પ્રકરણ ૨
સાંજના ૬ વાગે
આરવ અને લિયા કામસૂત્ર રેસ્ટોરન્ટમાં પ્રવેશ્યાં. લિયાએ મરૂન રંગનો ઊનનો
લાંબો ઓવરકોટ, અંદર હૂંફાળું હાઈ-નેક સ્વેટર, ક્લાસી ટાઈટ્સ અને પગમાં લેધર બૂટ્સ પહેર્યા હતા. તેના ખભા સુધીના વાળ પર સુંદર વૂલન
કેપ હતી. આરવે નેવી બ્લૂ રંગનું સ્લિમ-ફિટ ટર્ટલનેક સ્વેટર પહેર્યું હતું અને તેની
ઉપર ડાર્ક ગ્રે કલરનું બ્લેઝર, નીચે તેણે ક્લાસી ડાર્ક ચિનોઝ (Chinos) અને પગમાં બ્રાઉન લેધરના શૂઝ પહેર્યા હતા.
બંનેએ પોતાના ઓવરકોટ ઉતારી ફોયરમાં મૂકેલા સ્ટેન્ડ પર લટકાવ્યા. બધાં ટેબલો ભરેલાં હતાં. મેઇટર ‘ડી તેઓને માનપૂર્વક એક ખૂણામાં તેમના આરક્ષિત ટેબલ પર દોરી ગયો. ઓક્ટોબરની ધૂંધળી સાંજના ૮ ડિગ્રીના ઠંડા વાતાવરણમાંથી અંદરનું હૂંફાળું વાતાવરણ મનમોહક હતું. અંદરની સજાવટ સંપૂર્ણ ભારતીય સંસ્કૃતિની ઓળખ આપતી હતી. દીવાલો પરનાં ચિત્રોમાં હિમાલયનાં બરફ આચ્છાદિત શિખરો, કાશીના ગંગાના ઘાટ પરની આરતીનું દ્રશ્ય, તો થોડાં ખજુરાહોના શૃંગારિક ચિત્રો પણ હતાં. છત પરનાં ક્રિસ્ટલ શેંડેલિયરની ઝાંખી રોશની સોનેરી રંગના મખમલી સોફા અને લાકડાના પૉલિશ કરેલા પારંપારિક ટેબલ પર અનોખી ભાત પાડતી હતી. મ્યુઝિક સિસ્ટમમાંથી ધીમા અવાજે ઉસ્તાદ વિલાયતખાનના સિતારની ખમાજની સૂરાવલીઓ વાતાવરણને રોમૅન્ટિક બનાવતી હતી.
આરવ અને લિયાએ સ્ટાર્ટરમાં ક્લેરેટ વાઈન સાથે સ્ટફ્ડ મશરૂમનો ઓર્ડર આપ્યો. સફેદ ગણાવેશમાં સજ્જ પરિચારિકાએ વાઇનની બોટલ અને સ્ટાર્ટરની પ્લેટ મૂકી. વાઇનની બોટલ આરવને બતાવી પછી બંનેના વાઈન ગ્લાસ ભર્યા. આરવ અને લિયાએ તેનો આભાર માન્યો.
બંનેએ વાઈન ગ્લાસ
હાથમાં લીધા. આરવે લિયા સામે ગ્લાસ ધરી કહ્યું, “આપણી મૈત્રી.” પછી સોફાને
ટેકો દેતાં આછા સ્મિત સાથે બોલ્યો, "વાહ લિયા, તેં તો બહુ એડવાન્સમાં બધું પ્લાનિંગ કરી રાખ્યું છે. જર્મનીમાં આવ્યા
પછી તું પણ અહીંના લોકો જેવી જ પ્રોફેશનલ અને શિસ્તબદ્ધ થઈ ગઈ છે, રાઈટ? અહીં બુકિંગ વગર કશું મળતું જ
નથી."
લિયા ટેબલ પર મૂકેલી સુગંધિત મીણબત્તીના પ્રકાશમાં આરવ સામે જોતાં બોલી,"જર્મનીએ મને એ જ શીખવાડ્યું છે આરવ, કે જો જિંદગીમાં સિક્યોરિટી અને ટેબલ જોઈતું હોય, તો પહેલાંથી જ 'રિઝર્વેશન' કરાવવું પડે. વગર બુકિંગે લિવ-ઈનમાં રહેવા જઈએ તો રખડતા રહીએ. રિઝર્વેશન પણ એક જાતનું કમિટમેન્ટ છે. વગર કમિટમેન્ટે આપણો કોઈ હક નથી રહેતો!”
“ઓહ! તો તું હજી આઘાતમાંથી બહાર નથી
આવી.” આરવે લિયા સામે સહનુભૂતિથી જોતાં કહ્યું.
“ના. એમ નથી. એક સામાન્ય વાત છે. લિવ-ઈનમાં કોઈ સુરક્ષા નથી હોતી. તમે ગમે તેટલા વર્ષ સાથે રહો, પણ સામેવાળી વ્યક્તિ મન ફાવે ત્યારે, એક જ રાતમાં તમને અજાણ્યા બનાવીને રસ્તા પર લાવી શકે છે. લગ્નમાં કમસેકમ એક સામાજિક આદર અને વચનબદ્ધતા તો રહે છે. લિવ-ઈન તો કાચના ઘર જેવું છે, ગમે ત્યારે પથ્થર વાગે અને બધું સાફ!
“હમમ્, તારી વાત સાચી છે. પણ એ કમિટમેન્ટ ક્યારેક બંધન પણ બની જાય છે. લગ્ન થતાં જ લોકો એકબીજાને પોતાની 'જાગીર' સમજી લે છે. લૌરા મારી પત્ની બની એ સાથે જ તેની અપેક્ષાઓ બદલાઈ ગઈ. લિવ-ઈનમાં માણસ એકબીજાને ટેકન ફોર ગ્રાન્ટેડ નથી લેતો, કારણ કે ખબર હોય છે કે સામેવાળો મુક્ત છે. લગ્નમાં એ જ મુક્તતા મરી જાય છે.”
પરિચારિકા તેઓએ આપેલ ઓર્ડર પ્રમાણે બધી ડિશો ટેબલ પર ગોઠવી ગઈ. લિયા પીરસવામાં વ્યસ્ત થઈ. એ બંને જણાં વાનગીઓને ન્યાય આપવામાં પડ્યા.
“અહીંની બધી
વાનગીઓ બહુ સ્વાદિષ્ટ હોય છે. ખાસ કરીને ગોશ્ત બિરિયાની અને બટર ચિકન.” આરવ
બોલ્યો.
“ઓહ, મને હતું
કે તું શાકાહારી હોઈશ. તેં ઓર્ડર કેમ ન આપ્યો? હું વેજિટેરિયન છું પણ કોઈ ખાતું
હોય તો વાંધો નથી લેતી.”
“હું પણ
શાકાહારી જ છું. પણ લૌરાની એ મનગમતી વાનગીઓ છે.” આરવે ખુલાસો કર્યો.
“તું અને લૌરા
અહીં આવતાં હશો.” લિયાએ પૂછ્યું.
“હકીકતે હું
પહેલી વખત લૌરાને અહી ડેટ પર લાવ્યો હતો.” આરવે અચકાતાં જવાબ આપ્યો.
“અને આપણે પણ
પહેલી વખત.. ..” લિયા બોલતાં બોલતાં અટકી
ગઈ. પછી કહે. “ઓ માય ગોડ, આરવ હું ખૂબ દિલગીર છું. મને બિલકુલ અંદાજ ન હતો..:”
“અરે, અરે,
થોભ! આપણે ક્યાં ડેટ પર આવ્યાં છીએં!”
“હા, એ ખરું.”
પછી વાઈનની એક ચૂસકી લેતાં તે આરવ તરફ એકીટશે જોતી રહી. થોડીવાર મૌન છવાયું. પછી તોફાની અવાજમાં પૂછ્યું, “લૌરા
હજી તારા દિલમાંથી ખસતી નથી ખરું?” “હેં? હા... ના.” આરવ વિચારમાંથી ઝબકીને બોલ્યો. “એ મારો
પહેલો પ્રેમ હતી. એ વાત નકારી શકાય નહીં.”
“તો વાત
છૂટાછેડા સુધી કેમ પહોંચી? જો વાંધો ન હોય તો કહે.”
“લૌરા બહુ સરસ
અને સાદી છોકરી છે. ધનાઢ્ય કુટુંબમાંથી હોવા છતાં તેને કોઈ અભિમાન ન હતું. અમે બે
વર્ષ ડેટિંગ કર્યા પછી લગ્ન કર્યા હતા. પણ ખબર નહીં લગ્ન પછી બધું બદલાઈ ગયું. તેના
પિતાના ધંધામાં તે ફાઇનાન્સ સંભાળતી હતી. તેની રહેણીકરણી, શોખ, કપડાં, આચરણ
વગેરેમાં પૈસાની અસર દેખાતી હતી. અલબત્ત તે મારા સ્ટેટસને અનુકૂળ થવાનો પ્રામાણિક
પ્રયાસ કરતી હતી તેની ના નહીં. પણ હું તેના સ્ટેટસમાં ફિટ થઈ શકતો ન હતો. તેની પાર્ટીઓમાં
હું એકલો પડી જતો હતો. તેનું મિત્રવર્તુળ, તેના ધંધાદારી સંપર્કો, તેમની ચર્ચાઓ વગેરેમાં
હું ભાગ લઈ શકતો ન હતો. લૌરા આની નોંધ કરતી અને મને અવારનવાર તે મને ટોકતી એમ તો નહીં કહું પણ, આડકતરી રીતે અછડતો
પ્રતિભાવ આપતી. મારા વર્તુળમાં ભળવાનો તે નિષ્ફળ પ્રયાસ કરતી. નવાઈની વાત એ છે કે
જ્યારે અમે ડેટિંગ કરતા હતા ત્યારે આ વિશે કોઈ અંદાજ ન આવ્યો.”
“સાચું. ત્યારે
આપણે સપનાંમાં ખોવાઈ જઈએ છીએ. વાસ્તવિકતાથી અદ્ધર વ્યોમમાં ઊડીએ છીએ. પછી શું
થયું?” લિયાએ ઉત્સુકતાથી પૂછ્યું.“ શું કોઈ ઝઘડો થયો?
“ના. ઝઘડો હતો
જ નહીં. સમય જતાં મેં અનુભવ્યું કે તે અંદરથી ગૂંગળાતી હતી. લગ્નજીવનમાં જે
કમ્ફર્ટ હોવી જોઈએ તે ન હતી. લૌરાનો પણ એવો જ કંઇંક એહસાસ હતો. ધીમે ધીમે અમારા
વચ્ચેનું અંતર વધતું ગયું. અને અમારા પ્રામાણિક પ્રયાસ છતાં તે અંતર ઘટી શકે તેમ ન
હતું. અમે બંનેએ અનુભવ્યું કે કઇંક ખૂટે છે. જે સપનાં લગ્ન પહેલાં જોયાં હતાં તે
અને વાસ્તવિકતા વચ્ચે મોટી ખાઈ હતી.”
સ્પીકરમાંથી
રેલાતા મધુર સંગીતના તાલ પર લિયા આરવના ચહેરાના બદલાતા ભાવોને જોઈ રહી. ભારતીય
સંગીત મુક્ત છે છતાં તેમાં એક શિસ્ત હોય છે. ખમાજની સુરાવલીઓના ઉતાર ચઢાવ અને સાથે
તબલાંની શિસ્તબદ્ધ સંગત જાણે આઝાદી અને બંધન વચ્ચે ઝૂલતી તેમની ચર્ચા સાથ આપી રહી
હતી. પછી વાતને આગળ વધારતાં બોલી,
“હમ્મ, હું એમ
સમજતી હતી કે સાચો પ્રેમ હોય તો બધી સમસ્યા ઉકેલી શકાય છે. પણ આપણા બંનેના કેસમાં
એ શક્ય ન બન્યું. બે વર્ષના ગાળામાં મને સમજાયું કે ફે ફેલિક્સ ધીમે ધીમે મારાથી
દૂર જઈ રહ્યો છે. અમારી વચ્ચે અણદીઠ અંતર વધતું ગયું. નાના નાના ઝઘડા નહીં પણ મતભેદ
થતા રહ્યા. આ મતભેદ ક્યારે મનભેદમાં પલટાઈ ગયા તે અમને ખબર ના પડી. હું મારી રીતે
સમજૂતીનો પ્રયાસ કરતી રહી. પણ ક્યાં સુધી? છેવટે અમારી વચ્ચેની ખાઈ એટલી મોટી થઈ
ગઈ કે એક દિવસ ફેલિક્સે અંતિમ નિર્ણય સંભળાવી દીધો.”
“પછી તે ઘર
છોડી ચાલ્યો ગયો?”
“ના. હું
મૂવ-ઈન થઈ હતી. હું પાછી મારા પિતાને ઘેર ચાલી આવી. પણ આ ચાર મહિનામાં મને સમજાયું
કે લગ્નજીવન લિવ-ઇન કરતાં પણ કઠિન છે.”
“કેમ”
“હવે મારા પપ્પાના અત્યારના લગ્ન જુઓ!
તેઓ છેલ્લા ઘણાં વર્ષોથી જર્મનીમાં મારી જર્મન સાવકી માતા, બ્રિજિટ
સાથે રહે છે. આ લગ્ન એકદમ અલગ છે, સાવ 'જર્મન સ્ટાઈલ'! બંને કમાય છે. ઘરનું ભાડું
અડધું-અડધું ચૂકવે છે. ગ્રોસરીના પૈસા પણ સરખા ભાગે વહેંચાય છે. રસોઈ બનાવવાનો
વારો પણ નક્કી હોય છે. પપ્પા બ્રિજિટના કોઈ પર્સનલ નિર્ણયમાં દખલ નથી કરતા અને
બ્રિજિટ પપ્પાના કામમાં માથું નથી મારતી.
સહેજ સ્મિત સાથે આરવે કહ્યું, “એ તો બહુ સારી અને પરિપક્વ વાત કહેવાય ને? સમાનતા અને રિસ્પેક્ટ. લિવ-ઇન રિલેશનશિપ અને લગ્નજીવનનું સંતુલિત મિશ્રણ!”
“કાગળ પર એ બહુ પરફેક્ટ લાગે છે, આરવ.
પણ એ ઘરમાં રહીને મેં જોયું છે કે એ સમાનતાની પાછળ એક શૂન્યતા છે, સહજીવનની ઉષ્મા
નહીં. એ લગ્ન નહીં એક 'બિઝનેસ કોન્ટ્રાક્ટ' વધારે લાગે છે! આવું મેં મારી અને ફેલિકસ વચ્ચે પણ અનુભવ્યું. જો પપ્પા
ક્યારેક ઉદાસ હોય, તો બ્રિજિટ તેમને સ્પેસ આપવાના નામે
પોતાના રૂમમાં જઈને બુક વાંચે કે મોબાઈલમાં વ્યસ્ત રહે. ત્યાં એ હૂંફ કે કાળજી નથી
જે મેં ઇન્ડિયામાં જોયા હતા. ઇન્ડિયાના લગ્નમાં કદાચ સ્પેસ નહોતી પણ એકબીજા
પ્રત્યેનો અબાધિત હક હતો. અહીં હક નથી, બસ એકબીજાના
અસ્તિત્વનો આદર છે.”
આરવે મેઈટર ડીને ચેક માટે ઈશારો કર્યો. બિલ આવતાં બંનેએ પોતાનાં કાડ્ર્રર્સ કાઢ્યાં. લિયાએ આરવ સામે જોઈ કહ્યું, ”આપણે પેમેન્ટ અડધું અડધું કરીએ.”
“આ વખતે મને આપવા દે, બીજી વાર તું
આપજે.” આરવે નટખટ સ્મિત સાથે કહ્યું,”એ બહાને મને તારી સાથે વધુ સમય ગાળવાની તક
મળશે!”
લિયાએ કાર્ડ પોતાના પર્સમાં મૂકતાં સ્મિતથી
જ જવાબ આપ્યો,”ચોક્કસ. કેમ નહીં!”
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો