શુક્રવાર, 11 મે, 2012

છૂના હૈ આસમાન - 5 ડૉ. ટેસી થોમસ

જે કર ઝુલાવે પારણું, તે અવકાશ પર રાજ કરે.

(ભારત દેશમાં નારી શક્તિના અખૂટ ભંડાર ભર્યા છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઇથી માંડીને પ્રથમ એવરેસ્ટ આરોહક મહિલા બચેંદ્રી પાલ કે દક્ષિણ ધ્રુવ પર ત્રિરંગો ફેલાવનાર રીના કૌશલ. “છૂના હૈ આસમાન” લેખમાળામાં આપણે મનુષ્યોને ઉદાહરણ રૂપ પણ એવા વીરલાઓની નોંધ લઇએ છીએં જેઓ આ દુનિયાના ખુણે ખાંચરે વસેલા હોય છે અને જેમનું જીવન અન્યને માટે દિવાદાંડી સમાન બની રહે છે. આજે આપણે દેશના એક ગૌરવ રૂપ નારીરત્નને બિરદાવશું. આ નારીરત્નનું નામ છે  વિદુષી ભારતીય વૈજ્ઞાનિક "અગ્નિપુત્રી" ડૉ. ટેસી થોમસ.)


મૂળ કેરળના એક નાનકડા ગામ અલાપૂઝાની ટેસીને બાળપણથી ગણિતમાં ખૂબ રસ હતો. પિતા એક કંપનીમાં એકાઉન્ટન્ટ હતા અને ગણિતના ખાં હતા. પિતાના ગુણ ટેસીમાં ઉતર્યા હતા. ટેસીને ચાર બહેનો અને એક ભાઇ છે. અન્ય બાળકોની જેમ શેરીમાં રમવાને બદલે ટેસી ગણિતના કૂટ પ્રશ્નેા ઉકેલવામાં પડી હોય. અભ્યાસમાં સતત મહેનત કરીને ટેસીએ થ્રિસુર ઇજનેરી કોલેજ, કોઝીકોડથી B.Tech અને અદ્યતન  ટેકનોલોજી  આધારિત  સંરક્ષણ  ઇન્સ્ટિટ્યુટ, પુણે  ખાતે M.Tech. ની ડિગ્રી મેળવી. M.Tech.માં ટેસીનો  વિષય  'ગાઇડેડ મિસાઇલ' હતો.

અગ્નિ 5
મહા વૈજ્ઞાનિક અને મિસાઇલમેન ડૉક્ટર અબ્દુલ કલામને પોતાનો આદર્શ માનતાં ટેસી ડીઆરડીઓમાં વિજ્ઞાની તરીકે જોડાયાં. અથાગ પરિશ્રમ અને મિસાઇલ વિજ્ઞાન પ્રત્યેની લગનના ફળસ્વરૂપે ડૉ.ટેસી થોમસ હાલ ડીઆરડીઓ ખાતે મિસાઇલ પ્રોજેક્ટનાં પ્રથમ મહિલા ડાયરેક્ટર છે. ડૉ. ટેસીના પતિ સરોજકુમાર પટેલ ભારતીય નૌકાદળમાં અધિકારી છે.  તેનો પુત્ર તેજસ હાલ એન્જિનિયરિંગ કોલેજમાં ભણે છે. ડૉ.ટેસી એક વૈજ્ઞાનિક હોવા ઉપરાંત એક પત્ની, માતા,અને ગૃહિણી તરીકેની ફરજ પણ ખૂબ નિષ્ઠાપૂર્વક બજાવે છે. નૌકાદળની કામગરીને કારણે પતિ હમેશા ઘરથી દૂર હોય. આથી બાળ ઉછેરથી માંડીને ઘરની બધી જવાબદારી ડૉ .ટેસીને ઉઠાવવી પડતી. સારા નસીબે તેની માતા અને તેનાં સાસુનો તેને પૂરો સાથ અને સહકાર મળ્યો. સવારના વહેલા ઉઠીને પુત્ર માટે નાસ્તો, રસોઇ વિ. પતાવી તે સમયસર ઓફિસમાં હાજર થતાં. સંશોધન કાર્યને લીધે ઓફિસેથી પરત આવવાનો કોઇ સમય નક્કિ ન રહેતો. નમ્ર સ્વભાવનાં ડૉ. ટેસી આ બધા માટેનો યશ તેની માતા અને સાસુને આપે છે.

પુત્ર તેજસ બારમા ધોરણની પરીક્ષા સમયે વાયરલ ફીવરમાં સપડાયો. બીજી બાજુ અગ્નિ-3’ મીસાઇલનું લોંચીંગ હતું. અગાઉ એક વખત અગ્નિ-3 નું પરીક્ષણ નિષ્ફળ નીવડ્યું હતું તેથી આ વખતે સફળતા મેળવવી જરૂરી હતી અને પોતે પ્રોજેક્ટના અસોસીએટેડ ડાયરેક્ટર તરીકે ગેરહાજર રહે તે કેમ બની શકે! માતૃપ્રેમ અને દેશપ્રેમની આ કશમકશમાં દેશપ્રેમને પ્રાધાન્ય આપી ડૉ. ટેસીએ અગ્નિ-3નું પરીક્ષણ સફળતાપૂર્વક પાર પાડ્યું.   

અગ્નિ-5 ના સફ્ળ પરીક્ષણ પછી દેશભરમાંથી આવતા અભિનંદનના સંદેશાઓના જવાબમાં વિનમ્ર ડૉ. ટેસી આ કાર્યની સફળતાનો યશ પોતાના સહકાર્યકરોને આપે છે.  

ધન્ય છે આ નારીરત્ન, અગ્નિપુત્રી ડૉ. ટેસી થોમસને! 

આ બહુમુખી પ્રતિભા ધરાવતા નારીરત્નના વિવિધ કાર્યને નીહાળો.



-----------------
સૌજન્ય: વિવિધ વેબસાઇટ, ડીઆરડીઓ, ગુજરાત સમાચાર, હિંદુસ્તાન ટાઇમ્સ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો