શુક્રવાર, 7 જૂન, 2013

આપ શું વિચારો છો?-10 ગિરા ગુર્જરીના આ હાલ ?

ગિરા ગુર્જરીના આ હાલ ?

આપણને આપણી માતૃભાષા ગુજરાતી પ્રત્યે કેટલો પ્રેમ છે? આપણે તેના માટે ગૌરવ અનુભવીએં છીએં? જો આ પ્રશ્નોના જવાબ હા હોય તો દિન-બ-દિન આપણી  ભાષાનું સ્તર નીચું કેમ ઉતરતું જાય છે? શું આને માટે અત્યારની શિક્ષણ પદ્ધતિ જવાબદાર છે? અત્યારનું સાહિત્ય જવાબદાર છે? કે વ્યાપક બનતો જતો નેટનો પ્રચાર જવાબદાર છે? એક સામાન્ય વ્યક્તિ રોજિંદા વહેવારમાં સ્વભાષાના સંપર્કમાં ક્યારે આવે? આજના યુગમાં બોલચાલ સિવાય વૃત્તપત્રો દ્વારા અથવા ટીવી ચેનલો દ્વારા. પણ શું આ માધ્યમો ભાષા શુદ્ધિના આગ્રહી છે? આપણે આ માધ્યમોને જરાક નજીકથી, બારીકાઇથી ચકાસીએં.  


તા.16/05/2013ના દિવ્ય ભાસ્કરમાં વ્હોરા સમાજના આદરણીય ધર્મગુરૂ સૈયદના સાહેબના સુપુત્રના સ્વાગતના સમાચાર છે. તેમાં આદરણીય ધર્મગુરૂએ અનુયાયીઓને બોધદાયક પ્રવચન આપ્યું તેનો અહેવાલ છે. અહેવાલમાં જણાવ્યા પ્રમાણે ધર્મગુરૂએ “રાજ્યમાંથી વ્યસનમુક્તિ નાબૂદીનો અનુરોધ” કર્યો છે. મને ખાત્રી છે કે તેમણે “વ્યસન નાબૂદીનો અનુરોધ” કર્યો હશે, નહિ કે વ્યસનમુક્તિ નાબૂદી નો !  આ અહેવાલ જે પત્રકારે લખ્યો હશે તેને આવા અનર્થપૂર્ણ છબરડાનો ખ્યાલ પણ આવ્યો નહિ હોય. તંત્રીશ્રીને કે ઉપ-તંત્રીશ્રીને નજર નાખવાનો સમય નહિ મળ્યો હોય અને અહેવાલ છાપી માર્યો ! પ્રુફવાચન જેવી કોઇ વ્યવસ્થા હશે કે નહિ તે ખબર નથી. પ્રુફવાચકો હોવા તો જોઇએ પણ તેઓ શુદ્ધ ભાષા પ્રત્યે ઉદાસીન હોય તેમ લાગે છે.

તા.18/05/2013ના ઈ-ગુજરાત સમાચારના 23મા પાને છપાયેલ સમાચારનું મથાળું આ મુજબ છે-   “પૂણે વોરિયર્સ પાણીમાં બેઠાં - પરાજયની હારમાળા આ તો ગુજરાતનાં બે અગ્રેસર વર્તમાનપત્રોનાં અનાયાસ ઉદાહરણ ટાંક્યાં છે. પરંતુ બધાં જ ગુજરાતી છાપાંઓમાં જોડણીની કે વ્યાકરણની ભૂલો જોવા મળશે. આને મુદ્રારાક્ષસના ખાતે ચઢાવી દેવામાં આવે છે અને ભાષાશુદ્ધિની લમણાંઝીંકમાંથી છટકી જઇએં છીએં.

ગુજરાતી ચેનલોએ તો દાટ વાળ્યો છે. સમાચારોની પ્રવાહી-પટ્ટી(streaming) વાંચતાં હસવું કે રોવું એ જ સમજ ન પડે. મન ફાવે ત્યાં અનુસ્વાર ચોંટાડી દેવાય કે હટાવી દેવાય. ક્રિયાપદ અને વિશેષણ, કર્તા કે કર્મની (નર, નારી કે નાન્યતર) જાતિને અનુસરે તેનું કોણ ધ્યાન રાખે! ઉદઘોષકો અને કાર્યક્રમ સંચાલકોની ઉચ્ચાર-અશુદ્ધિ અને ભાષા- અશુદ્ધિ વિષે તો લખીએં તેટલું લખાય.(મારો અભિપ્રાય ફક્ત ઈ-ટીવી અને ટીવી9 ની ગુજરાતી ચેનલો પુરતો મર્યાદિત છે.) એવું નથી કે રાષ્ટ્રીય ચેનલો હોવાને લીધે તથા બીન-ગુજરાતી માલિકોને લીધે કદાચ યોગ્ય ધ્યાન ન અપાતું હોય. આ જ ગ્રુપની મરાઠી અને હિંદી ભાષી ચેનલો પર ભાગ્યે જ કોઇ ભૂલ નજરે ચડે છે. ઉદ્ ઘોષકો  અને કાર્યક્રમ-સંચાલકો પરભાષાના શબ્દોનો ઉપયોગ જવલ્લે જ કરે. વાનગીના ગુજરાતી કાર્યક્રમોમાં વાનગીને “જીંજર ટોમેટો સ્ક્વેર” એવું નામ અપાય. અરે ભાઇ, આદુ-ટમેટાંના સક્કરપારા નામ આપશો તો ગામડિયા ગણાય જશો? ચાલો, મહેમાન તરીકે ગૃહિણીઓ આવે તેની ભાષા પર તમારો કાબૂ ન હોય. પણ કહેવાતા રસોઈ નિષ્ણાતો, જે કાયમ આવતા હોય તેઓને તો બને ત્યાં સુધી શુદ્ધ ભાષા વાપરવાનો આગ્રહ કરી શકાયને?  આપણને વાતચીતમાં અંગ્રેજી ભાષાના શબ્દો વાપરવાની (કુ)ટેવ પડી ગઇ છે. સુધરેલા દેખાવા માટે આવાં (અપ)લક્ષણો જરૂરી મનાય છે. અરે!, પાળેલા દેશી કૂતરાને પણ અંગ્રેજીમાં જ આદેશ આપવામાં આવે; ટોમી કમ, ટોમી ગો, વિગેરે’!  

હકિકતમાં ગુજરાતી ભાષા ખૂબ સમૃદ્ધ ભાષાઓમાંની એક છે. અંગ્રેજી ભાષામાં 21 મૂળાક્ષરો અને ફક્ત 5 (A,E,I,O,U) સ્વરો જ છે. જ્યારે ગુજરાતી વર્ણમાળામાં 34 વ્યંજનો અને 12 સ્વરો છે.  આપણી લિપિ ઉચ્ચારશાસ્ત્ર પ્રમાણે લખાય છે. મૂળાક્ષરોને ઉચ્ચારભેદ પ્રમાણે તાલુસ્થાન, કંઠ્યસ્થાન વિ.માં વર્ગીકૃત કર્યા છે. દરેક વર્ણનો એક ચોક્કસ ઉચ્ચાર નક્કિ હોય છે. અંગ્રેજીમાં બોલો કાસલ અને લખો CASTLE આવાં તો અસંખ્ય ઉદાહરણો મળશે. જુવો, ભગવદગોમંડળ આ વિષે શું કહે છે- ગુજરાતી લિપિમાં લખેલા અક્ષર પ્રમાણે દરેક અક્ષરનો એક જ ચોકસ ને સ્પષ્ટ ઉચ્ચાર થાય છે જ્યારે અંગ્રેજી વગેરે યરપીય લિપિ આટલી સ્પષ્ટ નથી. સંસ્કૃત અને ગુજરાતી મૂળાક્ષરોનું વર્ગીકરણ પણ ઉચ્ચારશાસ્ત્રના નિયમ પ્રમાણે સંપૂર્ણ. શાસ્ત્રીય અને ખૂબીવાળું છે.     

કમનસીબે કેટલાક લોકો આ ગરવી ભાષાને સરળીકરણને નામે નબળી કરવામાં વ્યસ્ત છે. તેમાં અમુક સાક્ષરો, લેખકો અને કવિઓ પણ જોડાયા છે તે દુ:ખની વાત છે. આ વિષે રીડ ગુજરાતી અને અન્ય બ્લોગ પર વિસ્તૃત ચર્ચાપત્રો પ્રકાશિત થયાં છે તેથી અહિં પુનરોક્તિ નથી કરતો.


છાશવારે પાઠ્ય પુસ્તકોના છબરડા બહાર આવે છે. શિક્ષણનું વ્યાપારીકરણ થતું જાય છે. ખાસ કરીને શહેરોમાં. શૈક્ષણિક સંસ્થાઓ રાજકારણીઓ, બીલ્ડરો અને વેપારીઓના હાથમાં સરી પડી છે. અથવા સરતી જાય છે. શિક્ષણની કોઇને પડી નથી. વિદ્યાર્થીઓને જ્ઞાન નહિ પણ ગુણ મેળવવામાં રસ વધારે છે. અલબત્ત આથી શિક્ષણનો વ્યાપ વધ્યો છે. એ એક સારી બાબત છે. પણ શું Quantity at the cost of quality?  અર્થાત ગુણવત્તાના ભોગે સંખ્યાબળ????. ડૉ.ભદ્રાયુ  વછરાજાની દિ.ભા.માં લખે છે, “બહુ પાયાથી આપણે ત્યાં શિક્ષણને ગંભીરતાથી લેવાયું નથી અને હવે સદંતર બેધ્યાનપણું સેવાઇ રહ્યું છે. ભણતરને નામે ચોમેર અફરાતફરી મચી છે.” શિક્ષણની નીતિ વારંવાર બદલાયા કરે, અને તેમાં કોઇ એકસુત્રતા પણ નહિ. ઉપરથી આવું રેઢિયાળ તંત્ર હોય પછી અધ્યાપકોને પણ વિદ્યાર્થીઓનું હિત સાચવવાનું મન કેમ થાય? આથી ખાનગી તાલીમ અને ટ્યુશનની બદી ફેલાવા લાગી. ટુંકા ગાળામાં કમાઈ લેવાની જાણે હરિફાઇ થાય છે! આવા અધ્યાપકો પાસે ભણેલા સ્નાતકો જ્યારે પોતાના કાર્યક્ષેત્રમાં પ્રવેશે પછી તેની પાસે ઉત્તમ કામગીરીની અપેક્ષા રાખવી કેટલી વ્યાજબી છે? પછી વ્યસનમુક્તિ નાબુદી જેવા છબરડા થતા જ રહેવાના.

આપ શું વિચારો છો?  

3 ટિપ્પણીઓ:

  1. આ ચર્ચા પત્ર 'દિવ્ય ભાસ્કર'ને મોકલી જુઓ તો?

    જવાબ આપોકાઢી નાખો
  2. Yes. It has been already done. As I am away from home, I have to use English fonts in my reply.

    જવાબ આપોકાઢી નાખો
  3. ગુજરાતીઓ ને હિન્દીજનોની જેમ ભાષા કે ભાષા લિપિ પ્રચારમાં રસ નથી
    વધુ અહી માહિતી ....
    kenpatel.wordpress.com
    saralhindi.wordpress.com

    You may read all Hindi threads here.
    https://groups.google.com/forum/?fromgroups=#!forum/netjagat

    *ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?
    . ગુજરાતી ભાષાનું અસ્થિત્તની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે. ઈન્ટરનેટ યુગમાં આ ઘણુજ સરળ છે.આપ સર્વે આ સૂચનો ઉપર વિચાર કરો અને પોતાના વિચારો રજુ કરો.

    જવાબ આપોકાઢી નાખો