(સારંગ એક શ્રીમંત કુટુંબનો નબીરો છે. વિરાજ એક મધ્યમ વર્ગની સીધીસાદી યુવતી છે. પણ બંનેને સાદાઈ પસંદ છે. આથી એકબીજા તરફ આકર્ષાય છે. અને પ્રેમમાં પડે છે. લગ્ન થાય છે. સારંગ તેંના કૌટુંબિક વ્યવસાયમાં ઝંપલાવે છે. સમૃદ્ધિના વિલાસ અને સાદાઈ વચ્ચે સંઘર્ષ થાય છે. સારંગ અને વિરાજની પ્રેમકથા, સાદગી અને જીવનના સાચા મૂલ્યો પર આધારિત છે)
પ્રેમની પાઠશાળા
સારંગ અને વિરાજ કોલેજકાળથી મિત્રો હતાં. સારંગ પોતે સાદાઈથી રહેતો અને તેને વિરાજની સાદાઈ પસંદ પડી ગઈ.બંને ભણવામાં હોંશિયાર તો હતાં જ. વિરાજ સાદાં કપડાંમાં આવતી. મેકઅપ પણ ન કરતી. કોલેજ સાયકલ પર આવતી. કોલેજ પછી વધારાનો સમય તે લાઇબ્રેરીમાં ગાળતી. વિરાજને પણ અન્ય વિષયોનું વાચન કરવાનું ગમતું. તેથી તે પણ તેનો સમય લાઈબ્રેરીમાં ગાળતો. ત્યાંથી તેમનો પરિચય થયો. અને કોલેજના છેલ્લા બે વર્ષમાં બંને વચ્ચે પ્રેમ પાંગર્યો અને મહોરી ઉઠ્યો.
પરંતુ ગ્રેજ્યુએટ થયા પછી સારંગ લંડન બિઝનેસ મેનેજમેન્ટ ભણવા ગયો અને વિરાજ લોકલ કોલેજમાં એમબીએ માટે ગઈ. ત્યારપછી તેમનો સંપર્ક છૂટી ગયો. લંડનથી આવીને સારંગ પિતાની ફેક્ટરીમાં જોડાઈ ગયો. તેણે વિરાજ માટે તપાસ કરી. બંને ફરી મળ્યાં. અને અને એક વર્ષ પછી સાદાઈથી પરણી ગયાં.
“વિરાજ, ધીસ ઈઝ ટૂ મચ! તું જરા ખર્ચા પર સંયમ રાખ. આ વખતે તારા ક્રેડિટ કાર્ડનું બિલ સાડાત્રણ લાખ આવ્યું! તું આટલા બધા પૈસા એક મહિનામાં ક્યાં ખર્ચે છે? આમ બેફામ ખર્ચા કરે તો કુબેરનો ખજાનો પણ ખાલી થઈ જાય.”
“ એટલે હવે તું મારા ખર્ચા પર બંધન મુકીશ, એમ? લખલૂંટ કમાય છે તે કોના માટે? આટલો કંજૂસ તું ક્યારેય ન હતો. ગયે મહિને મિસીસ દૂબે સાથે શોપીંગ પર ગઈ હતી તો તેણે મને પરાણે નેવું હજારનો ડિઝાઇનર ડ્રેસ ખરીદ કરાવ્યો. હવે ડ્રેસ સાથે મેચિંગ સેન્ડલ અને પર્સ પણ લેવી પડી. હું આનાકાની કરું તો તારું ખરાબ દેખાય કે નહીં? “ વિરાજે ખુલાસો કર્યો.
‘અરે પણ, પર્સ અને સેન્ડલના અઢી લાખ રૂપિયા?” શું સોનાના.... .. ”
“પર્સ અને સેન્ડલના તો એક લાખ જ થયા બાકી એકાદ લાખ તો દર
મહિને કીટી પાર્ટી વિગેરેમાં ખર્ચીએ જ છીએ. ઉપરાંત કારની લોનનો હપ્તો. વળી આ વખતે
મારુ નસીબ જરા આડું હતું તો એક પણ વાર હું જીતી નહીં અને મહિનાને અંતે હિસાબ કર્યો
તો હું એંસી હજાર માયનસ હતી.”
“ એટલે તું કિટીમાં જુગાર રમે છે?”
“તેને જુગાર ન કહેવાય, જરા ટાઈમ પાસ, અમે તો નાના ટેબલ પર જ
બેસી છીએ. જ્યાં લાખની જ લિમિટ છે. ક્લબમાં બીજાં મોટાં ટેબલો પણ છે જ્યાં દસ લાખ
સુધીની લિમિટ હોય છે.”
“વિરાજ, આ બંધ કરવું પડશે. આ બધા ખર્ચા જરા વધારે પડતાં
છે.”
“સારંગ, હવે બહુ અઘરું છે. તેં જ મને ટોકીટોકીને આ બધાના
રવાડે ચડાવી છે. ‘તું સાદી છે, મણીબેનની જેમ રહે છે, તને ઢંગનાં કપડાં પહેરવાની પણ
ગતાગમ નથી. એકના એક સેન્ડલ અને એકની એક પર્સ લઈને બધે ઘૂમે છે,’ વગેરે જાતજાતતનાં
ટોણાં માર્યાં છે. તે ભૂલી ગયો? સારંગ, તેં જ મને ક્લબમાં અને કીટી પાર્ટીમાં
જવાનું દબાણ કરેલું. અને હવે કહે છે બધું છોડી દે! સૉરી, ઈટ ઇઝ નોટ પોસિબલ.”
“અરે પણ, હું ક્યાં તને બધુ છોડી દેવાનું કહું છું? હું તો તને
માત્ર.. .. “
“મારે તારી સાથે આ બાબત કાંઈ વાત નથી કરવી.” આટલું કહી
વિરાજ વૉશરૂમમાં જતી રહી.
અવાર નવાર બંને વચ્ચેની રકઝક વધતી ગઈ. ધીમે ધીમે તે મોટા ઝઘડામાં પરિવર્તિત થતી. અને
છેવટે એક દિવસ વિરાજ ઘર છોડીને પોતાના પિયર જતી રહી.
#
“આજે વિરાજને ગયે ત્રીસ દિવસ થઈ ગયા હતા. ન તો તેનો કોઈ ફોન
છે, ના કોઈ મેસેજ. કે નહીં કોઈ હિલચાલ તેના માતાપિતા તરફથી થઈ છે. પોતાના
મમ્મી-પપ્પાને તો સાત દિવસે ખબર પડી કે વિરાજ ઘરમાં નથી! “હા, ભલે ગઈ. થોડા દિવસ
તેને માબાપ સાથે રહેવાની ઈચ્છા તો હોયને!” બસ. એટલી જ પ્રતિક્રિયા. આમ જુઓ તો મેં પણ ક્યાં વિરાજને ફોન કર્યો છે? અને જ્યારે કર્યો, તો તે
કટ કરી નાખે છે! ” સારંગ વિચારમાં પડ્યો. “શું મારે પહેલ ન કરવી જોઈએ? રિસાયેલી
પત્નીને મનાવવા જવામાં પોતાનો અહમ આડો આવતો હતો? કે પછી પોતે પત્નીને સાવ સહજ માની
લીધી હતી? શું પોતે તેની ઉપેક્ષા કરતો હતો? બસ? પ્રેમનો ઊભરો લગ્નન બે વર્ષમાં શમી
ગયો? આવો છીછરો હતો અમારો પ્રેમ? પણ હું તો તેને હજી એટલો જ પ્રેમ કરું છું. તો
શું વિરાજ નો પ્રેમ છીછરો હતો? શું તે મારા પૈસા માટે પરણી હશે? ના,ના. એમ તો હું
વિરાજને ઓળખું છું. સાદાઈ તેના લોહીમાં છે. “સારંગ, તેં જ મને ટોકીટોકીને આ બધાના
રવાડે ચડાવી છે.” વાત તો વિરાજની સાચી છે.
મોંઘાંડાટ બ્રાન્ડેડ કપડાં અને એસેસરીઝ, ઘરેણાંનો ઠઠારો, સાજ શણગાર વગેરે માટે હું
જ તો તેને દબાણ કરતો હતો! તેણે કદી સામેથી માગણી કરી નથી કે મને આ કે પે’લું લાવી
દે. પંચતારક હોટલોમાં જમવા કે પાર્ટીઓમાં ડ્રિંક્સ, ડીનર અને ડાન્સ માટે પરાણે
ખેંચી જતો. અને મમ્મી જ્યારે તેની સાદાઈ માટે સોફિસ્ટીકેટેડ મેણું મારતાં ત્યારે
હું પણ તેમાં સૂર પુરાવતો. પછી તો તે બદલાઈ જ જાયને! તેણે ધનિક રહેણીકરણી અપનાવી
લીધી. તેનો શું વાંક? હવે બહુ થયું. મને લાગે છે આ પાર કે ઉસ પાર, નિવેડો લાવે જ
છૂટકો. કાલે જ તેને ઘેર જઈને તેના મમ્મી-પપ્પા સાથે વાત કરું.”
“કાંઇ વાંધો નહીં, પપ્પા. હું તમારી સાથે જ વાત કરવા આવ્યો છું.”
ત્યાં સરોજબેન પણ પાણી લઈ આવ્યાં. “મમ્મી તમે પણ બેસો.”
ગિરિશભાઈ અને સરોજબેનના ચહેરા પર ચિંતાનાં વાદળો ઊભરાયાં.
ગંભીર ચહેરે તેઓ સામે બેઠાં.
“પપ્પા, મમ્મી, છેલ્લા એક મહિનાથી વિરાજ અહીં છે. શરૂઆતમાં
તો મેં માન્યું કે થોડા દિવસ તમારી સાથે રહેવા આવી છે. પણ તેનો કોઈ ફોન પણ નથી
આવ્યો. હું ફોન કરી કરી થાક્યો, પણ મારા ફોન લેતી નથી. મને એ નથી સમજાતું કે તે
શું ઈચ્છે છે. તમારી તો વાત થઈ હશે ને? મને જે હોય તે નિખાલસતાથી સંકોચ વિના કહો.
હું પણ તમારા દીકરા જેવો જ છું. મારી ભૂલ હોય તો હું માફી માંગવા પણ તૈયાર છું.”
સારંગે નરમાશથી વાત શરૂ કરી.
“સારંગ, સાચું કહું તો અમે પણ તમારી જેમ જ દ્વિધામાં છીએ,
વિરાજે અમને કાંઇ વાત નથી કરી. જ્યારે અમે
તેને પૂછ્યું ત્યારે ‘બસ, થોડા દિવસ અહીં તમારી સાથે રહેવા આવી છું’ આટલું જ
કહ્યું. અમને ખબર નથી તમારી બંને વચ્ચે શું સમસ્યા છે...”
“ એવું કેવી રીતે બને? મમ્મી તમને તો તમારી દીકરીએ પેટછૂટી
વાત કરી હશે ને? તે મારી સાથે વાત કેમ નથી કરતી? મને કહો એ ક્યાં ગઈ છે? હું ત્યાં
જઈને તેને મળું.” સારંગ અકળાયો.
“એ આખો દિવસ ક્યાં જાય છે, શું કરે છે તે કાંઇ અમને કહેતી નથી.”
“પણ નીચે તેની ગાડી તો પડી છે. એવું તો નથી ને કે તે ઘરની
અંદર જ છે અને બહાર નથી આવતી?”
“અરે ના. ગાડી તો તે કોઈકવાર જ લઈ જાય છે બાકી રોજ
રિક્ષામાં જાય છે. કોઈ કોઈવાર તેની કોઈ સહેલી ગાડી લઈને આવે તેની સાથે જાય
છે.”
“પણ હું તેની સાથે વાત ક્યારે કરું? મને મળે ત્યારે ને? હું
અહીં આવ્યો પણ તે ઘેર નથી. તે ક્યાં જાય છે તે પણ તમે મને
જણાવતા નથી અથવા તો તમને ખબર નથી. એવું તો નથી ને કે તેને કોઈની સાથે ચક્કર.. .. “
“પ્લીઝ, આગળ કાંઇ ન બોલશો.” ગિરિશભાઈ વચ્ચેથી બોલી ઊઠ્યા. “હું મારી દીકરીને બહુ સારી
રીતે જાણું છું. અમને અમારી પરવરિશ અને અમારા સંસ્કાર ઉપર વિશ્વાસ છે અને ગર્વ પણ
છે. માટે મહેરબાની કરી આવા કુવિચારો તમારા મનમાંથી કાઢી નાખો.”
“ તો હું શું કરું કહો?”
“ભાઈ, આનો એક જ ઉપાય છે તમે બંને સાથે મળીને એકબીજા સાથે
શાંતિથી વાત કરો. અમે ભલે માબાપ છીએં પણ અમે આમાં વચ્ચે નથી પડવા માંગતા. વિરાજ
અમારી સાથે આ સિવાય બધી વાત કરે પણ આ વિષય ઉખેળીએ એટલે ચૂપચાપ તેના રૂમમાં જતી રહે
છે.”
પછી સમજાવટના સૂરે બોલ્યા. “સારંગ. સફળ લગ્નજીવન ગાડાનાં બે
પૈડાં જેવુ છે. જો પૈડાં બરાબર હોય તો ગાડું સરસરાટ ચાલે. તેમ લગ્નજીવન પણ પરસ્પરનો
અખૂટ પ્રેમ અને સંપૂર્ણ વિશ્વાસ એ બે આધારસ્તંભ પર ટકે છે. હવે તમારે નક્કી
કરવાનું છે કે પંકચર ક્યાં પડ્યું છે.
સાથે મળીને મરામત કરો અને ગાડી પૂરપાટ દોડવા માંડશે. બસ મારે આટલું જ કહેવાનું છે.
મને વિશ્વાસ છે તમે બંને ખૂબ સમજદાર અને પુખ્ત છો. ભણેલાં પણ છો અને ગણેલાં પણ છો.
તમે ચોક્કસ આનું નિરાકરણ સુમેળપૂર્ણ લાવશો. અને અમારી અંતરની ઈચ્છા પણ છે. અમને તો
નાના-નાની બનવાના કોડ છે.. .“ બોલતાં બોલતાં ગિરિશભાઈ ગળગળા થઈ ગયા.
સારંગ થોડીવાર વિચારમગ્ન રહ્યો. પછી ઊભો થયો અને ગિરિશભાઈને પ્રણામ કરીને બોલ્યો,”સારું પપ્પા, બસ મને તમારા આશીર્વાદ આપો. હું,.. અમે આનો ઉકેલ લાવીશું.” આમ કહી તેણે ત્યાંથી વિદાય લીધી.
બીજે દિવસે સારંગ સવારના સાત વાગ્યામાં વિરાજના ઘરથી થોડે દૂર ગાડી રાખીને રાહ જોતો બેસી રહ્યો. લગભગ સાડા આઠે વિરાજ બહાર નીકળી અને રિક્ષામાં બેસી ગઈ. સારંગ રિક્ષાની પાછળ તેનો પીછો કરતો કરતો ગયો. લગભગ પોણા કલાક પછી રિક્ષા એક ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારમાં એક નાનકડા મેદાનમાં આવીને ઊભી રહી. વિરાજ તેમાંથી ઊતરીને મેદાનને છેડે આવેલી એક ચાલીમાં ગઈ. સારંગે નોંધ્યું કે વિરાજે એકદમ સાદી સુતરાઉ ચેક્સની સાડી પહેરી હતી. પગમાં સાદાં ચપ્પલ પહેર્યાં હતાં. ચાલીના એક ભાગ ઉપર એક બોર્ડ હતું પણ દૂરથી વાંચી શકાતું ન હતું. સારંગ ચૂપચાપ ગાડીમાં બેસી પાછો વળી ગયો. થોડે દૂર એક પાથરણા બજાર જોઈ. આગળ બેત્રણ રેડીમેડ કપડાંની દૂકાન પણ હતી. તેણે પોતાના માપના બુશકોટ અને પેન્ટ અને પગનાં ચપ્પલ ખરીદ્યા. ઘેર આવી જૂના ખરીદેલાં કપડાં અને ચપ્પલ પહેરી તે બહાર નીકળ્યો. નોકર ચાકર વિસ્મયથી સારંગનું આ બદલાયેલું રૂપ જોઈ રહ્યાં. રિક્ષા કરી ફરી તે જ વિસ્તારમાં ચાલી પાસે ઊતર્યો. બોર્ડ વાંચ્યું તો લખ્યું હતું, “વિસામો ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મહિલા ઉદ્યોગ કેન્દ્ર.” સારંગ તેમાં પ્રવેશ્યો. આગળ એક ઓફિસ હતી તેમાં બે-ત્રણ નાના ટેબલ અને એક કબાટ હતાં. એક મહિલા એક ટેબલ પર કાંઇ કાગળો પર લખી રહી હતી. તેણે સારંગને જોયો અને પૂછ્યું, “કોણ છો ભાઈ? કોનું કામ છે? અહીં કેમ આવ્યા છો?”
“બેન, હું એક ગરીબ માણસ છું. થોડું ભણેલો છું તો મને કામ
મળશે? મને નોકરીની સખત જરૂર છે.”
“આ તો બૈરાંઓની સંસ્થા છે અમે કોઈ પુરુષ માણસને કામે નથી
રાખતા. તમે જાવ અહીંથી.”
“બેન, મે’રબાની કરો, પટાવાળાનું કામ હશે કે મજૂરીનું કામ
હશે તો પણ કરીશ. મારી માં બીમાર છે, અને દવાના પણ પૈસા નથી.” સારંગે ગરીબડા અવાજે
બે હાથ જોડી વિનંતી કરી.
મહિલાને દયા આવી તે બોલી, “જો ભાઈ, મોટાંબેન નથી. એ આવે પછી
તમે આવો. હું કાંઇ ન કરી
શકું.”
“ એ ક્યારે આવશે? હું બહાર બેસી તેની રાહ જોઉં?”
“ એ નક્કી નહીં ગમે ત્યારે આવે. સાંજ પણ પડી જાય.”
“કાંઇ વાંધો નહીં. હું રાહ જોઈશ.”
ત્યાં બહાર રિક્ષાનો અવાજ સંભળાયો. “ લો નસીબદાર, મોટાબેન
આવી ગયાં.”
સારંગ એક બારી પાસે જઈ બહાર જોતો ઊભો રહ્યો. વિરાજ આવી તેની
સાથે બીજી બે મહિલાઓ પણ હતી. તેણે આવીને જોયું કે એક યુવક પીઠ ફેરવી ઊભો હતો.
“મંગળાબેન, આ કોણ છે?”
“બેન, તે ભાઈ નોકરી માગવા માટે આવ્યા છે. તેની મા બીમાર છે
અને દવાના પણ પૈસા નથી. મજૂરી પણ કરવા તૈયાર છે. મેં કીધું કે આ સ્ત્રીઓની સંસ્થા
છે ત્યાં તમે આવી ગયાં.”
સારંગ પાછો ફરી આગળ વધી નીચું જોઈ વિરાજના પગ આગળ બેસી ગયો,
“મને નોકરીની બહુ જરૂર છે પ્લીઝ મને ના ન પાડતાં, તમે જે કહેશો તે હું કરીશ.”
વિરાજ એક ક્ષણ માટે આભી બની ગઈ. સારંગને ઓળખી તો ગઈ પણ તેનો આ વેશપલટો તે સમજી ના શકી.
આશ્ચર્ય પણ પામી. તે બે ડગલાં પાછળ હટી ગઈ. “ અરે અરે! આ શું કરો છો. આ સંસ્થામાં
અમે પુરુષોને કામ નથી આપતા. તમે અત્યારે બહાર જાવ થોડીવાર પછી પેલા ઝાડ નીચે તમને
મળું છું. અને તમારા પ્રશ્નનો પણ ઉકેલ લાવવા પ્રયત્ન કરીશ.”
અડધા કલાક પછી વિરાજ સારંગ પાસે આવી. “સારંગ, આ શું નાટક
માંડ્યું છે?”
“ તું બે વર્ષ નાટક કરીને મારી મરજી મુજબ જિંદગી જીવી. હવે
મારો વારો હું તારી મરજી મુજબ તું ઈચ્છે ત્યાં સુધી જીવીશ. પણ રહીશ તારી સાથે જ.
ભલે તું મને છોડીને જતી રહી, હું તને છોડવા માંગતો નથી. દિવસભર તારી સાથે કામ કરી
એટલો તો સંતોષ મેળવીશ. પ્લીઝ મને નોકરી આપ.”
વિરાજની આંખોં ભીની
થઈ ગઈ. “સૉરી, ડીયર, મેં તને બહુ હેરાન કર્યો. મને માફ કરી દે. ચાલ અંદર. હું તને
અમારી પ્રવૃત્તિઓ વિશે માહિતી આપું.”
“પણ તું મારી ઓળખ શું આપીશ?”
“તું જે છે તે. બીજી શું ઓળખ આપવાની હોય!”
“પણ.. .. “
“હવે ચાલને, નખરાં કર્યા
વગર!” કહી તેનો હાથ પકડી ગર્વભેર ડગલાં
ભરતી સંસ્થા તરફ ચાલી.
બધાં બારીમાંથી આ દ્રશ્ય અચંબાથી જોઈ રહયાં હતાં.
વિરાજ ઓફિસમાં આવી. તાળી પાડી બધાને બોલાવ્યાં. “ સાંભળો બધાં. આજે હું તમને એક વિશેષ વ્યક્તિની ઓળખાણ કરાવું: આ કોઈ ગરીબ માણસ નથી, નથી તેને નોકરીની જરૂર. મિસીસ દુબે, વિદ્યા, મંગળાબેન, આ છે આ સંસ્થાની પ્રેરણામૂર્તિ, સંસ્થાના દાતા, મારા પતિ સારંગ દેસાઈ.” બધાં આશ્ચર્યચકિત થઈ જોઈ રહ્યાં. અંદરના ઓરડાઓમાં કામ કરતી મહિલાઓ પણ બહાર આવીને ટોળું વળી ગઈ અને થોડીવારની શાંતિ પછી તાળીઓના ગડગડાટથી ચાલી ગૂંજી ઊઠી. સારંગ હાથ જોડીને બધાનો આવકાર સ્વીકારતો રહ્યો.
*
સાંજે રિક્ષામાં બેસીને બંને વિરાજને ઘેર ગયાં. બંનેને સાથે
જોઈ ગીશભાઈ અને સરોજબેન સાનદાશ્ચર્ય પામ્યા. બંનેએ ચરણ સ્પર્શ કર્યા. સરોજબેનની
આંખ હર્ષાશ્રુથી ઊભરાઈ ગઈ. ચા-નાસ્તો કરીને બંને વિરાજની કારમાં બંગલે આવ્યાં.
રાત્રે શયનકક્ષમાં સારંગે વિરાજનો હાથ પકડીને પૂછ્યું,
“વિર, હું હજી કાંઇ સમજી નથી શક્યો. તારી સંસ્થાની બધી પ્રવૃત્તિઓ જોઈ. પણ આ બધું એક
મહિનામાં કેવી રીતે શક્ય બને? અને આ વિસામો ટ્રસ્ટ કોનું છે? પ્લીઝ, મને સમજાવ.”
વિરાજે તેને એક દીર્ઘ ચુંબન આપીને કહ્યું, “મારે તને એક પાઠ
શિખવવો હતો. હું જાણતી હતી કે તું પણ મારી જેમ સાદાઈને પ્રેમ કરે છે. પણ લગ્ન પછી
અચાનક તું રૂપિયાની ચકાચોન્ધનો શિકાર થઈ ગયો છે. મમ્મીજી પાપાજી પણ શ્રીમંતાઈની
માનસિકતાના શિકાર છે. ધનિક હોવું તે કાંઇ ખોટું નથી. પણ પૈસાનો દેખાડો કરવો તે
ખોટું છે. લગ્ન પછી તમે સહુએ મને આ રંગે રંગવાના પ્રયત્નો કર્યા. અલબત્ત અમુક અંશ
સુધી આપણાં સ્ટેટસ પ્રમાણે આપણી રહેણીકરણી હોવી જોઈએ તેમ હું પણ માનું છું. પણ
અતિરેક ન હોવો જોઈએ.”
“પણ વિસામો ટ્રસ્ટ..”
“વિરાજનો વિ, સારંગનો સા અને પાપાજી મોહનલાલ નો મો એટલે
વિસામો. બે વર્ષ દરમ્યાન તું મને જે પૈસા આપતો હતો તેમાંથી મેં આ ટ્રસ્ટ બનાવ્યું.
અને એક એનજીઓ સંસ્થા શરૂ કરી જેની પ્રવૃત્તિઓ તેં જોઈ. બે વર્ષ દરમિયાન મારા ક્રેડિટકાર્ડના મોટાં મોટાં બિલોના પૈસા ખરેખર તો આ સંસ્થા માટે વપરાતા હતા. મેં
કીટી પાર્ટી જોઇન કરી અને ધીમે ધીમે બધી મહિલાઓને સેવાપ્રિય બનાવી. અમે જુગાર ન
રમતા પણ તે પૈસા જરૂરિયાતમંદોને અનાજ, વસ્ત્ર, શિક્ષણ, તબીબી સહાય વગેરે માટે
વાપરતા. તને શ્રીમંતાઈના અતિરેકમાંથી ફરી સાદાઈના રસ્તે વાળવા ખોટેખોટો ઝગડો કરતી
અને પછી પિયર જતી રહી. મને ખાતરી હતી કે તું મને ભરપૂર પ્રેમ કરે છે અને જરૂર આ
ઝટકો તને વિચાર કરતો કરી મુકશે. અને મારા વ્હાલા સારંગ, તું આ પ્રેમની પાઠશાળાની
પરીક્ષામાં અવ્વલ નંબરે પાસ થયો છે.”
શયનકક્ષમાં પછી પ્રેમનો દરિયો ઉછળતો રહ્યો.
==###==
-ભજમન નાણાવટી. (
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો