શુક્રવાર, 21 ઑક્ટોબર, 2022

s o r r y

 




SORRY                   

 રાતના બે વાગે ધૂંવાંપૂંવાં થતા અબ્દુલને પરાણે બાઈક પર બેસાડી રતન અડ્ડા પર આવ્યો. અબ્દુલે ઓરડીના ખૂણામાં રાખેલ ખોખામાંથી બાટલી કાઢી તેમાંથી એક ઘૂંટ ભરી રતનને ધરી. રતને બાટલીને હડસેલો માર્યો.

ઉસ્તાદ, ક્યા હુવા હૈ ? આવો મસ્ત દલ્લો હાથ લાગ્યો હતો, ક્યૂં છોડ દીયા? સબ જહેમત બેકાર ગઈ. ઔરત બી મસ્ત માલ થી મારું તો દિલ લલચાઈ ગયું હતું. 

સટાક કરતો તમાચો રતને અબ્દુલના ગાલ પર માર્યો, ઉસ્તાદનું મગજ છટકી ગયું છે ધારી ગાલ પંપાળતો અબ્દુલ ઓરડીની બહાર નીકળી ગયો. રતન થોડીવાર એમ જ શૂન્યમનસ્ક બેસી રહ્યો. રાતની ઘટનાને વાગોળવા લાગ્યો.

 

બધું યોજના મુજબ જ પાર પડ્યું હતું. અઠવાડિયા પહેલાં મળેલ હીરાના હારની ખરીદીની બાતમી પછી અબ્દુલે ફટાફટ જાસૂસી કરી બધી ગોઠવણ કરી દીધી હતી. આ બાબતમાં એ એક્કો હતો. રતન એક અનુભવી ધંધાદારી ચોર હતો. વર્ષોથી ચોરીઓ કરતો હતો પણ હજી સુધી પકડાયો ન હતો. ચોરીનો મોટો હાથ મારી તે શહેર જ નહીં પણ પ્રદેશ પણ છોડીને અન્ય શહેરમાં જતો રહેતો. યોજના મુજબ પાછલી રાતે વોચમેનને ભનક પણ ન પડે તેવી રીતે તે બંને બિલ્ડીંગમાં પ્રવેશ્યા હતા. તેવી જ સિફતથી અને ચૂપકિદીથી ફ્લેટમાં પ્રવેશ્યા. જાણ હતી કે હૂંતો હૂંતી બે જણાં હશે. તેથી હમેશાની જેમ ચોર પગલે બેડરૂમમાં પ્રવેશી અબ્દુલે સ્પ્રે છાંટી બંનેને બેહોશ કરી દીધાં. કોઈપણ પ્રકારનાં તાળાં ખોલવામાં માહેર રતન તીજોરીએ વળગ્યો. થોડી જ વારમાં તીજોરી ખુલી ગઈ. એક બાજુ ચલણી નોટોની થપ્પી હતી. ઘરેણાંનાં બોક્સીસ વિ. હતાં. જરાપણ અવાજ કર્યા વિના રતન બધી ચીજો સાથે લાવેલ બેગમાં ભરતો ગયો. હાથમાં ગ્લવ્ઝ અને ચહેરા પર માસ્ક હોવાથી બંને સુરક્ષિત હતા. અબ્દુલ નિયમ મુજબ આખા ફ્લેટમાં આંટો મારી આવ્યો અને લેપટોપ, ટેબલેટ મોબાઈલ અને અન્ય કિંમત ઊપજે તેવી વસ્તુઓ એકઠી કરી લાવ્યો. રતનનો એક નિયમ હતો તે સ્ત્રીઓને સ્પર્શ ન કરતો અને અબ્દુલને કડક સુચના હતી કે કોઈપણ સ્ત્રીને ઈજા કે અણછાજતી હરકત વિના સ્ત્રીના અંગ ઉપરથી ઘરેણાં કાઢવાં. આથી અબ્દુલ બંને બેહોશ પતીપત્નીના અંગ પરથી ઘરેણાં વિ. ઉતારવા લાગ્યો. બંને અંધારામાં કે આછા ઉજાસમાં કામ કરવાને ટેવાયેલા હતા. તો પણ જરૂર પડે પેંસિલ ટૉર્ચનો ઉપયોગ કરતા. અચાનક અબ્દુલે આવી ઈશારાથી સમજાવ્યું કે સ્ત્રીની આંગળીએથી વીંટી નથી નિકળતી. રતને પેંસિલ ટૉર્ચનો લીસોટો સ્ત્રીની આંગળી પર ફેંક્યો તો પાણીદાર હીરાની ચમક દેખાણી. આથી તેણે જઈને વીંટી  કાઢવા સ્ત્રીનો હાથ હાથમાં લીધો......... અને તે ચમક્યો! અરે! આતો જાણીતો સ્પર્શ! ટૉર્ચનો પ્રકાશ સ્ત્રીના ચહેરા પર ફેંક્યો. અને તે થીજી ગયો. સમયનું ભાન ન રહ્યું. અબ્દુલે હળવેથી ખભે ઠોંસો માર્યો ત્યારે તે સજાગ થયો

 

તુરત ટૉર્ચ બંધ કરી સ્ત્રીના વીંટીવાળા હાથને મોં પાસે લાવી હળવી ચૂમી કરી તે ત્યાંથી ઊભો થઈ ગયો. અબ્દુલને હાથની બે આંગળીથી X ની નીશાની કરી પોતાની અને અબ્દુલની બેગ લઈ બેડ પાસે ખાલી કરી. અબ્દુલ સ્તબ્ધ બની જોઈ રહ્યો. અબ્દુલનું બાવડું પકડી દરવાજા તરફ ખાલી હાથે ચાલવા લાગ્યો. કઈંક યાદ આવતાં દરવાજાથી પાછો ફર્યો. ડ્રેસીંગ ટેબલ પરથી લીપસ્ટીક ઉપાડી અરીસા પર કઈંક લખ્યું. અને બેઉ ચૂપચાપ ફ્લેટની બહર નીકળી ગયા

****

રતન માથું ઝટકાવી ફરી વર્તમાનમાં આવ્યો. પછી ખાટલા નીચેથી બેગ બહાર ખેંચી તેમાં ખાંખાંખોળા કરી એક જૂની ચોપડી કાઢી. તેમાં બે પાનાંના બેવનમાં સૂકાયેલ જાળીદાર બે પર્ણની ડાળખી પર હાથ મુકીને બેસી રહ્યો. આંખના ખૂણામાં બે આંસૂં ચમકી ઉઠ્યાં. જે એક વર્ષ કોલેજમાં જવાની તક મળી હતી તે સમયની તેની પ્રેમિકા સુહાસીના પ્યારની નિશાની પંપાળી રહ્યો. પહેલી વખત તેને પોતાના ચોરીના ધંધા માટે નફરત થઈ.

*

 

મળસ્કે સુહાસી હોશમાં આવી ને આંખ ખોલી. ગળું ખાલી ખાલી લાગતાં તેનો હાથ ગળા પર ગયો. અને તે ચમકી ગઈ. તે હવે સાવ જાગૃત થઈ ગઈ ને બેઠી થઈ ગઈ. હાથ લંબાવી લાઈટની સ્વીચ દબાવી. બેડરૂમમાં નજર પડતાં તેની આંખો પહોળી થઈ ગઈ. મોંમાંથી હળવી ચીસ નીકળી ગઈ. વૉર્ડરોબના દરવાજા ખુલ્લા હતા. તીજોરી પણ ખુલ્લી હતી. બેડ પાસે જમીન પર નોટોનો ઢગલો પડ્યો હતો, તેનાં બધાં ઘરેણાં, અઠવાડિયા પહેલાં જ ખરીદેલો હીરાનો હાર, પોતે પહેર્યો હતો તે ચેન સાંકળાં, ઝૂમખાં, વિ. વેરવિખેર પડ્યાં હતાં. બાજુમાં લેપટોપ, ટેબલેટ, વીડિયો કેમેરા, મોબાઈલ વિ કિંમતી ચીજ વસ્તુઓ પણ પડી હતી. જોયું તો આંગળી પર હીરાની વીંટી સલામત હતી. પતિને ઊઠાડવા હાથ લંબાવ્યો ત્યાં તેની નજર ડ્રેસીંગ મીરર પર ગઈ. મીરર પર મોટા લાલ અક્ષરે S O R  R  Y લખ્યું હતું. નીચે બે પાંદડાં વાળી ડાળખીની આકૃતિ હતી. તેની નજર અપલક ત્યાં જ ચોંટી ગઈ. લંબાવેલો હાથ પણ એમ જ લંબાવેલો રહ્યો. અગણિત ક્ષણો પસાર થઈ ગઈ. આંખના બે ખૂણા પર મોતી ચમકી ઉઠ્યાં. લંબાવેલા હાથનાં બાવડાંએ બંડ પોકાર્યું પણ તેને ક્યાં ભાન હતું! કોલેજના પ્રથમ વર્ષનો સમય તેની આંખ સામે ચિત્રપટની જેમ ફાસ્ટ ફોર્વર્ડ પસાર થઈ રહ્યો હતો. અચાનક તેણે પલક ઝબકાવી. આંખમાં ઊભરેલાં મોતી નીચે સરી પડ્યાં. તેણે મનોમન કોઈક નિશ્ચય કર્યો. લંબાવેલો હાથ ખેંચી લીધો અને ઊભી થઈ. કાચ સાફ કરવાનું સ્પ્રે અને ડસ્ટર લઈ આવી મીરર પરના અક્ષરો સાફ કરવા લાગી. ડાળખીની આકૃતિ પર હાથ અટક્યો. આંખમાંથી અગણિત મોતી વહેવા લાગ્યાં. મીરર પરની નીશાની તો દૂર થઈ. પણ હાય રે! મન...?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો