ગત શુક્રવારે ડાંગે માર્યાં પાણી - 1 આપે વાંચી હશે. આજે તેનો ઉત્તરાર્ધ પ્રસ્તુત છે.
ડાંગે માર્યાં પાણી..-2
ડાંગે માર્યાં પાણી..-2
ગિરીશ-લતા માટે પણ પોતાના લગ્નનું પગલું અણચિંતવ્યું નહિ પણ અણધાર્યું તો હતું
જ. ગ્રેજ્યુએટ થયા પછી લતા તુરત બેંકમાં નોકરીએ રહી ગઈ. આથી તેના પિતા ઉપર લતાના
હાથ માટે ચારે બાજુથી દબાણ આવવા માંડ્યું હતું. છેલ્લે એક ડોક્ટર છોકરા માટે તો
લતાની ફઈનું સખત દબાણ હતું. લતાના મા-બાપને પણ વાંધો ન હતો. આમ લતા માટે
પરિસ્થિતિનો સામનો કરવાનું મુશ્કેલ હતું. જો સાચી હકિકત કહી દે તો નોકરી છોડાવીને
પિતા લતાને મોસાળ મોકલી આપે. આથી ગિરીશ અને લતા એ ખૂબ વિચાર કરીને લગ્ન કરી
લેવાનું પગલું ભર્યું. લગ્નને પરિણામે ગિરીશને ઘરમાંથી જાકારો મળતાં એક મિત્રએ
સોસાયટીમાં જ થોડા વખત માટે એક રૂમ ભાડાથી
અપાવી. તો પોતાની દિકરીએ બ્રાહ્મણને બદલે પટેલ જાતિના છોકરા સાથે લગ્ન કર્યાં તે લતાના
પિતાથી સહન ન થયું અને તેમણે લતા સાથે ના બધા સંબંધ તોડી નાખ્યા. તથા બદલી કરાવીને
બીજે ગામ રહેવા જતા રહ્યા. પરંતુ આથી એ જ ઘરમાં ગિરીશ-લતાને એક રૂમ, રસોડું ભાડે મળી ગયા. નોકરી ઉપરાંત બીજાં ટ્યુશનો લતાએ વધારી
દીધાં. ગિરીશની કોલેજની ફી માટે રામલાલે સતીશ મારફત પૈસા મોકલાવેલા પણ ગિરીશે તે ન
સ્વિકાર્યા. કોલેજના ચોથા વર્ષના એક છોકરાનું ટ્યુશન ગિરીશે રાખી લીધું અને ફીનો
પ્રશ્ન ઉકલી ગયો.
આમ, મા-બાપ, ભાઇઓથી
તરછોડાયેલાં બંને જણાંએ એકમેકના સહારે જોતજોતામાં એક વર્ષ પસાર કરી નાખ્યું.
પરીક્ષાના પરિણામ પહેલાં જ વટવાની એક ફેક્ટરીમાં ગિરીશને નોકરી મળી ગઇ. એક મહિનાની
તેની કામગીરી અને ડીગ્રી પરીક્ષામાં મેળવેલ પ્રથમ વર્ગને કારણે તેને પ્રમોશન
મળ્યું અને તેને સેક્શન ઇન ચાર્જ બનાવી દેવામાં આવ્યો. ફેક્ટરીમાં તેણે જોયું કે
એક-બે માથાભારે કામદારો આખા સેક્શનની કામગીરી બગાડે છે. આથી તુરત જ તેઓને નોટીસ
આપી અને છતાં પણ સુધારો ન થતાં, મેનેજમેન્ટની સંમતિથી બંને
માથાભારે કામદારોને પાણીચું પકડાવી દીધું. મેનેજમેન્ટે ગિરીશને પૂરો સાથ આપવાની
ખાત્રી સાથે ચેતવણી પણ આપી કે કામદારો અંગત દ્વેષ રાખીને તેને હેરાન પણ કરે. પરંતુ
ગિરીશને તેની પરવા ન હતી.
એક વખત સાંજે ગિરીશ ફેક્ટરીથી આવી ફળિયામાં બેઠો બેઠો છાપું વાંચતો હતો. લતા ટ્યુશને
ગઇ હતી. ત્યાં પે’લા બે કામદારો આવીને નોકરી પર પાછા રાખી લેવા
માટે કહેવા લાગ્યા. વાતવાતમાં અચાનક એકે કમરેથી લોખંડની સાંકળ અને બીજાએ સાયકલની ચેન
કાઢી ગિરીશ પર તૂટી પડ્યા. થોડીવારમાં તો હો હો થઇ ગઇ અને લોકો તમાશો જોવા એકઠા થઇ
ગયા. પણ ગિરીશને બચાવવા કે વચ્ચે પડવાની કોઇની હિંમત ન ચાલી. ગિરીશે શક્ય તેટલો પ્રતિકાર
કર્યો પણ બે ઝનૂની ગુંડાઓ સામે તેનું જોર ચાલ્યું નહિ. પણ અચાનક ગિરીશના બંને ભાઇઓ
લાકડી સાથે ત્યાં ધસી આવ્યા અને બંને ગુંડાઓ પર તૂટી પડ્યા. આ બાજુ લતાને કોઇએ ખબર
કરી હશે તેથી તે હાંફળી ફાંફળી દોડતી આવી.
સોસાયટીમાં પ્રવેશતાં જ તે સ્તબ્ધ થઇ ગઇ. તેના ચહેરા પર જે ભય,ચિંતા, આશંકાના ભાવો હતા તેને સ્થાને વિસ્મય
અને આનંદ ઉભરાયા. ગિરીશના કપડાં ફાટી ગયાં હતાં. શરીર પર ઠેક ઠેકાણેથી લોહીના ટશિયા
ફુટ્યા હતા. માથામાંથી પણ લોહી વહેતું હતું. તેનો એક હાથ રમેશભાઇ અને બીજો હાથ હર્ષદભાઇને
ખભે હતો. બંને ભાઇઓ તેને કમરેથી ઉંચકીને ઘર તરફ-પોતાના સાસરે-લઇ જતા હતા!. હર્ષદભાઇનો
ઘાંટો લતાના કાને આવ્યો, "મગદૂર છે સાલાઓની કે અમે બેઠા
છઈએં ને તને કોઇ હાથ લગાડી જાય! તું અમારો ભાઇ થોડો મટી ગયો છે? ચાલ, હવે તું આપણે ઘેર!"
લતા આનંદ અને ચિંતાની મિશ્ર લાગણી વચ્ચે ઝૂલવા લાગી. તેની આંખોમાંથી આંસુની ધારા
વહેવા લાગી તેને સમજ પડતી ન હતી કે પોતે શું કરવું? ક્યાં
જાવું? ત્યાં તો કોઇએ તેનો હાથ પકડી પ્રેમાળ સ્વરે કહ્યું, "ચાલ વઉ, ઘેર ચાલ!" અને "બાઅઆ..!"કહી
લતા રમાબેનને વળગી પડી. વૃધ્ધ રામલાલ ઘરના આંગણામાંથી સહર્ષ વદને અને સજળ નયને આ સુભગ
દ્રશ્ય પી રહ્યા.
(સંપૂર્ણ)
******
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો