શુક્રવાર, 2 ઑક્ટોબર, 2026

તમને તો કંઈ ગતાગમ જ નથી

(લગ્નજીવનમાં ઘણીવાર અમસ્તી નાની બાબત પણ મોટું સ્વરૂપ ધારણ કરે છે અને વાત લગ્ન વિચ્છેદ સુધી પહોંચી જાય છે. ખાસ કરીને જ્યારે પતિપત્ની બંને નોકરી કરતાં હોય. આવે વખતે સમજદારીથી કામ લેવું અગત્યનું છે. અંબર અને અંતરા વચ્ચે આવી એક પરિસ્થિતિ ઊભી થઈ છે. તેઓ તેનું નિરાકરણ કેવીરિતે કરે છે?) 




તમને તો કંઈ ગતાગમ જ નથી!

 

“આ તમને તો કંઈ ગતાગમ જ નથી. બધુ મારે સમજાવવું પડે છે.”અંતરા રોષથી બોલી.

“અરે, પણ આમાં સમજવાનું કંઈ છે જ નહીં. તારી ઓફિસમાં પાર્ટી છે પણ હું તે દિવસે દિલ્હીમાં છું, માટે હું તારી પાર્ટીમાં આવી નહીં શકું. બસ! તેમાં તું આટલી બધી ભડકે છે શાની?” અંબરે શાંતિથી જવાબ આપ્યો.

“બધા સજોડે પાર્ટીમાં આવતા હોય છે. હું એકલી જાઉં તો કેવું ખરાબ લાગે? બધા પૂછાપૂછ કરે અને મારે બધાને જવાબ આપવા પડે. કેટલું એમ્બેરેસિંગ લાગે!” અંતરા નારાજ થઈ બોલી.

“મારો દિલ્હીનો પ્રોગ્રામ પહેલેથી નક્કી છે. એ તો તું જાણે છે ને? મને ખબર હતી કે તે જ દિવસે તારી ઓફિસમાં પાર્ટી હશે? તને એવું હોય તો કહે ઑફિસવાળાને કે પાર્ટી બીજા કોઈ દિવસે રાખે.”  

“લો બોલ્યા, ઓફિસ મારા બાપની છે? તમને તો કંઈ ગતાગમ જ નથી.”

આ ગતાગમ નથી તે અંતરાનો તકિયાકલામ છે. દરેક વાતનો અંત એક જ હોય “તમને તો કંઈ ગતાગમ જ નથી!”

 જ્યારે તેની પાસે તાર્કિક દલીલનો કોઈ જવાબ ન હોય ત્યારે આ વાક્ય બોલે.

 *

“જો અંતરા, હવે બહુ થયું. મને ગતાગમ નથી પણ તને તો બધી ગતાગમ છે ને? તો મારા  જેવા સાથે પરણી શું કામ? કોઈ ગતાગમવાળો ગોતી લેવો હતો ને?” છેવટે એક દિવસ અંબરથી રહેવાયું નહીં. “મારી કંપનીવાળા બુદ્ધિ વગરના છે એટલે મને, ગતાગમ વગરનાને, મહિને ત્રણ લાખ રૂપિયા આપે છે. અને તું આટલી ગતાગમવાળી છે તોય તને ફક્ત પંચોતેર હજાર પગાર આપે છે. જા, તારી કંપનીને કહે તને યોગ્ય પગાર આપે.”  

અંતરાની આંખોમાં આંસુ આવી ગયાં.”મને ખબર છે હું નોકરી કરું છું તે તમને કે તમારા ઘરવાળાને નથી ગમતું. માટે મને સંભળાવો છો.”

 એક દિવસ વાત વધુ વણસી ગઈ. ઑફિસેથી તે ખૂબ મોડી આવી. મેં કમેન્ટ કરી અને તેમાંથી તે ગુસ્સામાં પિયર જતી રહી. મને થયું ચાલો શાંતિ. ગુસ્સો ઉતરશે એટલે આવશે. ત્રણ-ચાર દિવસ, ન મેં તેને ફોન કર્યો, ન તેણે મને ફોન કર્યો. પાંચમાં દિવસે તે આવી. હું સવારે નાસ્તો બનાવતો હતો.

“વેરી ગુડ, આવી ગઈ? સરસ. તારા માટે ઓમલેટ બનાવું કે તું નાસ્તો કરીને આવી છે?”

તે ચૂપચાપ ખુરશી પર બેઠી અને પર્સમાંથી પ્લાસ્ટિકનું ફોલ્ડર કાઢીને ટેબલ પર મૂક્યું.

“આ શું છે?”

“તમે જાતે જ વાંચી લો.” તેણે રૂક્ષતાથી જવાબ આપ્યો.  

ફોલ્ડરમાં છૂટાછેડાના કાયદેસર કાગળો હતા. હું કાગળો વાંચવા લાગ્યો. ગેસ પર ઓમલેટ બળીને ખાક થઈ ગઈ. 22 પાનાં વાંચીને મેં પૂછ્યું,”તેં આ વાંચ્યા છે?”

“ના. અંકલે કહ્યું કે બધું કાયદેસર જ છે. તમે સહી કરી દો. મારે આજે જ અંકલને પાછા આપવાના છે.”

“તારા અંકલ એટલે તારા પપ્પાના મિત્ર ખરું? જે પોતાની દીકરી સ્નેહાને મારી સાથે પરણાવવા માંગતા હતા? પણ મેં સાફ ના પાડી દીધી હતી. હવે સમજાયું. ચાલ, આપણે સોફા પર બેસીને નિરાંતે વાંચીએં.” કહી અંબર ઊભો થયો અને અંતરાનો હાથ પકડીને સોફા પર બેસાડી.

“પણ તમારો નાસ્તો....?”

“એ તો બળી ગયો. અહીં જીવનને આગ લાગી છે ત્યાં નાસ્તાની ક્યાં વાત માંડે છે!”   

“તું સાંભળ, હું તને વાંચી સંભળાવું. એક ચિત્તે સાંભળજે. પછી આપણે આગળ વાત કરીશું.” કહી અંબર દસ્તાવેજ વાંચવા લાગ્યો. બરાબર એક કલાક પછી કાગળો ટેબલ પર મૂક્યા.

“તેં નીચે સહી કરી છે એટલે તું આ બધા દાવા સાથે સહમત છે, ખરું?”

અંતરા કંઈ બોલી ન શકી.

"આપણાં લગ્નને સાત વર્ષ થયાં. છ વર્ષથી તું નોકરી કરે છે. તારો એક પણ પૈસો મેં ઘરખર્ચમાં લીધો નથી. હું માનું છું તેં બચત કરી હશે. એ પણ મેં તને ક્યારેય પૂછ્યું નથી કે તું તારા પૈસાનું શું કરે છે, કે નથી તેં મને કહ્યું કારણ કે 'મને તો કંઈ ગતાગમ જ નથી!' આ ફ્લેટ લીધો તે પણ મારા પૈસાથી અને લોનના હપ્તા પણ હું મારા પગારમાંથી ચૂકવું છું. છતાં તને આ ઘર જોઈએ છે મારી બચતમાં અડધો હિસ્સો જોઈએ છે.”

“તમે મને કહ્યું હતું કે આપણા ભવિષ્ય માટે બચાવીએ.”

“હા, મેં કહ્યું હતું. આપણા ભવિષ્ય માટે. પણ આ કાગળો તો એમ કહે છે કે ”તારું મારું સહિયારું, મારું મારા બાપનું”! ઠીક છે. આપણા લગ્ન પછી તારા માબાપે આપણો બહિષ્કાર કર્યો હતો. છતાં દસ મહિના પછી તારા ભાઈ અર્ણવના અકસ્માતે આપણે દોડીને ગયાં હતાં. તેં  અઠવાડિયાની રજા લઈને તેની સારવાર કરી હતી.”

“તે મારો ભાઈ માંડ બચ્યો હતો અકસ્માતમાંથી. ને હું રોકાઈ તો શું ગુનો કર્યો? મારી કોઈ ફરજ નહીં?”

“સારું જ કર્યું. એમ જ કરવું જોઈએ. પણ જ્યારે મમ્મીને હળવો સ્ટ્રોક આવ્યો અને પંદર દિવસ હોસ્પિટલમાં હતી ત્યારે હું રજા લઈને તેની સારવારમાં રહ્યો હતો. એકના એક દીકરા તરીકે તે મારી ફરજ પણ છે અને જવાબદારી પણ છે. એટલી ગતાગમ છે મારામાં. પણ ત્યારે તેં કેટલા દિવસ રજા લઈને સાસુની સેવા કરી? તે તારી ફરજમાં નથી આવતું? તું તો બહુ ગતાગમવાળી છે ને! કે પછી એ તારા ગતાગમની બહારની બાબત છે?”

“હા, હું કબૂલ કરું છું મારી ફરજ હતી પણ ત્યારે મારી એક કલીગ પ્રસૂતિની રજા પર હતી અને ચોપરાનો બાબો હોસ્પિટલમાં હતો આથી મારા પર પ્રોજેક્ટની બધી જવાબદારી આવી પડી હતી અને ડેડલાઇન પર પ્રોજેક્ટ પૂરો ન થાય તો કંપનીને મોટું નુકસાન થાય તેમ હતું. હું શું કરું?”અંતરાએ પોતાની ભૂલનો સ્વીકાર કર્યો.  

“ઠીક છે. પણ એ બાબતે મેં કે મમ્મીપપ્પાએ ક્યારેય તને કશું કહ્યું છે? હવે આગળ જોઈએ, આ તેં મારી પાસે ભરણપોષણના માસિક એક લાખ પચાસ હજાર રૂપિયા માગ્યા છે. તું નથી કમાતી? એક તો મારી બધી બચતનો અડધો હિસ્સો અને ઉપરથી આ સાત વર્ષમાં મેં જે ખર્ચા કર્યા તે તો ગણ્યા જ નથી!”

“શું ખર્ચા કર્યા?”

કેમ? અર્ણવના અકસ્માત વખતે હોસ્પિટલ બિલમાં બે લાખ ખૂટતા હતા તે પણ મેં વગર કહે ચૂકવી આપ્યા હતા. આજે સાત વર્ષ થઈ ગયાં, ન તારા પપ્પાએ કે ન તારા ભાઈએ હજી સુધી એક હરફ પણ ઉચ્ચાર્યો હોય! પાછા આપવાની તો વાત જ ક્યાં રહી?”

“પણ ત્યારે ભાઈના લગ્ન માથે હતાં એટલે.. ..”

“માન્યું. લગ્ન ખર્ચ માથે હોય તો સગવડ ન થઈ શકી હોય. પણ પછી તારા ભાઈને ઘેર બાળક આવે પણ ત્રણ વર્ષ થઈ ગયાં. હજી સુધી સગવડ નથી થઈ? જવા દે. આ સ્ત્રી ધન. આપણે કોર્ટ મેરેજ કર્યાં હતાં અને તારા મમ્મીપપ્પાએ બહિષ્કાર કર્યો હતો આથી તને તો લગ્નમાં એક વાલની વાળી પણ મળી નથી. એટલું જ નહીં, જ્યારે આપણે અર્ણવને લગ્ન નિમિત્તે  પચાસ હજારની કાંડા ઘડિયાળ, અને તારી ભાભીને તારા તરફથી કાંજીવરમ્  સિલ્ક સાડી ઉપરાંત ચાંદીનો સેટ આપ્યો હતો. પણ તારાં મમ્મીપપ્પાએ દીકરાના લગ્ન નિમિત્તે કોઈ જણસ તને નથી આપી મારી તો વાત જ ક્યાં રહી. ત્યારે તો સંબંધ હતો ને? તને જે કંઈ મળ્યું છે તે મારા તરફથી અને મારા માતાપિતા તરફથી મળ્યું છે.”

અંતરા નીચું મોં કરી સાંભળી રહી.  

“આપણી પહેલી લગ્નતિથિએ મેં તને સોનાનો હાર આપ્યો હતો, બીજી લગ્નતિથિએ હાથનાં કંગન, દર લગ્નતિથિએ હું તને કંઈ ને કંઈ સોનાની વસ્તુ આપું છું.”

“તમારી ઈચ્છા  હોય તો હું તમને પાછું આપી દઉં.“       

“ના. તું એ ખુશીથી રાખ મને વાંધો નથી. એ તારો હક છે. સવાલ એ છે કે તેને આમાં મચડીને દર્શાવવામાં આવ્યું છે. અને આ તો સાવ હળાહળ જૂઠાણું છે.શું હું તને ત્રાસ આપું છું? તને માનસિક અને શારીરિક પીડા આપું છું? અને તારો હાથ મેં ભાંગ્યો હતો? તું સ્કૂટર પરથી પડી ગઈ ત્યારે હાથ ભાંગ્યો હતો.”

“મેં એવું કંઈ કીધું જ નથી.”

“તો આ એકસરે અને મેડિકલ રિપોર્ટ એ લોકો પાસે ક્યાંથી આવ્યા? તેં જ આપ્યા હશે ને?“

“ના. પ્લાસ્ટર હતું ત્યારે હું ત્યાં રહેવા ગઈ હતી ત્યારના બધા રિપોર્ટ ત્યાં ઘેર જ પડ્યા હતા.” અંતરા અંદરથી હચમચી ગઈ. “આ ત્રાસ અને પીડાનો મુદ્દો અંકલે મૂક્યો છે.”

“પણ તેં નીચે સહી કરી છે!”

અંતરા રડવા લાગી. હીબકાં ભરતાં તે બોલી. “તે દિવસે હું બહુ મોડી આવી, ને તમે મારા પર ગંદો આક્ષેપ કર્યો તેથી.. .. “ રૂદનમાં આગળ ન બોલી શકી.     

“અરે, એ તો મેં હળવી મજાક કરી હતી. તું દર વખત “મને ગતાગમ નથી” એમ કહ્યા કરે છે એટલે મેં ફક્ત એમ કહ્યું હતું કે કોઈ ગતાગમવાળો મળી ગયો છે કે શું?"

“એટલે તમે મને છૂટાછેડા નથી આપવા માંગતા?” અંતરાએ રોતી સુરત પણ આશાભરી આંખે અંબર તરફ જોયું.

“હું તો એ શબ્દ પણ નથી બોલ્યો. તું બંબાની જેમ ગુસ્સામાં આવી ગઈ હતી.”

“તો બીજું શું કરે? તે દિવસે હું કેટલી ખુશીથી તમને એક સારા સમાચાર આપવા માંગતી હતી અને તમે .. .. ..” કહી તેણે પર્સમાંથી એક કવર કાઢીને ટેબલ પર મૂક્યું.

“આ શું છે? પ્રેગ્નન્સી રિપોર્ટ?” અંબરે કવર હાથમાં લઈ અંદરથી કાગળ કાઢી વાંચ્યો. અને એની આંખો હર્ષથી ચમકી ઊઠી. તે ઉત્સાહમાં ઊભો થઈ ગયો અંતરા પણ ઊભી થઈ.

“અરે વાહ, અભિનંદન, અંતરા! તું પ્રોજેક્ટ મેનેજર તરીકે પ્રોમોટ થઈ છે ને શું! વાહ, વાહ! આખરે તારી મહેનત ફળી!”

અંતરાએ ટેબલ પરથી છૂટાછેડાના કાગળો લઈ ફાડી નાખ્યા. અંબરે આગળ વધી તેને બાહુપાશમાં સમાવી લીધી. એક હાથથી તેનો ચહેરો ઊંચો કરી આંખમાં આંખ પરોવી બોલ્યો, “મેનેજર મેડમ, આ ગતાગમ વગરનો પતિ ચાલશે ને?”     

અંતરાએ તેના હોઠ પર હોઠ મૂકી તેને બોલતો બંધ કરી દીધો.

 

====<>===

 

 

 

 

 

 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો