શુક્રવાર, 7 ડિસેમ્બર, 2018

સૂનો માળો


(અમદાવાદમાં તાજેતરમાં યોજાયેલ પુસ્તક મેળો 2018 માં વાર્તા લેખન કાર્યશાળા હતી તેમાં સર્વશ્રી અજયસિંહ ચાવડા અને કિરીટભાઈ દુધાત ના માર્ગદર્શન નીચે શરૂ થયેલી એક રચના અત્રે પ્રસ્તુત છે.) 








સૂનો માળો                                                   

“તમે શશાંકે જે લીસ્ટ મોકલાવ્યું છે તે પ્રમાણે બધી વસ્તુઓ લેવા ક્યારે જશો? આખો દિ બસ ચકલાંને ચણ જ નાખ્યા કરશો? ચકલાં તો ખાતાં નથી આખો દિ વાડો જાર જાર હોય છે. રોયાં કબૂતરાં ધમાચકડી મચાવે છે. પરમ દાડે તમે ટ્યુશને ગ્યા તા ત્યારે રસોડામાં એક કબૂતર ઘૂસી ગયું હતું. કોણ જાણે ક્યાંથી આ ચકલાંના માળાનું ઘેલું લાગ્યું છે!“ સુધાબહેને  પોતાના પતિને ટોક્યા.

“હવે રોજ થોડી થોડી લવાશે. અમુક મસાલા તો અહિં નજીકથી મળી જશે.અથાણાં તો ઘરમાંથી જ આપવાનાં છે. બાકી ચાદર વાસણો વિ. માટે બધે ફરવું પડે. તું ઉતાવળ ના કર ભઈ! મારે બે જ પગ છે, ચાર પૈડાં નથી.” સુધીરભાઈએ સુધાબહેનના બાકીના પ્રલાપને અવગણી મૂળ વાતનો જવાબ આપ્યો.

સુધીરભાઈ એક નિવૃત્ત શિક્ષક છે. તેમના પુત્ર શશાંકને જીવન મુડી ખર્ચીને IIM માં ભણાવ્યો, ગણાવ્યો અને પરણાવ્યો. પરંતુ શશાંક અને ઈલાને પોતાનાં સ્વપ્નો હતાં. અને બંને જણાં ઑસ્ટ્રેલિયા સ્થળાંતર કરી ગયાં. શશાંકના ગયા પછી “ચકલી બચાવ અભિયાન” થી પ્રભાવિત થઈ તેઓ છાપામાંના નમૂનાના માળાનો ફોટો લઈ ઘાટલોડિયાના પોતાના જૂના મિત્ર પ્રેમજી સુથાર પાસે ગયા. આમ તો પ્રેમજીના છોકરાઓ મોટા થઈ ગયા હતા અને એસ.જી. રોડ પર ફર્નીચરનૉ મોટો શૉરૂમ કર્યો હતો. પણ પ્રેમજીએ ગામની પોતાની નાની દુકાન જાળવી રાખી હતી અને એક કારીગર રાખી નાનાં મોટાં મરામતનાં કામ કરતો હતો. ફોટામાં બતાવ્યા પ્રમાણે પ્રેમજીએ બૂટના બોક્ષના જેવી પ્લાયવુડની બે પેટીઓ બનાવી અને આગળના ભાગમાં ચકલાં આવ-જા કરી શકે તેવડાં બાકોરાં રાખ્યાં. પ્રેમજીએ કારીગરને મોકલી માળા વાડામાં ભીંત પર ટીંગાડી પણ આપ્યા. એક માટીની છાબડીમાં પાણી રાખી એ પણ બાજુમાં ટીંગાડી દીધી. ત્યારથી સુધીરભાઈનો એક નિત્યક્રમ થઈ ગયો હતો સવાર સાંજ જારની વાટકી લઈ વાડામાં પહોંચી જાય અને ચકલાંને ચણ નાખે. ચકલાં પણ એવાં હળી ગયાં હતાં કે સુધીરભાઈના હાથમાંથી જાર ચણી જતાં. કોઈવાર ખભા પર તો કોઈવાર માથા પર પણ બેસી જાય.

“કહેતી હતી હો કે છોકરાને બહુ ભણાવો મા. પણ ના, તમારે તો એને મોટો કલેક્ટર બનાવવો હતો. લોકો દિકરાની આશા એટલે રાખે કે ઘડપણમાં દિકરો લાકડીનો ટેકો બની રહે. તમને તો બહુ બધી અબળખા હતી. છોકરો કલેક્ટર બને અને મોટા બંગલામાં રહેવાનું મળે, મોટી ગાડીમાં ફરવાનું મળે. માણસ-તૂણસની ફોજ સેવામાં હાજર હોય. અને આપણે પાછલી જીંદગીમાં લીલાલહેર કરીએ.“ સુધાબહેને ડબ્બીમાંથી તપકીરની ચપટી ભરી નાકે સૂંધી અને જોરથી છીંક ખાધી. અને વળી પાછી તેમની પ્રગટોક્તિની માળા શરૂ થઈ.

“લો, કરી લો લીલાલહેર. હજી ટાંટિયા ઘસતા ટ્યુશન કરવા રખડો છો. સ્કૂટર બગડ્યું છે પણ મરામત કરાવવાનો વેંત નથી. ઉપરથી સડેલી બેઠા બેઠા મસ મોટું લીસ્ટ મોકલી આપ્યું......”

“અરે!સડેલી નહિ સીડની. શશાંક સીડનીમાં રહે છે. દોઢ વર્ષ થયું હવે તો સાચું નામ શીખો.”  સુધીરભાઇએ સુધાબહેનની અવિરત પ્રગટોક્તિને બ્રેક મારવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો.
        
“હા. ઈ સીડની બસ. મારે માટે તો ઈ સડેલી જ છે. તેને એમ વિચાર ન આવ્યો કે બાપા પાસે બધી વસ્તુ લાવવાના પૈસા હશે? દોઢ વર્ષથી બંને જણા કમાય છે પણ મારી તો ઠીક પણ તમારી જમોસ મસે પણ દોકડો ડોલર મોકલ્યો?”

“હવે તું શુંકામ ચિંતા કરે છે? બધું થઈ રહેશે. કુરિયરના પૈસા તો મોકલવાનો છે જ. એને ત્યાં હજી નવેસરથી ઘર વસાવવાનું છે. ખર્ચો તો હોય ને? એને ત્યાં સ્થાયી તો થવા દે. આપણા હાથપગ ચાલે છે ત્યાં સુધી કાંઈ વાંધો નહિ આવે. પછી તો એને માથે પડવાના ને.”

“માથે શેના પડવાનાં? માબાપ તરીકે આપણે આપણી ફરજ પૂરી કરી. હવે દિકરા તરીકે એની કોઈ ફરજ નહીં? આમે ય આપણું બીજું છે પણ કોણ? દિકરીના નામનું તો તમે નાહી નાખ્યું છે. બચાડી મારી સોના જેવી સોનલ, એક ધડાકે હડધૂત કરીને કાઢી મૂકી. એવો તો શું ગુનો એણે કરી નાખ્યો હતો? તમને પૂછ્યા વગર પોતાના મનપસંદ પાત્ર સાથે લગન કર્યાં એજ ને?  પરનાતનો છે પણ છોકરો સંસ્કારી છે આપણી સોનલને હથેળીના ફૂલની જેમ રાખે છે. એના સાસુ-સસરા પણ સોનલને દિકરીની જેમ રાખે છે. પણ ના. તમે તો જીદ પકડીને બેઠા ઈ બેઠા. દિકરા પાછળ પાણીની જેમ પૈસો વાપરતા હતા. સોનલે એક હરફ નથી ઉચ્ચાર્યો. જાતે નોકરી કરીને ભણી, પોતાના ભણવાનો, કપડાં-લતાં વિ.નો ખર્ચો પણ જાતે કર્યો. એકવાર દિકરાનું ભૂત માથેથી ઊતારીને વિચાર કરો તમે સોનલને અન્યાય નથી કર્યો? કોઈ દિવસ એના માથે પ્રેમથી હાથ ફેરવીને પૂછ્યું કે સોનલ બેટા, તારે કાંઈ જોઈએ છે? દિકરાના પ્રેમમાં આંધળા ભીત થઈ ગયા છો તમે. હવે જમાનો આગળ વધી ગયો છે. જમાના સાથે આપણે પણ બદલવું જોઈએ. મા-બાપે બધાં સંતાનો પ્રત્યે સરખી લાગણી અને વહેવાર રાખવા જોઈએ. તમે તો બસ એક પૂંછડું પકડીને બેસી ગયા. અરે! દોહિત્રનું મોઢું જોવાની પણ પડી નથી! આમને આમ નાનકૉ વરસનો થશે......”    

“તું હવે ચૂપ કરીશ? આ ઘરમાં એનું નામ લેવાની ના પાડી છે તો પણ એની જોડે સંબંધ રાખે છે? તને બધા સમાચાર આપે છે કોણ?”

“ના, આજે હવે હું ચૂપ નહિ  રહું. એવી તે શી જીદ. માંદે-સાજે સોનલ મુંબઈથી દોડીને આવશે તમારો લાડકો નહિ. અને સંબંધ તો રાખું જ ને! મા છું એની. દિકરો જણતી વખતે જે પીડા ભોગવી છે તેટલી જ પીડા દિકરી જણતી વખતે ભોગવી છે સમજ્યા? હું જેટલી એની ખબર રાખું છું ને એટલી જ ઈ પણ આપણી ચિંતા કરે છે. રોજ મા-દિકરી ફોન પર મળીએ છઈએં. હું તો કહું છું હવે તમારી જીદ છોડો. ભઈસા, બહુ જીદ્દી છો તમે!”

“કોણ જીદ્દી છે સુધાભાભી? “ કહેતાં ભલાભાઈએ પ્રવેશ કર્યો. ભલાભાઇ સુધીરભાઈના ખાસ મિત્ર અને સાથે જ નોકરી કરતા હતા. દર રવિવારે સાંજે તે સુધીરભાઈને મળવા આવે જ.

“અરે! આવો, આવો ભલાભાઈ! આ તમારા મિત્ર, બીજું કોણ? ધરાર સ્કૂટર રીપેર નથી કરાવતા. બેસો, હું તમારે માટે ચા બનાવું.” કહી સુધાબહેન રસોડામાં ગયાં.

“સુધીર, ભાભી વાત તો સાચી કરે છે. રીપેર કરાવવા કરતાં આ ઠાઠિયું હવે વેંચી માર. અલ્યા, બાર વર્ષથી એકનું એક સ્કૂટર વાપરે છે હવે એને રીટાયર કર. નવું વસાવી લે.“

“ખર્ચો બહુ છે સ્કૂટરમાં. અને હજી મારા પગ સાબૂત છે. કાંઈ વાંધો નથી આવતો.”

“ધૂળ વાંધો નથી આવતો! બોપલના અને પાલડીનાં ટ્યુશન કેમ છોડી દીધાં. કારણકે ઘાટલોડિયાથી બસમાં જવાનું ફાવે નહિ. સમય જળવાય નહિ. પહોંચી નથી વળાતું એ જ ને. તારી પાસે સગવડ ન હોય તો શશાંક પાસેથી મંગાવી લે. એને તો પચાસે ભાંગવાના છે. અહિના પચાસ હજાર રુપિયા એટલે તેને તો ફક્ત હજાર ડોલર. હા પાછો તું તો સિદ્ધાંતવાદી. તું તો દિકરાને કહીશ નહિ. કીધા વગર તારી અહિ શું જરૂરિયાત છે તે એને  ત્યાં બેઠે કેમ ખબર પડે? તને સંકોચ થતો હોય તો હું ફોન કરું.”

“ના, ના. એવી કાંઈ જરૂર નથી. હમણાં એના સાસુ-સસરા ત્યાં ગયાં છે એટલે એ પણ ખર્ચામાં છે  ઉતાવળ શું છે? બે-ચાર મહિના આમ કે તેમ.” સુધીરભાઈ કેમ કહે કે પોતે બે-ત્રણ વાર દિકરાને કહી જોયું હતું પણ દર વખતે શશાંક કોઈને કોઈ બહાનું આગળ ધરી દેતો હતો.

“ જો સુધીર, તારી જીભ કાંઈક કહે છે અને તારો ચહેરો બીજું જ કાંઈક કહે છે.ત્રીસ વર્ષથી આપણી દોસ્તી છે. શશાંક પાછળ બાવો બનીને બેઠો છે તે મને ખબર છે. શશાંક કૉલેજમાં આવ્યો ત્યારે નિરમા સુધી જવા માટે તેને બાઈક અપાવવા સુધાભાભીનો સોનાનો ચેન વટાવ્યો હતો તે ખબર છે મને. અને ઑસ્ટ્રેલિયા જતી વખતે બાઈક વેચી તેના પૈસા પણ તને નથી સોંપ્યા.....”

“આ બૈરાંઓના પેટમાં કાંઈ વાત ના ટકે.”

“ના સુધાભાભીએ એક શબ્દ મને નથી કહ્યો. એની પર આળ ના ચડાવીશ. ચેન જ્યાં વેંચ્યો તે ચોકસી આપણો વિદ્યાર્થી હતો. તેણે મને વાત કરી. મેં એને ટપાર્યો કે કિમત બરાબર કરી હતી ને? જાડો નફો નથી કર્યોને? તો કહે ભટસાહેબ તો મારા ગુરૂ એની પાસેથી કંઈ લેવાય? ચેનની કિમત કરતાં વધુ ગુરુ દક્ષિણા ઊમેરીને વલણ ચૂકવ્યું છે.”

“લો ગરમાગરમ ચા પીઓ.” કહેતાં સુધાબહેન ચા લઈને આવ્યાં.

“અરે!ભાભી આ ઢોકળાં શું કામ લાવ્યાં. હું કાંઈ મહેમાન થોડો છું! “

“તમારે માટે ખાસ નથી બનાવ્યાં આજ રાતનું અમારું મેનુ આ જ છે. એક થાળી વહેલી ઉતારી લીધી. પણ તમે આમ દર વખત એકલા આવો છો ને હેમાબહેનને નથી લાવતા એ બરાબર નથી. શું કરે છે હેમાબહેન? તબિયત તો સારી છે ને? “    

“હોવે, ટનાટન તબિયત છે. એક્ચુઅલી હું ખાસ કામ માટે આવ્યો છું. સુધીર, આપ્ણો એક વિદ્યાર્થી હતો ભરત. ઓળખે? ભરત ઓઝા. ગણિતમાં કાચો પણ ચિત્રકામમા એક્કો. રોજ તારી વઢ ખાતો?”

“ભ..ર..ત? ભરત ઑઝા? હા, ભરત રમણીકરાય ઓઝા. હા તો એનુ શું છે?”

“એ ભરત આજે સફળ બીઝનેસમેન બની ગયો છે. ડ્રેસ ડીઝાઈનીંગનો કૉર્સ કરીને પોતાનું બુટિક ખોલ્યું છે. ધમધોકાર ધંધો ચાલે છે. ટીવી સીરીઅલોમાં કોસ્ચ્યુમ એ આપે છે. એસ.જી. રોડ પર મોટો શૉરૂમ છે. પ્રહલાદનગરમાં બંગલો છે. એનો છોકરો આઠમાં ધોરણમાં છે. એને તારું ટ્યુશન રખાવવું છે.     

“પ્રહલાદનગર મને ન ફાવે અને ન પોસાય. આવવા જવામાં બે કલાક નીકળી જાય. એટલા ટાઈમમાં અહિં હું ત્રણ ચાર ટ્યુશન કરી નાખું.“

“ન શેનું પોસાય? તને ખબર છે ત્યાં શું ભાવ ચાલે છે? આઠમા ધોરણના એક ટ્યુશનના ઓછામાં ઓછા પંદરસો લે છે અને એ પણ એડવાંસમાં. વર્ષને અંતે હિસાબ કરવાની કોઈ ઝંઝટ નહિ. તું અહિં બસ્સો પાંચસોમાં સડે છે. બસ્સોમાં ય અર્ધા લોકો પૈસા આપવામાં ઠાગાઠૈયા કરે. એના કરતાં ત્યાં વધારે કમાય તો અહિ કોઈ ગરીબ વિદ્યાર્થીને મફત ભણાવજે. એટલે તારો માંહ્યલો નહિ ડંખે. શું કામ તારી શક્તિ વેડફે છે? એક ટ્યુશન પાછળ બીજાં બે-ત્રણ ટ્યુશન મળી જાય એ તો.”

“પણ હવે અર્ધેથી ટ્યુશન હાથમાં લઊં તો કૉર્સ ક્યાંથી પૂરો થાય? આ ડીસેમ્બર ચાલે છે. માર્ચમાં તો પરીક્ષા હોય. નકામું મારું નામ બગડે.“

“એ હું કાંઈ ન જાણું મેં ભરતને તારા વતી હા પાડી દીધી છે. તારી જેવા અનુભવીને મારે શીખવવાની જરૂર ન હોય. આવતા રવિવારે હું ભરતને લઈને આવીશ. બહાનાંબાજી ન કરતો. ચાલો ભાભી, હું જાઉં હવે. સમજાવો આ જિદ્દીને.” કહી ભલાભાઈએ ચાલતી પકડી.

“ભલાભાઈ સાચું તો કે છે.” સુધાબેને વાતનો દોર હાથમાં લીધો.” તમે પંદરસો ને બદલે બારસો લ્યો તો પણ પોસાય. અહિં પરચુરણમાં સમય અને શક્તિ બંને વેડફાય છે.સ્કૂટર તાત્કાલિક રીપેર કરાવી નાખો. એટલે આવવા જવાનો સમય બચી જાય.” 

“એમ તાત્કાલિક રીપેર ન થાય. ખર્ચો મોટો છે. શશાંકનો સામાન મોકલવાનો કે નહિ? એ ખર્ચો વધારે જરૂરી છે.”

“બઅઅ..સ. મને ખબર હતી. તમારી ગાડી બધે ફરીને છેવટે શશાંક ઉપર આવીને અટકે. એવો તે શું દિકરાનો મોહ. ક્યારેક તો તમારો સ્વાર્થ જુવો. બધું દિકરા પાછળ લૂંટાવી દીધું અને એ હવે સામું પણ નથી જોતો. કાં એના સાસુ-સસરાને પહેલાં બોલાવ્યાં? આપણને નહોતો બોલાવી શકતો? એને માટે ટિકિટના પૈસાનો વેંત થઈ ગયો. સ્કૂટર રીપેર માટે એની પાસે પૈસા નથી. અને આ બધી વસ્તુઓ પોતાના સાસુ-સસરા પાસે કેમ ન મંગાવી. ઘરનો સથવારો  હતો. કોરિયરના પૈસા પણ ન થાત. અને હાથોહાથ મળી જાત. મને બોલાવશો મા. હું તો જે સાચું છે તે કહીશ, હાઆઆ..”

સુધીરભાઇ પાસે આનો કોઈ જવાબ ન હતો.
*
બીજા રવિવારે સાંજના પાંચ થયા અને ભલાભાઈ આવી પહોંચ્યા. થોડીવાર થઈને એક સ્કોડા કાર ઘર આગળ ઊભી રહી એમાંથી ત્રણ જણા ઉતર્યા. આવીને ત્રણે જણા સુધીરભાઈને પગે લાગ્યા.

“જો હું તારી ઓળખાણ કરાવું આ ભરત. તારો વિદ્યાર્થી જેની મેં તને વાત કરી હતી. આ બીજા છે તે ભરતના મોટાભાઈ રાજેશ છે. અને આમને  હું નથી ઓળખતો..” ભલાભાઈએ શરૂઆત કરી.

“એ દર્શંનભાઈ છે. એ આપનો સ્ટુડંટ નથી પણ એની પત્ની નિહારિકા આપની સ્ટુડંટ હતી અને તમારી પાસે ટ્યુશને પણ આવતી. નિહારિકા પટેલ. આપને  કદાચ યાદ નહિ હોય.  મોટાભાઈનો બંગલો મારી જોડાજોડ જ છે. દર્શનભાઈ બીજી સોસાયટીમાં રહે છે. પણ પાસે છે. અમારાં ત્રણેયના છોકરાં આઠમા ધોરણમાં છે. રાજેશભાઈની દિકરી આઠમામાં છે. નિહારિકાભાભીને ખબર પડી તો એ તો આનંદથી ઊછળી પડ્યાં. મારો દર્પણ તો ભટસાહેબ પાસે જ ભણશે.”

 “હા. નિહારિકાને આપના પ્રત્યે બહુ માન છે. જ્યારથી ટ્યુશનની વાત આવી ત્યારથી જૂની વાતો સંભાર્યા કરે છે. અમે બધા આપને વિનંતી કરવા આવ્યા છીએ. આપ આમારા સંતાનો ને ભણાવો.” દર્શન વિનયપૂર્વક બે હાથ જોડીને બોલ્યો.

“ હવે હું શું કહું? તમે બધા મારી જેવા એક સમાન્ય શિક્ષકને આટલું માન આપો છો. એ તમારી ખાનદાની બતાવે છે. પણ મારી કેટલીક મર્યાદાઓ છે..”

“એનો ઉપાય થઈ ગયો છે” કહી ભરતે મોબાઈલ પર કોઈને વાત કરી અને થોડીવારમાં એક નવું નકોર એક્ટિવા લઈને મીકેનિક જેવો માણસ ફળિયામાં પ્રવેશ્યો.

“અમારાં ત્રણેયનાં સંતાનો ને ભણાવવાની એક વર્ષની ટ્યુશન ફી એડવાંસમાં આ સ્કૂટરના રૂપમાં. આથી આપને પ્રહલાદનગર સુધી આવવાની કોઈ તકલીફ નહિ રહે. આપનું જૂનું સ્કૂટર પણ જો આપને કાઢી નાખવું હશે તો આ રમેશ તમને મદદ કરશે. રમેશ, સાહેબની પાસેથી જરૂરી ઓળખપત્રો લઈને આરટીઓ રજીસ્ટ્રેશનની બધી વિધી પતાવી આપજે. અને સાહેબને સ્કૂટરની સ્વીચો બરાબર સમજાવી દે જે. સેલ્ફ સ્ટાર્ટની કઈ સ્વીચ છે તે બતાવી દે જે. ભટસાહેબને તકલીફ ન થાય.”

સુધીરભાઈ સ્તબ્ધ થઈ ગયા. ઘડીક સ્કૂટર તરફ તો ઘડીક આ ત્રણે ય તરફ એ નજર ફેરવતા રહ્યા. સુધાબહેનની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. 

મહામુસીબતે સુધીરભાઈ બોલ્યા,” અરે પણ, આ તો વધારે પડતું કહેવાય. મારી ટ્યુશન ફી.....”

તેમને વચ્ચેથી અટકાવતાં ભરતભાઈ બોલ્યા. “સાહેબ, કશું બોલવાનું નથી. છોકરાંઓ બપોરે બે વાગે સ્કુલેથી આવી જાય છે. એ પછી આપને જ્યારે અનુકૂળ હોય ત્યારનો સમય ગોઠવી આપજો. આજે અમે જે કાંઈ છીએ એમાં આપનો પણ ફાળો છે. આપ ફક્ત ભણાવતા નથી શિક્ષણ પણ આપો છો. સારા માનવી કેમ બનવું એ અમે આપની પાસેથી શિખ્યા છીએં. અમારાં સંતાનો પણ ભવિષ્યમાં સારા માનવી બને એવી અમારી ઈચ્છા છે.  ચાલો હવે અમે આપની રજા લઈએ.”

“અરે પણ હું તો તમને ચા-પાણીનું પૂછવાનું પણ ભૂલી ગઈ. રોકાવ, હુ બધા માટે ચા બનાવી લાવું.” સુધાબહેન વહેવારિક દુનિયામાં પરત આવ્યાં.

“ના કાકી, અમે અમારાં બૈરાંઓથી છટકીને આવ્યા છીએ. આજે કર્ણાવતી ક્લબમાં કાર્યક્રમ છે એમાં જવાનું છે. એ લોકો તૈયાર થાય એટલી વારમાં અમે અહિ આવવાનો સમય કાઢી લીધો. ચાલો પ્રણામ.” ત્રણેય જણાએ હાથ જોડી વિદાય લીધી.

*
થોડાં વર્ષો પછી.


“કહું છું શશાંક આપણને ન બોલાવે તો કાંઈ નહિ આપણે તો જઈ શકીએ ને? હવે તમારા પ્રહલાદ નગરનાં ટ્યુશનો પતી ગયાં. પંદર દિવસ પછી રિઝલ્ટ આવશે ને છોકરાંઓ બારમું પણ પાસ કરી દેશે. હવે આ વખતે નવાં ટ્યુશન ન લેતા. આપણો શિયાળો હોય ત્યારે ત્યાં ઑસ્ટ્રેલિયામાં ઊનાળો હોય. છેલ્લાં બે ત્રણ વર્ષમાં ટ્યુશનની સારી આવક થઈ છે. આપણે આપણી ટિકિટ અને બીજો ખર્ચો કરી શકીએ તેમ છીએ. તો દિવાળી પછી આપણે જઈએ.” સુધાબહેને પતિ પાસે વાત મૂકી.

“હા પણ વીસા લેવાની બહુ માથાકૂટ છે. ત્યાંથી કોઈ સ્પોંસર મળે તો જવાય.”

“કાંઈ નહીં. ટુરિસ્ટ વીસા પર આપણે જવાય. આપણે ક્યાં દિકરાને ઘેર ધામા નાખવા છે. ત્રણ મહિના રહીને પાછા. વીસા અને બીજું બધું ભરતભાઈ સંભાળી લેશે. એણે એના નાનાભાઈને ત્રણ વર્ષ પહેલાં ઑસ્ટ્રેલિયા મોકલ્યો હતો. ત્યાં રેડીમેડ કપડાંનો શૉરૂમ કરી આપ્યો હતો. હવે ઈ બરાબર સેટ થઈ ગયો છે. એ પણ સીડનીમાં જ છે. જો હવે શશાંક તો દેશમાં આવશે જ નહી એના સાસુ-સસરા પણ ત્યાંના રહેવાસી થઈ ગયા છે. બે વર્ષથી ફોન પણ નથી કર્યો એણે. જાણે આપણે એનાં મા-બાપ જ નથી. મને એમ થાય છે કે એકવાર જઈને મોઢું જોઈ લઈએ. એ સુખી હોય એટલે આપણને સંતોષ.” સુધાબહેને આંખના ખૂણા દુપટ્ટાથી સાફ કરતાં કહ્યું.

ત્યાં સુધીરભાઈનો મોબાઈલ રણક્યો. મોબાઈલ કાને લગાડીને થોડીવાર સાંભળતા રહ્યા. પછી મોબાઈલ ટેબલ પર મૂકી બાજુમાં પડેલી ચણની વાટકી લઈ યંત્રવત વાડામાં ગયા. જોયું તો પંખી બધાં ઊડી ગયાં હતાં. નીચે એક ચકલીનું મરેલું બચ્ચું એક બિલાડાના પંજામાં પડ્યું હતું. માળો સાવ સૂનો હતો. સુધીરભાઈ ત્યાં મૂકેલી ખુરશી પર ફસડાઈ પડ્યા અને હાથમાંથી ચણની વાટકી નીચે પડી ગઈ, જાર વેરાઈ ગઈ.       


******





ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો