વિજયરાયનું મન કામમાં ચોંટતું ન હતું. આવતી કાલ સવારની મુખ્યમંત્રી સાથેની અગત્યની મુલાકાત માટેની તૈયારીને આખરી ઓપ આપવાનો હતો. પરંતુ તેનું મન વારંવાર આજ સાંજની ઘટનાને યાદ કરતું હતું. મન કોઇ અકથ્ય ભાર તળે દબાતું હોય તેમ લાગતું હતું. તેમણે લેપ ટોપ બંધ કરી બેડસાઇડ ટેબલ પર મુક્યું. બેડરૂમની રોશની ઓછી કરી, એ.સી.નું ઉષ્ણતામાન અનુકૂળ કર્યું અને પથારીમાં લંબાવ્યું.
સાંજે ઓફિસમાં ન બનવા નું બની ગયું. વિજયરાયને નવાઈ લાગી કે પોતે પોતાની લાગણીઓ પર કાબુ કેમ ન રાખી શક્યા? નબળું મનોબળ એ ક્યાંક વધતી ઉંમરની નિશાની તો નથીને? ના, ના. એ શક્ય નથી. અલબત્ત, ઉંમર તો વધે જ છે એને રોકી શકાતી નથી. છપ્પન તો થયાં એટલે વાર્ધક્ય તરફ ગતિ તો આરંભાઇ જ ગઇ છે. ભલે શરીરની સ્વસ્થતા ઈશ્વરકૃપાથી અને નિયમિત દિનચર્યાથી જળવાય રહી છે. આથી પાંગરતી પ્રૌઢાવસ્થા કરતાં આથમતી યુવાની કહી શકાય. તેમ છત્તાં આજના બનાવનાં દૂરગામી તથા નજીકના પરિણામો તરફ દુર્લક્ષ ન સેવી શકાય. આજના બનાવનું વિપરીત પરિણામ ન આવે તે માટે મોડર્ન મેનેજમેંટની ભાષામાં જેને ‘ડેમેજ કંટ્રોલ’ કહેવાય તે અમલમાં મૂકવું જરૂરી હતું. નોનસેંસ! તો શું પોતાની લાગણીઓ ખોટી હતી? કે પછી ઊર્મિઓના આવિર્ભાવના પડઘા ખોટી રીતે ન પડે એ જોવાનું હતું ?
“ગમેતેમ, પણ વિજયરાય! તમે લાગણીઓના પ્રવાહમાં તણાયા હતા એ ચોક્કસ છે.” અરે, આ શું? પ્રતિભાનો અવાજ ક્યાંથી? વિજયરાયે પત્નીના ફોટો સામે નજર નાખી. સુખડના હારવાળા ફોટામાં પ્રતિભાના ચહેરા પર વિલસતું હાસ્ય તેને મોનાલિસાના હાસ્ય જેવું ભેદી લાગ્યું. ‘પ્રતિભા, તેં તો મને અચાનક 'આવજો' કહી દીધું પણ મેં તને ક્યાં વિદાય આપી છે? આજે ઓફિસમાં જે બન્યું તેની તું સાક્ષી છે ને ? ઓફિસમાં જે ઘોડાપૂર આવ્યું તેની જનેતા કે પ્રેરક બળ ક્યાંક તું તો નથી ને? તારા આ માર્મિક હાસ્યનો અર્થ મારે શું કરવો ? એક તારા આ હાસ્યનો ભેદ હું ક્યારેય પામી શકવાનો નથી.’ વિજયરાય ભૂતકાળમાં સરી પડ્યા.
‘બા, આજે કોઈનો જન્મદિવસ છે?’ જમવા બેસતાં થાળીમાં પિરસાયેલી વાનગીઓ પર નજર નાખતાં વિજયરાયે પૂછ્યું.
‘ના. કોઈનો જન્મદિવસ નથી.’ બાએ જવાબ આપ્યો.
‘તો કેમ શીરો બનાવ્યો છે આજે ?’
‘આ તું દસ દિવસ બહારગામ રખડી આવ્યો અને સવારે ગાડીએથી આવીને તરત નોકરીએ જતો રહ્યો તે પ્રતિભા કહે કે બા ટુરમાં જે તે ખાધું હશે તો સાંજે કઇંક સારું બનાવીએ. તેથી તને ભાવતો શીરો બનાવ્યો.’
રસોડાના દરવાજે ઊભેલી પત્ની તરફ નજર નાખતાં તેના ચહેરા પર મરક મરક હાસ્ય રેલાઇ રહ્યું હતું. શયનકક્ષમાં પણ તેણે મૌન ન તોડ્યું. છેવટે મેં કાન પકડ્યા. ‘હું હાર્યો બસ. હવે તો ભેદ ખોલો મોનાલીસાદેવી!’
પ્રતિભાએ એ જ અકળ મુસ્કાન સાથે ઓશિકા નીચેથી દેશીહિસાબ અને બાળપોથી સરકાવી મને ધરી. અને શયનકક્ષમાં વસંત છવાઇ ગઇ.
વિજયરાયે નિઃશ્વાસ નાખ્યો. ‘હા. મને ખબર છે, “તું હમેશની જેમ એમ જ કહેવાની કે ઈશ્વર જે કરે તે સારા માટે.” શું ધૂળ સારા માટે ? આમાં સારું શું થયું? આવતીકાલે છાપામાં સમાચાર હશે કે પ્રતિષ્ઠિત દવાની કંપનીના ચેરમેને પોતાના પુત્રની સેક્રેટરીને.....”’
આ બાજુ સુષમાની પણ નિદ્રા વેરણ થઇ હતી. વિજયસરને અચાનક શું થઇ ગયું હશે? સુષમાને પોતાની જાત પર જ ગુસ્સો આવ્યો. પોતે કેમ સમસમીને મુંગી રહી? તે જ વખતે બુમાબૂમ કરીને આખી ઓફિસ ભેગી કરવી જોઇતી હતી. શામાટે? શામાટે પોતે મુંગી રહી? પોતાનો પણ વાંક તો ખરો જ ને? શું તેણે પરિસ્થિતિનો સ્વિકાર કરી લીધો? શું મનમાં ઊંડે ઊંડે તે વિજયસર માટે કુણી લાગણી ધરાવતી હતી? એક અજબ પ્રકારનો રોમાંચ નહોતો થયો? આખા શરીરમાં જાણે વીજળી દોડી ગઈ હતી. દિલના ધબકારા જેટ વિમાનની ઝડપે ગતિ કરવા લાગ્યા હતા. શું પોતે પુરુષના સ્પર્શ માટે તલસતી હતી? શું આ કુંવારા યૌવનનો સાદ હતો? ભાન ભૂલીને પોતે આસ્વાદ માણ્યો ન હતો? છટ ગાંડી, એવું ન હોય. એ તો ચાર વર્ષ સાથે કામ કર્યું હોય એટલે થોડાઘણા લાગણીના તાણાવાણા ગુંથાયા હોય. પણ તેથી શું આમ જ સહન કરતાં રહેવાનું? પ્રશ્ન એ છે કે હવે શું? અજાણ રહીને નોકરી ચાલુ રાખવી, રાજીનામું આપવું કે પછી કાજલ કહે છે તેમ કરવું?
કાજલ સુષમાની બાળપણની ખાસ બહેનપણી હતી. બન્ને એકબીજાને પોતાના મનની વાત વિના સંકોચે કરતાં. ઓફિસેથી નીકળી સુષમા સીધી કાજલને મળવા ગઈ હતી. મળતાંવેંત જ તે રોઈ પડી હતી. કાજલે ધીરે રહીને સુષમા પાસેથી વાત કઢાવી. સાંભળતાં જ કાજલનો પારો સાતમે આસમાને ચડી ગયો. સુષમાનો હાથ પકડીને બોલી;
‘ચાલ ઊભી થા. અત્યારે જ આપણે સીધા પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ કરીએ. આ પૈસાવાળાઓ પોતાના મનમાં સમજે છે શું? એમને પાઠ તો ભણાવવો જ જોઈએ.’
‘ના, ના, એમ ઉશ્કેરાઇ જઇને કોઇ ઉતાવળીયું પગલું નથી ભરવું. બધી બાજુનો વિચાર કરવો પડે.’
‘હવે આમાં વિચાર કરવા ન રહેવાય. એકવાર એ સાલાને પોલીસને હવાલે તો કરવો જ જોઇએ પછી ભલે જે થવું હોય તે થાય.’
‘બોલ્યા મોટા, ભલે જે થવું હોય તે થાય, મારી બદનામી નહીં થાય? મને બીજી નોકરી મળશે? અગાઉ પણ આ રીતે નોકરી છોડી દીધી હતી ત્યારે કેવા હાલ થયા હતા તે ભુલી ગઇ ? અને મમ્મી? મારી મમ્મીનો વિચાર કર્યો? સુજલને ભણવાનું નહીં છોડવું પડે? સુજલ આવતા વર્ષે એંજિનીયર થઇ જાય ત્યાં સુધી તો મારે જવાબદારી નિભાવવાની જ છે કે નહીં ?’
‘જો સુશી, આ તારી જીંદગીનો સવાલ છે. અત્યારે ખોટી લાગણીના પ્રવાહમાં તણાઇને તું ચુપ રહીશ તો પાછળથી પસ્તાવાનો વારો આવશે. આનું અર્થઘટન એમ થશે કે તેં પરિસ્થિતિનો સ્વિકાર કરી લીધો છે. શું કુટુમ્બ માટે તારી જીંદગી દાવ પર લગાવી દઈશ? અત્યારે તું તારી બલી ચઢાવી દઈશ પણ પાછળથી તારો હાથ કોઈ નહીં ઝાલે. વાલીયા લુંટારાની વાત ભુલી ગઈ? કોઈ પાપનો ભાગીદાર થવા તૈયાર નહિ થાય.’
‘તું સમજતી નથી. એને સજા કરાવવાથી મારા પ્રશ્નો ઉકલી જશે? ઊલટાનો એમાં વધારો થશે. મારે નોકરી છોડવી પડે. સુજલનું આ છેલ્લું વર્ષ છે. કોર્ટ કચેરીના આંટા અને સામાજિક તેમજ માનસિક ટેંશનનો તેના ભણતર પર કોઈ પ્રભાવ નહિ પડે? મારા સ્વાર્થ ખાતર એના ભવિષ્ય પર પાણી ફેરવવું?’
‘બસ. આ તારો પરદુઃખભંજન સ્વભાવ તું નહિ છોડે. સુશી, આ વાતને ગંભીરતાથી લે. તારે પોલીસના લફરામાં ન પડવું હોય તો શહેરમાં અનેક મહિલા સંસ્થાઓ છે આપણે તેનો સંપર્ક કરીએ. અને નોકરી શુંકામ છોડવી પડે? મહિલા મંડળવાળા તને વળતર અપાવી શકે, બીજા પણ ઘણા રસ્તા નીકળશે.’
રસ્તા પરથી પસાર થતા વાહનના હોર્નના અવાજથી સુષમાની વિચાર-તંદ્રા તુટી. રસોડામાં જઇ ફ્રીજમાંથી પાણીની બોટલ કાઢી પાણી પીધું. મમ્મીના અને સુજલના રૂમ તરફ નજર નાખી ફરી પોતાના રુમમાં આવી સુતી. ‘કાજલની વાત સાચી છે. મારે ચુપ તો ન જ રહેવું જોઇએ. પણ તો પછી પપ્પાને દવાખાનામાં આપેલા વચનનું શું?’ સુષમાની આંખો સામે આઇ.સી.સી.યુ.નું દ્રશ્ય ખડું થઇ ગયું.
ત્યારે તે બી.કોમ.ના પહેલા વર્ષમાં હતી. સી.એ. થવાની ઇચ્છા હતી. અચાનક પપ્પાને હૃદય રોગનો જબરદસ્ત હુમલો આવ્યો અને તેને આઇસીસીયુમાં દાખલ કરવા પડ્યા હતા. લાલ-લીલી ઝબકતી લાઇટોવાળાં સાધનો અને નળીઓના ગૂંચળાઓથી વીંટળાયેલા પપ્પા છેલ્લા શ્વાસ લઇ રહ્યા હતા. સુજલને અને સુષમાને પાસે બોલાવીને મંદ મંદ ત્રુટક અવાજે તેમણે કહ્યું હતું, ‘બેટા સુજલ, તારે મન દઈને ભણવાનું છે અને મારી જેમ એંજિનીયર થવાનું છે, સમજ્યો? બહેન અને મમ્મીનું કહ્યું માનવાનું છે.’ અને સુષમાનો હાથ પોતાના હાથમાં લઇને આર્જવભરી નજરે જોતાં બોલ્યા હતા, ‘બેટા સુષમા, હવે બધી જવાબદારી તારા પર છોડીને જાઉં છું. મને વચન આપ કે તું સુજલને એંજિનીયર બનાવીશ. મારી આ છેલ્લી ઇચ્છાને માન આપીશને બેટા?’ ચોધાર આંસુએ રડતાં રડતાં સુષમાએ વચન આપ્યું હતું, ‘હા, પપ્પા. જ્યાં સુધી સુજલ એંજિનીયર નહિ થાય ત્યાં સુધી હું લગ્ન નહિ કરું.’
અને એ સાંભળતાં જ પપ્પાએ આંખો મીંચી દીધી હતી.
* * *
સીએ થવા માટેના વધારાના ક્લાસ ભરવાની જગ્યાએ સુષમાને નોકરી શોધી લેવી પડી. સુષમાની જરૂરિયાતને તેની લાચારી સમજીને એક બે માલિકોએ તેનો ગેરલાભ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો હતો અને તેને નોકરી છોડી દેવી પડી હતી. જોકે કુટુમ્બની પરિસ્થિતિ એટલી બધી ખરાબ ન હતી કે તેને સ્વમાનનો ભોગ આપવો પડે. આમ ચાર પાંચ નોકરીઓ બદલતાં સુષમાએ એમ.કોમ. નું ભણતર પુરૂં કર્યું. સુજલને પણ સદભાગ્યે કેમીકલ એંજિનીયરીંગમાં સ્થાનિક કોલેજમાં જ પ્રવેશ મળી ગયો આથી આર્થિક રીતે રાહત રહી. છેલ્લા ચાર વર્ષથી વિજયરાયની દવાની કંપનીમાં તેના દિકરા વિરાટની અંગત સેક્રેટરી તરીકે સેટ થઇ ગઇ હતી. પગાર પણ સારો હતો. અને કંપનીનો વહીવટ શિસ્તબદ્ધ તેમજ વ્યાવસાયિક ધોરણે ચાલતો હતો.
‘વિરાટસરે કદી પણ આડીઅવળી વાત કરવાનો કે પરિચય વધારવાનો પ્રયત્ન કર્યો ન હતો. વિજયસરે પણ અત્યાર સુધી પોતાને ફરિયાદ કરવી પડે તેવું વર્તન કર્યું ન હતું. ઊલટાનો તેનો વ્યવહાર માયાળુ કહી શકાય તેવો હતો. ગયા મે મહિનામાં પોતે ઓફિસમાં અચાનક બેભાન થઇ ગઇ હતી. ત્યારે વિજયસરે જ તુરત ડોક્ટરને બોલાવ્યા. જાત દેખરેખ નીચે સારવાર કરાવી અને ડ્રાઇવર ન હોવાથી જાતે ઘેર મુકવા આવ્યા હતા. મમ્મીને પણ જાતજાતની સુચનાઓ આપી હતી. ફરજિયાત ચાર દિવસની રજા પડાવી હતી.’
’પોતે પણ હમેશાં વિજયસરને વડિલ તરીકે જોયા હતા. તો પછી તેમણે આમ કેમ કર્યું? આમ જુવો તો મેં પણ ક્યાં વિરોધ કર્યો હતો? સવાલ એ છે કે હવે શું કરવું ? આપઘાત કરવો? છટ, એ તો કાયરતા છે. અને એવું કશું બન્યું પણ નથી. વળી એનાથી તો વધારે સવાલો પેદા થશે. મુંગા રહીને ‘જૈસે થે’ સ્થિતિ જાળવી રાખવી? એ કદાચ સહુ થી વધારે લાભદાયક નિર્ણય બની રહે. પણ સ્વમાન ને ભોગે? તો પછી નોકરી જ છોડી દેવી. પણ મમ્મીને શું કહીશ ? આજે મને પપ્પા ની ખોટ સાલે છે. પપ્પા મને સમજી શકતે અને યોગ્ય સલાહ આપતે.’
આમ ને આમ વિચાર વમળ માં અટવાતી સુષમા નિદ્રાદેવીને શરણે થઈ ગઈ.
* * *
સુષમા સવારે નાહી ને બહાર નીકળી ત્યારે ફોનની ઘંટડી વાગી રહી હતી. મમ્મીએ ફોન લીધો અને સાદ પાડ્યો, ‘સુશી, વિજયભાઇનો ફોન છે.’ ‘વિજયસરે મોબાઇલને બદલે લેંડલાઇન પર કેમ ફોન કર્યો હશે?’ એમ વિચારતી તેણે ફોન લીધો.
‘હલ્લો?’
‘સુષમા, મારી મુખ્યમંત્રી સાથેની મુલાકાત સફળતાપૂર્વક પાર પડી છે એટલે આજે મારો આખો દિવસ સચિવાલયમાં જ જશે. ઓફિસે કદાચ હું સાંજે મોડેથી આવું. તારે અત્યારે ઓફિસે જાઈને આપણા પ્રોજેક્ટ રીપોર્ટની બે નકલો પટેલ સાથે ઉદ્યોગમંત્રીના પી.એ. મી.સોલંકીને મોકલાવી આપવાનીછે. બાર વાગ્યા પહેલાં પહોંચી જાય તે જોજે. આમ તો મેં સોફ્ટકોપી આપી જ દીધી છે. અને હા, વિરાટની ફ્લાઈટ પેરીસથી નીકળી ચુકી છે તે આજ રાત્રે આવી જશે. મારી આજની બધી અપોઈંટમેંટ કેંસલ કરી દેજે.’
‘જી સર.’ કહેતાંજ સામેથી ફોન કટ થઈ ગયો. હદ છે આ માણસની નફ્ફટાઇની ! જાણે કશું બન્યું જ નથી! આજે આ વાતનો ફેંસલો લાવીને જ રહીશ.’ એમ વિચારતાં તે તૈયાર થવા માંડી.
સાંજના પાંચેક વાગ્યા હશેને મણિલાલે આવીને સંદેશો આપ્યો,’બે’ન, મોટાસાહેબ આવી ગયા છે ને તમને બોલાવે છે.’ સુષમાએ ઝટપટ કોમ્પ્યુટર બંધ કરી, પર્સ ઉઠાવી વિજયરાયની કેબીનમાં પ્રવેશ કર્યો. વિજયરાયે ‘આવ સુષમા’ કહી તેને આવકાર આપ્યો. સુષમાએ જવાબ આપ્યા સિવાય ચુપચાપ પર્સમાંથી કવર કાઢીને વિજયરાય સામે ધર્યું. વિજયરાયે તેના હાથમાંથી કવર લઈ લીધું અને બોલ્યા, ‘તારું રાજીનામું છે. રાઈટ ? મને તારી પાસેથી આ જ અપેક્ષા હતી. અને તારું આ રાજીનામું મંજૂર પણ કરવાનો છું. પરંતુ તે પહેલાં તું બેસ. મારે તારી સાથે થોડીક વાત કરવાની છે.’
ગુસ્સો અને અકળામણથી સુષમા થોડીવાર સ્તબ્ધ બનીને ઊભી રહી. પછી ખુરશી પર બેઠક લેતાં બોલી, ‘સર, તમને મેં આવા નો’તા ધાર્યા. હું તમને પિતાતુલ્ય સમજતી હતી.’
‘હા. મને ખબર છે. માટે જ ગઈકાલની ઘટનાનો ઊંધો અર્થ કરી ગેરસમજ ન કરે તે માટે મારે તને કશુંક કહેવું છે. તે સાંભળીને પછી તારે જે નિર્ણય લેવો હોય તે લેજે. વિજયરાયે સહેજ ગળું સાફ કરીને વાત આગળ ચલાવી. ગઈકાલે મારી વિપ્રાનો જન્મદિવસ હતો. વિપ્રા, વિરાટથી ચાર વર્ષ નાની અમારી લાડકી દીકરી હતી. સવારથી જ વિપ્રાની યાદ સતત મનમાં ઘૂમરાયા કરતી હતી. તું આ કંપનીમાં જોડાઈ તેના થોડા સમય પહેલાંની વાત છે. વિપ્રા યુએસએમાં એમબીએનું ભણતી હતી. વિરાટની તાજી જ સગાઇ કરી હતી. વિપ્રા પોતાની ભાવિ ભાભીને મળવા અને પરિચય કરવા થોડા દિવસ માટે ભારત આવી હતી. પ્રતિભા, વિરાટ, વિપ્રા અને માનસી-વિરાટની વાગ્દત્તા તે ગોઝારા દિવસે અંબાજીથી દર્શન કરીને આવતા હતા. અને કારને અકસ્માત થયો. ડ્રાઈવર અને વિરાટ ઘાયલ થયા પણ બચી ગયા. બાકીના ... ...’ વિજયરાય ગળે ડૂમો ભરાવાથી આગળ ન બોલી શક્યા. ટીસ્યુ પેપરથી આંખો લુછી.
‘સુષમા તને ખબર છે? વિપ્રા નાની હતી ને ત્યારથી હમેશાં મારા ખોળામાં માથું મુકીને સુવે. અંબાજીથી નીકળતાં પહેલાં તેણે ફોન પર મને શું કહ્યું હતું ખબર છે? પાપા, ઘણા વખતથી તમારા ખોળામાં માથું રાખીને સુતી નથી. હું આવું છું. તમારો ખોળો તૈયાર રાખજો.’ બેટા સુષમા, મારા એ તૈયાર ખોળામાં. . .’ વિજયરાયની આંખો હવે ટીસ્યુ પેપરને પણ ગણકારે તેમ ન હતી.
‘ગઈકાલે પ્રોજેક્ટની સીડી ટેબલ નીચે પડી ગઈ તે ઉઠાવતી વખતે અનાયાસે તારું માથું મારા ગોઠણ પર થોડી ક્ષણો- કોઈ કારણસર જરૂર કરતાં વધારે ક્ષણો- માટે રહ્યું હતું. તારા મનમાં શું હતું તે મને ખબર નથી પણ મને લાગ્યું મારી વિપ્રા...... .અને મેં તને છાતીસરસી ચાંપી દીધી. બેટા, મારું મન નિર્મળ છે. તેમ છત્તાં તને લાગ્યું હોય કે તારી સાથે કોઈ અણછાજતી હરકત થઈ છે તો મને માફ કરી દેજે.’
‘સર, આઈ એમ સોરી. મેં તમને સમજવામાં ભૂલ કરી. પ્લીઝ ફરગીવ મી.’ સુષમાનો અણગમો, રોષ, આક્રોશ વિ. મીણની જેમ પીગળીને આંખોમાંથી વહેવા લાગ્યો. વિજયરાય ઊભા થઈ સુષમા પાસે ગયા તેના માથા પર હાથ પસવારતા રહ્યા. તેની આંખો પણ વહેતી હતી. થોડો સમય આમ જ વિતી ગયો.
‘બેટા, હજુ તારી પાસે એક માગણી કરવાની છે. મને પુત્રી તો પાછી મળી પણ મને પુત્રવધુ જોઈએ છે. શું તું મારા વિરાટની જીવનસાથી બનવા તૈયાર થઈશ ? અત્યારે હું તારા મમ્મીને મળીને જ આવ્યો છું. તારી જો સંમતિ હોય તો એમને કોઈ વાંધો નથી.’ સુષમા ઊભી થઈને વિજયરાયને પગે લાગી અને વિજયરાયે ફરી એને છાતીસરસી ચાંપી. કેબીનમાં ફરી ગઈકાલની ઘટનાનું પુનરાવર્તન થઈ રહ્યું હતું. ફોટોમાંના પ્રતિભાના ચહેરા પર વિલસતા હાસ્ય તરફ વિજયરાય તાકી રહ્યા.
==== *****====
01/04/2007, Sunday.
01/04/2007, Sunday.
saras navaleekaa
જવાબ આપોકાઢી નાખોsaras varta
જવાબ આપોકાઢી નાખોInteresting varta..thank you to be part of the reader..keep writing..
જવાબ આપોકાઢી નાખોસુન્દર વાર્તા...
જવાબ આપોકાઢી નાખો