વિજયરાયનું મન કામમાં ચોંટતું ન હતું. આવતી કાલ સવારની મુખ્યમંત્રી સાથેની અગત્યની મુલાકાત માટેની તૈયારીને આખરી ઓપ આપવાનો હતો. પરંતુ તેનું મન વારંવાર આજ સાંજની ઘટનાને યાદ કરતું હતું. મન કોઇ અકથ્ય ભાર તળે દબાતું હોય તેમ લાગતું હતું. તેમણે લેપ ટોપ બંધ કરી બેડસાઇડ ટેબલ પર મુક્યું. બેડરૂમની રોશની ઓછી કરી, એ.સી.નું ઉષ્ણતામાન અનુકૂળ કર્યું અને પથારીમાં લંબાવ્યું.
સાંજે ઓફિસમાં ન બનવા નું બની ગયું. વિજયરાયને નવાઈ લાગી કે પોતે પોતાની લાગણીઓ પર કાબુ કેમ ન રાખી શક્યા? નબળું મનોબળ એ ક્યાંક વધતી ઉંમરની નિશાની તો નથીને? ના, ના. એ શક્ય નથી. અલબત્ત, ઉંમર તો વધે જ છે એને રોકી શકાતી નથી. છપ્પન તો થયાં એટલે વાર્ધક્ય તરફ ગતિ તો આરંભાઇ જ ગઇ છે. ભલે શરીરની સ્વસ્થતા ઈશ્વરકૃપાથી અને નિયમિત દિનચર્યાથી જળવાય રહી છે. આથી પાંગરતી પ્રૌઢાવસ્થા કરતાં આથમતી યુવાની કહી શકાય. તેમ છત્તાં આજના બનાવનાં દૂરગામી તથા નજીકના પરિણામો તરફ દુર્લક્ષ ન સેવી શકાય. આજના બનાવનું વિપરીત પરિણામ ન આવે તે માટે મોડર્ન મેનેજમેંટની ભાષામાં જેને ‘ડેમેજ કંટ્રોલ’ કહેવાય તે અમલમાં મૂકવું જરૂરી હતું. નોનસેંસ! તો શું પોતાની લાગણીઓ ખોટી હતી? કે પછી ઊર્મિઓના આવિર્ભાવના પડઘા ખોટી રીતે ન પડે એ જોવાનું હતું ?
“ગમેતેમ, પણ વિજયરાય! તમે લાગણીઓના પ્રવાહમાં તણાયા હતા એ ચોક્કસ છે.” અરે, આ શું? પ્રતિભાનો અવાજ ક્યાંથી? વિજયરાયે પત્નીના ફોટો સામે નજર નાખી. સુખડના હારવાળા ફોટામાં પ્રતિભાના ચહેરા પર વિલસતું હાસ્ય તેને મોનાલિસાના હાસ્ય જેવું ભેદી લાગ્યું. ‘પ્રતિભા, તેં તો મને અચાનક 'આવજો' કહી દીધું પણ મેં તને ક્યાં વિદાય આપી છે? આજે ઓફિસમાં જે બન્યું તેની તું સાક્ષી છે ને ? ઓફિસમાં જે ઘોડાપૂર આવ્યું તેની જનેતા કે પ્રેરક બળ ક્યાંક તું તો નથી ને? તારા આ માર્મિક હાસ્યનો અર્થ મારે શું કરવો ? એક તારા આ હાસ્યનો ભેદ હું ક્યારેય પામી શકવાનો નથી.’ વિજયરાય ભૂતકાળમાં સરી પડ્યા.
‘બા, આજે કોઈનો જન્મદિવસ છે?’ જમવા બેસતાં થાળીમાં પિરસાયેલી વાનગીઓ પર નજર નાખતાં વિજયરાયે પૂછ્યું.
‘ના. કોઈનો જન્મદિવસ નથી.’ બાએ જવાબ આપ્યો.
‘તો કેમ શીરો બનાવ્યો છે આજે ?’
‘આ તું દસ દિવસ બહારગામ રખડી આવ્યો અને સવારે ગાડીએથી આવીને તરત નોકરીએ જતો રહ્યો તે પ્રતિભા કહે કે બા ટુરમાં જે તે ખાધું હશે તો સાંજે કઇંક સારું બનાવીએ. તેથી તને ભાવતો શીરો બનાવ્યો.’
રસોડાના દરવાજે ઊભેલી પત્ની તરફ નજર નાખતાં તેના ચહેરા પર મરક મરક હાસ્ય રેલાઇ રહ્યું હતું. શયનકક્ષમાં પણ તેણે મૌન ન તોડ્યું. છેવટે મેં કાન પકડ્યા. ‘હું હાર્યો બસ. હવે તો ભેદ ખોલો મોનાલીસાદેવી!’
પ્રતિભાએ એ જ અકળ મુસ્કાન સાથે ઓશિકા નીચેથી દેશીહિસાબ અને બાળપોથી સરકાવી મને ધરી. અને શયનકક્ષમાં વસંત છવાઇ ગઇ.
વિજયરાયે નિઃશ્વાસ નાખ્યો. ‘હા. મને ખબર છે, “તું હમેશની જેમ એમ જ કહેવાની કે ઈશ્વર જે કરે તે સારા માટે.” શું ધૂળ સારા માટે ? આમાં સારું શું થયું? આવતીકાલે છાપામાં સમાચાર હશે કે પ્રતિષ્ઠિત દવાની કંપનીના ચેરમેને પોતાના પુત્રની સેક્રેટરીને.....”’