શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2026

સાચી દિપાવલી

 

(પુત્રને ભણાવી ગણાવી મોટો કર્યો અને પછી વિદેશમાં પુત્ર માતાપિતાને ભૂલી જાય ત્યારે એકના એક વ્હાલસોયા પુત્રના વિયોગમાં ઝૂરતાં મા-બાપ શું વિચારે? અને ત્યારે સંસ્કારી પુત્રવધૂ પુત્રને ખીલે બાંધે છે.)



સાચી દિપાવલી                                                                          

            

કિરાત, બે અઠવાડિયા પછી દિવાળી છે, ખ્યાલ છે ને?”

હા, પણ  વખતે હું માળિ નથી ચઢવાનો તમને અત્યારથી કહી દઉં છું.”

તો શું વરસમાં એક વાર પણ સફાઇ કરવી? દર વર્ષે તમે એમ બહાનાં કાઢો છો તે નહીં ચાલે. દર વખત દિવસો સુધી મારે મોંપાટ લેવી પડે પછી છેક છેલ્લે દિવસે મારે નોકર પાસે સાફ કરાવવું પડે છે. ઘર શું મારી એકલીનું છે?”

મોંપાટ નહીં તમારા કકળાટથી કંટાળીને મારે નમતું જોખવું પડે છે. ઘરમાં માળિયાં રાખવાં જોઈએ. નકામો કચરો ભેગો કરવાનો શોખ તમને, અને મજૂરી મારે કરવાની!”

એમ? માળિયામાં હું કચરો ભેગો કરું છું? ઓકે, મારી ચેલેન્જ છે મોટા ભાગનો સામાન તમારો હોય તો તમે શું કરશો ?”

ઇમ્પોસિબલ, હું કોઈ નકામો સામાન રાખતો નથી.”

પણ તો ચેલેન્જ સ્વીકારોને? પાછીપાની શુંકામ કરો છો?”

ઓકે, ચાલ સ્વીકારી. ઉતારો બધો સામાન નીચે, પછી જોઈએ કોનું શું શું છે.”

લ્યો બોલ્યા  ઉતાર..!  મારે ઉતારવાનો છે?”

હાસ્તો, મેં તો અગાઉથી જણાવી દીધું છે કે હું માળિ ચઢવાનો નથી, નથી અને નથી.

ગયા વર્ષે દિવાળીમાં પગે પ્લાસ્ટર આવ્યું હતું તે ભૂલી ગયાં?

“તે તમને ઉપરથી ભૂસકો મારવાનું કોણે કહ્યું હતું? જરા ઉમ્મરનો તો વિચાર કરવો જોઈને? હવે તમે પચાસ વટાવી ચૂક્યા છો. સીડી હતી તો પણ મારુ માન્યું નહીં. આ ઉમ્મરે વાનરવેડા કરો પછી પરિણામ એજ આવે. અને પ્લાસ્ટર નહોતું આવ્યું માત્ર પગમાં મોચ આવી હતી. તમે રજનું ગજ ન કરો. જિંદગીમાં એક વખત માળિએ ચઢ્યા અને ગામ આખામાં હું બદનામ થઈ ગઈ અને અંતે સફાઈ  તો અધૂરી જ રહી.”          

“સારું આ ચોથો શનિવાર આવે ત્યારે આપણે માળિયું સાફ કરીશું બસ.”

દિવાળી પહેલાં ઉપરનો સંવાદ લગભગ દરેક ઘરમાં ભજવાતો હોય છે. કિરાતભાઈ વૈષ્ણવ, ઉચ્ચ શ્રેણીના સરકારી અધિકારી અને પત્ની કામિનીબેન તેમનું ઘર સંભાળે. શરૂમાં સાસુ-સસરાની સેવામાં કાર્યરત રહ્યાં. પુત્રને ઉછેરવામાં સમય ગાળ્યો. તેઓ સંગીત વિશારદ હતાં. ફાજલ સમયમાં સંગીત શીખવવામાં પસાર કરતાં.      

શનિવારે સવારે કિરાતભાઈ ખરેખર માળિએ ચઢ્યા. એક પછી એક સામાન નીચે ઊતરતો ગયો.

“હમણાં બધુ ત્યાં બહારના રૂમમાં રાખો પછી આપણે શું રાખવું અને શું ફેંકી દેવું એ નક્કી કરીશું.”

“હા એમજ. પણ સાચવીને નીચે ઊતરજો.”

બંને જણાં બહારના રૂમમાં આવીને જૂના સામાનના પથારા પર નજર નાખતાં બેઠાં. એક પછી એક વસ્તુઓ જુદી તારવતાં ગયાં.

“આ ટોપ, મોટી તપેલીઓ વ. હવે રાખવાનો કાંઇ અર્થ નથી. અને આ પોટલામાં શું છે?” પોટલાની ગાંઠ છોડતાં કિરાતભાઈએ પૂછ્યું. જોયું તો પોટલામાં ઘરચોળું, તેની સાથે બાંધેલો ખેસ, મોડ, એક રેશમી બાંધણી વ. નીકળ્યું. કિરાતભાઈએ કામિનીબેન સામે જોયું. કામિનીબેનના મુખારવિંદ પર મરકમરક હાસ્ય રેલાતું હતું. થોડી ક્ષણો બંને એકમેકની સામે જોતાં ભૂતકાળમાં સરી પડ્યાં. લગ્નપછીના પ્રથમ મિલનની મધુર યાદોમાં ખોવાઈ ગયાં. પછી ઊંડો શ્વાસ લઈ કિરાતભાઈ બોલ્યા, “આ વસ્તુ માળિયામાં રાખવાની ન હોય, તમારા કબાટમાં રાખો. અને ઉપરનું કપડું બદલી નાખો. ના, સાંજે હું આ ડ્રાય ક્લિનીંગમાં આપી આવીશ બાંધણી તો સારી છે. બ્લાઉઝ પણ અકબંધ છે. આ અલગ રાખો.” કહી કામિનીબેન તરફ ધર્યું. કામિનીબેનના ચહેરા પર અકથ્ય ભાવો ઉમટી આવ્યા. લજ્જાથી પાંપણો ઢાળી તેમણે પોટલું લઈ લીધુ.                   

“ હે ભગવાન, આ જૂનો ઝપટ સ્ટવ શું કામ સંઘરી રાખ્યો છે?”

“એ માની ભેટ છે.”

“એટલે?”      

“માએ મને કહ્યું હતું કે વહુબેટા, આ સ્ટવ પર મેં તમારા સસરાને ઘેર પહેલીવાર કંસાર બનાવ્યો હતો.  

શુકનિયાળ છે. સાચવી રાખજો.”

“ઠીક છે, પણ હવે મા-બાપુજી કોઈ નથી. કાઢી નાખો. ફક્ત બાપુજીની લાકડી સાચવી રાખો નિવૃત્ત થયા પછી વોક લેવા જઈશ ત્યારે કામ લાગશે. આ તૂટેલી ગિટાર શું  કામ હજી રાખી છે? આ ગિઝર અને મિક્સરનાં ખોખાં, જૂની કેસેટો બધું ફેંકી દ્યો.”

આમ મોટાભાગનો સામાન કાઢી નાખવા માટે જુદો કર્યો. છેલ્લે એક નાની પેટી બચી.    

“આ પેટીમાં શું છે?”

“એમાં કાંઇ નથી.” કહી કામિનીબેને પેટી લઈ લેવા તરાપ મારી. પણ મોડાં પડ્યાં. પેટી ખૂલી. તેમાંથી એક ઘૂઘરો, એક તૂટેલી રમકડાંની મોટર, અને ફોટોગ્રાફ્સ નીકળ્યા.

“મારી સખત મનાઈ છતાં તમે આ સાચવી રાખ્યા છે? તમને સળગાવી દેવાનું કીધું હતું ને?”  કિરાતભાઈના મોં પર ક્રોધ ભભૂકી ઊઠયો.

“અરે પણ, આ તો આપણા એકના એક દીકરા કુણાલની યાદો છે. એ થોડી....  “

“નથી રાખવી મારે એની યાદગીરી. ભણાવી ગણાવીને મોટો કર્યો અને મા-બાપને ઠોકર મારીને પરદેશ ચાલી ગયો. આજે સાત વર્ષ થયાં. છે એના કોઈ ખબર? આપણને તો એ જીવે છે કે .. ..”

“મારા સમ જો તમે આગળ બોલ્યા તો.” કામિનીબેન રડતી આંખોએ તાડૂકયાં.

 “બાપુજીએ લાડ કરીને બહુ ચડાવી માર્યો હતો. મારો પૌત્ર, મારો કુણાલ, કરી કરીને તેમનો નવરંગપુરાનો ફ્લેટ સીધો એને નામે કરી નાખ્યો. અને બાપુજીની વિદાય પછી ભાઈસાહેબ કોઈને કહ્યા વગર બારોબાર ફ્લેટ વેચી અમેરિકા ભેગા થઈ ગયા. જરા પણ શરમ ન આવી. જાણે મા-બાપ સાથે કોઈ સ્નાનસૂતકનો સંબંધ ન હોય. શરૂ શરૂમાં અવિનાશભાઈના દીકરા દ્વારા ખબર મળતા હતા. પણ પછી તો જાણે ગાયબ જ થઈ ગયો. એવા નરાધમ કુપુત્રની યાદો સંઘરીને શું કામ છે? મને કીધું હોત તો હું તેને અમેરિકા મોકલત, મેં ના થોડી પાડી હતી?” કિરાતભાઈનો ગુસ્સો ધીમે ધીમે કરૂણ રસમાં પલટાઈ રહ્યો હતો. આંખના ખૂણે બે બિંદુ ઉપસી આવ્યાં.

કામિનીબેન રડમસ અવાજે બોલ્યાં,“તમને પૂછે કેવીરીતે? અવિનાશભાઈનો છોકરો ગયો ત્યારે તમે તેને કેટલું સાંભળાવ્યું હતું. તમે જ કહ્યું હતું કે એકના એક પુત્રની ફરજ મા-બાપની પાસે રહેવાની છે. આમ પરદેશ ભાગી ન જવાય. એ તો જવાબદારીમાંથી છૂટી જવાની વાત છે. તેણે માની લીધું કે તમે તેને પરવાનગી નહીં આપો આથી કુણાલ તમને પૂછ્યા વિના જ અમેરિકા ગયો. તે અવારનવાર કહેતો કે મમ્મી, અમેરિકામાં IT એન્જિનિયરની બહુ માંગ છે. પપ્પાએ મને માસ્તર  જ બનાવવો હતો ને, એંજિનિયર શુંકામ બનાવ્યો? કુણાલ જેવા હોશિયાર અને બુદ્ધિશાળી દીકરા માટે તમને ગર્વ હોવો જોઈએ તેને બદલે.......” કામિનીબેનનો અવાજ ડૂસકાંમાં દબાઈ ગયો.      

“હા કામુ, મારી જ ભૂલ છે. હું મારો જ સ્વાર્થ જોતો હતો. મારા હુંપદમાં આપણે દીકરો ખોયો.” કિરાતભાઈએ રડતાં રડતાં બધા વિખરાએલા ફોટા ભેગા કરી પેટીમાં મૂક્યા અને એક ઊંડો નિ:શ્વાસ નાખી તેમણે પેટી બંધ કરી. આંખો લૂછી ટટ્ટાર થયા અને બોલ્યા, “ચાલો, ચાલો, ભંગારવાળાને બોલાવી બાકીની આ બધી ચીજો કાઢી નાખો હવે ફક્ત આ પેટી અને બાપુજીની લાકડી  ઉપર મૂકી દઈએ.” આમ કહી તે પોતાના રૂમમાં જતા રહ્યા.

                                                                              *

ધનતેરસના દિવસે સવારના છ વાગે ઘરની ઘંટડી વાગી. કિરાતભાઈ વોક પર જવાની તૈયારી કરતા હતા. તેમણે દરવાજો ખોલ્યો. અને સ્તબ્ધ બની ગયા. સામે કુણાલ ઊભો હતો. સાથે માથું ઢાંકીને રેશમી સાડી પહેરેલી એક યુવાન સ્ત્રી હતી અને તેની આંગળીએ એક ત્રણેક વર્ષનો બાબો હતો.

“દાદા! તમે દાદા છો?”

યુવાન સ્ત્રીએ વાંકા વળીને ચરણ સ્પર્શ કર્યા. બાળકનો અવાજ સાંભળીને કામિનીબેન પણ દોડતાં આવ્યાં. કુણાલ પણ પિતાના પગે લાગવા નમ્યો, પણ કિરાતભાઈએ તેને અટકાવ્યો અને બાથ ભરીને ભેટી પડ્યા ગળે ડૂમો ભરાઈ આવ્યો હતો અને આંખમાંથી આસોમાસમાં પણ શ્રાવણ ભાદરવો વહી રહ્યા હતા. એક સાથે આઠ આંખોમાં અશ્રુનાં પૂર ઉમટી પડ્યાં.

 બધાં ઘરમાં આવ્યાં. સ્વસ્થ થઈ બેઠાં.

“પપ્પા, આ દિપાલી છે, તમારી પુત્રવધૂ. અને આ મંત્ર તમારો પૌત્ર. પપ્પા, આમ તો હું માફીને લાયક નથી પણ મને માફ કરો. મેં તમારું દિલ દુભાવ્યું.... ” તેને વચ્ચેથી બોલતો અટકાવી કિરાતભાઈ બોલ્યા, ‘કામિની, મંદિરમાં દીવો અગરબત્તી કરો અને આ વરઘોડિયાને ઈષ્ટદેવને પગે લગાવડાવો. મંત્ર બેટા, દાદા પાસે આવીશ?” મંત્ર દોડીને દાદાને વળગી પડ્યો.

કામિનીબેન ઊઠ્યાં અને મંદિર તરફ ગયાં. દિપાલી પણ તેની સાથે ગઈ.

“કુણાલ, તારી વાત સાચી છે તારો અપરાધ બિલકુલ માફીને લાયક નથી. પરંતુ તેં આજે આવીને અને સાથે મંત્રની અમૂલ્ય ભેટ ધરાવીને તારા બધા ગુના માફ કરાવી દીધા છે. આવ બેટા, મારી પાસે બેસ.” કિરાતભાઈ ગળગળા અવાજે બોલ્યા.

 બપોરના સાસુ વહુ એકલાં બેઠાં હતા. દિપાલીએ માંડીને વાત શરૂ કરી.

“મમ્મી, નાનપણમાં જ મેં મારા મા-બાપ ગુમાવ્યાં હતાં. મારા મામા અમેરિકામાં જ સ્થાઈ થયા હતા તેઓ મને ત્યાં લઈ ગયાં. મને મામા-મામીએ ભણાવી ગણાવી મોટી કરી. મેં પણ આઈ.ટી. નું કર્યું છે. હું અને કુણાલ એક જ કંપનીમાં સાથે જ કામ કરતાં હતાં. ચાર વર્ષ પહેલાં અમે મામા- મામીની સંમતિથી લગ્ન કર્યાં. લગ્ન પછી હું બધી હકીકતથી વાકેફ થઈ. મમ્મી, મને માનો પ્રેમ બહુ ઓછો મળ્યો છે. મને બહુ હોંશ હતી કે હું મારા સાસુ સસરાને જ માતાપિતા માનીશ. કુણાલને બહુ સમજાવ્યો અંતે મને સફળતા મળી અને તમારા આશીર્વાદ પામવા ભાગ્યશાળી બની. અમે હવે કાયમ માટે અમેરિકા છોડીને અહીં ભારતમાં જ રહેવાનાં છીએ.” બોલતાં બોલતાં દિપાલીનો કંઠ ભરાઈ આવ્યો. તેણે કામિનીબેનનો હાથ પકડી કહ્યું, “મમ્મી, તમે અમને સ્વીકારશોને?”

કામિનીબેને તેને ભેટી પડ્યાં, અને કહ્યું, “અરે દીકરી, તું દિપાલી નહીં અમારી સાચી દિપાવલી છે.!”

                                                                         *************               

 

1 ટિપ્પણી:

  1. હું દીપક શચીન્દ્ર ભટ્ટ . આપની આ સુંદર કૃતિ હું મારા મિત્રો સાથે શેર કરું છું .

    જવાબ આપોકાઢી નાખો