શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

રૂમ નંબર 802


(કોર્પોરેટ જગતના ભભકા પાછળની એકલતા અને નિઃસ્વાર્થ પ્રેમની વાર્તા છે. ૭૦૦ કરોડની કંપનીની સીઈઓ સબીના મર્ચન્ટ વિમાન અકસ્માત બાદ કોમામાં સરી પડે છે. હોસ્પિટલના રૂમ ૮૦૨માં તે સાવ એકલી અટૂલી થઈ જાય છે અને કંપનીના લોકો તેની મિલકત પચાવવાની ફિરાકમાં હોય છે. ત્યારે કોલેજ કાળનો પ્રેમી અંશુમાન પોતાની નોકરીના ભોગે નિષ્ઠા અને કાળજીપૂર્વક તેની સારવાર કરે છે. બે પ્રેમીઓનું મિલન થાય છે. પૈસો અને પ્રેમની ખેંચતાણમાં કોણ જીતે છે?)    

                                                                       (AI generated photo)

રૂમ નંબર 802                                                                                                                         

 

શહેરની અત્યાધુનિક બહુહેતુક હોસ્પિટલના સ્પેશિયલ વીઆઇપી  રૂમ નં. 802માં  કોમામાં સરી પડેલ એક  દર્દી, સબીના મર્ચન્ટ, ૫0 જેટલી આનુષંગિક કંપનીઓ અને ૪00 થી વધુ લોકો જેના હાથ નીચે કામ કરતા હતા તે સબીના મર્ચન્ટ, ૭00 કરોડની કંપની મર્ચન્ટ હોલ્ડિંગ્સની સ્થાપક અને  સીઈઓ, હોસ્પિટલના બેડ પર એકલી અટૂલી, નિસહાય, નળીઓના જાળાં વચ્ચે બેહોશ પડી હતી. પોતાના અંગત જેટ વિમાનમાં એક કંપનીને હસ્તગત કરવાનો સોદો પાર પાડવા તે કોલકાતા જઈ રહી હતી અને રનવે પરથી ઊંચકાતાં જ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.             .

 

પહેલે દિવસે હોસ્પિટલમાં તેની ખબરઅંતર માટે કંપનીમાંથી તેની સેક્રેટરી નેહા દીક્ષિત, એમડી સાઈમ કુરેશી, ચીફ ફાઇનાન્સ ઓફિસર માનસી શાહ, તેના કાકા દિનયાર મર્ચન્ટ વગેરે સ્ટાફ દોડી આવ્યો. પણ સબીના તો મૂર્છાવસ્થામાં હતી.

 

ત્રણ દિવસ પછી ડૉ. સબનીસે સાઇમને એક બાજુ લઈ જઈ કહ્યું,”બાહ્ય ઈજાઓ સામાન્ય છે પણ મગજમાં આંતરિક ઈજાઓને કારણે મગજને ઓક્સિજન  લગભગ નથી મળતો. આથી સબીના મેડમ  કોમામાં સરી પડ્યાં છે. અમારા પ્રયત્નો ચાલુ છે.”      

સાઇમ થોડીવાર સ્તબ્ધ બની ગયો. પછી પૂછ્યું, “ભાનમાં ક્યારે આવશે તે જાણી શકાય?”

“એ ચોક્કસ કહેવું મુશ્કેલ છે. આ એક કામચલાઉ તબક્કો છે. બે દિવસ, બે સપ્તાહ, બે મહિના કે બે વર્ષ પણ થાય. અત્યારે કોઈ પોઝિટિવ રિપોર્ટ આપી શકાય તેમ નથી.”

 

કંપનીના બોર્ડ ઓફ મેનેજમેન્ટની તાત્કાલિક મીટિંગ બોલાવાઈ અને સીઈઓ તબીબી કારણોસર હાલ તુરંત જવાબદારી નિભાવી શકે તેમ ન હોવાથી સીઇઓના પાવર એમડી સાઇમ કુરેશીને આપવામાં આવ્યા. હરજીવનભાઈ અને બેંગલુરુના ડીરેક્ટર ડૉ. સત્યેન મૂર્થીએ વિરોધ નોંધાવ્યો  હતો.  હાલ તુરત બધા પ્રોજેક્ટ સ્થગિત કરવા અને માત્ર રોજબરોજની કાર્યવાહી ચાલુ રાખવી. સબીનાની માંદગી તદ્દન ગુપ્ત રાખવી એમ નક્કી કરવામાં આવ્યું. પ્રેસ અને મીડિયાને સાવચેતીપૂર્વક નિવેદન આપવામાં આવ્યું. બોર્ડના આ નિર્ણયની જાણ સેબીને ખાનગીમાં કરવામાં આવી. પરંતુ અફવાઓને લીધે શેરના ભાવ થોડા ઊતર્યા.

        

ધીમે ધીમે સબીનાની ખબર કાઢવા આવતા મુલાકાતીઓ બંધ થઈ ગયા. સબીનાના કાકા દિનયાર મર્ચન્ટ એકવાર હોસ્પિટલે આવ્યા પણ સ્વાગત કક્ષમાં બેસી થોડી પૂછપરછ કરી રવાના થયા. કંપનીમાંથી પણ કોઈ ડોકાતું ન હતું. સબીનાની બેનપણી અને ચીફ ફાઇનાન્સ ઓફિસર માનસી બે-ત્રણ દિવસે દસ મિનિટ સબીના પાસે બેસી, જતી રહેતી.

 

અંશુમાન રાજપુત એન્જિનીયર અને એમબીએ  હતો અને તેની માતાને અસાધ્ય બીમારીને કારણે રૂમ નં. 806 માં દાખલ કરી હતી. મા સિવાય અંશુમાનનું આ જગતમાં કોઈ ન હતું. તે ચોવીસ કલાક માતાની સેવા માટે ત્યાં રહેતો. નોકરીમાંથી રજા લીધી હતી. પણ માતાની લાંબી બીમારીને કારણે તેની નોકરી આખરે છૂટી ગઈ હતી. એક દિવસ કોફી કાઉન્ટર પાસે બે નર્સ વાત કરતી હતી તે તેણે સાંભળી. “જેની, 802વાળીના શું સમાચાર?” “કાંઇ નહીં. બિચારી નધણિયાતી હોય એમ પડી રહે છે. આજ ૨૫  દિવસ થયા કોઈ ભાળ કાઢવા પણ આવ્યું નથી. તે કોણ છે, કોઈ સગું-વહાલું છે કે નહીં તે પણ ખબર નથી.” અંશુમાને પાછા ફરતાં 802માં નજર કરી. એક યુવતી મોનીટર,વેન્ટિલેટર વગેરેથી ઘેરાયેલી હોસ્પિટલ બેડ પર આંખ મીંચીને પડી હતી. કાચની વિશાળ બારીના પડદા બંધ હતા. રૂમમાં ઉપકરણોની ઝબકતી લાઈટો અને ‘પીપ..પીપ’ અવાજ સિવાય જાણે સ્મશાનવત્  શાંતિ હતી. બાજુના ટેબલ પરની ફૂલદાની ખાલી હતી. જાણે જીવનની મહેક વિલીન થઈ ગઈ હોય. અંશુમાનને યુવતીનો ચહેરો પરિચિત હોય તેવો આભાસ થયો. તે રૂમની અંદર પ્રવેશ્યો, બેડની સાવ પાસે જઈ ધ્યાનપૂર્વક ચહેરો નિહાળ્યો. જોતો રહ્યો, બસ એકીટશે જોતો રહ્યો.

તેની આંખ આગળ કોલેજકાળની અલ્લડ, હસમુખી, સુંદર અને તેના કાળજાનો ટુકડો સબીના મર્ચન્ટ ખડી થઈ ગઈ. તેની આંખ ભીની થઈ ગઈ. “સુબૂ.. સુબૂ. હું અંશુમાન, તારો અંશુ! ઓળખ્યો મને?” તેના હોઠથી શબ્દો સરી પડ્યા. અનાયાસે તેનો હાથ સબીનાના હાથ પર મૂકાઈ ગયો. અને જાણે દાઝ્યો હોય તેમ ખેંચાઇ ગયો. સાવ નિર્જીવ જેવો, ટાઢોબોળ હાથ!    

તેણે બારીના પડદા ખોલી નાખ્યા. રૂમમાં પ્રકાશ પથરાઈ ગયો. આઠમા માળની બારીમાંથી દૂર દરિયો દેખાઈ રહ્યો હતો.   

અંશુમાનને યાદ આવ્યું કે કોલેજના એ દિવસોમાં સબીનાનાં સપના આસમાનને આંબવા મથતાં  હતાં. તે હંમેશાં કહેતી, "અંશુ, મારે બિઝનેસ જગતમાં એક એવું સામ્રાજ્ય ઊભું કરવું છે કે દુનિયા જોતી રહી જાય." તેણે સામ્રાજ્ય તો ઊભું કર્યું, પણ એક વિમાન દુર્ઘટનાએ તેના એ ભવ્ય મહેલને પત્તાંના મહેલની જેમ વિખેરી નાખ્યો. આજે તેના સગાં-વહાલાં અને કંપનીના ડિરેક્ટર્સ માત્ર તેની કરોડોની મિલકત પર કબજો કરવાની રાહ જોતા હતા, સબીનાના સાજા થવાની નહીં!

અંશુમાને હવે એક વણલખ્યો નિયમ બનાવી લીધો. રૂમ નંબર 806માં મા ઊંઘી જાય એટલે તે ચૂપચાપ 802માં આવી જતો. સબીનાના નિર્જીવ હાથને પોતાના હાથમાં લઈને તે કલાકો સુધી કોલેજની જૂની યાદો વાગોળતો. ક્યારેક તે સબીનાની ગમતી કવિતાઓ વાંચી સંભળવતો, તો ક્યારેક ઓશિકા પાસે તાજાં ગુલાબ મૂકીને કહેતો, "સુબૂ, તારે જાગવું જ પડશે. તારી કંપની તને બોલાવે છે... અને તારો આ અંશુ પણ!" મશીનોના ટીક-ટીક અવાજ વચ્ચે સબીનાના ચહેરા પર કોઈ હિલચાલ નહોતી થતી, પણ અંશુમાનનો વિશ્વાસ ડગતો નહોતો.

 

એક કાળરાત્રિએ, રૂમ નંબર 806માં અંશુમાનની માએ આ દુનિયામાંથી કાયમ માટે વિદાય લીધી. અંશુમાન સાવ એકલો થઈ ગયો. માના અંતિમ સંસ્કાર કરીને જ્યારે તે હોસ્પિટલનો રૂમ ખાલી કરવા આવ્યો, ત્યારે પગ આપોઆપ રૂમ નંબર 802 તરફ વળી ગયા. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યાં હતાં.

તે સબીનાની બેડ પાસે ગયો. તેના બરફ જેવા ઠંડા હાથને પોતાના બંને હાથમાં લીધા અને ગળગળા અવાજે બોલ્યો, "સુબૂ, આજે મારી મા મને છોડીને ચાલી ગઈ. હવે આ દુનિયામાં મારું કોઈ નથી. હું ઘણો લાચાર થઈ ગયો છું. પણ તું હિંમત ન હારતી. તારે જીવવાનું છે, હા, બીજા કોઇની માટે નહીં તો  મારે માટે તારે જીવવું જ પડશે..." અંશુમાનનું એક ગરમ આંસુ સબીનાની હથેળી પર પડ્યું.

...અને અચાનક ચમત્કાર થયો!

મશીનનો કાર્ડિયોગ્રામ ગ્રાફ ઝડપથી બદલાવા લાગ્યો. સબીનાની આંગળીઓમાં હળવી ધ્રુજારી  આવી. તેણે ધીમેથી આંખો ખોલી. સામે ધૂંધળો ચહેરો દેખાયો. ઓક્સિજન માસ્કની અંદરથી સુકાયેલા હોઠ ફફડ્યા પણ બોલી ન શકી. તે ચકળવકળ આંખોથી બધે જોવા લાગી. તેણે સામે ઊભેલા અંશુમાન તરફ જોયું, ત્યારે તેની આંખોમાં ઓળખાણનો કોઈ ભાવ નહોતો. તે માત્ર શૂન્યમનસ્ક ભાવે સામે જોઈ રહી.

 

ડૉક્ટરો દોડી આવ્યા. તરત જાતજાતના ટેસ્ટ કરવાનું શરૂ કરી દીધું. તેઓ આને તબીબી વિજ્ઞાનનો વિજય માનતા હતા, પણ વાસ્તવમાં આ અટલ અને નિ:સ્વાર્થ પ્રેમનો વિજય હતો. કરોડો રૂપિયા જે સબીનાનો જીવ બચાવી શક્યા નહોતા, તેને અંશુમાનના એક સાચા આંસુએ કોમામાંથી બહાર લાવી દીધી હતી. ડૉક્ટરે અંશુમાનને એકાંતમાં લઈ જઈને કહ્યું, "મિ. રાજપુત, સબીના મેડમ કોમામાંથી બહાર આવ્યાં છે તે સાચું, પરંતુ લાંબા સમય સુધી મગજમાં ઓક્સિજનની કમી અને અકસ્માતના આઘાતને કારણે તેઓ પોતાની સ્મૃતિ ગુમાવી બેઠાં છે. જો કે, મેડિકલ સાયન્સ મુજબ આ માત્ર એક ટૂંકા ગાળાનો તબક્કો (Temporary Phase) છે. જો તેમને જૂની પરિચિત વસ્તુઓ, વાતાવરણ અને પ્રિય વ્યક્તિઓનો સાથ મળે, તો તેમની યાદશક્તિ ઝડપથી પાછી આવી શકે છે."

અકસ્માતના ૪૫  દિવસ પછી સબીના કોમામાંથી બહાર આવી હતી. ડૉ. સબનીસે તરત એક ફોન લગાડ્યો. “હરજીવનભાઈ, હું ડૉ. સબનીસ, સબીના મેડમ હોશમાં આવી ગયાં છે.”

“.. .. .. .. .. .. “ફોનમાં હરજીવનભાઈ કઈંક કહી રહ્યા હતા.

“ઓકે. આપ આવશો ત્યાં સુધી આ વાત બહાર નહીં જાય.” ડૉક્ટરે તરત મેટ્રન સિસ્ટર લ્યુસીને બોલાવી અને કડક સૂચના આપી કે સબીના મેડમ કોમામાંથી બહાર આવી ગયાં છે તે ગુપ્ત રાખવાનું છે. અંશુમાનને પણ જણાવી દીધું કે હોસ્પિટલના ખાસ સ્ટાફ અને તમારી સિવાય રૂમમાં કોઈને અંદર આવવાની મનાઈ છે. 

 

બીજે દિવસે હરજીવનભાઈ આવ્યા. તે સબીનાના પિતાના ખાસ મિત્ર હતા અને મર્ચન્ટ કન્સ્ટ્રકશનમાં તે પહેલેથી સબીનાના પિતા સાથે હતા. સબીનાએ પિતાની કંપની ટેકઓવર કરી હતી પણ તેનું સઘળું સંચાલન હરજીવનભાઈ કરતા. હરજીવનભાઈ સબીનાને તેની પુત્રી સમાન ગણતા. હાલમાં તે શહેરથી ૨00 કિ.મી. દૂર એક રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ પર કાર્ય કરી રહ્યા હતા.      

ડૉ. સબનીસે હરજીવનભાઈ અને અંશુમાનને પોતાની કેબિનમાં બોલાવ્યા.

“જુઓ, સબીના મેડમ કોમામાંથી તો ઊગરી ગયાં છે પણ તેઓ સ્મૃતિભ્રંશના શિકાર થયાં છે.”

“દાકતર સાહેબ, કાંઈ સમજાય તેવું બોલો.”

“ઓહ, માફ કરો. તેઓ યાદશક્તિ ગુમાવી બેઠાં છે.”

“હેં..!?”

“હા. પણ ચિંતા કરવાની જરૂર નથી. થોડા દિવસોમાં તે લગભગ સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે. કોમાના દર્દીનું શરીર સ્વસ્થ હોય પણ મગજ ધીમે ધીમે સાજું થાય છે.”

“તો સાંભળો દાકતર, જ્યાં સુધી અમારી સબીના સાવ સાજી ન થાય ત્યાં સુધી કોઈને જાણ થવી ન જોઈએ. કંપનીમાં તો બિલકુલ નહીં.”              

અંશુમાનને ન સમજાયું કે આટલી કડક ગુપ્તતા શા માટે રાખવી પડે છે.

“ઈ તને ન ખબર પડે. હજી વિમાન અકસ્માતની તપાસ પૂરી નથી થઈ. અને તું પણ બેટા, સાવચેત રહેજે. લોબીમાં કોઈપણ અજાણ્યો માણસ દેખાય તો તરત સિક્યોરિટીને બોલાવજે. બાકી દાકતર સાહેબ બધું સંભાળી લેશે. અને મારો ફોન નંબર લઈ લે. મને સમાચાર આપતો રહેજે.” હરજીવનભાઈએ પછી એક કલાક સબીના પાસે બેસીને જૂની યાદોને એકતરફી દોહરાવતા રહ્યાં.    

અંશુમાન નિયમિત સબીનાની કાળજીપૂર્વક સારવાર કરવા લાગ્યો. લાંબો વખત પથારીમાં પડ્યા રહેવાને કારણે તેના પગ હજી અર્ધજાગ્રત હતા. ફિઝિયોથેરાપીની કસરતો સાથે અંશુમાનની મદદથી તે નિયમિત લોબીમાં ચાલતી. અંશુમાને પોતાની ઓળખાણ છુપાવી રાખી હતી. પરંતુ કોલેજના જૂના કિસ્સાઓ કોઈ ત્રીજી વ્યક્તિની જેમ સંભળાવતો: "સુબૂ, યાદ છે? લાયબ્રેરીમાં હંમેશાં હું જે બૂક લઉં તે જ તને જોઈતી હોય!... યાદ છે આપણી કેન્ટીનનો ઠિંગુજી વેઈટર? બધા તેની ઉડાવતા પણ તું હમેશા તેની સાથે મિત્રની જેમ વાતો કરતી!" સબીના માત્ર મૂંગા મોઢે તેને સાંભળતી, ક્યારેક તેના ચહેરા પર મૂંઝવણના અંકોડા ઊપસતા.

 

એક દિવસ અંશુમાન કોલેજના દિવસોનું તેમનું માનીતું પુસ્તક લાવ્યો અને તેની ગમતી કવિતા મોટેથી વાંચવા લાગ્યો. કવિતાના શબ્દો હવામાં ઓગળતા ગયા. સબીનાના મગજના કોઈ ખૂણામાં જૂના તાર ઝણઝણવા લાગ્યા. તેણે પોતાના કપાળ પર હાથ મૂક્યો, જાણે મગજ પર બહુ મોટો બોજ આવી ગયો હોય. તેની આંખો બંધ થઈ ગઈ અને આંખના ખૂણામાંથી એક આંસુ સરી પડ્યું.

જ્યારે તેણે ફરીથી આંખો ખોલી, ત્યારે તેની નજરમાં એક અનોખી ચમક હતી. અંશુમાન તરફ જોઈને તેનો સુકાયેલો અવાજ આ વખતે એકદમ સ્પષ્ટ નીકળ્યો, "અંશુ??... તું..? તું આટલા વર્ષો ક્યાં હતો? અને હું અહીં કેવી રીતે? હું તો કોલકાતા જતી હતી!"

અકસ્માતને બે મહિના પૂરા થાય તે પહેલાં સબીનાની સ્મૃતિ પાછી આવી ગઈ હતી! ડૉક્ટરોની ધારણા સાચી પડી. ડૉ. સબનીસની હોસ્પિટલમાં મર્ચન્ટ હોલ્ડિંગનું રોકાણ હતું. સબીનાએ ડૉ. સબનીસ, અંશુમાન, મેટ્રોન લ્યુસી પાસેથી બે મહિનાની રજેરજ માહિતી મેળવી. હોસ્પિટલના રેકોર્ડમાંથી તેને મળવા આવનાર મુલાકાતીઓની યાદી મંગાવી. રૂમ નં. 802 હોસ્પિટલના રૂમની જગ્યાએ ઓફિસમાં ફેરવાઈ ગયો. 

 

તેણે જોયું કે શરૂઆતના થોડા દિવસો સિવાય કંપનીમાંથી કોઈ તેને મળવા નથી આવ્યું. સાઇમ પણ નહીં. પંદર વર્ષથી જે તેની સાથે ખભેખભા મેળવીને કામ કરતો હતો. તેનો પડ્યો બોલ ઉઠાવતો હતો. શરૂઆતમાં તે તેના તરફ આકર્ષાઈ હતી. તેને એક એક્સિક્યુટિવમાંથી એમડી અને ચીફ ઓફ સ્ટાફ બનાવ્યો હતો. તેણે સબીનાને લગ્ન માટે પ્રસ્તાવ પણ કર્યો હતો પણ સબીનાએ તે નકાર્યો હતો. પણ પછી તેને લાગ્યું હતું કે તેનું વલણ બદલાઈ રહ્યું છે. તે અવારનવાર સબીનાનો માલિક હોય તેમ વર્તન કરતો. ઘણા પ્રોજેક્ટ તે બારોબાર સબીનાની જાણ વિના અપ્રૂવ કરી દેતો. સબીનાએ વિચાર્યું કે બોર્ડના નવ ડીરેક્ટરમાંથી કેટલા પોતાની તરફેણમાં હશે? ઘોષબાબુ, અને આરતી પટેલ તો પહેલેથી જ સાઈમના પ્રશંસક હતાં. બે બેન્કોના પ્રતિનિધિઓ તો વાડ પર રહેશે જે બાજુ પલ્લું નમશે તે તરફ કૂદી પડશે. કદાચ તેને સાઇમે ખરીદી પણ લીધા હોય. દિનયાર કાકા લાલચુ અને તેજોદ્વેષી છે. તે ચોક્કસ સાઇમને ટેકો આપશે. પ્રમોદભાઈ શાહ અનુભવી અને વિચક્ષણ છે તેની પર વિશ્વાસ રાખી શકાય. તેને વિશ્વાસ હતો કે હરજીવનભાઈ અને સત્યેન તેની સાથે ઊભા રહેશે.

સબીના ગંભીર થઈને વિચારવા લાગી, “મામલો પેચીદો તો છે. મારા લેપટોપનું શું થયું હશે? અકસ્માતમાં નાશ પામ્યું હશે? જો એમ હોય તો સારું પણ જો કોઈના હાથમાં ગયું હશે તો ઉપાધિ થશે. ઠીક છે, જોયું જશે. મોબાઈલ તો છે!” તેણે પોતાનો ફોન રીચાર્જ કર્યો. અને સૌથી પહેલો ફોન તેણે હરજીવનભાઈને કર્યો. તેમની પાસેથી પોતાની ગેરહાજરી દરમિયાન કંપનીની શું હાલત છે તેનો વિગતવાર અહેવાલ લીધો. હરજીવનભાઈએ કહ્યું કે બાકી અમુક વિગતો તે આજે રૂબરૂ આવીને કરશે.  

 

હરજીવનભાઈ સાંજે આવ્યા. તેમણે એક પોર્ટફોલિયો સબીનાને આપ્યો. “આમાં બધા ડૉક્યુમેન્ટ્સ છે. તે  તું જોઈ જજે. તારા વિમાન અકસ્માતમાં તોડફોડ હોવાની શંકા છે. પોલીસ કમિશનર તારકુંડે  આમાં વ્યક્તિગત રસ લઈને ગુપ્ત રીતે તપાસ કરી રહ્યા છે. થોડા દિવસોમાં કોઇની ધરપકડ થશે. અને હા, તું માનસી જોડે વાત કરી લેજે.”

“તમે માનસીને મારા સમાચાર આપ્યા?” સબીનાએ ચિંતાભર્યા સ્વરે પૂછ્યું.

“હા, એ તો તારી બેનપણી છે. અને તેના પર વિશ્વાસ રાખી શકે છે. રાતના ફોન કરજે. તે પણ તને કંઈક કહેવા માંગે છે.” હરજીવનભાઈએ ધરપત આપી.      

હરજીવનભાઈના ગયા પછી તેણે ડૉ. સત્યેન મૂર્થીને ફોન કર્યો. મૂર્થીએ પણ ઈશારો કર્યો કે કંપનીમાં તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.  


આ બધો સમય અંશુમાન ચૂપચાપ  તેની કાર્યપદ્ધતિ અને નિર્ણય શક્તિને માનપૂર્વક જોઈ રહ્યો હતો. સબીનાનું ધ્યાન અંશુમાન પર પડ્યું.

“અંશુ, આવ, અહી મારી પાસે બેસ.” તેની આંખોમાં કૃતજ્ઞતા અને પ્રેમનો એક અનોખો એકરાર હતો. અંશુમાનનો હાથ પોતાના હાથમાં લઈ તે બોલી, “જોયુને? હું સાવ એકલી છું. મને તારા સાથની જરૂર છે. તારી પર હું આંખ બધ કરીને વિશ્વાસ મૂકી શકું છું. અને મહત્વની વાત, હું હજી પણ તને પ્રેમ કરું  છું.” પછી અત્યંત પ્રેમાળ સ્વરે પૂછ્યું, “અંશુ, મારા વ્હાલા અંશુ, તું મને સાથ આપીશને?”

અંશુમાન થોડીવાર તેનો સ્પર્શ માણતો રહ્યો.      

“અંશુઉ.. ? કેમ કાંઇ જવાબ નથી આપતો?” સબિનાએ અંશુમાનને એકદમ જોરથી પોતાની પાસે ખેંચ્યો અને વળગી પડી. અંશુમાનની આંખોંમાં આંખોં પરોવી આતુરતાથી તેના જવાબની રાહ જોતી રહી!

ત્યાં રૂમનો દરવાજો ખૂલ્યો અને માનસી શાહ અંદર પ્રવેશી. તેના હાથમાં એક શોલ્ડર બેગ હતી. બંનેને જોઈને ખંચકાઈ અને ક્ષોભથી બોલી, “ઓહ, આઈ એમ સૉરી. મારે નોક કરવું જોઈએ.” બંને અલગ થઈ ગયા. માનસી બોલી,”તમે.. તમે અંશુમાન તો નહીં? અહીં?” પછી સબીના તરફ જોઈ બોલી, “સબીના, શું ચાલી રહ્યું છે?” અંશુમાન ક્ષોભથી અને સંકોચથી કંઈ બોલી ન શક્યો.   

સબીનાએ મામલો સંભાળી લીધો. હળવા સ્મિત સાથે બોલી, “હા, આ અંશુમાન જ છે. અકસ્માતે મને જીવતદાન આપ્યું અને અંશુમાને મને નવજીવન આપ્યું. બે મહિનાથી મારી દેખરેખ રાખે છે. મારી પાછળ પોતાની નોકરી પણ ગુમાવી તેણે. તું તો જાણે છે, મારો પ્રેમ મને પાછો મળ્યો.” તે અંશુમાન તરફ સ્નેહથી જોઈ રહી.

“સરસ” માનસી સોફા પર બેઠી અને ટેબલ પર બેગ રાખી એમાંથી લેપટોપ કાઢ્યું. તે જોઈ સબીના આનંદથી ચીસ પાડી ઊઠી,’અરે! આ તો મારું લેપટોપ છે! થેન્ક ગોડ, માનસી, તારી પાસે કેવી રીતે? હું તને ફોન કરવાની હતી.”   

“તે પોલીસે ઘટનાસ્થળ પરથી કબજે કર્યું હતું. મેં મારી રીતે તે પાછું મેળવ્યું. સદભાગ્યે સલામત છે. મને હરજીવનકાકાએ બધી વાત કરી છે. આથી તારા ફોનની રાહ જોયા વિના જ હું આવી, કારણકે પરિસ્થિતિ બહુ ગંભીર છે અને તાત્કાલિક પગલાં લેવા પડે તેમ છે.”

“હાશ! મને ચિંતા હતી, કોઈ બીજાના હાથમાં ગયું હોત તો.. .. “

“એ બધુ પછી, પહેલાં તું અહીં આવ, મારી પાસે બેસ, આપણી પાસે સમય નથી.” માનસીએ ગંભીર થઈ સબીનાને ટોકી. બેગમાંથી એક ફ્લૅશ ડ્રાઇવ અને બીજા પ્રિન્ટેડ કાગળો કાઢ્યા.

“હા, ચાલો, ઘણા વખતે ઓફિસના કામે ચઢું. પછી અંશુમાન તરફ ફરી કહ્યું, “અંશુ, તું ભલે અમેરિકામાં નથી ભણ્યો પણ એમબીએ તો કર્યું છે ને? હરજીવનકાકાએ આપેલ કાગળો પર નજર નાખી નોંધ કર ત્યાં સુધી હું માનસી જોડે કામ કરું છું.”      

ત્રણ કલાક સુધી ત્રણેય કામમાં મગ્ન રહ્યાં. છેવટે સબિનાએ એક અંગડાઈ લઈને સોફાને ટેકો દઈ આંખ બંધ કરીને વિચારમાં પડી ગઈ. પાંચ મિનિટ ઓરડામાં શાંતિ પથરાઈ ગઈ. પછી સબીના ટટ્ટાર થઈ. “માનસી, આપણને વકીલની જરૂર પડશે. આપણી કંપનીનો નહીં કોઈ બીજો સારો ભરોસાપાત્ર કોર્પોરેટ વકીલ, તને વાંધો ન હોય તો તારા પતિ પાર્થિવને આ કામ સોંપીએં.   તે કરશે?”

“હા. કેમ નહીં કરે? મારે તારી માફી માંગવાની છે. આ બધા રિપોર્ટ તૈયાર કરવામાં મેં તેની મદદ લીધી હતી.” માનસીએ નમ્રતાથી કબૂલાત કરી.

“એ છોડ, પાર્થિવને ફોન કરી અહીં બોલાવી લે, જો શક્ય હોય તો. અને હવે મારે તેને એક બીજું કામ પણ સોંપવાનું છે.”

“બીજું કયું?”   

“ હું પથારીમાં નિશ્ચેતન પડી હતી ત્યારે મારી ભાળ લેનાર કોઈ ન હતું. અંશુએ મને ચેતના આપી. એ પરથી એક વિચાર આવ્યો છે. એક એનજીઓની સ્થાપના કરવી, “દર્દી મિત્ર સેવા સંસ્થા”. જેનું સમગ્ર સંચાલન અંશુમાન કરે અને આવા જરૂરિયાતવાળા દર્દીઓને મિત્રતાની હૂંફ અને લાગણી આપે. અંશું, તું કરીશને?” સબીનાએ અંશુમાન તરફ આશાભરી નજરે જોયું.   

અંશુમાન થોડીવાર પ્રેમ અને માનથી સબીના સામે તાકી રહ્યો. પછી બોલ્યો, “ઉત્તમ વિચાર છે. મને વાંધો નથી.”

“ગુડ. તો તે ફાઈનલ છે. હવે આપણે જમીએં?”

જમવામાં પાર્થિવ પણ જોડાયો. જમ્યા પછી બીજા ત્રણ કલાક શું પગલાં લેવાં તેની યોજના તૈયાર થઈ. સાઈમે છેલ્લા ત્રણ વર્ષમાં ખોટી કોન્ટ્રાકટીંગ કંપનીઓના નામે ખોટાં બિલ બનાવી કંપનીમાંથી મોટા પાયે ઉચાપત કરી હતી. તેમાં તેની સાથે દિનયાર મર્ચન્ટ અને

અભિનવ ઘોષ પણ સામેલ હોય તેવી આશંકા હતી. પાર્થિવે બધા દસ્તાવેજો તૈયાર કર્યા અને ટૂંકમાં એક સારાંશ અહેવાલ તૈયાર કર્યો. સબીનાએ પોતાના લેપટોપથી હરજીવનભાઈ અને ડૉ. સત્યેનને આ અહેવાલ વ્યક્તિગત ઈમેલથી strictly confidentialના શીર્ષક નીચે મોકલ્યા.

રાતના સાડાબાર થયા હતા. પાર્થિવ અને માનસીએ બધું સમેટી વિદાય લીધી. સબીનાએ અંશુમાનને રોક્યો. કેન્ટીનમાંથી બે કોફી મંગાવી. અંશુમાનને પોતાની પાસે સોફા પર બેસાડ્યો.

અને પ્રેમાળ સ્વરે બોલી,”અંશુ, આપણી વાત અધૂરી રહી. તેં મને જવાબ ન આપ્યો. શું તું મને જિઁદગીભર સાથ આપીશ?

અંશુમાન એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયો. તેણે ધીમેથી પોતાનો હાથ સબીનાના હાથમાંથી છોડાવ્યો. તેના ચહેરા પર ગુસ્સો નહોતો, બસ એક પરિપક્વ સ્મિત હતું. અંશુમાને શાંતિથી કહ્યું,

“સુબૂ, તું મારા પર વિશ્વાસ મૂકે છે તે માટે આભાર. પણ હું તારી સાથે લગ્ન નહીં કરી શકું.”

સબીના આભી બની ગઈ, "પણ કેમ અંશુ? શું તું મને પ્રેમ નથી કરતો?"

"હું તને પ્રેમ કરું છું સુબૂ, ખૂબ પ્રેમ કરું છું. એટલે જ આ લગ્ન નથી કરી શકતો." અંશુમાને ઊંડો શ્વાસ લીધો.

"અંશુ..." સબીના ગળગળા અવાજે બોલી, "તેં મારી પાછળ તારી નોકરી ગુમાવી, રાત-દિવસ એક કર્યા. જ્યારે મારી ૭૦૦ કરોડની કંપનીના લોકો મારી લાશ પર સહીઓ કરાવવા તડપતા હતા, ત્યારે તેં મને નવી ચેતના આપી છે. હવે હું તને ક્યારેય મારાથી દૂર જવા નહીં દઉં. ચાલ, આપણે લગ્ન કરીને નવી જિંદગી શરૂ કરીએ. મારી આખી કંપની, મારી દોલત બધું જ હવે તારું છે."

“જો, પહેલી વાત તો એ કે આપણી વચ્ચે એક બહુ મોટી આર્થિક ખાઈ છે. ઉપરાંત તારી અને મારી જીવનશૈલી તદ્દન વિપરીત છે. તું બોર્ડ મિટિંગ, નાની કંપનીઓને હસ્તગત કરવા કરોડો રૂપિયાની આપ-લે કરે છે, વૈભવી જીવન, પાર્ટીઓ, ઉદ્ઘાટનો વગેરેમાં વ્યસ્ત રહે છે. અને હું એક સામાન્ય મેનેજમેન્ટનો માણસ છું.  જો હું અત્યારે તારી સાથે લગ્ન કરીશ, તો આ સ્વાર્થી દુનિયા તેનો અવળો અર્થ કાઢશે.”

“અંશુ, તારે એવી લઘુતા ગ્રંથિ અનુભવવાની જરૂર નથી.”

“ના, સુબૂ, આ લઘુતા ગ્રંથિ નથી. આ જીવનની કડવી વાસ્તવિકતા છે. હું મારા આત્મસન્માન અને આપણી પવિત્ર દોસ્તી પર પૈસાનો આવો કોઈ ડાઘ લાગવા દેવા નથી માંગતો."

“પણ અંશુ..!” સબીનાએ અંશુમાનના ખભા પર માથું ટેકવી ગળગળા અવાજે આંખમાં આંસુ સાથે કહ્યું, “હું તારા વિના નહીં જીવી શકું. આ સ્વાર્થી દુનિયામાં હું માત્ર  તારા પર જ સંપૂર્ણ વિશ્વાસ મૂકી શકું છું. મને તારો સાથ જોઈએ છે.” 

“પણ હું તારી સાથે જ છું. આપણો પ્રેમ અને મૈત્રી કાયમ રહેશે. અને આમ પણ તેં મને ચાલાકીથી દર્દી-મિત્ર સેવા સંસ્થાનો ભાર સોંપી મારી આર્થિક સમસ્યા દૂર કરી જ નાખી છે.  લગ્નના ચોકઠામાં બેસીને આપણે કદાચ એકબીજાની સ્પેસ ગુમાવી બેસીશું."

“અંશુ.. પ્લીઝ!” સબીનાની આંખોમાંથી દડદડ આંસુ વહી રહ્યાં હતા.

"અને છેલ્લી વાત..." અંશુમાનનો અવાજ વધુ ભીનો થયો, "સાચો પ્રેમ ક્યારેય કોઈ હક કે બંધન નથી માગતો, સુબૂ, મેં જે કાંઇ કર્યું તે મારી કોલેજની માસૂમ સખી સુબૂ માટે કર્યું હતું, કરોડોની માલિક સબીના સીઈઓ માટે નહીં.”

બંને ક્યાંય સુધી એકબીજાની આંખમાં આંખ પરોવી બેસી રહ્યાં.  

*

બીજે દિવસે સબીનાને રજા આપવાના હતા. માનસી સવારે આઠ વાગે આવી તેની સાથે એક હેરડ્રેસર અને એક મેકઅપ નિષ્ણાત સ્ત્રીઓ હતી. માનસીના હાથમાં એક સૂટકેસ હતી. સબીનાએ પૂછ્યું, “આ બધુ શું છે?’

“તને હવે એક દર્દીમાંથી સીઈઓ બનાવવાની છે.” માનસીએ હળવા સ્મિત સાથે જવાબ આપ્યો.

“અરે, પણ આ હોસ્પિટલનો આઇસીયુ રૂમ છે. આને બ્યુટીપાર્લર ના બનાવાય.”સબીના સીઈઓના રોલમાં આવી ગઈ.

“યસ, મેડમ. એ બધી વ્યવસ્થા થઈ ગઈ છે. એક ખાસ રૂમ તૈયાર કર્યો છે. તમે ચાલો આમારી સાથે.” માનસીએ પણ તેના મદદનીશની રીતે જવાબ આપ્યો.  

બરાબર સાડા દસે માનસી એક દર્દી તરીકે નહીં પણ એક સીઈઓ તરીકે રૂમ નં.802 માં પ્રવશી. ત્યારે ત્યાં ડૉ. સબનીસ, હરજીવનભાઈ, ડૉ. સત્યેન અને પ્રમોદભાઈ શાહ અને અંશુમાન હાજર હતા. બધાએ તેનું તાળીઓથી સ્વાગત કર્યું. હોસ્પિટલની બેડ ખસેડીને સોફા સેટ ગોઠવવામાં આવ્યા હતા. રૂમ નં. 802 એક બેઠક રૂમ જેવો લાગતો હતો. સબીના હરજીવનભાઈને પગે લાગવા નીચી નમે તે પહેલાં તેને ખભેથી પકડીને હરજીવનભાઈએ તેને ગળે લગાડી. પછી પાસે બેસાડી હેતથી ખભે હાથ મૂકી તેને કહ્યું, “ જો બેટા, અમને બધી ખબર છે. અને અમારો બધાનો એક મત છે કે તારો અને અંશુમાનનો જે નિર્ણય છે તે યોગ્ય નથી. અમે અંશુમાનને સમજાવ્યો છે. તે હવે તારી સાથે જોડાવા તૈયાર છે.” કહી ખીસામાંથી એક મખમલની લાલ રંગની ડબી કાઢી અંશુમાનને આપી.

અંશુમાને તેમાંથી એક હીરાની વીંટી કાઢી સબીના પાસે ઘૂંટડીએ પડી કહ્યું,“સબીના, સુબૂ, કાકાએ મને કહ્યું કે પ્રેમ સાચો હોય તો ગમે તે પરિસ્થિતિનો સામનો કરી શકાય. શું તું મને તારા જીવનસાથી તરીકે સ્વિકારીશ?”

થોડી ક્ષણો રૂમ નં. 802માં આતુરતાભરી શાંતિ છવાઈ ગઈ. સબીનાની આંખમાંથી હર્ષાશ્રુ વહી રહ્યાં હતાં. તેણે ધીમેથી તેનો હાથ લંબાવ્યો અને અંશુમાને તેની આંગળીમાં વીંટી પહેરાવી દીધી. 

    =====<>====




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો