ગુરુવાર, 14 મે, 2020

પ્રિય સંગિનીને પ્રેમપત્ર

(સુખી લગ્નજીવનનાં 45 વર્ષનો સાથ નિભાવનાર મારી પ્રિય જીવનસંગિની નલીનીને આ વાર્તા સમર્પિત કરું છું)
પ્રિય સંગિનીને પ્રેમપત્ર


અમદાવાદ.
તા. 12-05-2020.
પ્રિય સંગિની,

આ પત્ર જોઈને અને કવર પર “અંગત” એવો શેરો જોઈને તને કદાચ થશે કે “સાહેબને શું થયું છે? સાઠે બુદ્ધિ નાઠી છે કે શું?” જોકે હવે તો “સાઠે” નહિ પણ “સીત્તેરે” કહેવું પડે. તને કદાચ થશે કે આટલાં વર્ષે આ શું તોફાન સૂઝ્યું હશે સાહેબને! અને એમ તને વિચાર આવે તો પણ તેમાં નવાઈ નથી. આમ પણ આપણાં પ્રેમલગ્ન તો હતાં નહિ, લગ્નપ્રેમ હતો. મતલબ સ્વજનોએ આપણાં લગ્ન ગોઠવ્યાં હતાં. આથી આપણા બંને વચ્ચે પ્રેમ તો લગ્ન પછી જ પાંગર્યો ને! હા, સંવનન-કાળમાં અર્થાત સગાઈ અને લગ્ન વચ્ચેના ટૂંકા ગાળામાં આપણે પરસ્પરથી પરિચીત થવાનો પ્રયત્ન કર્યો. એ   સમય દરમ્યાન પત્રો, પ્રેમપત્રો પણ લખ્યા. ચોરી કરીને કે નકલ કરીને પારકી શાયરીઓ પણ પત્રમાં લખી! હવે એમ ઉધારની કવિતા દ્વારા પ્રેમ વ્યક્ત કરવાનું નથી પસંદ પડતું. આ ક્ષણે તો મને યાદ આવે છે જ્યારે તું જતાં પહેલાં નાહીને અરિસા પાસે ઊભીને વાળ કોરા કરતી હતી તે દ્રશ્ય. તો આવું કાઇંક ટપકી પડે છે

સદ્યસ્નાતા, સંવારતી વિખરાયેલા ભીના કેશ
ગુલાબી હોઠ ને કાળાં નયન, વિના મેશ
ગૌરવર્ણ છતાં સાદગી હમેશ
આવ, એકવાર તું મારી પાસે તો બેસ ! 


વાત જાણે એમ છે કે એક સામયિક તરફથી પ્રેમપત્ર કે પ્રિયને પત્ર વિષય ઉપર લખાણ મોકલવાનું આમંત્રણ આવ્યું. મેં આપણા પાડોશી ચંદ્રેશની દિકરી-નૈયા-ને બોલાવી કહ્યું કે તું આવો કોઈ પત્ર લખે તો શું લખે? તો ખી ખી ખી હસવા લાગી, મને કહે, “અંકલ અત્યારે કોઈ આવા કાગળો નથી લખતું, વૉટ્સેપ છે, મિમ્સ છે, અનલિમિટેડ ટૉક-ટાઈમ છે, કાગળ લખવાનો કોને ટાઈમ છે?” પછી આંખો નચાવતી નટખટ અવાજે બોલી, “કે પછી આંટી મુંબઈ ગયાં છે તો તમે ...!” કહેતાં હસતી હસતી દાદરો ઊતરી ગઈ! થૉડી વાર તો હું સ્તબ્ધ થઈ ગયો. પછી થયું “વ્હાય નોટ?” તને પત્ર કેમ ન લખાય આમ પણ તારો જન્મ દિવસ આવતી 14મી તારીખે છે તો આ વખતે તને “સરપ્રાઈઝ” આપું! હું તને પ્રેમ કરું છું તેની તને ખબર જ છે અને આજના ચોખલિયા સમાજશાસ્ત્રીઓના દાવા મુજબ સુખી લગ્નજીવન માટે રોજ દસ વખત જીવનસાથીને આઈ લવ યુ કહેવું જોઈએ તેમ હું માનતો નથી. પણ તેમ છતાં મનમાં કઈંક આવું ઊગે છે,

અધૂરપ હતી જીવનમાં, થયો તારો પ્રવેશ
મધુરપ છવાઈ ગઈ જાણે સૂરમય રાગ દેશ 
તારા વિના સૂનો હતો મારા દિલનો નેસ
આવ, એકવાર તું મારી પાસે તો બેસ ! 

હા, સંગી! તારી સાથે જીંદગીનાં આટલાં વર્ષો ક્યાં પસાર થઈ ગયાં તેની ખબર જ ન રહી! આપણી પુત્રી પૌરવીએ લગ્નની વીસમી વર્ષગાંઠે ક્રિકેટના રસિયા જમાઈને માટે કવિતા લખી હતી યાદ છે?

ચાલ, આપણે ટ્વેંટી-ટ્વેંટી (20-20) રમીએ,  
એક ઈનીંગ પૂરી થઈ, હવે બીજી રમીએ....

હવે આપણે તો વન-ડે મેચની પહેલી ઈનીંગ્સની પચાસમી ઓવર રમીએ છીએ તો પછી સેકંડ ઈનીંગ્સની પચાસ ઓવર રમવાની તારી તૈયારી છે ને! બાકી હા, એક વાત તો ચોક્કસ છે, ક્રિકેટ મેચની જેમ આપણા લગ્નજીવનમાં પણ ઘણા ચડાવ-ઊતાર આવ્યા. ચોગ્ગા અને છગ્ગાની રમઝટ બોલી તો શ્વાસ અદ્ધર થઈ જાય તેવી નબળી ક્ષણો પણ આવી કૉટ બીહાઈંડ અને એલબીડબલ્યુની અપીલ પણ થઈ. કેચ પણ ગુમાવ્યા. પરંતુ આપણે વિકેટ ગુમાવ્યા વિના પાળી રમતાં રહ્યાં! વ્હાલી સંગી! નબળી ક્ષણો વખતે તેં મને ભલીભાંતિ સંભાળી લીધો. રનઆઊટ ન થવા દીધો! ના, તે માટે હું તારો આભાર નહિ માનું. તું કહે છે ને કે પ્રેમમાં “નો થેંક્યુ, નો સૉરી”! પણ એટલું જરૂર કહીશ; 

તું જ મારી કવિતા ને તું જ મારી ગઝલ
તારા વિના અઘરી હતી આ લાંબી મઝલ
સંભાળી લેતી તુરંત, જો વાગતી મને ઠેસ
આવ, એકવાર તું મારી પાસે તો બેસ ! 

હા! પેલી તૂર્કી ટીવી સીરિયલનો ગઈકાલનો હપ્તો તેં જોયો હતો? તેમાં એલિફ તેના પ્રેમી ઓમરને કહે છે કે તે અનકંડીશનલ લવમાં માને છે. તો એકતા કપૂરની સીરિયલમાં ટોટલ સબમીશનની-સંપૂર્ણ સમર્પિતતાની-વાત આવે છે.  મને આ વિરોધાભાસ સમજાતો નથી. આપણે ક્યારે પણ આ બાબત વાત નથી થઈ પણ તું શું માને છે? મીરાંનો પ્રેમ કે રાધાનો પ્રેમ, ક્યો સાચો પ્રેમ? કવિઓ અને લેખકોએ આ બાબત ગાડાં ભરાય તેટલું સાહિત્ય લખ્યું છે પણ મને લાગે છે પ્રેમને કોઈ વિશેષણની જરૂર નથી.
સંગીતના સાત સૂરોમાં રિષભ, ગંધાર, મધ્યમ અને નિષાદ ચલિત છે એટલે કોમળ અને તીવ્ર હોઈ શકે પણ ષડજ અર્થાત સા અને પંચમ અર્થાત અચળ છે. પ્રેમ એ સરગમના પંચમ જેવો છે. અચળ. સંગી! આપણો પ્રેમ પણ એવો જ છે. અડગ, અચળ, અસ્ખલિત, અવિરત, અસીમ અને અવર્ણનીય. તું કહીશ કે સાહેબ! પછી પેલા ષડજનું શું?!  તો વ્હાલી! સહજીવનની સરગમમાં સા એટલે સાયુજ્ય. ઐક્ય. તું અને હું’, “મારું અને તારું” નહિ પણ આપણે, આપણું” નું ઐક્ય. જેમ આપણું સાયુજ્ય છે તેમ.

પિયરમાં બધાં મજામાં હશે. સાસુમાની તબિયત હમણાં તો દિકરીના હાથની રસોઈ જમીને જામી હશે! તેમને મારા વંદન પાઠવું છું.

આપણા સંવનન કાળમાં સામાન્યત: ત્રણ-ચાર પાનાં ભરીને પત્રો લખતા. ખાસ રંગીન અને સુગંધીત લેટર-પેડ વાપરતા. ટપાલનું કવર પણ રંગીન મોકલતા! કાગળમાં કવિતા અને શાયરીઓ ટાંકતાં પણ મને તો એવી શ્રુંગારમય પંક્તિઓ ખાસ સૂઝતી નથી. હા, એમ થાય છે કે, પ્રિય સંગી!

અંધારા ને અજવાળામાં તારો સદા સાથ
પાંચ દાયકાનો પ્રિયે ! લાગણીસભર સંગાથ
જનમોજનમનો સથવારો માગું, નો મોર નો લેસ
આવ, એકવાર તું મારી પાસે તો બેસ !

બસ. તારા જન્મદિન નિમિત્તે તને અનેકાનેક ચુંબનો.

લી. સદાકાળ તારો સાહેબ

#######@@@#######

(આ પત્ર મુંબઈથી પ્રગટ થતા ઈ-મેગેઝીન નાગરમંજુષા ના એપ્રિલ, 2020 ના અંકમાં સમાવાયો છે.)
photo: courtsey Google Images

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો