‘બંટુ.. .. ઓ.. .. ‘બં.. .. ટુ !’
‘… .. ‘
‘અભી તક ઉઠા નહિ ક્યા ?’
અને બંટુનું સવાર પડે. બસ, પછી તો હૉસ્ટેલમાં બંટુ જ બંટુ થઇ રહે. બંટુ એટલે અમારી હૉસ્ટેલનો હાથવાટકો ! કોઇપણ ચીજ વસ્તુ લાવવા લઇ જવાની હોય તો તે બંટુનું કામ. પહેલા માળ પર નવ નંબરમાં રહેતા પાટીલને ત્રીજા માળે રહેતા પઠાણ પાસેથી ડ્રોઇંગ બોર્ડ મંગાવવું હોય તો બંટુને નીચે બોલાવે અને પછી કામ સોંપે !
અમારી હૉસ્ટેલને ત્રણ માળ, દરેક માળ પર આઠ-આઠ રૂમ છે. ભોંયતળિયું ગણતાં ત્રીસ રૂમો થાય. ત્રીજા માળની ઉપર અગાસી છે. આ અગાસીના દાદર પરની ઓરડી-બંગલી એટલે બંટુનો ભવ્ય ’રાજ મહેલ.’ એમાં બંટુનું સમગ્ર રાચરચિલું સમાયું હોય. સરસામાનમાં તો એલ્યુમિનિયમના ટીફીનનાં ચાર ખાનાં, ચાર-પાંચ માટીનાં માટલાં (એક સાથે આટલાં માટલાં રાખવાનું રહસ્ય હજુ કોઇ તેની પાસેથી કઢાવી શક્યું નથી !), જેમાં તે વારાફરતી પાણી સંઘરી રાખે., બાકી એકાદ જર્જરિત મેલું ગોદડું અને કોઇ વિદ્યાર્થીનું ફાટેલું, રૂ નીકળી ગયેલું ગાદલું. તેનાં કપડાંમાં બે ફાટેલી ખાખી અર્ધી ચડ્ડી અને ખમીસ કે કોઇએ આપેલું ટીશર્ટ. શર્ટને કે ચડ્ડીને બટન હોવાં જરૂરી નહીં. ચામડાના એક પહોળા પટ્ટાની મદદથી તે ચડ્ડી પર સારો એવો કાબુ રાખી શકતો હતો.
બેઠી દડીના, થોડા ભરાવદાર શરીરવાળા બંટુનો ચહેરો, જમાનાનો માર ખાધેલ હોય, તેવો સખત હતો. તેમાં ગોળ પીળાશ પડતી આંખો વચ્ચે આગળ પડતું ભોલર મરચાં જેવું તેનું નાક વિશેષ ધ્યાન ખેંચતું. ત્રણ ચાર દિવસની વધેલી કાબર ચીતરી દાઢી, માથે સફેદ, ટુંકા વાળ હોવા છત્તાં તેની ઉંમરનો ક્યાસ કાઢવો મુશ્કેલ હતો.
‘બંટુ.. .. ઓ.. .. ‘બં.. .. ટુ !’
‘… .. ‘
‘અબે બંટુકે બચ્ચે,’ સોળ નંબરવાળો પાટીલ બૂમ પાડ્વાનો. ‘અબે ! લઉકર યે, લે આ ચા પી જા.’