શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026

સંબંધોના તાણાવાણા પ્રકરણ ૪


(આરવ અને લિયા  જર્મનીના કોલોન શહેરની રાઈન નદીના હોહેનઝૉલર્ન રેલવે બ્રીજ "લવ લોક બ્રીજ" પર અચાનક મળે છે. બંને પોતાની જિંદગીમાં વળાંક પર ઊભાં છે. બંને વચ્ચે દોસ્તી થાય  છે. તેઓ એકબીજાને ડેટ કરે છે અને એક વિકેન્ડ પર કોલોન કેથેડ્રલના પરિસરમાં બેસીને કોફીની ચૂસકીઓ લેતાં આરવ લિયાને કહે છે કે તે ભારત જવાનો છે. લિયાના મનમાં અજબ હલચલ મચે છે. હવે આગળ વાંચો..)



સંબંધોના તાણાવાણા  પ્રકરણ ૪

થોડા દિવસો પછી આરવે લિયાને ફોન કર્યો. ક્રિસમસની રજાઓ પોતાની સાથે ગાળવા આમંત્રણ આપ્યું. લિયાએ હા પાડી. આરવે કોલોનથી 165 કિમી. દૂર મોન્શાઉ કસ્બાના પહાડી વિસ્તારમાં લાકડાના કોટેજ રિસોર્ટમાં એક કોટેજ બુક કરી.       

૨8 ડિસેમ્બર, સવારનો સમય છે. આરવ અને લિયાને લઈ કોલોનથી A1 ઓટોબાન પર ચઢાવે છે. કારને 160 કિમી.ની ગતિ પર સેટ કરી ઓટો-પાઈલોટ પર મૂકી દે છે. કારનું હીટર ચાલુ હતું. કારની મ્યુઝિક  સિસ્ટમમાંથી ધીમા અવાજે હિન્દી ફિલ્મી ગીતો વાગી રહ્યાં હતાં.  ઓટોબાનની બંને બાજુએ ખેતરોમાં ઘઉં અને મિલેટના પાક, જાણે લીલોછમ ગાલીચો બિછાવ્યો હોય તેમ લાગતું હતું. ઝડપથી પસાર થતાં વૃક્ષો અને દૂર દેખાતાં છૂટક છૂટક ગામડાંઓ પર આછા ધુમ્મસને ચીરીને શિયાળુ સૂર્યનો પીળો પ્રકાશ મનોરમ્ય દ્રશ્ય રચતો હતો.

 લિયાએ ચામડાના લોંગબૂટ ઉતારી પગ સીટ પર લઈ પલાંઠી વાળી પછી બાસ્કેટમાંથી સેન્ડવીચ અને કોફીના મગ કાઢ્યા. આરવને કોફીનો મગ આપતાં લિયા બોલી,

“આરવ, મને ક્યારેક આપણી જિંદગી આ ઓટોબાન જેવી જ લાગે છે. બધું એટલી સ્પીડમાં પાછળ છૂટી જાય છે કે આપણને રોકાઈને વિચારવાનો મોકો જ નથી મળતો. ફેલિક્સ મારી જિંદગીમાં આવ્યો, અમે સાથે રહેવા લાગ્યા, અને અચાનક બ્રેકઅપ પણ થઈ ગયું... બધું ઓટોબાન જેવું ફાસ્ટ!"

"પણ લીયા, ઓટોબાન પર એક નિયમ છે. સ્પીડ ગમે તેટલી હોય, જો તમારો કાબૂ છૂટે તો અકસ્માત નક્કી છે. મેં લૌરા સાથેના લગ્નમાં કંટ્રોલ ઓટોપાઈલોટને સોંપી દીધો.  મને લાગ્યું કે સંબંધ કાયદાના પાટા પર છે એટલે ગમે તેટલી સ્પીડે ચાલશે, પણ સંબંધોને સ્પીડ નહીં, સંભાળની જરૂર હોય છે."

“સંભાળજે, અત્યારે પણ કાર ઓટોપાઈલોટ પર છે!” લિયાએ મજાક કરતાં કહ્યું.

આરવે કોફીની ચૂસકી લેતાં હસીને જવાબ આપ્યો, “પણ હવે હું સચેત છું. હું તારી સાથે વાત કરું છું પણ મારું ધ્યાન રસ્તા પર છે.”

 મોન્શાઉ જવા B258નું  એક્ઝિટ લેવા માટે આરવે કારને મેન્યુઅલ પર લઈ ઓટોબાન છોડી B258 પર મર્જ થયો. સેન્ડવિચ અને કોફીનો આસ્વાદ લેતાં લેતાં લિયા આરવને નિહાળી રહી. અજાણપણે તેનાથી મનોમન ફેલિક્સની સરખામણી આરવ સાથે થઈ ગઈ. આરવના  પીઢ અને જવાબદારીભર્યા પરિપક્વ વર્તનની તેણે નોંધ લીધી. તેણે વિચાર્યું આરવ પદ્ધતિસર અને ચોક્કસ છે. દોઢ કલાકમાં તેઓ મોન્શાઉ પહોંચી ગયા.   

 જર્મનીના આઇફેલ નેશનલ પાર્કના કિનારે 400 મીટરની ઊંચાઈ પર પહાડી વિસ્તારમાં 300 વર્ષ જૂનું મોન્શાઉ ગામ આવેલું છે. તેના કળાત્મક લાકડાના પરંપરાગત ઘરો અને પથ્થરના રસ્તાઓ સ્થાપત્ય માટે પ્રખ્યાત છે.

આરવ અને લિયા તેઓની કોટેજ પર પહોંચ્યાં. લાકડાની બનેલી કેબિનમાં પહેલાં નાનો લિવિંગ રૂમ અને એક બેડરૂમ હતો. પાછળ એક ડેક હતો જેની પર બે લાકડાની ખુરશી અને વચ્ચે એક ટેબલ હતું. લિયાએ જોયું કે બેડરૂમમાં બે બેડ અલગ અલગ હતા. જે જોઈને લીયાના મનમાં એક અનોખી રાહત અને આદરની લાગણી જન્મે છે.

 એક બાજુ કાચની બારીમાંથી નીચે ઢોળાવ પર ગામનાં લાકડાનાં ઘરો દેખાતાં હતાં. નીચે ખીણમાં દૂર રૂર નદીનો ધસમસતો વાંકોચૂકો આસમાની પ્રવાહ અને તેમાં નાના નાના ખડકો તથા કિનારા પર જામેલો બરફ તથા કિનારાનાં ચેસ્ટનટ વૃક્ષોની લીલીછમ હરિયાળી અદભૂત દ્રશ્ય રચતાં હતાં. લિયા થોડીવાર ડેક પર ઊભીને ચારે તરફ કુદરતનું રળિયામણું દ્રશ્ય મન  ભરીને માણી રહી. આરવ તેની પાસે જઈ ઊભો રહ્યો.

“અદ્ભૂત.” લિયાના મોંમાંથી ઉદ્ગાર સરી પડ્યા.

“તું અહીં કોઈવાર નથી આવી, લિયા?”        

“ના, આ પહેલી વાર જ આવી. આટલી સરસ જગ્યા કોલોનથી આટલી નજીક છે એની મને તો ખબર જ નથી.”

“હજી તો તને આ સ્થળની અદ્ભૂત અજાયબીઓની ખબર જ નથી!”

“હંમ, તું લૌરા સાથે અહી આવ્યો હોઈશ, ખરું?” લિયાએ અચકાતાં પૂછ્યું.

“ના. હું અહીં બે વાર આવ્યો છું. એકવાર એકલો અને બીજીવાર મમ્મીપપ્પા સાથે આવ્યો  હતો. તને ખબર છે, મોન્શાઉ જર્મનીના કાપડ ઉદ્યોગનું જન્મસ્થળ છે એમ કહીએ તો ખોટું નથી.”

આરવે માહિતી આપતા કહ્યું. 

‘શું વાત કરે છે?” લિયા આશ્ચર્યથી આરવ સામે તાકી રહી.

“હા. આજથી ૩૦૦ વર્ષ પહેલાં અઢારમી સદીના પૂર્વાર્ધમાં આશરે ૧૭૨૪ આસપાસ જ્હૉન હેનરિચ નામની વ્યક્તિએ અહીંના ભેજવાળા વાતાવરણનો લાભ લઈને ઉચ્ચ ગુણવત્તાના ઊનના કાપડ વણવાનો ઉદ્યોગ શરૂ કર્યો. જોતજોતામાં તે દુનિયાભરમાં મશહૂર થઈ ગયો. બસ્સો વર્ષ સુધી તેના વારસદારોએ લગભગ ૪૦૦૦ લોકોને રોજી આપી. આજે પણ તેની હવેલી ગામમાં ’રેડ હાઉસ’ તરીકે ઓળખાય છે અને તેને સંગ્રહાલયમાં ફેરવી દેવામાં આવી છે.”         

આરવે મોન્શાઉનો ઇતિહાસ વર્ણવ્યો.

“’અરે વાહ! તું તો ગાઇડ પણ બની ગયો!”

“અરે મેડમ, હજી તો મોન્શાઉની ઘણી અજાયબીઓ બાકી છે! પણ ચાલો આપણે ગામમાં લટાર મારીએ. ભૂખ પણ લાગી છે. નદી કાંઠે એક સરસ રેસ્ટોરન્ટ છે ત્યાં જમીએં.      

આરવ અને લિયા નાતાલની બપોરે ૭ ડિગ્રી તાપમાનની ઠંડીમાં રૂર નદીના કિનારે આવેલા એક લંચ હોમની બહાર લાકડાનાં કોતરણીવાળાં ટેબલ-ખુરશી બેઠાં હતાં, જ્યાં નદીના પ્રવાહનો અવાજ વાતાવરણને સંગીતમય બનાવતો હતો. કિનારા પર અને પ્રવાહની વચ્ચે ડોકિયું કાઢીને જાણે બહાર આવવા મથતા ખડકાળ, પણ બરફ આચ્છાદિત પથ્થરો નદીના આસમાની પાણી પર અનોખી ભાત પાડી રહ્યા હતા. નદીની બંને બાજુ ચેસ્ટનટની વનરાજી અને તેના લીલાં, પીળાં અને લાલ પર્ણો નદીની ભાત સાથે રંગોની અજબ ગૂંથણી કરતી હતી. પહાડના ઢોળાવ પર લાકડાનાં ઘરો અદભૂત દ્રશ્ય રચતાં હતાં.        

પીરસેલા ભોજનને ન્યાય આપતાં આરવ બોલ્યો,“લિયા, જાણે છે આ વિસ્તારને ડાર્ક સ્કાય પાર્ક કહે છે?”   

“એનો શું અર્થ? આકાશ તો ચોખ્ખું છે!”

“એક્ઝેક્ટલી. અહીં તું જોઈશ કે બધા દિવાનો પ્રકાશ ફક્ત જમીન પર જ પડે તે રીતે ઉપરથી ઢાંકેલા છે. શહેરમાં આપણે ઝળહળતી રોશનીને કારણે ભાગ્યેજ કોઈ તારા જોઈ શકીએ છીએ. અહીંની હવા બહુ શુદ્ધ અને પાતળી છે. રાત્રિના અંધકારમાં આકાશદર્શન કરવાની એક અનોખી મજા છે. સ્વચ્છ રાત્રે, જંગલની ઘેરી આકૃતિઓની બરાબર ઉપર ફેલાયેલી અસંખ્ય રંગબેરંગી અને ચમકતા તારાઓની ઝળહળતી ચાદર વચ્ચેથી પસાર થતી વાંકીચુંકી શ્વેત આકાશગંગા એક અવર્ણનીય દ્રશ્ય હોય છે!”                   

“તને ખગોળશાસ્ત્રમાં રસ છે?”    

“હા. નાનપણથી જ છે. હું ટેલિસ્કોપ લાવ્યો છું. જો હવામાન સાફ હશે તો આપણે રાત્રે આકાશદર્શન કરશું. એન્ડ્રોમિડા અને પર્સિયસ નામના નક્ષત્રો તો આપણને નરી આંખે પણ દેખાશે.”  આરવે હોંશથી લિયાને કહ્યું.

“મારું જ્ઞાન આ બાબતમાં મીંડું છે.” લિયાએ પોતાનું અજ્ઞાન કબૂલ્યું.”તેની શું કોઈ ખાસિયત છે?”

“ગ્રીસની પૌરાણિક કથા મુજબ પર્સિયસ એન્ડ્રોમિડાને સેટસ નામના જળરાક્ષસથી બચાવે છે અને પછી બંને લગ્ન કરે છે. આપણા હીર-રાંઝાની જેમ ગ્રીક કથામાં આ એક અમર પ્રેમી યુગલ છે.”       

“વાહ! તું તો ખગોળશાસ્ત્રથી પ્રેમશાસ્ત્ર સુધી પહોંચી ગયો! પણ અહીં કોઈ એન્ડ્રોમિડા નથી!” લિયાએ ટોળમાં કહ્યું.

“કેમ તું નથી! તું પણ એન્ડ્રોમિડા જેવી જ સુંદરી છે ને! આરવ પણ મજાકના મૂડમાં હતો.

 

લિયા સ્તબ્ધ થઈ ગઈ. તેણે બોલવા માટે હોઠ ઊઘાડ્યા પણ કાંઇ બોલી ન શકી. તેનો ચહેરો શરમ અને સંકોચથી લાલઘૂમ થઈ ગયો. આરવને તુરંત પોતાની ભૂલ સમજાઈ.

ઓહ, આઈ એમ સોરી. આઈ વોઝ જસ્ટ કિડિંગ.“ તેણે લિયાના હાથ પર હાથ મૂકી નરમાશથી કહ્યું.

લિયાના શરીરમાં જાણે વિદ્યુતનો પ્રવાહ વહેવા લાગ્યો. તેણે ઝડપથી હાથ ખેંચી લીધો અને ઊભી થઈ ગઈ. પોતાની પર્સ લઈ લીધી અને માંડ બોલી શકી, “લેટ અસ ગો.”

આરવ પણ શરમાઈ ગયો. તેને સમજાયું કે કશુંક કાચું કપાયું છે. તે પણ બિલના પૈસા ટેબલ પર મૂકી ચૂપચાપ લિયાની પાછળ ચાલવા લાગ્યો.

(ક્રમશ)





ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો