શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

સંબંધોના તાણાવાણા પ્રકરણ ૩

(લગ્ન સંબંધ કે લિવ-ઇન રિલેશનશીપ? કયો સંબંધ વધુ સારો? આરવ અને લિયા  જર્મનીના કોલોન શહેરની રાઈન નદીના હોહેનઝૉલર્ન રેલવે બ્રીજ- "લવ લોક બ્રીજ" પર અચાનક મળે છે. બંને ડિનર પર જાય છે. ત્યાં બન્ને લગ્ન અને લિવ-ઈનના  પોતાના અનુભવો શેર કરે છે. હવે આગળ વાંચો..)


પ્રકરણ ૩

લિયા પિતાના ઘરના ગેસ્ટ બેડરૂમમાં પોતાની ડાયરી ખોલીને બેઠી. થોડીવાર ડાયરીના પાનાં તરફ જોઈને વિચારતી રહી. પછી લખ્યું, “શું લગ્ન પણ લિવ-ઈનની જેમ નબળી ઇમારત છે? લગ્ન પણ નહીં, લિવ-ઈન પણ નહીં, કશું અખંડ નથી? તો પછી જિંદગી કેવી રીતે જીવવી? કપાયેલા પતંગની જેમ? જેમ હવા ઉછાળે તેમ ગડથોલિયાં ખાતાં રહેવું?” પછી અટકી.

 બાળપણની ધૂંધળી યાદોમાં ખોવાઈ. “આઠ વર્ષની હતી ત્યારે મા ગુમાવી. મમ્મી-પપ્પાને ભારતમાં સાથે જોયાં હતાં. મમ્મી આખો દિવસ પપ્પાના મૂડ, પપ્પાની ગમતી-અણગમતી નાની નાની વાતોનો ખ્યાલ રાખતી. અને આખા પરિવારની સેવામાં વિતાવતી. પપ્પા ક્યારેય મમ્મીને પૂછતા નહીં કે 'તારી પર્સનલ સ્પેસ ક્યાં છે?' કે 'તને શું ગમે છે?'. પણ એ જ પપ્પાને  મમ્મીની માંદગીને બિછાને બેસીને, મમ્મીનો હાથ પકડીને આંસુ સારતા પણ જોયા છે. એ સંબંધમાં બલિદાન અને સમર્પણ હતું, પણ કદાચ મમ્મીની પોતાની કોઈ ઓળખ નહોતી. તો શું હમેશ માટે પત્ની પોતાની ઓળખની લગ્નની વેદી પર બલિ ચડાવે તે સફળ લગ્ન? આરવનાં  લગ્ન તૂટ્યા કારણ કે તેણે પોતાની ઓળખ ગુમાવી હતી. આ કેવી વિષમતા? સફળ લગ્નજીવનની ચાવી શું? આ ગુત્થીનો ઉપાય શું?” લિયાએ ડાયરી બંધ કરી. પછી બબડી, “આરવ સાથે ચર્ચા કરવી જોઈએ.”   

  

આ બાજુ આરવ લિન્ડેન્થાલની કૅનાલસ્ટ્રાસેના પોતાના ઘરના બેકયાર્ડમાં બેઠો હતો. હાથમાં વ્હિસ્કીનો ગ્લાસ હતો. શરીરને થીજાવી દે તેવી ઠંડીને ખાળવા હીટ પમ્પ પ્રયાસ કરી રહ્યો હતો. સામે દૂર નહેર અને તેના કિનારા પરના બીચ અને ચેસ્ટનટનાં ઝાડ આછા ધુમ્મસ વચ્ચેથી ડોકિયાં કરતાં હતાં. હીટ પમ્પના અવાજ સિવાય ચારે બાજુ નીરવ શાંતિ હતી.

“લિયાના અનુભવ પરથી એમ સમજાય છે કે લિવ-ઈન પણ કાશ્મીરનો બગીચો નથી.” આરવ વિચારતો હતો. “પણ જો લિયાની વાત સાચી હોય તો પોતે કેમ લગ્નમાં હૂંફનો અનુભવ ન કર્યો? એમ ન હતું કે લૌરા તેને પ્રેમ કરતી ન હતી, કે પોતે લૌરાને પ્રેમ કરતો ન હતો. તો બેસૂરો તાર કયો હતો? મને લાગે છે ભારતીય અને જર્મન સંસ્કૃતિનો આ પ્રભાવ છે. તેલ અને પાણીનું કદી સંતૃપ્ત મિશ્રણ ન થઈ શકે. લગ્ન બે વ્યક્તિઓ વચ્ચે નહીં પણ બે કુટુંબો વચ્ચેનો સંબંધ છે. 

લૌરાને લઈ પોતે જ્યારે ભારત ગયો હતો ત્યારે પોતાના કુટુંબે તેને દૂધમાં સાકરની જેમ અપનાવી લીધી હતી. લૌરા પણ સાડી પહેરીને મહાલતી હતી. ભાષાનો અવરોધ નડ્યો ન હતો. પણ શું લૌરાના કુટુંબે તેને અપનાવ્યો હતો? ભાષાનો અવરોધ પણ ન હતો. છતાં ધનાઢ્ય વેપારી કુટુંબમાં તેની ગણતરી એક નોકર તરીકે જ થતી. એ ખરું કે તેઓના ટેકઓવર, મર્જર, વગેરેની ચર્ચામાં તે ભાગ લઈ શકતો ન હતો. તેઓ જાણતા હતા કે ટેક્સ્ટાઈલ એન્જિનિયરિંગમાં તે પીએચડી હતો. તેનું જ્ઞાન ઉચ્ચ ગુણવત્તાનું અને ચોકસાઇથી મોંઘામાં મોંઘું કાપડ બનાવતાં યંત્રોની ડિઝાઈન કરવાનું હતું. તે યંત્રનિષ્ણાત હતો, અર્થશાસ્ત્રી નહીં. તો શું તેનો અર્થ એ કે સમાન સંસ્કૃતિનો લગ્નસંબંધ સુમેળભર્યો હોય તે શક્યતા વધુ છે! એ તો સાચું કે લિવ-ઈનમાં વચનબદ્ધતા નથી.” ઠંડી વધી રહી હતી અને હીટ પમ્પ પણ નિષ્ફળ થઈ રહ્યો હતો. આરવ બધુ સમેટી અંતે નિદ્રાદેવીને શરણે થવા શયનકક્ષામાં ગયો. 


શનિ-રવિની એક રજામાં તેઓએ નક્કી કર્યું કે કોલોન શહેરનાં જોવાલાયક સ્થળોની મુલાકાત લેવી. ફારિના ફ્રેગ્રન્સ મ્યુઝિયમ કે જેમાં વિશ્વમાં પ્રખ્યાત પરફ્યુમ યુ ડી કોલોન બનાવવાનો ઇતિહાસ સંગ્રહિત છે. લુડવિગ મ્યુઝિયમ જેમાં પિકાસો અને અન્ય પોપ કળાનાં ચિત્રો છે. છેલ્લે તેઓ મશહૂર કોલોન કેથેડ્રલ આવ્યાં. તેના ઊંચા મિનારાનું ગોથિક સ્થાપત્ય ખૂબ જ આકર્ષક છે. તેઓ આગળના ચોકમાં કોફીનો મગ લઈને તેઓ બેઠાં.

   

“આ બધું જોયા પછી એમ લાગે છે કે ભારત અને જર્મનીના ઈતિહાસ લગભગ સરખા છે. ખરું ને?” લિયાએ કોફીનો સ્વાદ લેતા પૂછ્યું.

“એક ફરક છે કે ભારતની સંસ્કૃતિ સદીઓ જૂની અને પારંપારિક છે. જ્યારે જર્મની છૂટા છવાયા આદિવાસી સમૂહમાંથી એક સમાજ બન્યો છે. હા, એ ખરું કે બન્નેએ વિભાજન, બાહ્ય શાસન અને અસ્તિત્વની ઓળખના ઊંડા ઘા અનુભવ્યા છે.” આરવ ક્ષિતિજ તરફ જોતાં જાણે ઈતિહાસનાં પાનાં ઊલટાવતો હોય તેમ બોલ્યો. લિયા તેની તરફ આદરભાવથી જોઈ રહી.

 પછી ગરમાગરમ કોફીનો ઘૂંટ લેતાં આરવ બોલ્યો, “તને એક વાત કહેવી ભૂલી ગયો.”

“શું વાત?” લિયા ઉત્સુક્તાથી બોલી.

“હું આવતા મહિને ભારત જવાનો છું.”

લિયા થોડીવાર સ્તબ્ધ થઈ ગઈ. પણ તેના આંતરિક ભાવ ચહેરા પર કળાવા દીધા વિના તે  બોલી,  “કેમ અચાનક?”

“મારા મમ્મીપપ્પા નો અતિ આગ્રહ છે કે એકવાર તેમને મળી લઉં. પાપા આવતા વર્ષે નિવૃત્ત થાય છે. તેઓની ઈચ્છા છે કે.. ..” કહેતાં કહેતા આરવ ચૂપ થઈ ગયો.

લિયા આરવ સામે જોઈ રહી. તેના ચહેરા પર અજાણતાં ના બોલવાનું બોલી ગયાનો ભાવ સ્પષ્ટ કળાતો હતો.

 “આરવ ઈન્ડીયા શું કામ જતો હશે? કદાચ છોકરી જોવા? હોઈ શકે. પણ મારે શું? મને શું થયું છે? મને શું કામ આંચકો લાગે છે? મારે અને આરવને શું સંબંધ છે? અમે તો માત્ર મિત્રો છીએં.” લિયાની માનસિક ગડમથલ ચાલુ હતી. “એમ? આરવ માત્ર મિત્ર છે? એમ તો નથી ને કે તું તારી જાતને છેતરી રહી છે?” તેના દિલે જાણે બળવો પોકાર્યો.

 

છેવટે મૌન તોડતાં તે બોલી, “હં, તો શું ઈચ્છા છે તેઓની? અટકી કેમ ગયો? આગળ બોલ!”

આરવે નદીના પ્રવાહ તરફ નજર ફેરવતાં કહ્યું, “જવા દે, કાંઇ નહીં.”

“સમજી ગઈ. એમ કહેને કે છોકરી જોવા જાય છે!” મજાકમાં આરવને ચૂંટી લેતા બોલી.

આરવ જરા છોભીલો પડી ગયો. પછી બચાવના સૂરમાં બોલ્યો, “કદાચ મમ્મીપપ્પાનું એવું આયોજન હોય તો નવાઈ નહીં.”

“હશે જ. તો શું ફરી લગ્નનું વિચારે છે?”

“અત્યારે તો હું બહુ મૂંઝવણમાં છું. તારા અને મારા અનુભવ પરથી બેમાંથી એક પણ સંબંધ સરળ હોય તેમ નથી લાગતું.” અનાયાસે આરવ માથું ખંજવાળતાં બોલ્યો.

“ હું પણ એ જ વિચારતી હતી. મને મારા નાનીની એક કહેવત યાદ આવી ગઈ. લગ્ન એવા લાડુ છે કે જે ખાય તે પસ્તાય અને ના ખાય તે પણ પસ્તાય. પણ જરા ઊંડું વિચારીએ તો લગ્ન જીવનમાં સ્થિરતા અને સુરક્ષા આપી શકે છે. જે અન્ય કોઈ સંબંધ નથી આપી શકતો.”

 

“સાચું કહું તો લીયા, ક્યારેક મને થાય છે કે આપણા દેશમાં જે જૂની વ્યવસ્થા હતી, જ્યાં લોકો બહુ વિચાર્યા વગર બસ લગ્ન નિભાવી લેતા હતા, એ કદાચ વધુ સરળ હતું.”

 

“એટલે જ તો હું વિચારું છું... ઇન્ડિયાના એ જૂના લગ્ન જેમાં ક્યારેક ગૂંગળામણ થતી, પપ્પાના આ નવા જર્મન લગ્ન જે એકદમ પરફેક્ટ પણ ઠંડા છે, મારો ફેલિક્સ સાથેનો લિવ-ઈન સંબંધ જે આઝાદ હતો પણ અસુરક્ષિત હતો, અને તારા લૌરા સાથેના લગ્ન જે કાયદાના પાંજરામાં પુરાઈ ગયા... આ બધામાંથી સાચો રસ્તો કયો? શું કોઈ એવી વ્યવસ્થા છે જ્યાં માણસ સુરક્ષિત પણ રહી શકે અને શ્વાસ પણ લઈ શકે?” લિયાએ પોતાની રાતની ગડમથલનો ચિતાર આપ્યો.

“મને લાગે છે આપણે ખોટા રસ્તે ચઢી ગયાં છીએં. લગ્નનો મૂળ ઉદ્દેશ જ ભૂલી ગયાં છીએં. માટે આમ અથડાઈએં  છીએં. ખેર, કઇંક બીજી વાત કરીએં.”                       

(ક્રમશ:)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો