શુક્રવાર, 31 ઑગસ્ટ, 2012

ડાંગે માર્યાં પાણી..-1


(Today's post is a story in two parts. Part 2 will be published on 7/9/2012.
“બળ્યું! એ સતિયાને ભણાવવા આવતીતી એમાં જ નખ્ખોદ વળ્યું ને! અને વળી આ જ સોસાયટીમાં રેવાનું! ગિરીશ બચાડો ભોળો તી પલોટી લીધો. બામણની નાતમાં આવું બે પાંદડે ઘર ક્યાં મળવાનું હતું? ગિરીયામાં અક્કલ નહિ તારે ને?  ચાવળું ચાવળું બોલે ને ધોળી ચામડીમાં મોહી પડ્યો. હાળું ઘર તો જોવુંતું! આપણી નાતમાં તો આવા લોકો આપણો ચોકો ચડવાની હિંમત ન કરે.”
“બસ, બસ. તમારા દખનું મૂળ જ આ સે. તમારે હંધાયને સોરો ઇંજિનીયર થાય તારે ભાવ બોલાવવાતા એ જ વાત સે ને?”)



ડાંગે માર્યાં પાણી..-1

રાતનો એક વાગ્યો હતો. ચોમેર શાંતિનું સામ્રાજ્ય હતું. દૂર સરદાર બ્રીજ પરથી પસાર થતી એકલદોકલ રીક્ષાનો અવાજ કોઇવાર સંભળાતો હતો. સોસાયટીમાં એક પણ વૃક્ષ ન હતું નહિ તો કહી શકાત કે પાંદડું ય હલતું નથી. જેઠ માસની અંધારી રાત હતી. આકાશમાં પાણી વગરનાં રૂના પોલ જેવાં વાદળાં પ્રસ્વેદ પેદા કરતાં હતાં અને અંધારું દૂર કરવાનો ચંદ્રનો કંગાળ પ્રયત્ન નિષ્ફળ બનાવતાં હતાં. ઓલવાતા પહેલાં દિવાની જ્યોત જેમ ઝળકી જાય તેમ ઊનાળાની ગરમી જતાં પહેલાં પોતાનો પ્રભાવ દર્શાવી રહી હતી. અંધકાર ઊકળાટ, બાફ સહન કરીને પણ લોકો છેવટે નિદ્રાદેવીને શરણે થયાં હતાં. કુદરત પણ થોડો વિસામો લેવા થંભી હતી. મચ્છરો પણ રખેને આ નિરવતાનો ભંગ થાય એ બીકે કાનમાં જ ગણગણતાં હતાં.

આમ જળ પણ જંપ્યાં હતાં ત્યારે ન્હોતાં જંપ્યાં એક રમાબેન. હમેશાં દસ વાગે સૂઈ જનારાં રમાબેન આજે હજી સુધી જાગતાં હતાં. આજે તેના હૃદયમાં પણ ઊકળાટ હતો. વિચારનો વા-વંટોળ ઊઠ્યો હતો. ક્રોધનો જ્વાળામુખી ધીખતો હતો. ધિક્કારની આંધીમાં પોતાના લાડકવાયા દિકરાનો પ્રેમ તણખલાની જેમ ઊડી ગયો હતો. પોતે કેમ હજી સુધી જીવે છે તેની જ તેને નવાઈ લાગતી હતી. મારો ગિરીશ આવું કાળું કામ કેમ કરી જ શક્યો? મા-બાપથી છાની રીતે લગ્ન કર્યાં! અને તે પણ પરનાતની છોકરી સાથે?’ ખલાસ! દુનિયા ઊંધી કેમ નથી વળી જતી એ જ તેને સમજાતું ન હતું.

એકાએક તેને ખ્યાલ આવ્યો કે પોતે વિચારમાં ને વિચારમાં બજરની ખાલી ડબ્બીમાં આંગળી ફેરવતાં હતાં. ઊભા થઈ કબાટમાંથી નવી ડબ્બી કાઢી અને ફરી પોતાના ખાટલામાં આવી બેઠાં. બાજુના ખાટલામાં નિશ્ચિંત રીતે સૂતેલા પતિ તરફ દ્રષ્ટિ નાખી. કેવી આશા સેવી હતી એમણે ગિરીશ માટે? ત્રણેય ભાઇઓમાં ગિરીશ હોંશિયાર હતો. બંને ભાઇઓ પણ પોતે ન ભણી શક્યા તેનો બદલો ગિરીશને ભણાવીને વાળવા માગતા હતા. ગિરીશ પણ પિતા અને ભાઇઓની ઇચ્છા પરિપૂર્ણ કરતો મીકેનીકલ એંજિનીયરીંગના છેલ્લા વર્ષમાં પહોંચી ગયો હતો.

“હાળાએ ભણીને ભૂસઇડો વાળ્યો.” રમાબેનનો રોષ ભભૂકી ઊઠ્યો. આ મોટા બે ભણ્યા નથી તો ય શું દુ:ખી થયા? બાપની આબરૂ અને ધીખતો ધંધો તો સાચવશે! ભણીગણી ને છેવટે તો આ પરિણામ ને? કોલેજમાં મોકલ્યો તો આજે આ વખત જોવા વારો આવ્યો ને? આટલા લાડકોડમાં ઉછેર્યો, પાણી માગે દૂધ હાજર કર્યું. રમતગમત, હરવા ફરવા, કોઈ વાતની ના નથી પાડી. ગઈ સાલ જ બે હજાર રૂપિયા ખર્ચીને બધે ફરી આવ્યો. ઉપરથી ભણતરના ખર્ચા તો ખરા જ. ના, મારો છોકરો હોંશિયાર છે, ભલે ભણે. મોટાએ પણ એની પાછળ ભોગ તો આપ્યો જ હશે ને!

આ તે દિવસે ટેબલટેનિસની રમતમાં કોલેજમાંથી ઈનામ મળ્યુંતું ને છાપામાં ફોટો આવ્યોતો ત્યારે બંને ભાઇઓ કેવા રાજી થયા હતા! બીજે જ દિવસે ગિરીશ માટે નવી ઘડિયાળ લેતા આવ્યા. કોલેજે જવા ફટફટિયું લાવી આપ્યું. ભાઇઓએ પણ લાડ કરવામાં કાંઇ બાકી નથી રાખ્યું. એમનું પણ મોં ન સાચવ્યું? ભાઇઓનો પ્રેમ પણ ઠુકરાવ્યો ઇ લતાડી પાછળ?”

“તમે હવે જરા જંપશો?” રામલાલે બાજુના ખાટલામાં પડખું ફેરવતાં રમાબેનને ટોક્યાં. રમાબેનની સ્વગતોક્તિ અજાણતાં જ પ્રગટોક્તિ થઈ ગઈ હતી. “અતારે સોરા માટે વલખાં મારો સો તી મા-દિકરાઓએ ભેગા મળીને કાઢી સું લેવા મેલ્યો? આવી ભણેલી વવ આપણી નાતમાં ગોતી જડવાની? અને વળી હવે તો બેંકમાં નોકરી મળી ગૈ સે. સોરી હુશિયાર તો ખરી આપણા સતિયાનું ગણિત કેવું પાકું કરી દીધું!”
“બળ્યું! એ સતિયાને ભણાવવા આવતીતી એમાં જ નખ્ખોદ વળ્યું ને! અને વળી આ જ સોસાયટીમાં રેવાનું! ગિરીશ બચાડો ભોળો તી પલોટી લીધો. બામણની નાતમાં આવું બે પાંદડે ઘર ક્યાં મળવાનું હતું? ગિરીયામાં અક્કલ નહિ તારે ને?  ચાવળું ચાવળું બોલે ને ધોળી ચામડીમાં મોહી પડ્યો. હાળું ઘર તો જોવુંતું! આપણી નાતમાં તો આવા લોકો આપણો ચોકો ચડવાની હિંમત ન કરે.”
“બસ, બસ. તમારા દખનું મૂળ જ આ સે. તમારે હંધાયને સોરો ઇંજિનીયર થાય તારે ભાવ બોલાવવાતા એ જ વાત સે ને?”
“તે આપણી નાતમાં કાંઇ નવાઇ નથી. સવાભાઇના દિનીયાની વવ કેટલું લાવી ખબર સે? નારણપુરામાં ફ્લેટ, રાચ-રચિલું, ઉપરથી ફટફટિયું ને સો તોલા સોનું લાવી સે. ને દિનીયો તો સાવ ડીપ્લો નું ભણ્યો સે. અરે! આઘું ક્યાં જાવું, આપણી બેય વઉવારૂ ઓસું લાવી સે! નકર રમલો ને હરષદ ક્યાં વધુ ભણ્યા સે.”    

હવે રામલાલની ઊંઘ પણ ઊડી ગઈ હતી. તેમણે ખાટલામાં બેઠા થઈ ઓશિકા નીચેથી બીડીની ઝૂડી અને બાકસ કાઢી, ઝૂડીમાંથી એક બીડી પસંદ કરી મોમાં મુકી, દિવાસળીથી સળગાવી, ઊંડો કશ લીધો. “અતારે એ જમાનો નથી અને હું તો પેલેથી દેજની વિરુધ્ધ સું. આપણે તો ઘરમાં સંપીને રે એવી વવ આવે એ જ મોટું દેજ માનવું જોવે.”
“મને ક્યાં એની ખબર નથી? અરે! નાતમાં સવ જાણે સે કે તમારે કાંઇ ખપતું નથી. હરષદ ને રમલા માટે આપણે ક્યાં કાંઇ માગ્યુંતું! પણ સવ પોતાની પોંચ પરમાણે તો આપે જ ને! અને વવના પૈસા વવ પાંહે જ રાખ્યા સે ને? રમલાએ આશરમ રોડ પર શોરૂમ કર્યો તારે વવના પૈસા લીધાતા. આજ પાંચ વરસમાં દૂધે ધોઇને પાસા આપી દીધા. હરષદે પણ વવના પૈસે તમારી કાપડની નાની દુકાનમાંથી આવડો મોટો પથારો કર્યો ને પૈસા પાસા ય આપી દીધા. ઉપરથી બેય ભાયુએ નૈનાનું આણું કર્યું!” રમાબેનને હવે હૈયાનો ભાર હળવો કરવા મોકળું મેદાન મળી ગયું.
“તને ને સોકરાવને પેટમાં દુખાવો એનો સે. કોરો ચેક હાથમાંથી જતોર્યો. એટલે સોરાનું ભણતર પૂરું થાય તે પેલાં તો બજારમાં ઊભો કરી દીધો. એમાં તો સોરાએ સેલ્લું વરસ બાકી સે ને લગન કરી લીધાં. તમારા સવારથમાં તમે સોરાનો વિચાર ન કર્યો.” રામલાલે પણ હવે ઝૂકાવ્યું.
 “આવું કરશે એ શું ખબર પડે? હરષદે મને કીધુંતું કે બા, ગિરીશ ઇંજિનીયર થાય પસે નોકરી નથી કરાવવી. લગન લઇ લેશું. એની વઉ થોડા પૈસા લાવશે તે અને બાકી ઓલ્યું જી ડી કે શું કેતોતો એમાંથી લોન લઇને કારખાનું જ નાખી દેવાનું સે! બચારાને કેટલી હોંશ હતી! એને થોડા પોતાના સવારથ માટે વાપરવાતા?”
“હવે રેવા દે! કારખાનું નાખવું હોય તો પૈસાનું તો હજી ય થઇ રે એમ સે. એમાં કાઢી મેલવાની જરૂર નહિ. હવે શું કાંદો કાઢ્યો? પેલો ભણવાનું ય કાં તોકને અધુરૂં મેલશે. ઘર ચલાવશે કે ભણશે?”
“મને ય હવે તો એ જ ચિંતા થાય સે. બળ્યું પૈસા તો આજ નહિ ને કાલ આવશે! લતાય બેંકમાં મજાની નોકરી કરતીતી ને! પણ હવે આ સોકરાઓય કાંય ઓસા વટના કટકા નથી! ફટફ્ટિયું ય ન લઇ જવા દીધું.”

રમાબેનને હવે પસ્તાવો થવા લાગ્યો. એના માતૃ હૃદયનો બુધ્ધિ પર વિજય થયો. મોટા દિકરાની વાતમાં તણાઇને પોતે તેને સાથ આપ્યો પરંતુ હવે તેની વિરુધ્ધ જતાં અચકાતાં હતાં. દિકરાના અણધાર્યા અને અણચિંતવ્યા પગલાંથી લાગેલા આઘાતને કારણે ઉદભવેલા ક્રોધ અને નફરતનો ઊભરો શમી જતાં હવે તેને પુત્રનો વિયોગ સાલવા લાગ્યો. તેના ભાવિની ચિંતા સતાવવા લાગી. માનવ મનની એ જ અકળતા છે. જે આવેશથી તે પુત્રને ધિક્કારતાં હતાં, પુત્રના ઉછ્રંખલ વર્તન પ્રત્યે જે આક્રોશ હતો, ક્રોધનો લાવારસ હતો તે સર્વ માતૃપ્રેમના ઊંડા ઉદધીમાં ઢીમ થઇને પડી ગયો, શમી ગયો. એની જગ્યાએ જન્મ લીધો પુત્ર-અને હવે પુત્રવધુના પણ-ભવિષ્યની ચિંતાની ચીનગારીએ. એ લોકો કેમ ઘર ચલાવશે? લતાનાંમા-બાપે પણ મોં ફેરવી લીધું હતું. તેના પિયરમાંથી કોઇનો સાથ ન હતો. છોકરો જાણે કે સાવ અનાથ થઇ ગયો. મોટા છોકરાઓના સ્વભાવથી પોતે પરિચિત હતાં. તેઓની ના એટલે ના જ રહેવાની. છોકરાઓની ઉપરવટ જઇને ગિરીશ સાથે સંબંધ રાખી શકાય તેમ ન હતું. વળી પોતે ગિરીશ સાથે રહેવા જઇ શકે તે પણ શક્ય ન હતું. ઊલટાનો બોજો વધારવાનો ને?

રામલાલ રમાબેનના વિચાર પરિવર્તનને જાણી ગયા. વર્ષોના સહવાસથી પત્નીના સ્વભાવને સારી રીતે જાણતા હતા. રમાબેનની માનસિક વિડંબણાને વિના કહે પામી ગયા. હાથમાં બૂઝાય ગયેલી બીડીના ઠૂંઠાનો ઘા કરતાં આડે પડખે થયા અને બોલ્યા, “ લ્યો, હવે સૂઇ જાવ. ઘીના ઠામમાં ઘી થઇ રેશે. સેવટે લોહી તો એક જ સે ને!”
                                                                                                  (ક્રમશ:)
*     *     *

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો