શનિવાર, 19 મે, 2012

નિરર્થક કાગારોળ


નિરર્થક કાગારોળ

સુર્યથી પૃથ્વીનું જેટલું અંતર છે તેના કરતાં વધારે મારી અને શાહરૂખ ખાન વચ્ચે અંતર છે. શાહરૂખ ખાન સાથે મારે કોઇ સ્નાન-સૂતકનો સંબંધ પણ નથી. હું તેનો બચાવ કરવા પણ નથી માંગતો. પરંતુ જે રીતે વાનખેડે સ્ટેડિયમના બનાવને ફૂંકી ફૂંકીને કાગળનો વાઘ બનાવવામાં આવ્યો છે તે ખરેખર કોઇપણ નાગરિકને વિચારતો કરી મૂકે.


આપણે આખા બનાવને તટસ્થતાથી મૂલવીએ તો શું તારણ નીકળે?
  
1    મેચમાં જીત મેળવેલી પોતાની ટીમના ખેલાડીઓને મળવા અને અભિનંદન આપવા માટે ટીમનો માલિક આરક્ષિત વિસ્તારમાં પ્રવેશે છે. તેની પાસે આ માટે પૂરતી પરવાનગી છે.
     
       2.      મેચ જોવા આવેલી પોતાની દસ-બાર વર્ષની પુત્રી અને તેના મિત્રોને લેવા એક પિતા સ્ટેડિયમમાં આવે છે. હા, તેણે આ માટે  અર્ધી-પોણી કલાકનું મોડું કર્યું. મેચ અને તેના પછીની ઈનામ વિતરણ વિધિ આશરે સાડા અગિયાર વાગે સમાપ્ત થઇ હતી. પણ તેને માટે ઘણાં કારણો હોઇ શકે.
     3.     શાહરૂખની રાહમાં બાળકો મેદાનને કિનારે રમતાં હતાં. જેને ત્યાં હાજર ચોકીદારોએ ભગાડવાનો પ્રયત્ન કર્યો. અને તેમાં જરૂર કરતાં વધારે દમદાટી વાપરી. જેની જાણ શાહરૂખને થતાં તેણે બાળકોના બચાવમાં વળતી પ્રતિ-દમદાટી (કદાચ જરૂર કરતાં વધારે) આપી. SRKએ આ વાત સ્વિકારી છે.

.              4.   જાણે આની રાહ જ જોવાતી હોય તેમ મીડીયા અને MCA અધિકારીઓનો કાફલો ત્યાં ધસી આવ્યો. તેમની અને SRK વચ્ચે ગરમાગરમી થઇ.

હવે જો સુરક્ષાકર્મીઓએ કિશોર-કિશોરીઓ પર જરા જોહુકમી કરી હોય તો તે ક્ષમ્ય નહિ પરંતુ ગણનામાં ન લેવી જોઇએ. આનું કારણ એ કે તેઓ આઠ-દસ કલાકથી ખડે પગે ફરજ બજાવતા હોય અને મોડી રાત્રે ઘેર જવાની ઉતાવળમાં હોય તે સ્વાભાવિક છે. આ સંજોગોમાં તેઓની સહનશક્તિનો આંક ખૂબ જ નીચો હોય. આ વાત SRK સમજ્યા હોત તો સારું હતું. જોકે સામાન્ય સંજોગોમાં સુરક્ષાની ફરજ બજાવતા કર્મીઓ પોતે માલિક હોય તેમ વર્તન કરતા હોય છે તે સર્વવિદિત છે.   

આ સંજોગોમાં MCA ના જવાબદાર અધિકારીઓનો પ્રતિભાવ કેવો હોવો જોઇએ? મામલાને ટાઢો પાડવાનો પ્રયત્ન કરવો જોઇએ. અગ્નિશમનનું કામ કરવું જોઇએ. તેઓએ આગમાં પેટ્રોલ હોમવાનું કામ કર્યું. ધાકધમકી આપી. બીજે દિવસે, મીડીયામાં ખોટા આક્ષેપો કર્યા. આસિ. પોલીસ કમીશ્નરની કક્ષાનો અધિકારી એમ કહે કે SRK નશામાં હતો. (SRKએ આ વાતને સ્પષ્ટ રદિયો આપ્યો છે.) તો આ માટે યોગ્ય ટેસ્ટ કેમ ન કર્યા? અને જે આક્ષેપ પશ્ચાત્વર્તી સાબિત ન થઇ શકે તેમ હોય તો જાહેરમાં ઉચ્ચારવાનો શું અર્થ? પરોક્ષ રીતે SRKને નીચો દેખાડવા અને તેને બદનામ કરવાનો ઇરાદો જ હોય તેમ પ્રતિત થતું લાગ્યું. પાંચ વર્ષ માટે વાનખેડે સ્ટેડિયમમાં SRKના પ્રવેશના પ્રતિબંધનો ઉતાવળે લીધેલો નિર્ણય, આ વાતની સાબિતી છે.

બોલીવુડ અને મુંબઇના લોકલ રાજકારણની મેલી રમતના ભાગ રૂપે આખું નાટક ભજવાયું હોય તેમ લાગે છે.

ભારતીય લોકશાહીના કમનસીબે માનનીય સંસદ સભ્યોને દેશના સળગતા પ્રશ્નોની ચર્ચા અને નીરાકરણ માટે સમય નથી મળતો કે નથી ફાળવી શકતા પણ આ ક્ષુલ્લક છમકલા માટે બધા સાંસદો દેશ પર આફત આવી હોય તેમ વાવટો લઈને મેદાનમાં ઉતરી પડ્યા. અને IPL ની રમતને જ બદનામ કરી મુકી! સંસદમાં માનનીય સાંસદો એકબીજાને બીન-સાંસદીય શબ્દોથી નવાજે છે, વાળ ખેંચે છે કે કપડાં ફાડે છે તો સંસદને તાળાં થોડાં મરાય !

ટૂંકમાં ઉભય પક્ષે બિનજવાબદારી પૂર્વક વ્યવહાર થયો છે. સંસદનો કિંમતી સમય વેડફાયો છે. અને હજી કદાચ વેડફાશે. અને ઇલેક્ટ્રોનિક માધ્યમોને ઘી-કેળાં થયાં છે.

ભારત માતાનો જય હો!


4 ટિપ્પણીઓ:

  1. ટુંકમાં ઉભય પક્ષે બિનજવાબદારી પૂર્વક વ્યવહાર થયો છે. સંસદનો કિંમતી સમય વેડફાયો છે. અને હજી કદાચ વેડફાશે. અને ઇલેક્ટ્રોનિક માધ્યમોને ઘી-કેળાં થયાં છે.


    ભારત માતાનો જય હો!
    Read the Post..& more informed
    Dr. Chandravadan Mistry
    www.chandrapukar.wordpress.com
    Chandrapukar Par Avjo !

    જવાબ આપોકાઢી નાખો
  2. Pankti Munshi
    07:27 am (1 કલાક પહેલા)

    Very true, I was thinking the same, we had same discussion yesterday night with friends.

    Pankti
    New Zealand


    Sent from my iPad

    જવાબ આપોકાઢી નાખો
  3. આપની પોસ્ટ બાબત તો હું કોઈ અભીપ્રાય અહીં આપી શકું તેમ નથી, કદાચ આપની વાત સાચી હશે. પણ આપે જે સુંદર ફોટો માઉન્ટ રુઆપેહુનો મુક્યો છે, એનું ખરું નામ “રુઆપેહુ“ માઓરી શબ્દ છે. એમાં રુઆ એટલે બે અને પેહુ એટલે વીસ્ફોટ થવો કે ગર્જના કરવી એવો અર્થ થાય છે. જો કે આ રીતે માઓરી શબ્દને અલગ પાડીને અર્થ કાઢવો હીતાવહ નથી, પણ આ તો ખરો શબ્દ શું છે તે બતાવવા માટે જ જણાવ્યું છે. એની પાછળની દંતકથા આપ વીકીપીડીયા પર જોઈ શકો. વેલીંગ્ટનથી ઓક્લેન્ડ જતાં રસ્તામાં લગભગ અધવચ્ચે (વેલીંગ્ટનથી ઓક્લેન્ડ ૬૫૦ કીલોમીટર) આ ડુંંગર આવેલો છે, જેને કારમાંથી, પ્લેનમાંથી અને ટોન્ગોરીરો ક્રોસીંગના (માઉન્ટ નારાહુઈ સહીતના) દસ કલાકના પગપાળા પ્રવાસ વખતે જોયો મેં છે. અમારી ફ્રેયબર્ગ સ્ટ્રીટની પાડોશમાં રુઆ, ટોરુ અને ફા (Rua, Toru and Wha બે, ત્રણ અને ચાર) નામે ત્રણ સ્ટ્રીટ આવેલી છે. આથી રુઆ એટલે બે એ અર્થ અહીં રહેવા આવ્યા લગભગ તે સમયથી મારી જાણમાં આવ્યો હતો.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. આપની ટીપ્પણી વાર્તાલાપ પર વાંચીને અતિ આનંદ થયો. 2008-09 દરમ્યાન અમે નવ મહિના મારી દિકરીને ત્યાં ઑકલેડમાં ગાળ્યા હતા. ત્યારે મા.રૂઆપેહુ, રોટોરૂઆ વિ. જગ્યાઓની મુલાકાત લીધેલી. રૂઆપેહુ પર બરફમાં લપસવાની પણ મજા માણેલી. આપના સુચન મુજબ મથાળામાં સુધારો કરી નાખ્યો છે. આભાર! ફરી મુલાકાત લેશો તેવી અપેક્ષા.

      કાઢી નાખો