‘બંટુ.. .. ઓ.. .. ‘બં.. .. ટુ !’
‘… .. ‘
‘અભી તક ઉઠા નહિ ક્યા ?’
અને બંટુનું સવાર પડે. બસ, પછી તો હૉસ્ટેલમાં બંટુ જ બંટુ થઇ રહે. બંટુ એટલે અમારી હૉસ્ટેલનો હાથવાટકો ! કોઇપણ ચીજ વસ્તુ લાવવા લઇ જવાની હોય તો તે બંટુનું કામ. પહેલા માળ પર નવ નંબરમાં રહેતા પાટીલને ત્રીજા માળે રહેતા પઠાણ પાસેથી ડ્રોઇંગ બોર્ડ મંગાવવું હોય તો બંટુને નીચે બોલાવે અને પછી કામ સોંપે !
અમારી હૉસ્ટેલને ત્રણ માળ, દરેક માળ પર આઠ-આઠ રૂમ છે. ભોંયતળિયું ગણતાં ત્રીસ રૂમો થાય. ત્રીજા માળની ઉપર અગાસી છે. આ અગાસીના દાદર પરની ઓરડી-બંગલી એટલે બંટુનો ભવ્ય ’રાજ મહેલ.’ એમાં બંટુનું સમગ્ર રાચરચિલું સમાયું હોય. સરસામાનમાં તો એલ્યુમિનિયમના ટીફીનનાં ચાર ખાનાં, ચાર-પાંચ માટીનાં માટલાં (એક સાથે આટલાં માટલાં રાખવાનું રહસ્ય હજુ કોઇ તેની પાસેથી કઢાવી શક્યું નથી !), જેમાં તે વારાફરતી પાણી સંઘરી રાખે., બાકી એકાદ જર્જરિત મેલું ગોદડું અને કોઇ વિદ્યાર્થીનું ફાટેલું, રૂ નીકળી ગયેલું ગાદલું. તેનાં કપડાંમાં બે ફાટેલી ખાખી અર્ધી ચડ્ડી અને ખમીસ કે કોઇએ આપેલું ટીશર્ટ. શર્ટને કે ચડ્ડીને બટન હોવાં જરૂરી નહીં. ચામડાના એક પહોળા પટ્ટાની મદદથી તે ચડ્ડી પર સારો એવો કાબુ રાખી શકતો હતો.
બેઠી દડીના, થોડા ભરાવદાર શરીરવાળા બંટુનો ચહેરો, જમાનાનો માર ખાધેલ હોય, તેવો સખત હતો. તેમાં ગોળ પીળાશ પડતી આંખો વચ્ચે આગળ પડતું ભોલર મરચાં જેવું તેનું નાક વિશેષ ધ્યાન ખેંચતું. ત્રણ ચાર દિવસની વધેલી કાબર ચીતરી દાઢી, માથે સફેદ, ટુંકા વાળ હોવા છત્તાં તેની ઉંમરનો ક્યાસ કાઢવો મુશ્કેલ હતો.
‘બંટુ.. .. ઓ.. .. ‘બં.. .. ટુ !’
‘… .. ‘
‘અબે બંટુકે બચ્ચે,’ સોળ નંબરવાળો પાટીલ બૂમ પાડ્વાનો. ‘અબે ! લઉકર યે, લે આ ચા પી જા.’
દરરોજ બંટુને ચા આપવાનો તેનો નિયમ. હજુ હાથમાં ચાનો કપ પકડ્યો, ન પકડ્યો ત્યાં તો ચોવીસ નંબરમાંથી સાયકલવાળાની ઘંટડી રણકે, ’બં..ટુ ! મારાં કપડાં જલદીથી ધોબી કનેઠી લઇ આવની, મારે કોલેજ જવાનું મ્હોડું થાય ચ કે’ની ?’
સવારે સાડાસાતે કોલેજ શરૂ થતી હોય ત્યારે અમારા સાયકલવાળા સાહેબ સાડાઆઠે બંટુને ધોબીને ત્યાંથી કપડાં લાવવા માટે, રૂમમાંથી જ મોઢામાં બ્રશ ફેરવતાં ફેરવતાં તાકીદ કરતા હોય ! એક વખત સાયકલવાળાની બૂમ પડે એટલે બંટુજી હાથમાં જે કાંઇ હોય તે પડતું મુકીને. દોડે. જરા ચૂક થઇ તો આવી બન્યું ! ચાનો કપ પડતો મુકીને બંટુ પહોંચે ધોબીની દુકાને ! કપડાં લાવીને ઊભો રહે એટલે સાયકલવાળા સાહેબ એના હાથમાં તપેલી પકડાવે, ’જા, ડૂધ લઇ આવની !’ બંટુ એક દાદરો ઉતરે ત્યાં વળી ઊપરથી બૂમ પડે. આ વખતે ત્રેવીસ નંબરવાળા જોશીને ખમણ ખાવાનું મન થઇ આવે. વળી બંટુ ઉપર આવે. પણ જોશી મહારાજ રાતના સૂતી વખતે પાકીટ ક્યાં મુક્યું હતું તે ભુલી ગયા હોય તેથી તે શોધવા બેસે. પાકીટ મળે અને પૈસા આપે ત્યાં સાયકલવાળાની નજર પડે અને ગર્જના થાય, ’અરે બાવા ! અભી ગયા નહિ ક્યા ? ઈઢર ખડે ખડે ક્યા કરતા હૈ ? જા જા. કોલેજ કોન ટારો ડોહો...’ બિચારા બંટુ મહાશય ‘અભી જાતા, અભી જાતા’ બબડતો દાદરો ઉતરી જાય; નહિ તો વચ્ચેથી બીજી એકાદ તપેલી કોઇ પકડાવી દે કે પછી ઈસ્ત્રીનાં કપડાં કે પ્રધાનનું વિલ્સનું પાકીટ લાવવાનું હોય. આમ બધાના આદેશોનું પાલન કરતો તે આખરે સાયકલવાળાને દૂધ, જોશીને ખમણ કે પ્રધાનને વિલ્સ પહોંચાડે. ત્યાં સુધીમાં તો સાયકલવાળાનો કોલેજ જવાનો ‘મુડ ઑફ’ થઇ ગયો હોય એટલે અઠ્ઠાવીસ નંબરવાળા પરમાર પાસેથી છાપું મંગાવી ‘મૉર્નિંગ શો’ની શોધખોળ કરે !
બંટુ કોણ છે, ક્યાંથી આવ્યો, ક્યારે આવ્યો કે તેની ઉંમર શું છે તા બધા વિષે કોઇને સાચી જાણ નથી. સહુ પોત-પોતાની અટકળો અને સાંભળેલી વાતો દોહરાવે છે. કોઇ કહે છે તેને યુવાનીમાં પ્રેમમાં દગો થયો હતો, કોઇ કહે છે તે લખપતિ બાપનો બેટો હતો, પણ ભાઇઓએ, તે મિલકતમાંથી ભાગ ન પડાવે માટે, પરાણે ગાંડો ઠરાવીને કાઢી મુક્યો. કોઇ કહે છે તે પ્રેમભગ્ન તેમજ કુટુમ્બભગ્ન બંને છે. પણ એક વાત નક્કી છે તે અમારી હોસ્ટેલનું એક કાયમી, જીવંત અને ઉપયોગી પાત્ર છે.
‘બંટુ, ડીડ યુ ટેક યોર લંચ ઓર નોટ ?’ કાઠિયાવાડનો બારોટ તેની આગવી અંગ્રેજીમાં જ બંટુ સાથે વાતો કરશે. અને હમેશાં અગિયાર વાગે કોલેજ જતાં પહેલાં બંટુને જમવાનું યાદ કરાવશે. બંટુના ખોરાકમાં સુરતી બેકરીની બ્રેડ અને દાળ. અમારા વિસ્તારના એક દયાળુ લોજ માલિક બંટુને વિના મુલ્યે ટિફિનનું ખાનું ભરીને દાળ આપે છે. બંટુ મહાશય બાર વાગે એટલે ટિફિનના ખાનાં લઇને નીકળે. અમારી હોસ્ટેલથી લોજ દૂર નથી, ફક્ત બે જ મિનિટના અંતરે છે. પણ એ બે મિનિટનું અંતર કાપતાં તેને કલાક થાય. દરેક ડગલે તે ચારે બાજુ જોઇને આગળ વધે. ત્રણ વખત એ રસ્તો ઓળંગે. સામે પાર જઇને આ પાર પાછો આવે અને પાછો સામે પાર જાય. ઘણીવાર લોજથી વિરુધ્ધ દિશામાં જાય ને ત્યાંથી પાછો ફરે, ધીરે પગલે ચાલતાં ચાલતાં આ બધો વખત એનો અસ્ખલિત બબડાટ ચાલુ હોય. આમ શામાટે તે કરે છે તેનું કારણ હજુ સુધી કોઇએ તેને પૂછ્યું નથી. કદાચિત્ કોઇએ પૂછ્યું હશે તો તેના જવાબમાં અસંબધ્ધ બબડાટ જ મળ્યો હશે. આમ રસ્તામાં અટવાતો હોય ત્યાં હોસ્ટેલનો એકાદ વિદ્યાર્થી કે આજુબાજુના દુકાનદારો તેને ટોકે એટલે ભાઇસાહેબ માંડ એકાદ વાગે લોજમાં પહોંચે. ત્યાંથી દાળનાં ખાનાં ભરીને એજ રીતે રસ્તો કાપતાં કાપતાં બે વાગ્યા સુધીમાં હોસ્ટેલ પર આવે. વચ્ચે સુરતી પાસેથી બ્રેડનું અર્ધું પેકેટ પણ ટિફિનમાં નાખતો આવે. પછી તેની બંગલીમાં ટિફિનનાં ખાનાં પાથરીને ભોજન શરૂ કરે. ચારેક વાગ્યા સુધી તેનું ભોજન ચાલવાનું કેમકે વચ્ચેથી અનેક વખત કોઇ તેને ઉઠાડી કામે મોકલે. અને નહિ તો તે પોતે જ ખાવાનું પડતું મુકીને અગાસીના કઠોડા પાસે તેની માનીતી જગ્યા પર જાઇને ઉભો ઉભો આજુબાજુના મકાનોની ટોચ સાથે કે દૂર દૂર મંદિરની ફરકતી ધજા સાથે અગમનિગમની વાતો કરે. હું કોલેજેથી આવું ત્યારે તેને ખાવાનું સંપેટવા માટે અચૂક ટકોર કરવી પડે.
સાંજ પડે અને હોસ્ટેલ ભરાય કે પાછું એ જ રટણ; ’બંટુ, તીન કોકાકોલા લે કે આઓ.’ જોશી મહારાજને દીવો કરવાનું ઘી ખૂટી ગયું હોય તો તે મંગાવે. બારોટ જેમ બંટુ સાથે અંગ્રેજીમાં જ વાતો કરે તેમ જોશીજી મરાઠીમાં જ બોલવાનો આગ્રહ રાખે. અને દરેક વાક્યો ત્રણ ત્રણ વાર બંટુ પાસે ગોખાવે ! ‘માલા આતા જ પાહિજે, સત્વર યા, કાય ? દેર નકો કરા.’ બંટુ ‘હોવ હોવ’ કરતો આગળ જાય કે પાછો બોલાવે , ‘મી કાય સાંગિતલા ? કીતી પૈસે દિલે તુલા ?’ ફરીવાર આખો સંવાદ તેની પાસે બોલાવડાવે અને કેટલા પૈસા આપ્યા તથા કેટલા પાછા લાવવાના તેની પૂરેપૂરી સમજણ આપે.
બંટુ, અમારો બંટુ. દરેકનો હુકમ માથે ચડાવીને તેનો શાંતિથી અમલ કરે. અમે તેની મશ્કરી કરવામાં કાંઇ જ બાકી ન રાખીએ. સહુના મનોરંજનનું હાથવગું સાધન ! વગર હોળીએ પણ કોઇને મુડ આવે તો બંટુનું મોઢું રંગાય જાય કે માથા પર એક-બે બાલદી પાણી રેડાય જાય. કોઇવાર તેના ટિફિનનાં ખાનાં ગુમ થઇ જાય તો કોઇવાર બ્રેડનું પેકેટ શોધતાં પાંચ વાગી જાય.
પણ મહિનો થાય કે દરેક વિદ્યાર્થી બંટુને દસ વીસ રૂપિયા આપી જ દે. દુરાનીને મટકામાં સારો તડાકો પડ્યો હોય તો લીલી નોટ પણ પકડાવી દે. ન્હાવા માટે લક્સની આખી ગોટી સામાન્ય રીતે મળી રહે. દાઢી માટે કોઇની પણ રૂમમાં જઇને નવી બ્લેડ લઇ આવે. અને કોઇ ના પણ ન પાડે. બંટુને શિયાળામાં ઠંડો પવન ન લાગે તે માટે જૂની ડ્રોઇંગ શીટ્સ તેની બંગલીના બારી-દરવાજા પર લગાવવા માટે મળી રહે. બંટુને શરદી થઇ હોય તો માધવાણી તેને બામની ડબ્બી વગર બોલે આપી દેવાનો. દશેરા કે દિવાળીમાં તેનું ભોજન મીઠાઇ વિનાનું ન હોય. બંટુનું શર્ટ ફાટવા માંડ્યું હોય તો કોઇ ને કોઇ વિદ્યાર્થી તેને માટે જૂનું શર્ટ કે ટીશર્ટ કાઢી આપે. બંટુનો એકાકી બબડાટ કોઇવાર વધે ત્યારે તેને બોલાવીને ટપારે પણ એ જ વિદ્યાર્થીઓ. બંટુ પણ અમારી પરીક્ષા વખતે શુભેચ્છા આપે કે સામે મળે તો અમારા પેપરો કેવા જાય છે તે પૂછવાનું ન ભૂલે.
ગમે તેમ હોય, બંટુ અમારી હોસ્ટેલનો આત્મા છે. અનેક વિદ્યાર્થીઓ આટલા વર્ષોમાં આવ્યા ને ગયા, પણ બંટુના જીવનક્રમમાં કોઇ ફેર નથી પડ્યો. પાટીલ નહિ તો પટેલ સવારની ચા તેને મળી જ રહે છે. માધવાણી જશે તો મોદી આવશે પણ બંટુને બામ મળી રહેવાનો. આ હોસ્ટેલમાં તેના વાળ કાળા મટી સફેદ થયા. પણ હા ! મોંઢામાંથી ઘણીવાર નિઃશ્વાસ સરી પડે છે. આખી હોસ્ટેલમાં એકચક્રી કામ કરતી કામવાળી બાઇ લક્ષ્મી, રોજ એકાદ રૂમમાં પાણી ભરવામાં ગુલ્લો મારે જ; અને ત્યારે ભોંયતળીયાના નળેથી પીવાનું પાણી ભરવાનું કામ બંટુનું જ. પરંતુ હવે તે અર્ધું માટલું પાણી લઇને દાદરો ચઢતાં હાંફી જાય છે. ઘણીવાર તેના મોઢામાંથી શબ્દો સરી પડતા હોય છે, ‘અબ મેં થક ગયા હૂં ! ભઇ, અબ થક ગયા હૂં !’
આવતી કાલે હું પણ હોસ્ટેલ છોડી જઇશ પરંતુ મારા માનસપટ પરથી બંટુ નહિ ખસે. અને કદાચ હોસ્ટેલનો દરેક વિદ્યાર્થી જ્યારે જ્યારે હોસ્ટેલને યાદ કરશે ત્યારે બંટુને યાદ કરશે જ.
***
પાદ પૂર્તિ :
વર્ષો પછી અચાનક મને સિંગાપુર એરપોર્ટ પર નયન મળી ગયો. નયન, ડૉ.સબનીસનો પુત્ર. અમારી હોસ્ટેલના માલિક ડૉ. સબનીસ ફીઝીશીયન હતા. અને તેમનાં પત્ની ગાયનેકોલોજીસ્ટ. તેઓનું નર્સિંગ હોમ-કમ-નિવાસસ્થાન હોસ્ટેલની પાસે જ હતું. નયન એંજિ. માં પહેલા વર્ષથી જ મારી સાથે હતો. અને અમે સારા મિત્રો હતા. અવારનવાર નયન મારી રૂમ પર તો હું તેના ઘરે વાંચવા કે ટર્મવર્ક કમ્પલીટ કરવા ભેગા થતા. મારા હોસ્ટેલના નિવાસ દરમ્યાન ક્યારે પણ નયન પાસેથી મને બંટુનો પૂર્વ ઈતિહાસ જાણવા મળ્યો ન હતો.
એરપોર્ટ પર અમારે ત્રણ કલાક ગાળવાના હતા. વાતો વાતોમાં મેં બંટુના સમાચાર પૂછ્યા. તેણે ગંભીર સ્વરે કહ્યું, ‘Well, Bantu is no more !’ થોડીવાર અમે બંને મૂક બની ગયા. ‘તું હમેશાં બંટુ વિષે મને પૂછ્યા કરતો હતો, અને હું કાયમ વાત ટાળતો હતો. કેમ કે મને પણ ત્યારે કશી ખબર ન હતી. નાવ આઇ વિલ ટેલ યુ. ડૉ. સબનીસે બંટુના મ્રુત્યુ સમયે મને આ વાત કરી હતી. એક સાલ નર્મદામાં ભયાનક પૂર આવ્યાં. પૂરે વિનાશક તારાજી સરજી. ભરૂચ જિલ્લામાં નર્મદા કાંઠાના અનેક ગામો તણાયાં હતાં. ખેતરો અને ગામો પર પૂરનો રાક્ષસી પ્રવાહ ફરી વળ્યો હતો અને રાતના અંધકારમાં અનેક કુટુમ્બો નર્મદાના રૌદ્ર સ્વરૂપનો ભોગ બન્યાં હતાં.
ડૉ. સબનીસ ત્યારે મેડિકલ ટીમ સાથે રાહત કેમ્પમાં હતા. લશ્કરની બચાવ ટીમને બંટુ, અર્ધ બેભાન અવસ્થામાં, હાથમાં દોઢ વર્ષના પુત્રને જકડીને, એક ઝાડ પર વળગેલો મળ્યો હતો. લશ્કરના જવાનો જ્યારે તેને લાવ્યા ત્યારે તે તદ્દન મૂઢ, અવાક થયેલી હાલતમાં હતો. પૂરમાં જાણે તેની વાચા તણાઇ ગાઇ હતી. કદાચ અડતાલીસ કલાકથી વધારે સમય સુધી તે ભૂખ્યો તરસ્યો, તેના દિકરાને છાતી સરસો ચાંપીને ઝાડ પર લટ્કી રહ્યો હશે. પોતાના કુટુમ્બને નજર સમક્ષ તણાતાં જોઇ તેના મગજને જબરદસ્ત આઘાત લાગ્યો હતો.જેમાંથી તે કદી બહાર આવી ન શક્યો. તેના પુત્રને સઘન સારવારની જરૂર હોઇ ડો. સબનીસ બંટુને લઇ વડોદરા આવ્યા. છ મહિનાની અથાગ મહેનત પછી છોકરો બચી ગયો. બહુ તપાસ કર્યા પછી જાણવા મળેલું કે એક નાનકડા ગામનો એક નાનકડો ખેડૂત હતો બંટુ. વિધવા મા, પત્ની, એક પુત્રી અને એક પુત્ર સાથે ખેતરમાં જ કાચું ઘર કરીને રહેતો હતો. બંટુની સ્મૃતિભ્રમ અવસ્થાનો ગેરલાભ તેના સગાં-કુટુમ્બીઓએ તેની જમીન પચાવી પાડી હતી. એંડ યુ નો, ડૉ, સબનીસ દમ્પતીને કોઇ બાળક ન હતું.’
( લખ્યા તા. 24/01/1977.)
ઇ-મેલથી.
જવાબ આપોકાઢી નાખોશ્રીભજમનભાઈ , નવલિકા bantu અધુરી કેમ લાગે છે ?
* chetu *
www.samnvay.net
શ્રીમતિ નિલનબહેન દોશી.
બંટુનું અદભૂત ચિત્રણ...આવા બંટુઑ ઘણી જગ્યાએ જોવા મળે છે.
મૈં થક ગયા હૂ..મૈં થક ગયા હૂ..
બસ...આ જગ્યાએ જ વાર્તાપૂરી થવી જોતી હતી...મારી દ્રષ્ટિએ...
પાદપૂર્તિની કોઇ જરૂર નહોતી જ... એ ક્લપના ભાવકો ઉપર છોડી દીધી હોત તો ?
એની વે...બંટુના આબેહૂબ ચિત્રણ બદલ અભિનંદન...
નીલમ .
કદાચ નયન BANTU નો પુત્ર હશે..!!?
જવાબ આપોકાઢી નાખોI could recall Chanchal Bhaiya..In starting phase...especially on Dashera, Diwali and Rakhi.
જવાબ આપોકાઢી નાખોBut end was superb…But Bantu knew about his SON? Heartily Salute to this Dr. Couple.
"Ram rakhe tene kon chakhe?"
Chanchal bhaiya was our security guard cum our rakhi brother to take care of us :)
જવાબ આપોકાઢી નાખોPancham Shukla ઇ-મેલથી
જવાબ આપોકાઢી નાખોડિસે 20 (2 દિવસ પહેલા)
Nice...still refreshing.