શુક્રવાર, 26 નવેમ્બર, 2021

અવ્યક્ત પ્રેમ

(સાત વર્ષ પછી મને ફોન કરજે. હું તારા ફોનની રાહ જોઈશ અને જ્યાં હોઈશ ત્યાંથી આવી જઈશ. કારણ કે તું મને બહુ ગમે છે. આ ચબરખી અહીં મૂકું છું, જો તને રસ હોય તો લઈ લેજે.” એમ એક શ્વાસે બોલીને તે અંદર ઘરમાં જતો રહ્યો.)

અવ્યક્ત પ્રેમ.

 

“આજે 23મી નવેમ્બર, મારો 23મો જન્મ દિવસ છે. શું કરું? ફોન કરું? શું હજી આ ફોન નંબર ચાલુ હશે?” સ્વરા અપલક નયને સાત વર્ષોથી સાચવીને જાળવી રાખેલી કાગળની એક ચબરખી હાથમાં લઈને નિહાળતાં વિચારી રહી. દિલના ધબકારા એકદમ વધી ગયા હતા. સમગ્ર તનમાં એક પ્રકારની  ઝણઝણાટી પ્રસરી ગઈ હતી. ”સાત વર્ષ પહેલાં હ્રદયે પોતાનો ફોન નંબર આ ચબરખી પર લખીને આપ્યો હતો અને મને કહ્યું હતું કે 23 વર્ષની થાય ત્યારે મને ફોન કરજે. પણ તેને ક્યાં ખબર છે કે આજે મારો 23મો જન્મદિવસ છે? કદાચ તેણે જાણી પણ લીધો હોય! શું તે મારા ફોનની રાહ જોતો હશે? હા, કેમ નહીં? ત્યારે જ તેણે મને કહ્યું હતું “તું મને બહુ ગમે છે.” પણ એની શી ખાત્રી કે હજુ તેને હું ગમતી હોઉં? કદાચ આટલા વર્ષોમાં તેણે કોઈ ગર્લફ્રેન્ડ બનાવી પણ લીધી હોય! તેનો વિચાર બદલાયો પણ હોય!

 “પણ તારો વિચાર તો નથી બદલાયોને? તું તો આટલા વર્ષોથી તારા 23મા જન્મદિવસની ચાતકની જેમ રાહ જોઇ રહી છે, તેનું શું? સાત વર્ષથી તું હ્રદયના નામની માળા જપી રહી છે તેનું શું?” તેના અંતરમાંથી અવાજ આવ્યો.

સ્વરાના મન:પટ પર સાત વર્ષ પહેલાનું ચિત્ર ઉપસી આવ્યું. બારમાના મેથ્સના ટુશન માટે તે વ્યાસ સરને ઘેર જતી. એક દિવસ તે જઈને બેઠી, સર કોઈ કામમાં હતા તો હજી આવ્યા ન હતા. તેવામાં હ્રદય તેની સામે મેથીના ગોટાની ડિશ લઈને આવ્યો. અને કહ્યું, “પપ્પાને વાર લાગશે, ત્યાં સુધી આ ગોટાને ન્યાય આપ. આ ગોટા મેં બનાવ્યા છે. મમ્મીના નિર્દેશનમાં.  સ્વાદમાં કેવા છે તે કહેજે. અને હા, જો તને રસોઈ આવડતી હોય તેવો પતિ મેળવવાની ઈચ્છા હોય તો આ મારો ફોન નંબર છે, સાત વર્ષ પછી મને ફોન કરજે. હું તારા ફોનની રાહ જોઈશ અને જ્યાં હોઈશ ત્યાંથી આવી જઈશ. કારણ કે તું મને બહુ ગમે છે. આ ચબરખી અહીં મૂકું છું, જો તને રસ હોય તો લઈ લેજે.” એમ એક શ્વાસે બોલીને તે અંદર ઘરમાં જતો રહ્યો.  

“સ્વરા, મનોજકાકાનો ફોન હતો. તેના એક બાળપણના મિત્રનો દીકરો અમેરિકાથી આવવાનો છે. લગ્ન માટે કન્યા જોવા. તારું નામ પણ લીસ્ટમાં છે. મનોજકાકાએ કહેવડાવ્યું છે કે 10મી થી 15મી ડીસેમ્બર દરમ્યાનમાં કોઈ એક દિવસ નક્કી કરીને આપણે તેને જણાવવાનું છે. અને આ છોકરાના બે-ત્રણ ફોટા  મોકલ્યા છે. અને તેનો બાયોડાટા પણ મોકલ્યો છે. હું તને ફોરવર્ડ કરું છું. તું જોઈ જજે અને મને સાંજ સુધીમાં કહી દેજે. મને અને તારા પપ્પાને તો છોકરો પસંદ છે. તારી પસંદગીની રાહ છે. @Bhajman છોકરા માટે મનોજકાકાએ એકદમ નિશ્ચિંત રહેવા કહ્યું છે. પોતે તેની જવાબદારી લે છે.” મમ્મીએ આવીને તેની વિચાર સમાધીમાં ભંગ પાડ્યો.

“પણ મમ્મી મને દેશવટો આપવાની તને આટલી બધી ઉતાવળ શું છે? હું તને ભારે પડું છું? હજી તો હું મારા જીવનની પહેલી નોકરીમાં સેટ થઈ છું. એ કંપનીએ ત્રણ વર્ષનું બોન્ડ લીધું છે.         

આ એનઆરઆઈ છોકરાઓને તો ચટ મંગની પટ બ્યાહ કરીને પાછા ભાગી જવું હોય. ન ઓળખાણ ન પીછાણ, ન પ્રેમ ન લાગણી. નામ સિવાય મને તેના વિષે કાંઈ ખબર પણ નથી. એમ સાવ અજાણી વ્યક્તિ જોડે જીંદગી કેમ જોડાય? તેણે ત્યાં અમેરિકામાં શું ફૂલ વેર્યાં હશે તે આપણને ખબર છે?” સ્વરાએ પોતાનો વિરોધ નોંધાવ્યો.

“ અરે પણ તને કહ્યું તો ખરું, મનોજકાકાએ છોકરાની સંપૂર્ણ જવાબદારી લીધી છે. તેના ખાસ મિત્રનો દીકરો છે. પછી આપણે શું ઝાઝી પડપૂછ કરવી?” મમ્મીએ બચાવ કર્યો.

“કેમ ન કરવી? જીંદગી મારે જોડવાની છે કે મનોજકાકાએ? અને શી ખબર તે મને પસંદ કરશે? તે તો પંદર-વીસ છોકરી જોવાનો હશે. અને મૂળ મુદ્દો, મારે હમણાં લગ્ન જ નથી કરવાં. મારી કેરિયર પર ધ્યાન આપવું છે. તું મનોજકાકાને ના કહી દેજે.” સ્વરાએ સ્પષ્ટતા કરી.

“અરે! તને કેમ પસંદ ન કરે? આટલી રૂપાળી છે, એમબીએનું ભણી છે, કામેકાજે ડાહી છે, આપણું સંસ્કારી કુટુંબ છે. શું ખોટ છે તારામાં? અને બેટા, દીકરી ગમે તેટલી વહાલી હોય, કાળજાનો ટુકડો હોય પણ માબાપે છેવટે તો તેને સાસરે વળાવવી જ પડે છે. અને દરેક માબાપ પોતાની દીકરીને સારું સાસરું મળે તેવું ઈચ્છતા હોય છે. અને તું આટલી ભણેલી છે તો અમેરિકામાં પણ તારી કેરિયર બનાવી શકે. મનોજકાકાની પણ તું ફેવરીટ ભત્રીજી છે તે તારા માટે ગમેતેવું ઠેકાણું ન શોધે. અને ના પડાવીએ તો તેને ખોટું ન લાગે? બેટા, તું સમજ, વિચારી જો સાંજ સુધીમાં મને જવાબ દેજે.”

મમ્મી તો રસોડામાં ગયાં પણ સ્વરાને મનોમંથનના દરિયામાં ધકેલતાં ગયાં.મારે હવે ફોન કરવો જ જોઈએ તેને. પણ હું તેને શું કહીશ? મારા પ્રેમનો એકરાર કેવીરીતે કરીશ? શું મને તે ઓળખશે? તેણે લગ્ન કરી લીધાં હશે કે તેની કોઈ પ્રેમિકા હશે તો? હું શું કહું? શું ખરેખર તે મારા ફોનની રાહ જોતો હશે?” સ્વરા દ્વિધામાં અટવાતી રહી.

“અરે ગાંડી! તેં ચબરખી લઈ લીધી હતી તેથી તે જાણતો તો હશે જ કે તને તેનામાં રસ છે. સાત વર્ષથી તું આ પળની રાહ જોઈ રહી છે, કાંઇ નહીં તો એકવાર ફોન તો કરવો જ જોઈએ.” તેના હ્રદયે તેને ટપારી. 

સ્વરાએ પોતાનો મોબાઈલ ઉઠાવ્યો. કોન્ટેક્ટમાં જઈને HEART શોધીને આંખો મીંચીને ભગવાનનું નામ લઈને નંબર જોડ્યો. કોવિડ વિષેનો સરકારી બકવાસ પૂરો થયા પછી “ટુક.. ટુક.. ટુક.. ટુક..”સંભળાયું, દરેક ટુક.. ટુક અવાજ સાથે તેના દિલના ધબકારા બમણી ઝડપે વધતા હતા. શ્વાસ અદ્ધર થઈ ગયો હતો. થોડીવાર પછી ..”આપ જે નંબરનો સંપર્ક કરી રહ્યા છો તે અસ્તિત્વમાં નથી.....” સ્વરા સ્તબ્ધ થઈ ગઈ. શ્વાસ લેવાનું ભૂલી ગઈ. ક્યાંય સુધી મોબાઈલ કાને ધરી રાખીને શૂન્યમનસ્ક બેઠી રહી. તેની આંખમાંથી બે અશ્રુબિંદુઓ સરી પડ્યાં.

“પગલી! એમ નાસીપાસ ન થવાય. કોઈપણ કારણ હોઇ શકે નંબર કેન્સલ થવા માટે. તું રાજકોટ વ્યાસ સરને ઘેર લેન્ડલાઈન પર ફોન કર અને તપાસ કર.” આંતરમને તેને ફરી ગોદાવી.  

સ્વરા સ્વસ્થ થઈ. વ્યાસ સરનો લેન્ડલાઈનનો નંબર તો ન હતો. હવે? હવે એક જ ઉપાય છે રાજકોટ રૂબરૂ જ સરને ઘેર જવું. ધેટ ઈઝ દ ઓન્લી સોલ્યુશન. આ વાતનો નિવેડો લાવવો જ પડે. તેણે અમદાવાદથી રાજકોટની આવતીકાલની સવારની વોલ્વોની બસની ટિકિટ બુક કરાવી. સામાન પેક કરીને મમ્મીને સમજાવ્યું કે ઓફિસના કામે તેને એક દિવસ માટે રાજકોટ જવું પડે તેમ છે.

“આવો બેન, તમે.. તું સ્વરા તો નહીં? હા વળી, સ્વરા જ છો. આવ, આવ દીકરી. અમે તારી જ રાહ જોતાં હતાં.” વ્યાસ સરે સ્વરાને આવકારી. સ્વરા બંનેને પગે લાગી અને બેઠી.

થોડીવાર ઓરડામાં અકળાવતું મૌન છવાયું. પછી સરલામાસી બોલ્યાં, “હ્રદયે કહ્યું જ હતું કે સ્વરા જરૂર આવશે. અને તારે માટે કઈંક આપતો ગયો છે. કે સ્વરાને આપજો. થોભ હું અંદરથી લઈ આવું.”

“પણ હ્ર..હ્રદય.. એ.. એ ક્યાં છે?” સ્વરાએ ત્રુટક અવાજે પૂછ્યું.

કોઈ જવાબ ન મળ્યો.

થોડીવારે સરલામાસી આવ્યાં અને સ્વરાના હાથમાં ધ્રૂજતા હાથે એક કવર મૂક્યું. સ્વરાએ કવર ખોલ્યું, અંદરથી એક સોનાની વીંટી જેમાં હાર્ટ આકારનો રૂબી જડ્યો હતો અને કાગળ નીકળ્યા.@Bhajman

સ્વરાએ થરથરતા હાથે કાગળ ખોલીને વાંચવા માંડ્યો.

“સ્વરા,

મારી પ્રિય સ્વરા,

મારા સપનાંની મહારાણી,

મને ચોક્કસ ખાત્રી છે કે આપણો સાત વર્ષનો દૂરવાસ પૂર્ણ થતાં જ તું મને ફોન કરીશ. અને ફોન ન લાગતાં રૂબરૂ રાજકોટ આવીશ જ. મને માફ કરી દેજે તને હું નહીં મળી શકું. આ સાથે તારા માટે એક વીંટી મારા પ્રેમના પ્રતિક તરીકે અને મારી યાદ રૂપે મૂકી છે તે સ્વીકારી લેજે. આવજે મારી પ્રિય સ્વરા, તેં તારો વાયદો પાળ્યો પણ હું નથી પાળી શકવાનો.

આ.. .. લ.. .. વી.. .. દા.                

હ્રદય.

સ્વરાની આંખમાંથી આંસૂ સાથે રોષની જ્વાળા નીકળતી હતી. તેણે સર અને માસી તરફ પ્રશ્નાર્થ નજરે જોયું. બંનેની આંખો પણ ચૂઈ રહી હતી.

માસીએ આક્રંદ કરતાં કહ્યું, “બેટા સ્વરા, ગઈસાલ કાળમુખો કરોના અમારા હ્રદયને ભરખી ગયો.”   

#####        

-ભજમન.

                                                                  


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો