શુક્રવાર, 25 મે, 2012

છૂના હૈ આસમાન - 6 “પંગુમ લંઘયતે ઉદધિમ્ ”


( લેખમાળા છૂના હૈ આસમાન-1 પંગુમ લંઘયતે ગિરિમ્ (09/04/2009)માં આપણે  નીક વુઇચીચ   નામના અવયવ રહિત વ્યક્તિનો પરિચય કર્યો હતો. તાજેતરમાં 'ગુજરાત સમાચાર'માં શ્રી કુમારપાળ દેસાઇએ   ઈંટ અને ઈમારત  શ્રેણીમાં પણ આના વિષે લેખ મુક્યો હતો.  મનુષ્ય માત્રને જીવનમાં કોઇને કોઇ વસ્તુનો અભાવ હોય છે. જીવનમાં બધું બધાને સુલભ નથી હોતું.  જે મનુષ્ય આ અભાવ ના કારણે દુઃખી રહેતો હોય જીવનમાં અસંતોષ અનુભવતો હોય. તેવા મનુષ્યો ને ઉદાહરણ રૂપ એવા વીરલાઓ આ દુનિયાના ખુણે ખાંચરે હોય છે. જેમનું જીવન અન્યને માટે દિવાદાંડી સમાન બની રહે છે. આ લેખન શ્રેણીમાં આપણે આવા બીજા એક  ભડવીર  ફ્રેંચ તરવૈયા  ફિલિપ્પે ક્રોઇઝોન નો પરિચય કરીશું. ) 



ફ્રેંચ તરવૈયો ફિલિપ્પે ક્રોઇઝોન
સવી સન 1994 ની એક સાંજે ફ્રાંસના એક ગામમાં ફિલિપ્પે ટીવી જોતા હતા. અચાનક રંગમાં ભંગ પડ્યો અને ટીવી કાર્યક્રમમાં ગરબડ ઊભી થઈ. તપાસ કરતાં ખબર પડી કે એન્ટેના માં ગરબડ છે. ફિલિપ્પેભાઇ તો છાપરે ચડીને એંટેના રીપેર કરવા ગયા. અચાનક તેને વીજળીનો 20,000 વૉટનો ઝટકો લાગ્યો. તેને હોસ્પિટલમાં ખસેડ્યો. ડોક્ટરોએ તેને બચાવવા મહેનત કરી પણ તેના બન્ને હાથ અને પગ કાપી નાખવા પડ્યા. જાન બચી લાખો પાયે! ઘણા મહિના હોસ્પિટલમાં રહેવું પડ્યું અને ઘણાં ઑપરેશનો
 કરાવવાં પડ્યાં. હોસ્પિટલની પથારીમાં પડ્યા પડ્યા ફિલિપ્પેએ એક ટીવી કાર્યક્રમમાં ઇંગ્લીશ ચેનલ તરવૈયા વિષે ડોક્યુમેંટરી જોઇ. અને તેને પણ ચેનલ તરવાની ઇચ્છા થઇ. (કોણ કહે છે ટીવી કાર્યક્રમ ખરાબ અસર કરે છે?)  મહત્વાકાંક્ષા જાગી અને શરૂ થયો તેને પાર પાડવાનો મહાસંગ્રામ. અથાગ મહેનત અને સતત પરિશ્રમથી છેવટે 2010 માં તેણે પ્રોસ્થેટિક અવયવોને સહારે ઇંગ્લીશ ચેનલ તરીને પાર કરી.

      પરંતુ આટલેથી  તેને સંતોષ ન થયો. તેને હવે તરીને પૃથીની પ્રદક્ષિણા કરવાનું ઘેલું લાગ્યું. તેની હોંશ અને હામ જોઇને અનેક લોકો તેની સહાયમાં આવ્યા. વિશ્વ તરણ પ્રદિક્ષણાના આ સાહસમાં પરાક્રમી સશક્ત તૈરાક અર્નૉઉડ ચેઝરી જોડાયો છે.     


આશરે 85 કિ.મીની આ તરણ પ્રદક્ષિણા ચાર તબક્કામાં વહેંચી નાખવામાં આવી છે. ક્યાં છે આ ચાર ચરણ?

પેસીફિક મહાસાગરમાં ઈંડોનેશિયા,મલયેશિયા, ઑસ્ટ્રેલિયા, ન્યુઝીલેંડ, પોલીનેશિયન ટાપુઓ ના સમુહ ઓસનીયા નામથી ઓળખાય છે. આ ઐતિહાસિક વિશ્વ તરણ પ્રદક્ષિણાનું પ્રથમ ચરણ તેણે પાપુઆ ન્યુ ગીનીના વુટુંગ નામના માછીમારોના ગામથી દસ-બાર કલાક કિનારે કિનારે તરીને દૂરપશ્ચિમ કિનારાના માબો પાસેના પસાર સ્કાઉ ગામ પહોંચી શરૂ કર્યું.

દ્વિતીય ચરણ આફ્રિકાને એશિયા સાથે જોડે છે. જોર્ડનના અકાબા અખાતના કિનારેથી રેડ-સીના હુંફાળા પાણીમાં તરીને તેઓ ઈજીપ્તના સીનાઇ દ્વીપકલ્પના તબા હાઇટ્સ રીસોર્ટ પહોંચશે.

તૃતીય ચરણ. જુલાઇમાં મોરોક્કોના તાંજિયર પાસે કેમ્પ નાખશે. અનૂકુળ હવામાન મળતાં બોટ દ્વારા સ્પેઈન જશે અને ત્યાંથી જીબ્રાલ્ટરની ખાડી તરીને યોરપમાં પ્રવેશશે. આ સફરમાં તોફાની દરિયો તેઓ માટે પડકાર રૂપ બનશે.

ચોથા અંતિમ ચરણની શરૂઆત ઑગસ્ટમાં થશે. આ તબ્બકો સૌથી વિકટ હશે. USAના લીટલ ડાયોમેડે (Diomede) ટાપુ થી રશિયાના ગ્રેટ ડાયોમેડે ટાપુ ને જોડતી બેયરિંગની સમુદ્રધુની પાર કરવાની રહેશે. અંતર ઓછું હોવા છતાં સખત ઠંડી (પાણીનું તાપમાન 0 ડીગ્રી સે. થી 3 ડીગ્રી વચ્ચે જ રહે) નો સામનો કરવો પડશે. આવા અતિ શીત જળમાં સ્નાયુઓ બહેરા થઇ જાય.
  
નીચેની ચિત્રમાલામાં આ ચાર ચરણોનું  ભૌગોલિક વિવરણ આપ્યું છે. 
                                 ચાર પગલાં સાગરમાં!              ને દુનિયા પાર!!


ફિલિપ્પે ક્રોઇઝોનની વિશ્વતરણ યોજના ચાર ભાગમાં વહેંચાએલી છે તેનું
વિવરણ ઉપરના વીડીયો માં(ફ્રેંચ ભાષામાં) છે. 

           ચરણ 1     મે 2012            પાપુઆ ન્યુ ગીની-ઓસનીયા થી અશીયા


  સિધ્ધું અંતર                   15            કિ.મી.   
 તરણ અંતર                  20 થી 25     કિ.મી.    
 તરણનો સમય ગાળો              8  થી 15        કલાક
 દરિયાઇ જળનું ઉષ્ણતામાન   18 થી  25      સેલ્સિ.
  દરિયાઇ જોખમ                      પ્રબળ પ્રવાહશાર્ક, ઝેરી ડંખવાળી     
                                 ઈરુકાંજીમાછલી.
                      
                                                    


ચરણ  2     જૂન, 2012     ગલ્ફ ઑફ અકબા- જોર્ડન થી ઇજિપ્શીયન તટ




 સિધ્ધું અંતર                   20            કિ.મી.   
 તરણ અંતર                  20 થી 25     કિ.મી.    
 તરણનો સમય ગાળો              8  થી 15        કલાક
 દરિયાઇ જળનું ઉષ્ણતામાન   18 થી  25      સેલ્સિ.
  દરિયાઇ જોખમ                      પ્રબળ પ્રવાહશાર્ક,              

ચરણ  3     જુલાઇ, 2012 સ્ટ્રેઇટ ઑવ જીબ્રાલ્ટર -  આફ્રિકા થી યોરપ


 સિધ્ધું અંતર                   14            કિ.મી.   
 તરણ અંતર                  20 થી 25     કિ.મી.    
 તરણનો સમય ગાળો              8  થી 15        કલાક
 દરિયાઇ જળનું ઉષ્ણતામાન   16 થી  24      સેલ્સિ.
  દરિયાઇ જોખમ                      પ્રબળ પ્રવાહ, દુષિત પાણી,(તેલ વિ.)                    
                                “850  કાર્ગો શીપ/દિવસ.

       


ચરણ  4     ઓગસ્ટ, 2012  બેયરિંગ સ્ટ્રેઇટ -  રશિયા થી અમેરીકા



 સિધ્ધું અંતર                   04            કિ.મી.   
 તરણ અંતર                  04  થી 08     કિ.મી.    
 તરણનો સમય ગાળો             03  થી 05       કલાક
 દરિયાઇ જળનું ઉષ્ણતામાન    0  થી     3      સેલ્સિ.
  દરિયાઇ જોખમ                      ઠંડુગાર પાણીહાઇપોથર્મિયા, ઑર્ક માછલી                    



‌‌
ધન્ય છે આ ભડવીર તરવૈયાને ! 
-------‌‌‌---‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌


તસવીરો અને સાહિત્ય સ્રોત: WITH THANKS.


1 ટિપ્પણી:

  1. ફેન્ટેસ્ટિક. ગજબની હિમ્મત અને તાકાત. અને તે પણ આટલી બધી પંગુતા છતાં.

    જવાબ આપોકાઢી નાખો