શુક્રવાર, 1 નવેમ્બર, 2019

કળયુગની દ્રૌપદી અણુવાર્તા (microfiction)


અણુવાર્તા micro fiction ની શ્રેણીમાં  પાંચમો મણકો


કળયુગની દ્રૌપદી      

ગામના પોલિસ પટેલ હરીસિંહે ઘટના સ્થળે પ્રવેશ કર્યો. એક ઝૂંપડામાં એક બાજુ નાથીયો દારૂના નશામાં ચકચૂર થઈને પડ્યો હતો. તેની બાજુમાં ગામનો ઊતાર હસન મરેલો પડ્યો હતો. તેના માથામાંથી પુષ્કળ લોહી વહી ગયું હતું, ભીંત પાસે ફાટેલી ગોદડી પર રમલી સુનમૂન બેઠી હતી હાથમાં હજી ડંગોરો પકડેલો હતો જેનો એક છેડો લોહીવાળો હતો.

હરીસિંહે રમલીને કડક અવાજે પૂછ્યું, “રમલી, આ શું કર્યું તેં?” રમલીએ કાંઈ જવાબ ન આપ્યો. હરીસિંહે રમલી પાસે જઈને તેનો ચોટલો પકડીને ઝાટકો માર્યો ને બીજે હાથે એક અડબોથ ઠોકી ત્રાડ પાડી,” અલી જવાબ કેમ નથી આપતી? બોલ, કે લગાવું એક બીજી?”

રમલીએ લાલઘૂમ આંખે હરીસિંહ સામે જોયું ને બોલી, “તી બિજું હું કરે. રોયો જુગારમાં દહ રુપિયા હારી જ્યો તો આલતો નોતો. આ પિટ્યો હસનીયો દહ રુપિયા માટે મારી આબર્યુ લૂંટવા આયો તો. તી ઠોકી દીધો ડંગોરો માથામાં, મને હું ખબર્ય કે મૂઓ ફાટી પડહે. હું કાંઈ દૌપદી નથ્ય કે કાનુડો હડી કાઢીને આવે. હાલી મળ્યો જ, તે દહ રુપૈડીમાં આ રમલી હાથ્ય નો આવે. હું તો વીહવાળી સું.
###

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો