(લગ્ન પહેલાં શારીરિક સંબંધ ઉચિત છે કે નહિ તેની અહી છણાવટ નથી. પણ બેમાંથી એક પાત્રની મરજી હોય, સંમતિ હોય અને બીજા પાત્રને તે સ્વીકાર્ય ન હોય તો ? અહીં એક ટ્વિસ્ટ છે. આ બીજું પાત્ર અગાઉ અન્ય સ્ત્રીઓ સાથે સંબંધ બાંધી ચૂક્યું હોય છે! પણ હવે ના. પછી શું થાય છે? સંબંધ કેવો વળાંક લે છે?)
સ્નેહમાં તિરાડ
‘કમ ઓન પરિમલ, તું દર વખત કેમ આમ કરે છે? તને હું નથી ગમતી?” મોહિનીએ પરિમલના આલિંગનમાથી છૂટાં પડતાં રોષ વ્યક્ત કર્યો.
“અરે મોની, તું મને ખૂબ ગમે છે. દોઢ વર્ષથી આપણે એકબીજાના પ્રેમમાં
છીએ અને તું હજી મને ઓળખી ન શકી?” પરિમલે મોહિનીને અળગી કરી તેને સમજાવવાનો પ્રયાસ
કર્યો.
“પણ એમાં ખોટું શું છે? આપણે ટૂંક સમયમાં પરણવાનાં છીએ. કાયદેસર
આપણી સગાઈ થઈ ચૂકી છે. મને તારા પર સંપૂર્ણ વિશ્વાસ છે. અને આજકાલ તો કોલેજમાં
જતાં છોકરા-છોકરીઓ પણ બિન્દાસ હરે ફરે છે.
અને તું પોતે વળી ક્યાં દૂધે ધોયેલો છે? તેં જ મને કહ્યું હતું કે
અમેરિકામાં તું અલગ અલગ છોકરીઓ સાથે ડેટિંગ કરતો!”
"મોની, અમેરિકાની વાત અલગ હતી. એ માત્ર પરસ્પરની શારીરિક ભૂખ હતી. ત્યાં કોઈ લાગણીઓ જોડાયેલી નહોતી, કોઈ કમિટમેન્ટ નહોતું, કોઈ અપેક્ષા ન
હતી. અહીં હું તને પ્રેમ કરું છું, એટલે આપણો સંબંધ લગ્ન પહેલા પવિત્ર હોવો જોઈએ."
“તને નથી લાગતું
અમેરિકા રિટર્નડ હોવા છતાં તારા વિચાર દેશી છે?”
“હા. અમુક બાબતમાં
હું દેશી વિચાર ધરાવું છું. આપણે સંસ્કારી કુટુંબોમાંથી આવીએં છીએં. અમુક મર્યાદા જાળવવાથી ગામડિયા નથી થઈ
જતાં. ભારતીય પરંપરા અને સંસ્કારની કદર જ્યારે દેશની બહાર જઈએ ત્યારે થાય છે. પ્રેમમાં
પરસ્પરનો વિશ્વાસ અને પવિત્રતા પ્રેમની સફળતા અને સચ્ચાઈની ચાવીઓ છે.“ પરિમલે
મોહિનીને પાસે બેસાડી, પીઠ પર હાથ ફેરવતાં મનાવવાનો પ્રયત્ન કર્યો.
મોહિની એક પ્રતિષ્ઠિત કન્સ્ટ્રક્શન કંપનીમાં નિષ્ણાત આર.સી.સી. (RCC) એન્જિનિયર હતી. જેવી રીતે તે સિમેન્ટ અને સ્ટીલના માળખાને મજબૂતી આપતી, તેવી જ રીતે તે પોતાના જીવનને પણ ચોક્કસ ગણતરીઓથી ચલાવતી. તેની નાની બહેન, સોહિની, કાયદાનો અભ્યાસ પૂરો કરીને વકીલાતની પ્રેક્ટિસ કરી રહી હતી.
બે વર્ષ પહેલાં મોહિનીના જીવનમાં પરિમલ આવ્યો. પરિમલ અમેરિકાથી મેનેજમેન્ટની ડિગ્રી લઈને પાછો ફરેલો એક મલ્ટિનેશનલ કંપનીનો હાઈ-પ્રોફાઈલ એક્ઝિક્યુટિવ હતો. દિલ્હી એરપોર્ટ પર બંનેની મુલાકાત થઈ ફ્લાઇટ અસાધારણ મોડી હોવાને લીધે સારો એવો સમય એકબીજા સાથે ગાળ્યો. એ પછી મુંબઇમાં આ સિલસિલો ચાલુ રહ્યો અને બંનેને લાગ્યું કે તેઓ made for each other છે. બંને પરિવારોએ તેમના પ્રેમનો સ્વીકાર કર્યો હતો અને ટૂંક સમયમાં જ તેમનાં લગ્ન થવાનાં હતાં.
પ્રેમમાં પવિત્રતા અને ભારતીય સંસ્કારના પરિમલના આ બહાનાથી મોહિની અકળાતી હતી, મૂંઝાતી હતી. તેને સમજાતું ન હતું કે પરિમલ બેધારી નીતિ કેમ જીવી રહ્યો છે. “જ્યારે તેને જરૂર હતી ત્યારે તેણે જલસા કર્યાં અને હવે પોતાની સામે તે પવિત્રતાનો ઢોંગ કરી રહ્યો છ!. કયો પરિમલ સાચો? અમેરિકાવાળો કે ભારતવાળો? શું તેને મારી ઈચ્છા, મારી યૌવનસહજ ઉત્તેજના, મારી લાગણી, મારી એષણાની કોઈ ખેવના નથી? આવી બાબતમાં સામાન્યત: યુવતીઓ લગ્ન પહેલાં, નિકટતાની ઈચ્છા હોવા છતાં નાટક કરતી હોય છે! જ્યારે આ મહાશય લક્ષ્મી ચાંદલો કરવા આવે છે ત્યારે મોં મચકોડે છે! આ જમાનામાં આવા ચોખાલિયાવેડા શાના? બે મહીના પછી તો તેઓનાં લગ્ન છે!” મોહિનીના મગજમાં વિચારનો વંટોળ ઊઠયો. “શું ખબર? કદાચ તેને કોઈ સમસ્યા હોય? અને પોતાની એબ છુપાવવા અમેરિકાની ડેટિંગની વાતો ઉપજાવી કાઢી હોય? ક્યાંક એવું તો નથી ને કે પોતે જરા વધુ પડતી અપેક્ષા રાખે છે? પોતે વારે વારે મોંએ ચડીને નિકટ થવાની જીદ કરતી હતી તેથી શું પરિમલ તેને ચારિત્ર્યહીન તો નહીં સમજતો હોય?” તેને ધ્રાસકો પડ્યો. “શું એમ હશે? અરે! ના. તેણે તો દસ ગામનાં પાણીચાખ્યા છે! અને એ પણ પરદેશી!! પણ તો પછી..?”
એવામાં એક દિવસ ઓફિસના કામે નજીકની પ્રોજેક્ટ સાઇટ પર જવાનું થયું. અને કામ પૂરું ન થતાં ત્યાં રાત્રિ રોકાણ કરવું પડ્યું. બીજે દિવસે સવારે અચાનક તેના બોસે પરિવારને ફોન કરીને મોહિનીની તબિયત અચાનક ખરાબ થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરી છે તે સમાચાર આપ્યા. બધાં ગભરાઈ ગયાં. નર્સિંગ હોમ દોડ્યાં. ડોક્ટરે કહ્યું કે રક્તચાપ વધી જવાને કારણે મગજમાં લોહીનો પ્રવાહ વધી જવાથી તે ભાન ગુમાવી બેઠી હતી. પરિવારના તો હોશકોશ ઊડી ગયાં. બધાં ચિંતામાં પડી ગયાં. ઉપરથી પરિમલ પણ ઓફિસ કામે દક્ષિણ કોરિયા ગયો હતો. મોહિનીને હોશ તો આવી ગયા હતા પણ ડોક્ટરે કહ્યું કે મગજમાં કોઈ અસર થઈ છે કે નહીં તેની વધુ તપાસ માટે અને રિપોર્ટ આવે તેટલા દિવસ હોસ્પિટલમાં રોકાવું પડશે.
હોસ્પિટલથી આવ્યા પછી મોહિની માનસિક રીતે બહુ ભાંગી પડી હતી. તે ગુમસૂમ રહેતી અને કોઈની સાથે વાતચીત કરવાનું ટાળતી. પોતાના રૂમમાં છુપાઈને રોઈ પણ લેતી.
એક દિવસ તેણે સોહિનીને રૂમમાં બોલાવીને ધમાકો કર્યો. પોતે પરિમલ સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો અને સોહિનીને વિનંતી કરી: "સોહિની, તું પરિમલ સાથે લગ્ન કરી લે. મને ખબર છે તું તેને ચાહે છે. તે બહુ સારો છોકરો છે."
આ સાંભળીને સોહિની અવાક થઈ ગઈ. થોડીવાર તો તેને વિશ્વાસ ન આવ્યો કે મોહિની શું કહે છે! તે બોલી. “આ શું બોલે છે કાંઈ ભાન છે તને? તારે શું કામ લગ્ન નથી કરવાં? અને તે પણ આટલા લાંબા સમયના પ્રેમ પછી?”
“બસ. નથી કરવાં. “ મોહિનીએ ઋક્ષતાથી જવાબ આપ્યો.
“ના. એમ વાતને નહીં ટાળ. નક્કી કાઇંક થયું છે. પરિમલે એવું શું કહ્યું, કે કર્યું, કે તું સાવ આમ છેલ્લે પાટલે બેસી ગઈ છે?” પછી માર્દવતાથી પૂછ્યું,” તારે અને પરિમલ વચ્ચે કોઈ અણબનાવ કે ગેરસમજ થઈ છે? દીદી મને કહે, આવા આકરા નિર્ણય માટે કોઈ કારણ તો ચોક્કસ હશે જ. હું પરિમલને સમજાવીશ. તું તો મને તારી બેસ્ટ ફ્રેન્ડ માને છે ને? આપણા બે વચ્ચે કોઈ વાત ખાનગી નથી.”
“ના, કોઈ ગેરસમજ નથી. પરિમલ તો આ વાતથી સાવ અજાણ છે. અને તારે એને મનાવવાનો છે. મને વિશ્વાસ છે તું એને સુખી કરશે.”
“નૉનસેન્સ! એ તને પ્યાર કરે છે. ખૂબ પ્યાર કરે છે. તે કોઈ રીતે મારી સાથે લગ્ન કરવા તૈયાર નહિ થાય.” સોહિની થોડીવાર વિચાર કરી બોલી,”હમમ.. ક્યાંક તું મારી તેના પ્રત્યેની લાગણી જાણે છે એટલે મહાન બલિદાન આપવા માંગે છે? ખબરદાર! આ વિચારનો અંશ માત્ર તારા મગજમાંથી કાઢી નાખજે. અત્યાર સુધી તો તમે હમ સાથ સાથ હૈ નાં ગીતો ગણગણતાં હતાં અને અચાનક આ પલટી કેમ મારી તેં? મારા મનમાં અને મગજમાં ઘડ બેસતી નથી. તું મારાથી નક્કી કાઇંક છુપાવે છે.”
“હું કાઈ છુપાવતી નથી અને આ મારો નિર્ણય અફર અને અંતિમ છે. મારે આ બાબત કોઈ વાત કોઇની સાથે કરવી નથી.”મોહિની મક્કમતાથી જણાવ્યું.
સોહિની મનોમન પરિમલ તરફ આકર્ષાઈ હતી, પણ બહેનની ખુશી માટે તેણે પોતાની લાગણીઓ કાયમ માટે ડામી દીધી હતી. મોહિની આ વાત કળી ગઈ હતી. બંને બહેનો વચ્ચે ભગિની ભાવ ઉપરાંત ગાઢ મૈત્રી પણ હતી. મોહિનીના દબાણ અને કથળતી તબિયત જોઈને છેવટે પરિવારે સોહિની અને પરિમલનાં લગ્ન નક્કી કરી દીધાં.
પરિમલ પણ મોહિનીના આ પરિવર્તનથી પારાવાર પરેશાની અનુભવતો હતો. તેણે મોહિનીને સમજાવવાની કોશિશ કરવામાં કાઇ બાકી ન રાખ્યું. શા માટે? શા માટે મોહિની લગ્નની ના પાડે છે? એક છ-સાત દિવસની પોતાની ગેરહાજરીમાં એવું તો શું બન્યું કે તેણે અચાનક પોતાનો નિર્ણય બદલ્યો? એવી કઈ બીમારી છે કે જે આ પરિવર્તન માટે જવાબદાર છે? કદાચ પોતાના વર્તનથી તે નારાજ થઈ હશે? જો એમ હોય તો તેનો ઉપાય તો હાથવગો છે! તેણે મોહિનીને પ્રસ્તાવ પણ મૂક્યો પણ તે પોતાના નિર્ણયમાં અડગ રહી.
તે પણ સોહિની સાથે લગ્ન કરવા પહેલાં તો તૈયાર ન હતો પણ મોહિનીએ તેને પોતાના પ્રેમની આણ આપી માનવી લીધો.
પોતાના કક્ષમાં બેઠી મોહિની વિચારે ચઢી. સાઇટ વિઝિટની ઘટના તેના મગજમાંથી ખસતી ન હતી. નર્સિંગ હોમના ડોક્ટરે તેને ખાનગીમાં જણાવ્યું હતું કે તેણે હવે થોડો વખત શારીરિક સંબંધથી બને ત્યાં સુધી દૂર રહેવું. તેનું મગજ અતિશય ઉત્તેજના સહન કરી ન પણ શકે. અને શરીરના કોઈપણ અંગમા કાયમી ખોટ આવી શકે, જીવલેણ પણ નીવડી શકે. આ વખતે તો સદભાગ્યે બચી ગઈ હતી. આને લીધે તે ખૂબ માનસિક તાણ અનુભવતી હતી. કેમકે આ એવી પરિસ્થિતિ હતી કે કોઈને કહી પણ ન શકે.
આ ઘટનાએ મોહિનીના મન પર એટલો ઊંડો આઘાત (psychological block) પહોંચાડ્યો કે તેના મગજમાં બેસી ગયું કે શારીરિક સંબંધ તેના માટે જીવલેણ છે. તે આ ગિલ્ટ અને ડર સહન ન કરી શકી.
મોહિનીનો આ વૈરાગ્ય સોહિની સમજી શકતી ન હતી. બહેનની આ હાલત પાછળ કંઈક રહસ્ય છે તે તેની વકીલની નજર પારખી ગઈ હતી. તેણે મોહિનીની ઊલટતપાસ લેતી હોય તેમ પૂછપરછ કરી પણ મોહિની એક જ વાક્ય કહેતી હું લગ્ન નહીં કરું. સોહિની પરિમલને પ્રેમ તો કરતી જ હતી, પણ તેણે ગુપ્ત રીતે તપાસ શરૂ કરી. તપાસમાં મોહિનીની ઑફિસમાં થતી ગુસપૂસ વાતો, હોસ્પિટલના રેકોર્ડ્સ અને મિસ્ટર પાટીલની સાઇટ વિઝિટના બિલોની વિગતો મળી.
લગ્નના બરાબર બે દિવસ પહેલાં, સોહિની પાસે આખો તબીબી રિપોર્ટ અને પાટીલના કાળાં કરતૂતોનો કાચો ચિઠ્ઠો આવી ગયો. મોહિની રૂમમાં એકલી બેસીને રડી રહી હતી ત્યારે રિપોર્ટ તેની સામે ફેંક્યો. મોહિની ભાંગી પડી અને તેણે રડતાં રડતાં બધી સત્ય હકીકત કહી દીધી.
પરિમલના ઉપેક્ષાભર્યા વર્તનથી મોહિની અસ્વસ્થ રહેતી. તે અસંતોષ અને એકલતા અનુભતી હતી. મોહિનીની કંપનીના બોસ, ૪૦ વર્ષીય પરણિત મિસ્ટર પાટીલની લોલુપ નજર આ પારખી ગઈ. તેણે ઓફિસમાં તેને ફ્લર્ટ કરવાનું શરૂ કર્યું. પરિમલ તરફથી મળેલા નકાર અને ઉપેક્ષાના કારણે મોહિની પાટીલના વલણ તરફ જાણે અજાણે આકર્ષાઈ. તેણે તેનો અણગમો જાહેર ન કર્યો કે વિરોધ પણ ન કર્યો. આને કારણે પાટિલની હિંમત વધી.
એક દિવસ પાટીલે પ્લાનિંગ કરીને એક સાઇટ વિઝિટ ગોઠવી, જ્યાં રાત્રે રોકાણ કરવું પડે. . અભાવ, એકલતા અને આંતરિક ગુસ્સામાં મોહિની પોતાની જાત પરનો કાબૂ ગુમાવી બેઠી અને પાટીલને વશ થઈ ગઈ. પરંતુ, રાત્રિ દરમિયાન મોહિની બેભાન થઈ ગઈ. ગભરાયેલો પાટીલ તેને હોટેલની માત્ર એક ચાદરમાં લપેટીને તાત્કાલિક નજીકના નર્સિંગ હોમમાં લઈ ગયો. ડોક્ટરોએ જણાવ્યું કે કામોત્તેજક રસાયણને કારણે હાઈ બ્લડ પ્રેશર અને ઉત્તેજનાને કારણે તેની આ હાલત થઈ છે. પાટીલે પોતાના પૈસા અને વગ વાપરીને ડોક્ટર સાથે સેટિંગ કર્યું જેથી આ વાત બહાર ન આવે.
આ હકીકત સાંભળી સોહિની લાલચોળ થઈ ગઈ.
બીજા દિવસે બંને પરિવારો અને પરિમલની હાજરીમાં સોહિનીએ આખી વાત જાહેર કરી દીધી. પરિમલ અને મોહિનીના માતા-પિતા સ્તબ્ધ થઈ ગયા.
પરિમલ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો અને મોહિની તરફ જોઈને બોલ્યો, "તેં મને દગો આપ્યો મોહિની? મારી સાથે વિશ્વાસઘાત કર્યો? અને તે પણ એક પરણિત પુરુષ સાથે.. ?!"
ત્યારે સોહિની વકીલના અવાજમાં ગરજી ઉઠી: "પરિમલ, મોહિનીએ ભૂલ કરી છે, પાપ નથી કર્યું! મોહિની તારી ઉપેક્ષાથી કંટાળીને એક નબળી ક્ષણે ભૂલ કરી બેસે તો એ 'દગો'? તેં તેને ક્યારેય પ્રેમ આપ્યો જ નહોતો, તેં તેને તારી કલ્પનાની પવિત્ર દેવી બનાવવા દબાણ કર્યું હતું!"
પરિમલ સ્તબ્ધ થઈ ગયો.
સોહિનીએ લગ્નનો ઇનકાર કર્યો। તેણે પરિમલને કહ્યું, "હું તને પ્રેમ કરતી હતી પરિમલ, પણ જે પુરુષ મારી બહેનની મન:સ્થિતિ અને પોતાની ભૂલોને ન સમજી શકે, તેની સાથે હું મારું ભવિષ્ય ન બનાવી શકું."
મોહિનીએ પોતાની બહેનનો આ આક્રમક અને રક્ષણાત્મક અવતાર જોયો, વિલા મોંએ બધા લીલા તોરણે પાછા ફર્યાં. પરિવારે જાણ્યું કે સાઇટ પર બનેલી ઘટનાના પ્રભાવથી તેના મનમાં ડર પેસી ગયો હતો. તેની સારવાર ચાલુ કરી. ઓફિસમાંથી રાજીનામું આપવાની હતી પણ સોહિનીની સલાહથી લાંબી રજા પર ઉતરી ગઈ. પરિવારે પાટીલ વિરુદ્ધ કાયદેસર કેસ દાખલ કર્યો, પાટિલે કબૂલ કર્યું કે તેણે મોહિનીના પીણાંમાં કામોત્તેજક પાઉડર તેની જાણ બહાર ભેળવી દીધો હતો. સોહિની પોતે વકીલ બની અને પાટીલને જેલ ભેગો કર્યો.
એક વર્ષ પછી...
પરિમલના વિચારો અને સ્વભાવમાં જમીન-આસમાનનો તફાવત આવી ગયો હતો. તેનો અહંકાર ઓગળી ગયો હતો. તેને પસ્તાવો થતો હતો. તે સમજી ગયો હતો કે સ્ત્રી માત્ર ભોગવવાની કે પૂજવાની વસ્તુ નથી, તે સમાન ભાગીદાર છે. તેને મોહિની ની માનસિક બીમારીની પણ જાણ થઈ હતી. અમેરિકાના મુક્ત વાતાવરણની આડમાં છુપાયેલો તેનો પુરુષી અહંકાર અને ભારત આવીને પહેરેલો પવિત્રતાનો દંભનો મુખવટો —બંને ઓગળી ચૂક્યા હતા. એક દિવસ તે સોહિની અને મોહિનીના ઘરે આવ્યો. તેની આંખોમાં પસ્તાવો હતો.
મોહિની હવે પહેલાં કરતાં વધુ મજબૂત અને આત્મવિશ્વાસુ દેખાતી હતી. સોહિનીએ પણ તેની વકીલાતની કારકિર્દીમાં સારું નામ કમાઈ લીધું હતું.
પરિમલને આવેલો જોઈને મોહિનીના ચહેરા પર એક આછું સ્મિત આવ્યું. તેને લાગ્યું કે હવે બધું થાળે પડી ગયું છે. સોહિની પરિમલને મનોમન ચાહતી હતી અને હવે પરિમલ સુધરી ગયો હતો. મોહિની આગળ વધી, તેણે સોહિનીનો હાથ પકડ્યો અને પરિમલ તરફ લંબાવતા કહ્યું, "પરિમલ, સ્નેહનો જે પાયો એક વર્ષ પહેલાં હલી ગયો હતો, તે આજે મજબૂત થઈ ગયો છે. તું સોહિનીનો હાથ પકડી લે. એ તને હંમેશાં સાચો પ્રેમ કરતી આવી છે."
પરિમલે સોહિનીનો હાથ પકડવાને બદલે પાછળ હટી ગયો. તેણે નમ્રતાથી માથું ધુણાવ્યું અને કહ્યું, "ના, મોહિની. હું સોહિની સાથે લગ્ન ન કરી શકું."
આ સાંભળીને બંને બહેનો સ્તબ્ધ થઈ ગઈ. સોહિનીની આંખોમાં આશ્ચર્ય હતું.
પરિમલ મોહિનીની નજીક આવ્યો. તેની આંખો ભીની હતી. તેણે મોહિનીના બંને હાથ પોતાના હાથમાં લીધા અને આખા પરિવાર સામે ધ્રુજતા અવાજે બોલ્યો:
"મોહિની, મને માફ કરી દે. એક વર્ષ પહેલા પાયો નહોતો હલી ગયો તેમાં એક સ્નેહની તિરાડ પડી હતી. જે સાંધી શકાય તેવી છે. જ્યારે એક વર્ષ પહેલાં સોહિનીએ મને અરીસો બતાવ્યો, ત્યારે સમજાયું કે ગુનેગાર તું નહીં, પણ હું હતો. મારી સંવેદનશૂન્ય માનસિકતાને કારણે મેં તારી ઉપેક્ષા કરી. વફાદારીને નામે મેં મારી ભૂલોનો બચાવ કર્યો અને તારા સાચા પ્રેમને પવિત્રતાની કસોટી પર ચડાવ્યો. મને સમજાયું કે પ્રેમમાં પવિત્રતા શરીરની નહીં, પણ મનની હોય છે."
તેણે સોહિની તરફ જોયું અને કહ્યું, "સોહિની, તારો આદર હું હંમેશાં કરીશ. તેં મને સાચો માણસ બનાવ્યો છે. પણ મારું હૃદય... મારું હૃદય હંમેશાં મોહિની માટે જ ધડકતું હતું, ધડકે છે અને ધડકતું રહેશે. હું કોઈ સમાધાન કરીને તારી જિંદગી બગાડવા નથી માંગતો. મને માફ કરી દે જે."
પરિમલ ફરી મોહિની તરફ ફર્યો, તેના ઘૂંટણિયે બેઠો અને મોહિનીની આંખોમાં આંખ પરોવીને બોલ્યો: "મોહિની, આઈ લવ યુ. હું તારા ભૂતકાળ અને તારા આજના મજબૂત સ્વરૂપ... આ બધી જ બાબતો સાથે તારો સ્વીકાર કરવા તૈયાર છું. શું તું મને માફ કરીને ફરીથી મારી સાથે તારું જીવન શરૂ કરીશ? વિલ યુ મેરી મી?"
ઓરડામાં સન્નાટો છવાઈ ગયો. મોહિનીની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. આ એ જ પુરુષ હતો જેણે ક્યારેક તેને સ્પર્શ કરવાનો પણ ઇનકાર કર્યો હતો, અને આજે તે તેના અસ્તિત્વને સંપૂર્ણપણે સ્વીકારી રહ્યો હતો.
સોહિનીના ચહેરા પર દુઃખ નહોતું, પણ એક ગર્વભર્યું સ્મિત હતું. તે એક સાચી વકીલ અને સાચા પ્રેમી તરીકે સમજી ગઈ હતી કે પરિમલનો આ નિર્ણય સાચો હતો. પ્રેમ પરાણે ન કરાય, અને મોહિની આ સાચા સ્વીકારની હકદાર હતી. ચારે તરફ ઓરડામાં ભારે આતુરતા ભરી શાંતિ છવાઈ ગઈ હતી. મોહિનીની નજર પરિમલના ચહેરા પરથી હટીને સીધી સોહિની પર સ્થિર થઈ. તેની આંખોમાં બહેન માટેનો અપરાધભાવ અને ગભરાટ સ્પષ્ટ દેખાતા હતા.
સોહિની થોડી ક્ષણો માટે શાંત ઊભી રહી. તેનો એ વકીલવાળો કડક અંદાજ ઓગળી ગયો અને ચહેરા પર એક સહજ, મુક્ત સ્મિત આવી ગયું. તે ધીમા પગલે આગળ વધી, મોહિનીના ખભા પર હાથ મૂક્યો અને પરિમલ તરફ જોઈને બોલતી હોય તેમ મોહિનીને જ સંબોધી:
"મોહિની, કોર્ટમાં ઊભા રહીને હું કાયદો બદલી શકું, પણ કોઈના દિલની સચ્ચાઈ નહીં. એક વર્ષ પહેલાં મેં મંડપમાં ઊભા રહીને જે સવાલો કર્યા હતા, એ પરિમલને સજા આપવા માટે નહોતા, પણ સત્ય બહાર લાવવા માટે હતા. આજે પરિમલે એ સત્ય સ્વીકારી લીધું છે."
સોહિનીએ પરિમલ તરફ જોયું અને ખૂબ જ ગરિમાપૂર્ણ અવાજે કહ્યું, "પરિમલ, જો તેં આજે મારો હાથ પકડી લીધો હોત, તો એ તારો અહંકાર હોત કે તેં તારી ભૂલ છુપાવવા માટે એક નવું સમાધાન કરી લીધું. પણ તેં ના પાડીને સાબિત કર્યું કે તું હવે ખરેખર બદલાઈ ગયો છે. મારો પ્રેમ હંમેશાં એક તરફી હતો, અને એક તરફી પ્રેમની કોઈ એક્સપાયરી ડેટ નથી હોતી. મને મારી લાગણીઓ સાથે સમાધાન કરીને જીવતાં આવડે છે."
સોહિનીએ મોહિનીનો હાથ પકડીને પરિમલના હાથમાં મૂક્યો. આ વખતે કોઈ દબાણ નહોતું, માત્ર એક મુક્ત આકાશ હતું. સોહિનીએ બંને સામે જોઈને હસતાં હસતાં કહ્યું, "જાવ હવે, આ એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટની ગણતરીઓ બંધ કરો. મને કેસ લડવા સિવાય પણ ઘણાં કામ છે."
સોહિની પાછળ ફરી અને રૂમની બહાર નીકળી ગઈ, આંખમાંથી એક આંસુ ટપકી પડ્યું તે આંસુ દુઃખનું નહોતું, પણ વર્ષોથી હૃદયમાં દબાયેલા એક તરફી પ્રેમથી મુક્તિનું હતું. એક તિરાડ પૂરાઈ ગઈ પણ એક નવી તિરાડે જન્મ લીધો હતો જે કદિ પૂરાશે નહીં. મોહિનીએ પરિમલના હાથની મજબૂત પકડ અનુભવી અને તેના ગળે વળગી પડી.
_____________________________
-ભજમન નાણાવટી
અનુભવી અને નામાંકિત લેખકો થી પણ સારી આ વાતાઁ છે. કુટુંબ અને જિવન ની સચ્ચાઈ અને વાસ્તવિકતા જણાવવા નો સરસ પ્રયાસ છે. અભિનંદન
જવાબ આપોકાઢી નાખોઆભાર
જવાબ આપોકાઢી નાખો