શુક્રવાર, 13 નવેમ્બર, 2026

આપ શું વિચારો છો?-14 જીવનસાથીના સાટાપાટા

 (આપ શું વિચારો છો? લેખમાળાના ૧૪મા  મણકામાં ગુપ્ત રીતે ફેલાતા એક સામાજિક દુષણ તરફ આંગળી ચીંધવાનો આ પ્રયાસ છે. આપના પ્રતિભાવો મળશે તો આનંદ થશે.)  


આપ શું વિચારો છો?-૧૪ 

જીવનસાથીના સાટાપાટા

 

એક લોકવાયકા છે કે રણમાં આંધી આવે તો ઊંટ રેતીમાં માથું ઢાંકી દે છે અને માને છે કે તોફાન છે જ નહીં. જો તમે એવી માનસિકતા ધરાવતા હોવ તો આ લેખ કૃપા કરીને ન વાંચશો. ના. આ લેખમાં બીભત્સતા કે અશ્લીલતા નથી આલેખી. પણ સમાજમાં ગુપ્ત રીતે ફેલાતી એક વરવી પ્રથા તરફ આંગળી ચીંધી છે.


દુષણને દબાવી દેવાથી કે તેની અવગણના કરવાથી દુષણ છે જ નહીં તેમ ન માની  શકાય. દુષણને ડામવા માટે તેના મૂળમાં ઊતરવું પડે. જીવનસાથીની અદલાબદલી એક એવું સામાજિક દુષણ છે. સામાન્યત: તે ઉચ્ચ ધનિક વર્ગમાં ખૂબ જ ખાનગી રીતે રમાતી રમત હતી. પણ હવે તે વિસ્તર્યું છે, વકર્યું છે. અને વ્યક્તિ સ્વાતંત્ર્યની ચાદર નીચે તેનો ઢાંકપિછોડો કરવામાં આવે છે..

 

આજના ડિજિટલ યુગમાં ડેટિંગ એપ્સ, ગુપ્ત સોશિયલ મીડિયા ગ્રુપ્સ અને ઓનલાઈન ફોરમ્સે આ સામાજિક દૂષણને મધ્યમ વર્ગના ઘરના બંધ બારણાં સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. જે રમત પહેલાં છૂપી હતી, તે હવે ડિજિટલ પ્લેટફોર્મ પર સંગઠિત નેટવર્ક બની રહી છે.

 

કમનસીબે ઉચ્ચ અદાલતે પણ બે પુખ્ત વયની વ્યક્તિ વચ્ચે સહ સંમતિથી થતો સંભોગ તે એડલ્ટરી અર્થાત વ્યભિચારને કાયદાની પરિપાટીથી અલગ કરીને વ્યક્તિસ્વાતંત્ર્યને ટેકો આપ્યો છે. અદાલતે ભલે વ્યભિચારને જેલની સજા પાત્ર ગુનો ન ગણ્યો હોય, પરંતુ છૂટાછેડા (Divorce) માટે તેને આજે પણ મજબૂત કાયદાકીય આધાર માન્યો છે. એટલે કે, અદાલત પણ સ્વીકારે છે કે આ પ્રથા લગ્નજીવનના પાયા હચમચાવી નાખે છે.

 

સામાન્યત: જીવનસાથી અદલબદલના બચાવમાં એવી દલીલ કરવામાં આવે છે કે લગ્નજીવન જ્યારે કંટાળાજનક બને, આદત બને ત્યારે તેમાં ઉત્તેજનાનો અભાવ વર્તાય છે. આથી અન્ય પુરુષ કે સ્ત્રી સાથે કોઈવાર સંબંધ બાંધવાથી એક નવીનતા રહે છે, એક અલગ અનુભવ મળે છે જે પતીપત્નીના  પરસ્પરના સંબંધને મજબૂત બનાવે છે. આ તદ્દન વાહિયાત દલીલ છે. આ “કોઈવાર” શબ્દ બહુ ગેરમાર્ગે દોરે છે. કોઈવાર “ઘણીવાર” થતાં સમય નથી જતો અને તેનાથી લગ્નજીવનમાં તાણ આવે તેવી શક્યતા વધુ છે. વ્યભિચાર ભલે હવે ગુનો નથી ગણાતો પણ તે નૈતિક અધ:પતન તો જરૂર છે.

 

બીજું આ દુષણ યુવાન યુગલોમાં વધુ જોવા મળે છે. લગ્નને પાંચ, સાત કે દસ વર્ષ થયાં હોય તો અભાવ શામાટે ઉદ્ભવવો જોઈએ? મોડર્ન દેખાવાની હોડમાં યુગલો શરૂઆતમાં સંમત થાય છે, પણ પછીથી પરસ્પર અવિશ્વાસ, ઈર્ષ્યા અને ડિપ્રેશનનો ભોગ બને છે. અંતે લગ્નવિચ્છેદમાં પરિણમે છે. 

 

ઘણીવાર લોકો એવી દલીલ કરે છે કે આધેડ વયે શારીરિક નબળાઈ કે એકધારાપણું આવવાથી આવું થઈ શકે, પરંતુ ઉંમર ગમે તે હોય, આ દૂષણનો કોઈ કાળે બચાવ થઈ શકે જ નહીં. એક જ જીવનસાથી સાથે લાંબો વખત ગાળવાથી અણગમો ઉત્પન્ન થઈ શકે. પરંતુ તેનો ઉકેલ વ્યભિચાર તો બિલકુલ નથી. જે ઘરમાં માતા-પિતા આવા સંબંધોમાં લિપ્ત હોય, ત્યાં બાળકોના માનસિક વિકાસ પર અને લગ્ન સંસ્થા પ્રત્યેના તેમના વિશ્વાસ પર બહુ નકારાત્મક અસર પડે છે.

લગ્ન એ માત્ર શારીરિક ભૂખ સંતોષવાનો કરાર નથી, પણ ભાવનાત્મક સદ્ધરતા અને સાથનું સાયુજ્ય છે. જો જીવનમાં કંટાળો આવે, તો ઉકેલ 'સાથી બદલવો' નથી, પણ પરસ્પર સંવાદ સાધવો, સાથે પ્રવાસ કરવો, કે કાઉન્સેલિંગ લેવું તે છે.

આપ શું વિચારો છો?


શું જીવનસાથીની અદલાબદલી લગ્નજીવનને વધુ રસદાયક બનાવી શકે?

 

આપના વિચારો અવશ્ય જણાવશો.       


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો