની દીકરી એમ કે’તો આખો દિ’ ફર્યા કરે છે?” બાએ ચૂકાદો આપી દીધો.

“સારું બા, તમે કો’ એમ. હવે બધુ ફાયનલ ને? કે હજી કોઈને કાંઇ પેટમાં દુખે છે?”

બધા ચૂપ.

“હવે થાળી પૂરશો?”          

“પણ ભાઈ! કંકોત્રીના લખાણનું કામ પણ પતાવી જ દે એટલે પછી છગનને છાપવા આપી દેવાય.” શકુબેને પોઈંટ ઓફ ઓર્ડર ઊઠાવ્યો.

આ શકુબેનને પણ સખ નથી. બધામાં ઝીણું શું કાંતવાનું? પણ મેં ગુસ્સાને કાબુમાં રાખી વાત ઉડાડી દીધી. 

“હા. ઈ બધું તો નક્કિ જ છે. આપણે આપણા બધા કાર્યક્રમની વિગત, સ્થળ સમય અને તારીખ આપી દેશું એટલે પ્રેસવાળા પાસે એક પ્રોફેસર છે તે આવાં બધાં લખાણ કરી આપે છે. બાકીનું બધું છગન સંભાળી લેશે.”

“જો ભાનુ, પે’લી કંકોતરી હવેલીમાં શ્રીનાજીને ચરણે ધરવાની, હારે ર.1001/= નું કવર પણ મૂકવાનું. એ યાદ રાખજે.”

“હા, હા બા. તમે ચિંતા ન કરો બધુ તમે કહેશો એમ જ થાશે.” મેં બાને શાંત કર્યાં. સા’લું, ભગવાનને લગનમાં આવવાનું ગાડીભાડું પણ આપવું પડે?        

મોટામાં મોટો માથાનો દુખાવો હોય તો તે રેલવેનું રીઝર્વેશન કરાવવું. એક તો કેટલા લોકો અહી ઘેર આવીને જાનમાં આવશે અને કેટલા સીધા માંડવે પહોંચશે તે જ નક્કી ન થાય. બબ્બે ત્રણ ત્રણ વાર ફોન કરીને પૂછીએ તો પણ નક્કી જવાબ ન આપે. “રજાનું નક્કી નથી, કન્ફર્મ થાય એટલે કહું.”  રેલવે મારા બાપની જાગીર છે કે કહીએ ત્યારે રીઝર્વેશન આપે! તો કોઈ વળી, “આ શાલીનીની પરીક્ષાની તારીખો હજી આવી નથી, એટલે ત્યાં સુધી કાઇ કહી ન શકાય.” એ તો હજી સમજ્યા પણ, “અરે હોય, આવવાનું જ હોયને? અમારી પાંચ ટિકિટ કઢાવી જ નાખજો. અને કહું છું, સેકન્ડ એસીમાં જ જાન લઈ જાશોને? ભાઈ, એકનો એક, કમાતો-ધમાતો દીકરો છે પછી કરકસર ન કરતા વળી.” તારી તો, અહી કુબેરનો ખજાનો દાટ્યો છે! બસની ટિકિટ માટે પોતે દમડી પણ ખર્ચતો નથી બધે ટાંટિયા ઘસતો જાય અને અહી પારકે પૈસે પરામણંદ કરવું છે! મહામુસીબતે એક એજન્ટને ભાઈ બાપા કરીને દોઢા રૂપિયા ચૂકવીને ટિકિટો કઢાવી.

સૌથી મોટું ઘમાસાણ યુદ્ધ તો લગનનાં કપડાં-ઘરેણાં ખરીદવામાં થયું. પણ સદભાગ્યે શ્રીમતીજીએ બધું કુનહપૂર્વક થાળે પાડી દીધું. જોકે મારુ ગજવું સારું એવું હળવું થયું.

જાનૈયાઓને માટે કેટરીંગની બહુ માથાકુટ થઈ. બાની હવેલીની બેનપણીના ઓળખીતા મહારાજ માટે બાનો આગ્રહ હતો. શ્રીમતીજી ખાનગીમાં કહે “રહેવા દેજો, ઘીના બે ત્રણ ડબ્બા ખાલી કરશે. હવેલીની રસોઈ નથી ખાધી? તો દીકરી પુષ્પાનાં લગ્ન વખતે રાખ્યો હતો તે મહારાજ પણ ચાર-પાંચ આંટા મારી ગયો. “એને તો ધોળે ધરમે પણ ન રાખતા પપ્પા, હજી ય મને સાસરાવાળાઓ સંભળાવે છે.” દીકરીએ ચોખ્ખી ના પાડી. 

મારા મિત્ર મનસુખલાલ કહે અરે ભાનુ, હવે મહારાજ ફારાજના જમાના ગયા. સીધો કોઈ હોટેલ વાળાને કોન્ટ્રેક્ટ આપી દે સવારની ચાથી માંડીને રાતના નિંદરની ગોળી સુધી બધુ તૈયાર માલે  ઘેર બેઠે આવી જાય. અનાજ, કરિયાણું, માલ-મસાલા વિ.ની કાંઇ ઝંઝટ જ નહીં. કોઈ ટેન્શન નહીં. તારે મેનૂ આપી દેવાનું અને કેટલી ડિશ છે તે કહી દેવાનું.  મને થયું વાત તો સાચી. રસોઇયા ઉપર ધ્યાન રાખવામાં ઘરની મહિલાઓ પ્રસંગ માણી ન શકે. એટલે એક ખ્યાતનામ હોટેલ જોડે નકી કરી નાખ્યું, બજેટ તો ભારત સરકારના બજેટની જેમ ડેફિસિટ જ થઈ ગયું હતું, પણ શું કરે? બાવા બન્યા હે તો હિન્દી તો બોલના પડેગા!

એમ ન માનતા કે મેનૂ સરળતાથી નક્કી થયું! સવારના નાસ્તામાં દેશી ગાંઠિયા-જલેબીથી માંડીને સાઉથ ઈન્ડીયન ઇડલી સાંભાર કે કોન્ટીનેન્ટલ બ્રેકફાસ્ટ સુધીની પચાસ વાનગીનાં સૂચનો આવ્યાં  ફક્ત ચાર દિવસ માટે! જમવામાં તો બાના સૂચન મુજબ પ્રણાલીગત વાનગીઓ રાખવામાં આવી. પણ છેવટે બધું થાળે પડી ગયું.      

બધુ સમુંસુતરું ગોઠવાઈ ગયું પણ ખાટલે મોટી ખોડ, ચોથો પાયો જ ન મળે! એમ જાન તૈયાર થઈ પણ મૂરતીયાના કોઈ ઠેકાણાં ન હતાં. ગૌરવને ઠોકી ઠોકીને કીધું’તું કે ભાઈ વહેલાસર રજા લઈને આવી જાજે. તારાં કપડાં વિ. નો વહીવટ થઈ શકે. “પપ્પા, તમે એની ચિંતા ન કરતા, હું બધુ અહીથી તૈયાર કરીને જ આવીશ”.

“પણ ક્યારે આવીશ? સીધો માંડવામાં? કે અમારે ખાંડું લઈને જાવાનું છે? “ મારા ટેન્શનનો પાર ન હતો.

છેવટે તે પણ સમયસર આવી ગયો અને આખરે વાજતે ગાજતે મેં જાન જોડી.

+++><+++

--ભજમન નાણાવટી.


 

 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો