શુક્રવાર, 24 જૂન, 2011

સાંજે શું બનાવું ?


સાંજે શું બનાવું ?

મને પ્રાઇમ મીનીસ્ટર મનમોહન સીંઘની ઈર્ષા આવે છે. લોકપાલ બીલ લાવવું કે નહીં ? મુસદ્દા
સમિતિમાં કોને સમાવવા અને કોને ન સમાવવા ? અમેરિકા સામે કેવું વલણ અપનાવવું ? પાકિસ્તાન સાથે દુશ્મની કરવી કે દોસ્તી ? 2જી સ્કેમમાં પોતાની દાઢી કેમ કોરી રાખવી? જયલલિતા જોડે જવું કે સીપીએમ જોડે સંબંધ જાળવી રાખવો વિ. વિ પ્રશ્નોની વણઝાર છે. દેશ સામે આટલા બધા પ્રશ્નો છે પણ મારી સામે જે પ્રશ્નો રોજ રોજ ફેંકાય છે તેના કરતાં તે ઓછા છે. તેને આ બધા સવાલોના જવાબ તત્કાળ નથી આપવાના હોતા. વળી તેની પાસે તો એક રામબાણ ઉપાય પણ મોજુદ છે. નિર્ણય ન લેવો હોય કે ન લઇ શકાય તેમ હોય તો સમિતિ નિમી દે ! જા બિલ્લી કુત્તે કો માર !

મારે તો સવાર પડ્યું નથી કે સવાલોનો મારો શરુ થાય. આ સવાલો કાંઇ વિરોધ પક્ષો તરફથી કે અ‍ણ્ણા સાહેબ કે પત્રકારો ના નથી હોતા ( એને તો પહોંચી વળાય !), આ સવાલો અમારાં શ્રીમતીજીના હોય છે અને તેને તત્કાળ જવાબ દેવાનો હોય છે ! સવારના પહોરમાં ‘દૂધ લાવવાનું છે ?’ થી શરૂઆત થાય. રોજ લાવવાનું જ હોય અને મારે જવાનું જ હોય પણ મારી સવાર આમ જ પડે. મને અભિમાન ફિલ્મના અમિતાભ બચ્ચનની લગ્ન પછીની સવાર યાદ આવે. પણ હાય રે નસીબ ! બસ પછી તો ફાસ્ટ બોલીંગ ચાલુ જ રહે. આખો દિવસ હું રાહુલ દ્રવિડની જેમ ‘વૉલ’ બની ને બેટીંગ કર્યા કરું ! સવારે શું રસોઇ કરવી અને નાસ્તામાં શું ખાશો ? જેવા પ્રશ્નો તો કાયમી છે. બે ગુજરાતી, ચાર મરાઠી અને એકાદ હિંદી મળીને રોજની છ-સાત વાનગીની સીરીયલો રોજ ટીવી પર જુવે અને છતાં શું બનાવવું તે મને પૂછે ! હું જો ઢોકળાં બનાવવાનું કહું તો જવાબ મળે “એ તો પહેલેથી આથવું પડે’.

‘અચ્છા, તો ભજીયાં બનાવ.’

‘ ઘરમાં ચણાનો લોટ નથી.’

‘પાઉં ભાજી બનાવ. ઘણા વખતથી નથી ખાધી.’

‘અત્યારે ઉનાળામાં ફ્લાવર ક્યાંથી લાવું ? ફ્લાવર વિના પાઉં ભાજી થાય? વળી પાઉં પણ લાવવા પડે.’

‘ઇ તો હું હમણાં જઇને લઇ આવું.’

‘એના કરતાં બ્રેડ લઇ આવો, સેંડવિચ બનાવીએ.’

હકિકતમાં પહેલેથી નક્કી જ હોય કે શું બનાવવું છે એટલે મારા નિર્ણયની કોઇ વજૂદ જ ન હોય.
હમણાં ઉનાળાની રુતુ ચાલે છે. રાતના દસ વાગે એટલે પૂછે,

‘આજે એસી ચલાવવાનું છે ?’

હા કહું તો ખિસ્સું કપાય અને ના કહું તો .. .. તો.. જવા દો ને યાર!

આમાં ચાલાકી એ છે કે કંઇ વિપરીત થાય તો જવાબદારી મારી પર ઢોળાય ! “તમે કીધું ‘તું કે તમને પૂછ્યું ‘તું !” છોકરાંઓ બધાં પોતાના સંસારમાં મગ્ન છે ઘરમાં તો ‘હુંતો’ ને ‘હુંતી’ અમે બે જ જણાં ! આમાં જવાબ ટાળવા મારે કોની સમિતિ નિમવી ?

અમારું એક યુગલ મિત્ર છે. રાધા કીશનની જોડી. બાજુની સોસાયટીમાં જ રહે છે. આ કીશનભાઇએ આનો એક સરસ ઉપાય શોધી કાઢ્યો છે. એકવાર મેં તેને ફોન કર્યો,

‘આજે ભાગવત વિદ્યાપીઠ જાવું છે ?’

જવાબમાં ચાલુ ફોને તેણે હાક મારી “રાધા! ભજમનભાઇ પૂછે છે કે ભાગવત વિદ્યાપીઠ જવું છે ? “

.....

‘હા જઇએ.’ તેમણે જવાબ આપ્યો.

‘ભલે તો ચાર વાગે નીકળીએ. તમારી ગાડીમાં કે મારી ?’

“રાધા! આપણી ગાડી સર્વિસમાંથી આવી ગઇ ?”

..........   ..........  ............  .........

‘તમારી ગાડીમાં જ જઇએ. મારી ગાડી સર્વિસમાં છે.’

મને લાગે છે મારે કીશનભાઇ પાસેથી ગુરૂમંત્ર શીખી લેવો પડશે. આ ‘ટાઇપી’ રહ્યો છું (લખવાનું તો બંધ જ થઇ ગયું છે)  ત્યાં મારા ખભા પર ધીમેથી હાથ થાબડીને પ્રશ્ન પૂછયો,

“ સાંજે શું બનાવું ?”

                                                                    ========><========

8 ટિપ્પણીઓ:

  1. વાહ ! વાહ! તમે તો આ घर घर की कहानी ने (ખાનગી) જાહેર માં લાવી દીધી. શ્રીમતીજી આ લેખ વંચાવવો જ પડશે.Best wishes
    nirupam

    જવાબ આપોકાઢી નાખો
  2. વાહ ! વાહ!
    તમે તો આ घर घर की कहानी લાવી દીધી.

    જવાબ આપોકાઢી નાખો
  3. સાંજે શું બનાવવું ?
    આ પ્રશ્નને હું અને મારાં ભાભી "યક્ષપ્રશ્ન " કહીએ છીએ :) :)

    જવાબ આપોકાઢી નાખો
  4. આભાર ! તમારી ટિપ્પણીએ મને બીજો લેખ લખવાની પ્રેરણા આપી !

    જવાબ આપોકાઢી નાખો
  5. વાહ ! વાહ! તમે તો આ घर घर की कहानी ने (ખાનગી) જાહેર માં લાવી દીધી. આ તો તમારા શું કે અમારા, દરેકના ઘરની વાત છે, હા, અમારા તો ધ્યાનમાં જ નહોતી, તમે જાહેરમાં લાવી દીધી......!!!!!
    M.D.Gandhi, U.S.A.

    જવાબ આપોકાઢી નાખો