શુક્રવાર, 29 જૂન, 2012

આપ શું વિચારો છો? - 8 કરે કોઈ, ભરે કોઈ

ભારતમાં હાલમાં બધાં માધ્યમો અને પક્ષો તેમજ અગ્રણી રાજકીય સમાલોચકો રાષ્ટ્રપતિના ઉમેદવારની પસંદ-નાપસંદના ચક્કરમાં ડૂબ્યા હતા ત્યારે આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં એક ઐતિહાસિક ઘટના બની, જેનાં દૂરગામી પરિણામના છાંટા આપણા દેશને પણ ઊડી શકે તેમ છે; તેની ખાસ નોંધ લેવાઈ નથી.

પાકિસ્તાનની ઉચ્ચ અદાલતે દેશના વડાપ્રધાન સૈયદ યુસુફ રઝા ગીલાનીને અદાલતના તિરસ્કાર બદલ કસૂરવાર ઠરાવી વડાપ્રધાન પદ માટે ગેરલાયક હોવાનો આદેશ આપ્યો હતો અને તેને ફક્ત વડાપ્રધાન પદેથી જ નહિ પણ સંસદ સભ્યપદેથી પણ રાજીનામું આપવાની ફરજ પાડી હતી. એટલું જ નહિ પણ આ ચૂકાદો પાછલી તારીખ એટલે કે 26 એપ્રિલ, 2012 થી અમલમાં આવે તેવો નિર્દેશ કર્યો હતો. એક દેશના ચૂંટાયેલા અને પદસ્થ વડાપ્રધાનને આવી નામોશીભરી હાલતમાં પદભ્રષ્ટ થવું પડે તે એક ઐતિહાસિક ઘટના જ કહેવાયને! ઉચ્ચ ન્યાયાલયના આ પશ્ચાદવર્તી ચૂકાદાએ પાકિસ્તાનમાં ગંભીર બંધારણીય કટોકટી પેદા કરી દીધી હતી. 26 એપ્રિલથી દેશમાં કોઈ કાયદેસર સરકાર ન રહી! અર્થાત્ આ ગાળા દરમ્યાન વડાપ્રધાન અને તેના પ્રધાન મંડળે જે કોઈ નિર્ણયો લીધા હોય, ફાઈલોમાં સહીઓ થઈ હોય, તે સઘળો કારોબાર રદબાતલ ઠરે!

=આવું આપણા દેશમાં પણ બન્યું હતું! સ્વ. ઈંદીરા ગાંધીએ 1970ની ચૂંટણી લડવામાં અનેક ગેરરીતિઓ આચરેલી. ઈંદીરાના પ્રતિસ્પર્ધી રાજનારાયણે આ ચૂંટણીને અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલયમાં પડકારી. 23મી જૂન, 1975 ના રોજ અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલયનો ચૂકાદો આવ્યો. અદાલતે ઈંદીરા ગાંધીની લોકસભાની સદસ્યતા ગેરરીતિઓને કારણે રદ કરી. આ ઉપરાંત ગેરરીતિઓ આચરવા બદલ ઈંદીરાને 6 વર્ષ સુધી ચુંટાવા માટે ગેરલાયક ઠેરવ્યાં. શું ઈંદીરાજીએ અદાલતના ચૂકાદાને માન આપી ચૂપચાપ રાજીનામું ધરી દીધું? ના. હરગીઝ નહિ! તેમણે તો 25મી જૂન,1975ની મધ્યરાત્રિએ ભારતના બંધારણની અવગણના કરીને ચૂપચાપ દેશવ્યાપી કટોકટી લાદી દીધી! પ્રધાન મંડળની મંજૂરી લેવાની પણ પરવા ન કરી. અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલયના ચૂકાદાને ઘોળીને પી ગયાં! =

યુસુફ રઝા ગીલાનીનો દોષ શું હતો? 


આમ જોવા જઈએ તો ગીલાની બે મહાસત્તાઓની લડાઈના ભોગ બન્યા છે. પાડે પાડા લડે અને ઝાડનો ખો નીકળે તેવી પરિસ્થિતિ કંઇક અંશે પેદા થઇ. આપણે કાયદાની આંટીઘૂંટીમાં ન પડતાં સાદી ભાષામાં સમજીએં તો ગીલાનીને અદાલતના તિરસ્કાર બદલ સંસદસભ્ય તરીકે ગેરલાયક ઠરાવતો હુકમ ઉચ્ચ ન્યાયાલયે આપ્યો હતો. પાકિસ્તાની નેશનલ એસેમ્બલીનાં સ્પીકર ડૉ. ફેહમિદા મિર્ઝાએ (Dr.Fehmida Mirza) પોતાના બંધારણીય અધિકારનો ઉપયોગ કરીને આ હુકમને અમાન્ય કર્યો અને ગીલાનીને ગેરલાયક ઠરાવવાની ના પાડી. સ્પીકરના આ રુલીંગને ઉચ્ચ અદાલતમાં પડકારવામાં આવ્યું. ઉચ્ચ અદાલતે સ્પીકરના બંધારણીય અધિકારના ઉપયોગને મર્યાદાભંગ (Transgression) ગણીને રુલીંગને અમાન્ય કર્યું અને અદાલતના અગાઉના હુકમને કાયમ રાખ્યો.




ગીલાનીએ અદાલતનો તિરસ્કાર કેમ કર્યો?        


નવાઈ પમાડે તેવી વાત તો એ છે કે આ બધાના મૂળમાં પાકિસ્તાની પ્રેસીડેન્ટ આસીફ અલી ઝરદારી છે! પ્રેસીડેન્ટ ઝરદારી સામે સ્વિસ બેંકમાં કાળાં નાણાં ($60 મિલિઅન) રાખવાનો કેસ થયો અને ઉચ્ચ ન્યાયાલયે આ બાબતની તપાસ કરવા માટે તપાસ પંચ નીમવાનો વડાપ્રધાન ગીલાનીને આદેશ કર્યો. પાકિસ્તાનના બંધારણની કલમ 248 મુજબ પદસ્થ પ્રેસીડેંટ કોઈપણ જાતની તપાસ સામે સુરક્ષિત છે. આ કલમ 248નો આધાર લઈને વડાપ્રધાન ગીલાનીએ મની લોંડરિંગનો કેસ ફરી ખોલવાનો કે એ બાબત તપાસ કરવાનો ઇંકાર કરી દીધો. ઉચ્ચ ન્યાયાલયે આ અર્થઘટન સ્વિકારવાની ના પાડી અને ઝરદારી સામેનો કેસ ફરી ખોલવાનો આદેશ ચાલુ રાખ્યો. આમ લોકશાહીની બે મહાસંસ્થાઓ વચ્ચે બંધારણની કલમના અર્થઘટનના મામલાએ સૈયદ યુસુફ રઝા ગીલાનીનો ભોગ લીધો. કરે કોઈ, ભરે કોઈ!

ઉચ્ચ અદાલતના આદેશનું ભૂત હજુ ધુણવાનું બાકી છે!



ગીલાની સાહેબનો તો ભોગ લેવાઈ ગયો પણ ઉચ્ચ અદાલતનો મૂળ આદેશ હજુ અડીખમ ઊભો છે. ગીલાનીના રાજીનામાથી પ્રકરણ પૂરું નથી થયું. એક અધ્યાય પૂરો થયો છે. ઉચ્ચ અદાલતે નવા વડાપ્રધાનશ્રીને 12 જુલાઇ સુધીમાં ઝરદારી સામેનો કેસ રીઓપન કરવાનો આદેશ દોહરાવ્યો છે. આ સંજોગોમાં પાકિસ્તાનની કટોકટી વધુ ગંભીર થવા શક્યતા છે. 

ઝરદારી શું કરશે?
      • વડાપ્રધાન રાજા પરવેઝ અશરફ કેસ રીઓપન કરશે?
      • શું પાકિસ્તાનમાં કટોકટી લદાશે? ઝરદારી સરમુખત્યાર બનશે? 
      • નેશનલ એસેમ્બલીને બરખાસ્ત કરી લશ્કર શાસન હાથમાં લેશે?
      • ભારતે શું અગમચેતીનાં પગલાં લેવાં જોઇએ?   



આપ શું વિચારો છો?

સંદર્ભ: ગુગલ ઇમેજ, ડોન અખબાર, પાક. બંધારણ, વીકીપીડિયા. 

2 ટિપ્પણીઓ:

  1. Yeah its a big move there. They have been in deep trouble since memo-gate scandal and I see juidciary in Pakistan like India too is getting stronger and trying to save the democracy
    -Jolly Shah
    Boston.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. Thanks Jolly. Let us hope that judiciary is truly coming to an age. Though the time will tell. Presently the situation is too fluid.

      કાઢી નાખો