શુક્રવાર, 14 જૂન, 2013

હોળી યુગલ ગીત.

100

આજે 'વાર્તાલાપ' પર આ મારી 100મી પોસ્ટ છે. ચાર વર્ષ પહેલાં જ્યારે બ્લોગ શરૂ કર્યો ત્યારે નક્કિ કર્યું હતું કે જેટલું મૌલિક લખાણ લખાય તે જ પ્રકાશિત કરવું. પણ ત્યારે  આશા ન હતી કે મારાથી આ મુકામે પહોંચાશે.  પરંતુ  18 વાર્તાઓ, 25 ભોળકણાં (કાવ્યો નહિં કહું ), અને અન્ય સંકલિત લેખો થી યાત્રા ટકી રહી છે. 96000 જેટલી 'ક્લીક' મળી છે. સૌથી મનગમતું પાસું હોય તો બ્લોગ દ્વારા ઘણા 'નેટમિત્રો' મળ્યા. મને પ્રતિભાવ દ્વારા ઉત્સાહિત કરનાર સૌ પ્રતિભાવકોનો હ્રદયપૂર્વક આભાર માનું છું. 

યુગલ ગીતનો આ મારો પહેલો પ્રયત્ન છે. આશા છે આપ સહુને તે ગમશે.  
-ભજમન.

photo: facebook.com
 હોળી યુગલ ગીત.

નાયક:   તારા ગાલોનો રંગ છે ગુલાબી, કે ગુલાલ મારો ફીકો પડે,
 તારા કમખાનો ઠાઠ છે નવાબી, કે રૂમાલ મારો ફીકો પડે.
વૃંદ   :  હોળી આવી રે.. લાવી રંગભરી ઝોળી.....


નાયિકા: જા જા રે જુવાન,
 તને જબરું ગુમાન
             હું તો આવું ન તારે હાથ,
મને સાહેલીઓનો સાથ
            મને રંગવાનાં છોડ તું શમણાં, કે ગુલાલ તારો વાટે પડે
વૃંદ   :  હોળી આવી રે.. લાવી રંગભરી ઝોળી.....

નાયક: ઓ રે નખરાળી નાર,
તારી વાતમાં નહિ સાર
           મારા દિલના ગુલાલે, 
ઘમરોળું પારાવાર
           મારાં શમણાંમાં ભીંજવે રૂમાલ, કે રંગ તારો પાકે ઘડે
વૃંદ   :  હોળી આવી રે.. લાવી રંગભરી ઝોળી.....

નાયિકા: ઓ  છબીલા રે છેલ,                                          
મારો કેડો તું મેલ
            હું તો નમણી નાગરવેલ
            છોડ રંગનો આ ખેલ
           મારા તનમનમાં નાચે છે ઢેલ, કે ઠુમકો તારો ફીકો પડે                   
વૃંદ   :  હોળી આવી રે.. લાવી રંગભરી ઝોળી.....

નાયિકા: નથી તું મારો કહાન, ના હું રાધા તારી,
        શાને મારું અંગ ભીંજે, મારી પીચકારી ?
નાયક: દિલના રંગે છલકાવી છે ભરી લે પ્રેમરસ પ્યાલી
        આયખાના ઓરડામાં  બાંધુ તને ઓ વ્હાલી

નાયક/ નાયિકા:: ઈંદ્રધનુષી રંગે રમીએં હોળી સંગ સંગ
        અનંગ રંગે તરબોળ થાય તનમન સંગ સંગ
        જીવતરની રંગોળીમાં પૂરીએં પાકા રંગ
        હોળીના રંગ તો કાચા પડે કે દલડાંનો રંગ તો પાકે ઘડે

વૃંદ   :  હોળી આવી રે.. લાવી રંગભરી ઝોળી.....
   ===^^^===

2 ટિપ્પણીઓ: