શુક્રવાર, 3 એપ્રિલ, 2020

માનવતા કે પ્રાયશ્ચિત-લોકડાઉન રચના - 2

લોકડાઉન રચના - 2

(આ રચાનામાં થોડા દિવસો પહેલાં ઉત્તર પ્રદેશમાં લોકડાઉન સંદર્ભમાં બનેલ એક સત્ય ઘટનાનો આધાર લીધો છે. પરંતુ તેમાં મારી કલ્પનાના રંગો પૂર્યા છે. પાત્રોનાં નામ, સ્થળ વિગેરે બદલી નાખેલ છે. આ વાર્તાને કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓ સાથે સમ્બંધ નથી.-ભજમન)


માનવતા કે પ્રાયશ્ચિત?                                                   


             કોરોના વાયરસના ફેલાવાને અટકાવવા સમગ્ર ગુજરાત રાજ્યમાં હિલચાલ બંધી–લોકડાઉનનો આદેશ અપાયો હતો. શહેરી અને ગ્રામજનોને ઘરમાં જ રહેવાની તાકીદ કરાઈ હતી. તેમ છતાં અમુક વધારે પડતા ડાહ્યા લોકો જાણે કાયદા વિરોધી વર્તન કરવું તેમનો જન્મસિદ્ધ અધિકાર હોય તેમ ટહેલવા નીકળી પડતા હતા. પોલીસ દળની કામગીરી આથી વધારે કપરી બનતી હતી. જીવન જરૂરી ચીજ વસ્તુઓ લોકોને સુલભતાથી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમ છત્તાં અધીરા લોકો સંગ્રહ કરવા માંડ્યા હતા. બધા જ કામધંધા અને કારખાનાંઓ બંધ પડી ગયાં હતાં. શહેર બહારથી અને અન્ય રાજ્યોમાંથી રોજી મેળવવા આવેલા કારીગરો અને મજૂરો માટે વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી. કમાણી બંધ થતાં ખાવાપીવાના ફાંફા હતા. વાહન વ્યવહાર સદંતર બંધ હોવાથી પોતાના ગામમાં કે રાજ્યમાં પરત જવાની પણ કોઈ સગવડ ન હતી. 


નરોડા રેંજના એસપી (સુપરિંટેંડંટ ઑફ પોલિસ) રણમલ સિંહ ઝાલા-રણુભા ઝાલા પોતાના વિસ્તારમાં રાઉંડ મારવા નીકળ્યા હતા. રાત્રીના નવ વાગ્યા હતા. આખા શહેરમાં સોપો પડી ગયો હતો. ગલીનાં કૂતરાં પણ જાણે માનવજાતિ પર તોળાયેલા ભયથી પરિચિત હોય તેમ શાંત થઈ ખૂણે-ખાંચરે લપાઈ ગયાં હતાં. રણુભાની પોલીસ જીપના વાયરલેસ પર સતત સંદેશાઓનો ધોધ વહી રહ્યો હતો. અચાનક રણુભાનો મોબાઈલ રણક્યો. જોયું તો ગીતાબા (તેમનાં પત્ની)નો ફોન હતો. આટલા વર્ષે પત્નીનો અવાજ સાંભળવા મળશે! ફોન કેમ કર્યો હશે?તેને ખબર હતી કે જાદવ દ્વારા તે પોતાની ખબર રાખતી હતી. વાયરલેસનો અવાજ ડ્રાઈવરને ધીમો કરવાનું કહી તેને ઈશારો કર્યો. સમજુ ડ્રાઈવર જીપમાંથી ઊતરી ગયો. રણુભાએ મોબાઈલ કાને ધર્યો, અને બોલ્યા, “હા બોલો...” (નાગરોમાં, ક્ષત્રિયોમાં અને રજપુતોમાં પત્નીને હમેશાં માનવાચક સંબોધન કરવાની પ્રથા હોય છે.) જવાબમાં સામેથી ડુસકાનો અવાજ સંભળાયો. રણુભા સફાળા ટટ્ટાર થઈ ગયા, “બોલો ગીતા! શું થયું? રજપુતાણીને રોવાનો વારો કેમ આવ્યો?" 
મોબાઈલમાંથી ગીતાબાનો રડમસ અવાજ આવ્યો, “આ તરાના..”
“હા, કોણ તરાના? તમે પહેલાં શાંત થઈ જાવ. અને શું થયું તે કહો. આ તરાના શું છે? કોણ છે?”રણુભાએ સમજાવટથી પત્નીને શાંત કરવાનો પ્રયાસ કર્યો.
“આ એક વિડીઓ આવ્યો છે તેમાં... તેમાં એક તરાના નામની છોકરીએ.. ..”
રણુભાની ધીરજ ખૂટી ગઈ. “હવે તમને એટલું તો જ્ઞાન હોવું જોઈએ કે એવા ટીક-ટોકના વિડીઓ ન જોવાય.”
“આ એવો નથી. તમે જુવો તમને મોકલું છું. તમને હાથ જોડીને કહું છું કે આ જોઈને તમે કાંઈક કરો.” ગીતાબાએ સ્વસ્થ થઈને હિંમતભેર પતિને વિનંતી કરી.
મને અત્યારે એવા નકામા....”, રણુભા કહેવા ગયા પણ સામેથી કનેક્શન કપાઈ ગયું. થોડીવારમાં નોટીફિકેશનનો અવાજ આવ્યો. રણુભાએ વિડીઓ ચાલુ કર્યો. વિડીઓમાં એક 25-26 વર્ષની યુવતી હતી, પહેરવેશ પરથી તે મુસ્લિમ હોય તેમ લાગતું હતું. તે દર્દ ભર્યા અવાજે બોલતી હતી

“મારું નામ તરાના અસદ અલી હૈ, હું અહિ સુરત પાસે બોરીઆ ગામમાં રહું છું. મારા શોહર અમદાવાદકે પાસ નરોડા ગામમેં કારખાનામાં મજૂરીનું કામ કરે છે. મને નવમો મહિનો જાય છે ડૉક્ટરે મને આવતી કાલની તારીખ આપી છે.” વિડીઓમાં સ્ત્રીએ પોતાના શરીર પર મોબાઈલનો કેમેરા ફેરવ્યો. સ્પષ્ટ દેખાતું હતું કે તે ગર્ભવતી હતી અને પ્રસુતિ ગમે ત્યારે થાય તેમ હતું. તેના ચહેરા પર પ્રસુતિનું દર્દ દેખાતું હતું. અવાજમાં વચ્ચે વચ્ચે કણસવાનો અણસાર પણ આવતો હતો. મોબાઈલ ચાલુ હતો, અને અત્યારે મને મારા પતિની સખત જરૂર છે. હું એકલી જ છું અને ગામમાં મને કોઈ મદદ કરી શકે તેમ નથી. મને દવાખાને કેમ જવું તેની પણ સમજ પડતી નથી. મારા પતિ નરોડામાં ફસાયા છે તેઓ કહે છે કે પોલીસ તેમને બહાર નીકળવા દેતી નથી. કોઈ વાહન બી મિલતા નથી. મારી નરોડાના પોલીસના સાહેબકો અરજ હૈ કે તેઓ મને રહેમ કરે. મારા શોહરને અહિં મોકલે નહિ તો હું ઘરમાં જ કદાચ...યા અલ્લા..રહેમ! વિડીઓ બંધ થઈ ગયો.

રણુભાએ વિડીઓ ફરી ચાલુ કર્યો. પરંતુ તેના દ્રશ્યપટલ પર કોઈ જુદાં જ દ્રશ્યો અંકિત થઈ રહ્યાં હતાં. તેને તરાનાને બદલે તોરલનો ચહેરો મોબાઈલમાં દેખાતો હતો. અને એનો કરૂણ નાદ કાનમાં ઘણના ઘાની જેમ પટકાતો હતો. “બાપુ, મને માફ કરો. તમારી તોરલને અત્યારે તમારી જરૂર છે. મારા માટે નહીં તો તમારા આવનારા દોહિત્ર માટે પ્લીઝ હેલ્પ મી !”

તોરલબા –તોરલ, રણમલ સિંહની વ્હાલસોઈ પુત્રી હતી. રજપુત હોવા છત્તાં તેના પર કોઈ રાજપુતી આમન્યાનું દબાણ ન હતું. એકવીસમી સદીની યુવાન કન્યાની જેમ તે મુક્ત રીતે  લાડકોડથી ઊછરી હતી. તેમ છત્તાં તે ઉછ્રંખલ ન હતી. રજપુતના લોહીની ખાનદાની તેની નસેનસમાં ભરી હતી. રજપુત કન્યા નું રૂપ જોઈને કોઈ તેને કોઈ દેશની રાજકુમારી માની બેસે. આવી રૂપવાન, વિનય, વિવેક અને શાણપણના ભંડાર સમી આ છોકરીએ આવું પગલું કેમ ભર્યું હશે તે રણુભાને આજ સુધી સમજાયું ન હતું. ક્યાં જતા રહ્યા હતા એ ખમીરવંતી રજપુતાણીના સંસ્કાર? શું પ્રેમમાં કોઈ આટલી હદે પાગલપણું કરી શકે? સ્નાતક થઈ ગયા પછી તે આઈપીએસ  બનવાની તૈયારી કરતી હતી. પોતે કેટલાં સ્વપ્નાં સેવ્યાં હતાં તેને માટે? આઈપીએસ બન્યા પછી સીધી ડીવાયએસપી કે ડીસીપી તરીકે નિમાશે. પોતે વીસ વર્ષે જ્યાં પહોંચ્યો છે ત્યાંથી તેની કારકિર્દીની શરૂઆત થશે! પણ તેનાં સ્વપ્નાં સાકાર થાય તે પહેલાં જ તોરલે તેને તોડી નાખ્યાં. તોરલે તેની સાથે ભણતા એક યુવાન-મુસ્લિમ યુવાન-અશર અલી સાથે લગ્ન કરી લીધાં. રણુભાના સુખી સંસારમાં સુનામીનું તોફાન આવી ગયું. દેશના રક્ષણ કરવા માટે જે કોમ સામે લડતાં લડતાં જેના બાપા-દાદાઓએ જીવનાં બલિદાન આપ્યાં હતાં. તેની વ્હાલી તોરલ એ કોમની બેગમ બની? છીઈઈ..! જે અપવિત્રતાથી બચવા રજપુતાણીઓએ જોહર કર્યાં હતાં એ પાપનો ગાળિયો સામે ચાલીને તોરલે ગળામાં પહેરી લીધો? હે મા અંબે ભવાની! ખમ્મા!

રણુભાએ પોતાની પુત્રી સાથેના બધા જ સંબંધો કાપી નાખ્યા. ગીતાબાને પણ સખત શબ્દોમાં ચેતવણી આપી હતી કે, “ખબરદાર! તેનું નામ પણ ઉચ્ચાર્યું છે તો! કાયદાથી મારા હાથ બંધાયેલા છે નહિ તો મારા સગે હાથે મારી દિકરીનું ગળું કાપી નાખું. માનજો કે આજથી તમે વાંઝ છો.” ગીતાબા પણ ક્ષત્રિયાણી હતાં અને રાજપુતના ખમીરે  માની મમતાને દબાવી દીધી.

પણ એક દિવસ એ માતૃ હ્રદય જવાળામુખીની જેમ ભભૂકી ઊઠ્યું. અમદાવાદમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતાં. રણુભાનું પોસ્ટીંગ ત્યારે ભાવનગર હતું પણ અમદાવાદમાં વધુ કુમકની જરૂર પડતાં ભાવનગર ડીવીઝનથી એક કંપનીની આગેવાની લઈ તેઓ અમદાવાદ આવ્યા હતા. સમગ્ર શહેરમાં સંચાર બંધી હતી. કર્ફ્યુ હતો. ચકલું પણ ફરકી ન શકે તેવો સજડબમ્મ બંદોબસ્ત હતો. તેવામાં ગીતાબાને ભાવનગરમાં તોરલના પતિ અશરનો કોલ આવ્યો કે “તોરલ મા બનવાની છે અને કરફ્યુને કારણે તેઓ બંને જુહાપુરામાં ફસાયાં છે. તોરલને તાત્કાલિક હોસ્પીટલે ખસેડવાની જરૂર છે અને કોઈ એમ્બ્યુલંસ જુહાપુરામાં આવવા તૈયાર નથી કે નથી તેઓ કોઈ વાહનમાં બહાર નીકળી શકે તેમ.” અશરને પણ તેના ઘરમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો. તેના કોર્ટ મેરેજને ખાનદાને સ્વિકાર્યાં ન હતાં. જો તોરલ મુસ્લિમ ધર્મ સ્વીકારે અને નિકાહનામા પઢે તો તેઓ સ્વિકારવા તૈયાર હતા. અશરને તે મંજૂર ન હતું. તેણે ચોખ્ખું સંભળાવી દીધું કે આ દિલનો મામલો છે તેમાં ધર્મ ક્યાંય વચ્ચે નથી આવતો. આ કારણે તેઓ કાલુપુરની વિશાળ હવેલી છોડીને જુહાપુરામાં રહેતા હતા. અશર વાસણાની કોલેજમાં લેક્ચરર હતો. આંતરધર્મી લગ્નને કારણે જુહાપુરાના રહેવાસીઓ તરફથી પણ તેઓને કોઈ મદદ મળી શકે તેમ ન હતી. અશરે ગીતાબાને આજીજી કરતાં કહ્યું કે “સોનોગ્રાફીમાં તોરલ પુત્રની મા બનવાની છે તેમ દેખાયું હતું. પ્લીઝ રહેમ કરી પપ્પાને કહો અમને કરફ્યુ પાસ અપાવી બહાર કાઢે. તોરલની તબિયત બહુ ખરાબ છે. જો તેને સમયસર મદદ નહિ મળે તો અલ્લાહ જાણે શું થશે.” ગીતાબાની મમતાનો ધોધ લાવાની જેમ વહેવા લાગ્યો. અશર પાસેથી ફોન-સરનામું વિગેરે વિગતો લઈ ગીતાબા ભાવનગર પોલીસ કંટ્રોલ રૂમ પર ગયાં. ત્યાંથી તેણે રણુભાનો સંપર્ક કરી તોરલની વિગત આપી અને દર્દભરી આજીજી કરી કે ક્રોધને કોરાણે મૂકી દિકરીની વહારે દોડે. પણ રણમલસિંહ ઝાલા જેનું નામ! ફોન સાંભળીને જવાબ આપ્યા વિના કટ કર્યો અને કંટ્રોલ રૂમને કહી દીધું કે વ્યક્તિગત સંદેશા માટે ફોનનો દૂરુપયોગ ન કરે. 

ગીતાબા સમજી ગયાં. તેણે અન્ય સ્રોતનો ઉપયોગ કર્યો અને અશરને માટે એમ્બ્યુલંસ મોકલાવડાવી તોરલને વી એસ હોસ્પીટલ ભેગી કરી અને પોતાની કારમાં પોલીસ કોંસ્ટેબલને સાથે લઈને અમદાવાદ તરફ રવાના થયાં. સીધાં વી. એસ. હોસ્પીટલ ગયાં પણ મોડાં પડ્યાં. વધુ પડતું લોહી વહી જવાથી ડોક્ટરો તોરલને બચાવી શક્યા ન હતા. ચાંદના ટુકડા જેવો દિકરો મા અને પતિના હાથમાં સોંપીને તે જન્નતનશીન કે સ્વર્ગવાસી? થઈ. તે દિવસથી ગીતાબા અમદાવાદવાસી બન્યાં. દોહિત્રને ઊછેરવાની જવાબદારી સંભાળી લીધી. રણમલસિંહ ઝાલા એકલા પડી ગયા.     

“સાહેબ,સાહેબ!” સબ-ઈંસ્પેક્ટર જાદવે રણુભાને ઢંઢોળ્યા. રણુભાએ તરત વીડીઓ જાદવને મોકલ્યો અને કીધું કે સાયબરસેલ પાસેથી કંફર્મ કરો કે આ ક્લીપ ફેક છે કે સાચી, અને હુકમ કર્યો કે “મેક ઇટ અરજંટ.” થોડા સમયમાં જાદવે જણાવ્યું કે ક્લીપ સાચી છે. અને સાઈટ એડ્રેસ શોધવાનુ કામ ચાલુ છે. ત્યાં વાયરલેસ ઑપરેટર બોલ્યો, “સાહેબ, સુરતના કમીશ્નર સાહેબનો ફોન છે.” કહી રણુભાના હાથમાં હેડ-ફોન પકડાવી દીધાં. સુરતના કમિશ્નરનો ફોન પણ આ જ બાબતે હતો. રણુભાએ કમિશ્નરને બાઈનો ફોન તાત્કાલિક શોધી આપવા જણાવ્યું જેથી તેની સાથે વાતચીત થઈ શકે. અર્ધા કલાક પછી તરાનાનો ફોન નંબર મળતાં તેની સાથે વાતચીત કરી તેને સાંત્વન આપી અને હિંમત રાખવા જણાવ્યું અને અસદ ક્યાં કામ કરે છે, રહે છે, તેનો ફોન નં. વિગેરે વિગતો મેળવી. તરાનાને જણાવ્યું કે કોઈ પણ તકલીફ હોય તો તુરત જાણ કરે દરમ્યાન તેના પતિનો સંપર્ક કરી તેને સુરત રવાના કરશે. જાદવે અસદને ખોળી કાઢ્યો અને તેના મોબાઈલ પર વાત કરી સુરત જવા તૈયાર થઈ જવા કહ્યું. અન્ય કોઈ વાહન ઉપલબ્ધ થઈ શક્યું નહીં. રણુભાએ થોડીવાર વિચાર કરી પોતાના અંગત ડ્રાઈવરને લઈને તાત્કાલિક નરોડા બોલાવ્યો. આ બાજુ અસદ અલી અને તેના બે સાથીદારોને પણ પોલીસ જીપ મોકલી પોલીસ સ્ટેશન બોલાવ્યા. બધા માટે તાત્કાલિક કરફ્યુ પાસ કાઢી પોતાની સહીવાળી નોટીસ પોતાની   કાર પર ચોંટાડી જેથી રસ્તામાં કોઈ રોકે નહિ. આમ બધાને સુરત રવાના કર્યા. સુરત કમિશ્નર સાથે વાત કરી તરાનાને ઘેર એમ્બ્યુલંસ મોકલી સુરત સિવિલ હોસ્પીટલમાં દાખલ કરાવી દીધી.

રાત્રે ત્રણ વાગે અસદ અલી અને તેના સગા સુરત પહોંચ્યા અને તરાનાને મળ્યા. સવારે છ વાગે રણુભાને સુરત સિવિલ સર્જને સમાચાર આપ્યા કે તરાનાએ પુત્રને જન્મ આપ્યો છે અને મા તથા નવજાત શિશુની તબિયત સારી છે. રણુભાની આંખમાંથી એક અશ્રુ સરી પડ્યું. તેણે ફોન ઉપાડી ગીતાબાનો નંબર જોડ્યો અને સારા સમાચાર આપ્યા. ગીતાબાએ એટલું જ કહ્યું,”મને અને વલયને લેવા ક્યારે આવો છો?”  
####
(photo: Google Image)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો