શુક્રવાર, 4 ઑક્ટોબર, 2019

લાગણી શૂન્ય સમ્બંધ


(એરેંજ્ડ લગ્નમાં પરસ્પર પ્રેમ થાય જ કે થવો જ જોઈએ તેવો કોઈ વણલખ્યો નિયમ છે? એકબીજા પ્રત્યે પ્રેમ ઉદભવવો થવો જરૂરી છે? અને ધારો કે પતિને પત્ની પ્રત્યે અથવા પત્નીને પતિ પ્રત્યે એકતરફી પ્રેમ થાય તો લગ્નજીવન કેવું રહે? આ સંજોગોમાં શું કાયદો છુટાછેડા આપે? આવા પ્રશ્નોની છણાવટ આ વાર્તામાં કરી છે.)







લાગણી શૂન્ય સમ્બંધ



જીતુભાઈ રાત્રે જમ્યા પછી દિવાનખંડમાં બેસી ટીવી પર ન્યુઝ જોવાને બદલે સીધા સ્ટડી રૂમમાં જતા રહ્યા. સાધનાબહેને ડાયનીંગ ટેબલ સાફ કરતાં કરતાં આ જોયું અને નોંધ પણ લીધી. કામકાજથી પરવારીને પાણીનો પ્યાલો અને વીટામીનની ગોળી લઈ સાધનાબહેન સ્ટડીરૂમમાં ગયાં. અંદર જઈને જોયું તો જીતુભાઇ સોફાચેરને રીક્લાઈનીંગ પોઝીશનમાં કરીને આંખો બંધ કરીને વિચારમાં ગરકાવ થઈ બેઠા હતા. પાણીનો પ્યાલો અને વીટામીનની ગોળી સાઈડ ટેબલ પર મુકી સાધનાબહેને જીતુભાઈના કપાળ પર હથેળી મુકી ચિંતાગ્રસ્ત થતાં પૂછ્યું,
“કેમ, તબિયત સારી નથી કે શું? આજ આમ કેમ બેઠા છો? સમાચાર નથી જોવા?”
નાઆઆ.રે! તબિયતતો સારી છે. ચિંતા ના કરીશ.” જીતુભાઈએ આંખો ઉઘાડી ચહેરા પર આછા હાસ્ય સાથે કહ્યું.
“તો પછી આમ સીધા સ્ટડીરૂમમાં કેમ આવતા રહ્યા? અને ચહેરા પર પણ ચિંતા સ્પષ્ટ દેખાય છે. કૉર્ટમાં કાંઈ ઘટના બની છે?” સાધનાબહેને પતિને હાથમાં ગોળી અને પાણીનો પ્યાલો પકડાવી બાજુની બીજી સોફાચેર પર બેઠક લીધી.  

જીતુભાઈ એટલે જીતેંદ્ર ઠક્કર, ઉચ્ચ-ન્યાયાલયના ન્યાયાધીશ, એક વિદ્વાન, પ્રામાણિક અને ન્યાયપ્રિય જજ તરીકે જાણીતા. હાઈકૉર્ટ જજ તરીકે તેમણે સારી નામના પ્રાપ્ત કરી હતી. સામાન્યતઃ તેમના નિર્ણય ઊભય પક્ષને સંતોષકારક લાગતા. ભાગ્યે જ તેમના નિર્ણય સામે અપીલ થતી. તેમનાં પત્ની સાધનાબહેન શહેરની કૉલેજમાં માનસશાસ્ત્રનાં પ્રોફેસર હતાં. સાથોસાથ શહેરની માનસિક રીતે બીમાર મહિલાઓની એક સંસ્થા સાથે પણ જોડાયેલાં હતાં અને માનદ સેવા આપતાં હતાં.  

હમણાં કૉર્ટમાં એક વિચિત્ર કેસ ફેમિલી કૉર્ટમાંથી અપીલમાં આવ્યો છે. આમ તો હું તારી સાથે કોઈવાર કૉર્ટકેસની ચર્ચા નથી કરતો. વાસ્તવમાં એ નૈતિક પણ નથી પરંતુ આ કેસે મારા મગજમાં અને મનમાં એક જબરદસ્ત ગડમથલ પેદા કરી છે.”
“હવે ફેમિલી કૉર્ટના કેસમાં તો કૌટુમ્બિક ઝઘડા હોય અથવા તો છુટાછેડાના કેસ હોય જેમાં મોટેભાગે સાસરિયાઓ સામે છોકરીવાળાએ સાચાખોટા જોર જુલમ અને માનસિક અને શારીરિક ઉત્પીડનના આક્ષેપ કર્યા હોય. અથવા તો બાળકની કસ્ટડી માટે હોય. બીજું શું હોય!
“ના. આ કેસ કઈંક જુદો જ છે.”
“લે! શું જુદું છે?” હવે સાધનાબહેનની ઉત્સુકતા વધી.
“પહેલાં મને એ કહે કે તમારા માનસશાસ્ત્રની દ્રષ્ટિએ લગ્ન સમ્બંધ એટલે શું?” 
વેલ, વેદિક ધર્મ પ્રમાણે લગ્ન એટલે એક પુરુષ અને એક સ્ત્રીનું એવા સમ્બંધથી જોડાવું જેનાથી બંને સાથે મળીને પોતાની ધાર્મિક, આર્થિક, શારીરિક અને સામાજિક ફરજો અને જરૂરિયાતો પૂર્ણ કરે. આ બંધનને રાજ્ય અર્થાત કાયદાની અને સમાજની માન્યતા મળી હોવી જોઈએ.” સાધનાબહેને ઉત્તર આપ્યો.
“ નો, નો નો. આ તો લગ્નની સર્વસ્વિકૃત વ્યાખ્યા છે. જેને હિંદુ લગ્ન ધારા 1955થી પ્રમાણિત કરવામાં આવેલ છે. જોકે કાયદામાં જરા વિસ્તૃત વ્યાખ્યા છે. પણ મનોવૈજ્ઞાનિકો આ સમ્બંધને કઈ રીતે મુલવે છે એ મારે જાણવું છે.” જીતુભાઈએ સ્પષ્ટતા કરી.
“ખરેખર તો મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ કોઈ લગ્ન સમ્બંધ આદર્શ કે સંપૂર્ણ લગ્ન નથી. લગ્ન એટલે પતિ-પત્ની વચ્ચેની સમજણ. આ સમજણશક્તિ જેટલી ઉચ્ચ કક્ષાની હોય તે મુજબ લગ્નની સફળતાનો આધાર હોય છે. લગ્નસમ્બંધમાં બાય ડીફોલ્ટ, ભરતી અને ઓટ આવતાં રહે છે. આ સંજોગોમાં પતિ-પત્ની કેટલી હદે એકબીજાને સહાયરૂપ થઈ શકે છે તેનો આધાર એકમેકની સમજશક્તિ પર રહેલો છે. આને આપણે સાયુજ્ય કે સમરૂપતા અથવા ઐક્ય કહીએં છીએં.” સાધનાબહેનને પોતાના ગમતા વિષય પર પતિ સાથે ચર્ચા કરવાની મજા આવી રહી હતી.
“હમ્મ.. પણ આ સમજણ એટલે એક્ઝેક્ટલી શું કહેવા માંગે છે? આઈ મીન, તારા વિજ્ઞાનની દ્રષ્ટિએ.”
“ઓહ, સમજણ વિષે એક નહિ અનેક પુસ્તકો ભરાય એટલી વિષદ છણાવટ થઈ છે. તેને થોડા શબ્દોમાં સમજાવવું મુશ્કેલ છે. તેમાં ઘણાં બધાં પરિબળો જોડાયેલાં છે.
હા. પણ આ પરિબળોમાં લાગણી કે પ્રેમનો સમાવેશ થયો છે ખરો?
ચોક્કસ. લાગણી અને પ્રેમ સફળ લગ્ન સમ્બંધ માટે મહત્વનાં પરિબળ છે. અને...”
“હોલ્ડ ઓન. તેં લાગણી અને પ્રેમ એમ કેમ કહ્યું? શું આ બંને અલગ છે?”
“હા. તમને કોઈ માટે લાગણી હોઈ શકે પણ પ્રેમ હોય તે જરૂરી નથી. લાગણી એક સામાન્ય ભાવનાત્મક માનસિક અભિવ્યક્તિ છે જ્યારે પ્રેમ દિલના ઊંડાણમાંથી ઉદભવતી, અતિ મજબૂત ઊર્મિ છે. જેમાં પારસ્પારિક આકર્ષણ અને પ્રેમીપાત્ર માટે સઘળું ન્યોચ્છાવર કરી દેવાની ભાવના હોય છે. આ પ્રેમીપાત્ર કોઈ પુરુષ હોઈ શકે કે સ્ત્રી હોઈ શકે કે ઈશ્વર પણ હોઈ શકે. ઈશ્વર માટેનો પ્રેમ અલૌકિક અને ઉત્તમ પ્રકારનો ગણાય છે, જ્યારે મધ્યમ પ્રકારનો પ્રેમ જે કોઈપણ જડ કે ચેતન પદાર્થ પ્રત્યે હોય અને અધમ પ્રકારનો પ્રેમ  કેવળ સ્વાર્થ ખાતર ઉદ્ભવિત થાય છે.” સાધનાબહેન એક ઉપદેશકની અદાથી બોલી રહ્યાં હતાં જીતુભાઈ સાધનાબહેનની વિદ્વતા પર વારી ગયા.
“પણ હજી મને ગડ બેસતી નથી. તું અતિ સાહિત્યિક અને તાત્વિક શબ્દો વાપરે છે. કાંઈ સરળ ભાષામાં સમજાય તેમ કહે.” જીતુભાઈએ માથું ખંજવાળતાં કહ્યું.
“સાદી, સીધી અને સરળ ભાષામાં કહેવું હોય તો જો તમને કોઈ વ્યક્તિની ઉત્તમ બાજુની જાણ થાય અને તે વ્યક્તિને તમે પસંદ કરો તે લાગણી કહેવાય. પરંતુ જો કોઈ વ્યક્તિની દુષિત કે ખરાબ બાજુનો પરિચય થાય છત્તાં તમે તેને પસંદ કરો તે પ્રેમ. ભગવાન બુદ્ધે કહ્યું છે કે તમને કોઈ ફૂલ ગમે અને તમે તેને ચુંટી લો તે લાગણી અને તમે ચુંટ્યા વિના તેના છોડને પાણી પાઈને જતન કરો તે પ્રેમ. વૈવાહિક સમ્બધમાં ફક્ત લાગણી નહિ પણ પ્રેમ હોવો જરૂરી છે.”       
“અદભુત. મહદ અંશે તેં મારો કોયડો ઉકેલી નાખ્યો.” જીતુભાઈ તાળી પાડતાં બોલી ઉઠ્યા. ”મને આ વિષય પર આધારભુત રેફરંસ હોય તો આપજે.”
“હવે તમે મારી પાસેથી મનોવિજ્ઞાનનું લાંબુ લચક લેક્ચર સાંભળી લીધું પણ તમારો કોયડો શું છે તે તો કહો!” સાધનાબહેને કૃત્રિમ રોષ સાથે કહ્યું.
જીતુભાઈ થોડીવાર વિચારમાં પડી ગયા. સાધનાબહેન શાંતિપૂર્વક જવાબની રાહ જોતાં હતાં. ઘણી વાર સુધી જીતુભાઈનું મૌન ન તૂટતાં તે અકળાયાં.
“હું જવાબની રાહ જોવું છું, હો”
“ઓહ યસ. તારા જ્ઞાનથી મારી મુંઝવણ થોડી ઓછી થઈ પણ આ કેસ એટલો સરળ નથી.” જીતુભાઈએ છેવટે મૌન ભંગ કર્યો.
“એનો મતલબ શું?”
“યુ સી, કૉર્ટમાં કાયદાનું બંધન હોય છે. અલબત્ત, છુટાછેડાના કેસમાં બંને પાત્રોની મનઃસ્થિતિ જાણવી ઉપયોગી છે, પણ તેનો આધાર ન લઈ શકાય.” જીતુભાઈએ ખુલાસો કર્યો.
“હવે તમે વાતમાં બહુ મોણ ના નાંખો. કેસની કાંઈક વિગત તો કહો. મારી આતુરતા વધારી દીધી તમે તો. કદાચ મને પણ કૈંક શીખવાનું, જાણવાનું મળશે.”
“વિગત એવી છે કે એક પત્નીએ છુટાછેડાની માગણી કરી છે. ડિસ્ટ્રીક્ટ ફેમિલી કૉર્ટે માગણી ફગાવી દીધી છે તેની સામે અપીલ મારી પાસે આવી છે.”
“માંડીને વાત કરો તો સમજાય.”
“ત્રણ વર્ષના લગ્નજીવન પછી પત્નીએ છુટાછેડાની માગણી કરી છે. બંન્નેનું ફેમિલી બેક્ગ્રાઉંડ જોઈએં તો પત્ની સોફ્ટવેર એંજિનીયર છે. એક સારી કંપનીમાં સારા પગારે નોકરી છે. સંસ્કારી મા-બાપનાં બે સંતાનોમાં મોટું સંતાન છે. નાનો ભાઇ પરિણીત છે. પિતા ઉચ્ચ સરકારી હોદ્દા પર છે. પિયરપક્ષે કોઈ આર્થિક, કૌટુમ્બિક પ્રશ્નો નથી. શ્વસુરપક્ષે પતિ પણ એંજિનીયર અને એમબીએ છે મલ્ટિનેશનલ કંપનીમાં મેનેજર છે. સારી આવક છે એકનું એક સંતાન છે. પિતા આઈએએસ ઓફિસર છે. સાસરાવાળા તેનો પગાર પણ ઘરમાં વાપરતા કે લેતા નથી. પોતાની કાર પોતાના ખર્ચે લીધી છે. વહુના કથન મુજબ સાસુ-સસરા ખુબ માયાળુ અને પુત્રીવત વ્યવહાર કરે છે. બંન્ને પક્ષે ઘરના બંગલા છે. નોકર-ચાકર છે. હરવા-ફરવા, પહેરવા-ઓઢવા વિ.માં કોઈ બંધન નથી. દહેજ કે વાંકડાનો પણ કોઈ પ્રશ્ન નથી કે નથી આ બાબત કોઈ કંકાસ કે દબાણ. એ મુદ્દો જ અરજીમાં નથી મુકાયો. ઊલટું પત્નીએ કોઈ પણ પ્રકારની ખાધા-ખોરાકી, ભરણ-પોષણ કે વળતરની માંગણી કરી નથી
“તો પછી વાંધો ક્યાં છે? કોઈ ભાવાત્મક, આઈ મીન ઈમોશનલ સંઘર્ષ છે?
“ના. ખુદ પત્નીના કહેવા મુજબ પતિ તેને વફાદાર છે અને અનહદ પ્રેમ કરે છે. મિલનસાર, શાંત અને સ્ત્રી-સન્માનની ભાવના સભર સ્વભાવ છે. બંન્ને વચ્ચે ક્યારેય તું-તાં કે ઝગડો નથી થયો”
સાધનાબહેન થોડા વિચારમાં પડી ગયાં.
તો પછી કદાચ જાતીય વિસંવાદિતા હશે?”
“ના. બંન્ને જાતીય રીતે પૂર્ણતયા સક્ષમ છે. આ વાત પણ ઉભય પક્ષે સ્વિકારી છે. કુટુમ્બ નિયોજનને કારણે હજુ સુધી સંતાન નથી. આ વિષે પણ  શ્વસુરપક્ષે કોઈ દબાણ નથી.”
“શું પતિ કે પત્નીને કોઈ લગ્નેતર સંબંધ કે અફેર છે? કે બેમાંથી કોઈના ભુતપૂર્વ પ્રેમીપાત્રનો પડછાયો તેમના ભર્યા-ભાદર્યા સંસાર પર પડ્યો છે?”     
“અગેન ના. મેં અગાઉ કહ્યું તેમ પતિ વફાદાર છે અને પતિને પણ આ અંગે કોઈ શક કે ફરિયાદ નથી. પતિ-પત્નીને મેં રૂબરુ ચેમ્બરમાં બોલાવી પૂછ્યું તો પત્નીએ જણાવ્યું કે તેને લગ્નપૂર્વે કોઈ પ્રેમ સમ્બંધ ન હતો અને લગ્ન સમયે તે સાવ કોરીકટ, કુંવારી હતી. પતિએ પણ તે વાતને અનુમોદન આપ્યું છે. આમ પણ બંન્ને ઉચ્ચ સંસ્કારી કુટુમ્બનાં ફરજંદ છે.”
very interesting and confusing also. ખરેખર આ કેસ એક કોયડો જ છે. બધી દ્રષ્ટીએ એક આદર્શ યુગલ છે. પણ પત્નીએ છુટાછેડા શું કામ માગ્યા છે? કોઈ કારણ તો આપ્યું હશેને?”
“હા. આપ્યું છે. પત્નીનો દાવો છે કે તેને પતિ પ્રત્યે જે પ્રેમ, લાગણી કે ઊર્મિનો આવિર્ભાવ થવો જોઈએ તે નથી થતો. બંન્ને વચ્ચે મિત્રતા છે પણ પ્રેમ એક તરફી છે. “
“હેં??”
“આ બંન્નેનાં એરેંજ્ડ મેરેજ છે. વેવિશાળ પછી ટુંક સમયમાં જ લગ્ન લેવાયાં. સ્વાભાવિક છે બંન્ને એકબીજાથી અપરીચિત હતાં. આવા સંજોગોમાં જેમ દરેક યુવક યુવતી માનતા હોય છે... પેલું શાહરૂખખાનનું ગીત છે ને કે “હોલે હોલે હો જાયેગા પ્યાર સજની” તેમ પત્નીએ પણ વિચાર્યું હતું. સજનાને તો પ્યાર થઈ ગયો પણ પત્નીના કહેવા મુજબ તેને કોઈ લાગણી જ નથી થતી. ધીરજ રાખીને ત્રણ વર્ષ સુધી તેણે આ માટે પ્રયત્નો કર્યા. પતિને પણ પોતાની મનોસ્થિતિ જણાવી. બંન્ને લગ્ન સલાહકાર પાસે પણ જઈ આવ્યાં અને તેની સાથે સીટીંગ કર્યાં. પત્નીના કહેવા અનુસાર તે આ બાબત ખુબ અસ્વસ્થ રહેતી હતી. સમયાંતરે તે માનસિક તનાવ પણ અનુભવવા લાગી હતી. પત્નીએ આંખમાં આંસુ સાથે મને જણાવ્યું કે રાતના પતિ સાથે સમાગમ વખતે તે જીવંત લાશ જેવો અનુભવ કરતી હતી. કોઈ જાતની કામોર્મિ કે ઉત્તેજના અનુભવતી ન હતી. જાણે પોતે કોઈ સેક્સ વર્કર હોય તેમ પત્ની તરીકે ની ફરજ બજાવતી હતી. આ પરિસ્થિતિ તેને માટે અસહ્ય થઈ પડી હતી. તેને આ ન કહેવાય કે ન સહેવાય તેવી વિકટ વિડંબનામાંથી છુટકારો મેળવવો હતો.”   
“નીચલી કૉર્ટે શું ચૂકાદો આપ્યો?”
“ફેમિલી કૉર્ટના માનવા મુજબ લગ્ન વિચ્છેદ માટે આ કારણ પુરતું નથી. વળી પતિ તેને જેમ છે તેમ સ્વિકારવા તૈયાર છે. તેને આ બાબત કોઈ વિરોધ નથી. તે માને છે કે સમય જતાં બધું થાળે પડી જશે. તેના વકીલની દલીલ હતી કે કદાચ સંતાન પ્રાપ્તિ પછી આ પરિસ્થિતિ ન પણ રહે. સંતાન જ બંન્નેના સમ્બંધ વચ્ચે એક મજબૂત કડી બને.
“હા. આવું શક્ય છે. સંતાનો પ્રત્યેની મમતા અને પ્રેમ મા અને બાપ બંન્નેને  હોય છે. સંતાનો બંન્ને વચ્ચે એક બ્રીજ કે સાંકળ રૂપ બની પણ શકે. એ બાબત નકારી શકાય નહિ. વાસ્તવમાં આ કોઈ અદ્વિતીય ઘટના નથી સમાજમાં આવાં અસંખ્ય કજોડાં છે. જેમાં પતિ-પત્ની વચ્ચે પ્રેમનો અભાવ હોય છે પણ સામાજિક, આર્થિક કે અન્ય પરિસ્થિતિને લીધે પડ્યું પાનું નિભાવી લે છે. આના પરિણામ સ્વરૂપ દમ્પતિ વચ્ચે ક્લેશ-કંકાસ, ઝઘડા થતા હોય છે. મોટેભાગે પુરુષો આનો ઉપાય દારૂ, સિગરેટ જેવા વ્યસનથી કે પરસ્ત્રી ગમન દ્વારા કરી લેતા હોય છે. જ્યારે સ્ત્રીઓ માટે કોઈ બારી ખુલ્લી નથી હોતી. અમુક સ્ત્રીઓ સંતાનોના ઊછેરમાં મન પરોવી લેતી હોય છે. જોકે આજના સમયમાં ખાસ કરીને શહેરી વિસ્તારમાં વિદેશી રહેણીકરણી અને વિચારધારાની અસર દેખાય છે અને અમુક સ્ત્રીઓ પોતાનો રસ્તો કરી લે છે. પરંતુ એનું પ્રમાણ બહુ જૂજ અને નગણ્ય છે. અલબત્ત હું તે સાથે સંમત નથી.” સાધનાબહેને પતિપક્ષની દલીલને આડકતરું સમર્થન કર્યું.
“તું કહે છે તે સાચું હોય તો પણ તે એકમાત્ર ઉપાય તો નથી જ. પત્નીપક્ષના વકીલે આ દલીલના જવાબમાં જણાવ્યું કે બાળકના જન્મ પછી પ્રેમ થાય જ અને પરિસ્થિતિ બદલાય જ એની કોઈ ગેરેંટી નથી. અને એ સંજોગોમાં પરાણે થોપેલા સહજીવનમાં અને વણજોઈતા બાળક પ્રત્યે માતાનું વલણ શું હશે તેનું અત્યારથી અનુમાન ન કરી શકાય. જેના પરિણામે આજની જ પરિસ્થિતિ આવીને ઊભી રહે. પરંતુ ત્યારે બાળકના ભરણ-પોષણનો, તેની કસ્ટડીનો, વિ. વધારાના પ્રશ્ન ઊભા થાય અને ત્રણ જીવન બરબાદ થાય. એ વાતમાં પણ તથ્ય છે. પતિપક્ષના વકીલે પ્રેમના અભાવના કારણને અયોગ્ય અને ખોટું સાબિત કરવા દલીલ કરી કે તેના અસીલને એકવાર અકસ્માત નડ્યો હતો અને તે ઘાયલ થયો હતો, બીજી એકવાર ડેંગ્યુ થયો હતો અને બિમાર હતો ત્યારે પત્નીએ કાળજીપૂર્વક પતિની સેવા-સુશ્રુશા કરી હતી ઉપરાંત સાસુ-સસરા પ્રત્યે પણ કદિ કોઈ ઉપેક્ષા કે અવિવેકી વર્તન નથી કર્યું. વહુનો વ્યવહાર હમેશા આદર અને સદભાવપૂર્ણ રહ્યો છે. આથી પ્રેમ નથી એ વાતમાં વજૂદ નથી.
“પત્નીના વકીલે શું કહ્યું?”
“તેણે કહ્યું કે હોસ્પીટલમાં નર્સ પણ દર્દીની સારવાર કાળજીપુર્વક કરતી હોય છે તેથી નર્સને દર્દી પ્રત્યે પ્રેમ છે તેમ ન કહી શકાય. અને વડિલોનું માન-સન્માન જાળવવું તે તો તેના મા-બાપના સંસ્કાર સીંચનને કારણે છે.”
“બરાબર, તો તો કોકડું વધુ ગુંચવાયેલું છે એની ના નહિ. કેસ બિલકુલ સીધો સાદો નથી.” સાધનાબહેન મુંઝાયાં.
“બંન્ને પક્ષની બધી દલીલોને અંતે વાત એક મુદ્દા પર આવીને અટકે છે કે શું લગ્ન સમ્બંધમાં પ્રેમ જરૂરી છે? આ વિષય પર કાયદો મૌન છે તેં શરૂઆતમાં વેદિક નીતિશાસ્ત્ર પ્રમાણે લગ્નની વ્યાખ્યા કરી તેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષને પ્રાધાન્ય આપ્યું છે. પણ પ્રેમની ભાવનાનો ઉલ્લેખ નથી. મનુના મત મુજબ પણ બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ આ સાંસારિક જીવનના ચાર તબક્કામાં પ્રેમની જરૂરિયાત ગેરહાજર છે. અરે! સપ્તપદીની સાતમી પ્રતિજ્ઞા કહે છે કે  सखे सप्तपदा भव  અર્થાત મિત્રભાવે રહેવું. હિંદુ ધર્મનાં શાસ્ત્રો-પુરાણોમાં પ્રેમને ઈશ્વર પ્રત્યેના પ્રેમ સિવાય કોઈ મહત્વ નથી આપ્યું. પ્રેમની લાગણી સ્વાભાવિક રીતે અને કુદરતી રીતે ઉદ્ભવશે એમ માની લેવાયું છે. પરન્તુ શું પ્રેમ વિહિન લગ્ન સમ્બંધ જીરવી જવો? શું લાગણી શૂન્ય સમ્બંધને માન્યતા આપવી? આ પ્રશ્નોના ઉત્તર શોધવાના છે આ કેસમાં. 

“તમે શું વિચાર્યું છે? પૂછવું ન જોઈએ પણ રહેવાતું નથી. તમે શું ચૂકાદો આપશો?” સાધનાબહેનની ઉત્સુકતા વધી ગઈ.
જીતુભાઈએ તેની સામે મંદ મંદ હાસ્ય રેલાવતાં કહ્યું,”એ તો હું ચૂકાદો લખીશ ત્યારે જ ખબર  પડશે!”
+++++==+++++

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો