શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

કાવ્યયુગ્મ - એકવાર મળી મને રસ્તામાં સખી

યુવાનીના ઊંબરે પગ મૂકતાં યૌવન સહજ સ્પંદનો અને તેનાથી પ્રેરાઈને વિજાતીય અકર્ષણોથી ખેંચાયેલાં બે હૈયાં.   પણ બે માંથી કોઇની હિમત પરસ્પર એકરાર કરવાની ન ચાલી. વર્ષો વીત્યાં, અને અચાનક તે પ્રિયપાત્ર સામે  મળે તો ??!!  

કાવ્યયુગ્મ

એકવાર મળી મને રસ્તામાં સખી

 

અચાનક ઉઠી એક વસંતની લહેરખી

સમીર લહેરે ચૌકોર આમ્રકુંજ હરખી  

એકવાર મળી મને રસ્તામાં સખી

 

વહાણાં વાયાં’તાં, હતાં વર્ષો વીત્યાં

સ્વના સંસારમાં હાર્યા ને જીત્યાં

વણકથી વાતો  નયનોમાં લખી   

એકવાર મળી મને રસ્તામાં સખી

 

આંખોએ પળભર અગણિત વાતો કરી

છતાં અજાણી થઈ ગઈ વાટ ચાતરી

છો’ને! તું કાંઈ ન કહે ઓ સખી!

જાણું છું વાત વાંચી મારે હૈયે લખી.

 

હૈયું હરખાયું ને મનડું મલકાયું

આજ હેતની હેલી હેલારે ચડી

થયું કહી  દઉં, વાત હૈયે ધરબી.

એકવાર મળી મને રસ્તામાં સખી.

 

અધૂરી મુલાકાત મારે મનડે મહેકી    

એકવાર મળી મને રસ્તામાં સખી.

 

 


 

 

 

 

 

મેં મારી જાતને બહુ વારી

 

અલપઝલપ થઈ મુલાકાત તારી

વિસારાયેલા કાળમાં ડૂબકી મારી

ચીમળાયેલી ઊર્મિઓ ઊરમાં ઊભરાઈ

પણ મેં મારી જાતને બહુ વારી   

 

પાંપણોથી ટપકતી ભિનાશ સંકેલું.

કે અણકથી હૈયાની વાત ઉકેલું.

અજબ મૂંઝવણ  હતી મારી.

પણ મેં મારી જાતને બહુ વારી.

 

સખા! તને હું શું કહું, ‘ને શું પૂછું?

જાણું છું તારા દિલમાં હું જ છું.

‘ને હું તો તારા પર હતી જ વારી.

પણ મેં મારી જાતને બહુ વારી.

 

એક વાર કહેતો, તને દીધું મારું હૈયું .

દોડીને આવતી બધું કરી પરાયું.

તારા મૌને મને બહુ અકળાવી.

પણ મેં મારી જાતને બહુ વારી.

--ભજમન



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો