શુક્રવાર, 31 મે, 2013

મેચ પૂરી !

આજે એક હલકીફુલકી વાર્તા....

મેચ પૂરી !

રિતેશ આજ ઓફિસેથી ઘેર ધુવાંફૂવાં થતો આવ્યો. લેપટોપ બેગ ડ્રોઈંગ રૂમમાં જેમ તેમ મૂકી, પગનાં મોજાં પણ બાથરૂમને બદલે સેંટર ટેબલ પર ફેંક્યાં. તેનો મૂડ પારખી રોહિણીબેને ચૂપચાપ ટેબલ પર પાણીનો પ્યાલો મૂકી દીધો. મોજાં લઇ બાથરૂમમાં વૉશિંગ-મશીનમાં નાખ્યાં અને રસોડાના કામમાં પરોવાઈ ગયાં. 



સામાન્યત: ઑફિસેથી આવીને રિતેશ સીધો પોતાના રૂમમાં કપડાં બદલવા જતો અને સ્વસ્થ થઇને જમવા આવતો. તેને બદલે રીમોટ હાથમાં લઈ ટીવી ચાલુ કર્યું અને ચેનલો બદલવા લાગ્યો. જમવાની તૈયારી કરતી રીટા સામે જોઇ રોહિણીબેને સૂચક હાસ્ય કર્યું. જમતાં જમતાં વાતચીતમાં રોજની જેમ ઑફિસના અને ઘરના નવાજૂના સમાચારની આપ-લેમાં પણ રિતેશે ભાગ ન લીધો. રસિકભાઇએ તેને વાતોમાં પલોટવાનો પ્રયત્ન કરતાં બે-ચાર સવાલો પૂછ્યા તો ટુંકા પ્રત્યુત્તર આપી તેનો પ્રયત્ન નિષ્ફળ બનાવ્યો.  

હમેશા તો રાત્રે જમવાના સમયે કુટુમ્બમેળા જેવું વાતવરણ સર્જાતું. રીટા અને રિતેશ પોત-પોતાની ઑફિસમાં બનેલી કોઈ અવનવી ઘટનાની વાત કરતાં કે ઑફિસના કોઈ પ્રોબ્લેમનું સમાધાન રસિકભાઈ પાસેથી મેળવતાં, કે રાજકારણ ની ચર્ચા થતી. રિતેશ અને રસિકભાઇ બંને અલગ અલગ રાજકીય પક્ષ તરફી વલણ ધરાવતા હોવાથી આવી ચર્ચા ઉગ્ર રૂપ પણ ધારણ કરતી ત્યારે રોહિણીબેન અગ્નિશમનનું કામ કરતાં. પરંતુ આજે ડાયનીંગ ટેબલ નું વાતાવરણ જ કંઈક અલગ હતું. હસમુખો, વાતોડિયો રિતેશ આજ સાવ બદલાયેલો લાગતો હતો. રિતેશના ગંભીર મૂડનો ચેપ બીજાને પણ લાગ્યો અને સહુએ ચૂપચાપ જમવાનું પતાવી દીધું.  

જમ્યા પછી બેઠકરૂમમાં બેસીને થોડીવાર આડીઅવળી વાતો કરવાને ટેવાયેલાં રસિકભાઇ અને રોહિણીબેન આજે સીધાં જ સૂવાના રૂમમાં ગયાં. રિતેશ બેઠકરૂમમાં સોફા પર બેસીને ટીવીપર અંગ્રેજી ફિલ્મ ચાલુ કરીને જોવા લાગ્યો.  

રસોડામાં કામ આટોપીને રીટા બેઠકરૂમમાં આવી. થોડીવાર મુંગામુંગા બેસીને તાલ જોયા કર્યો. પછી ટેબલ પરથી રીમોટ ઉઠાવી ટીવી બંધ કર્યું. રિતેશ કાંઇ પ્રતિભાવ આપે તે પહેલાં જ રીટા

બોલી, “ચીલ, રિતુ! તારું બોઇલર ફાટે તે પહેલાં બોલી નાખ. વેંટ ઇટ આઉટ, મેન! ટેલ મી, વ્હૉટ હેપન્ડ?
“કાંઈ નહિ, આજે ઑફિસમાં મોટો લોચો માર્યો મેં. છટ્ !”
“પણ થયું શું એ તો કહે!”
“અરે! અમારે રેલ્વેનું એક બહુ ઈમ્પોર્ટન્ટ ટેંડર અપલોડ કરવાનું હતું. હું ગઈકાલે રાતના મોડે સુધી ઑફિસમાં બેસીને બધું તૈયાર કરીને આવ્યો હતો. ટેક્નીકલ બીડ અને પ્રાઈસ બીડ બંને આદેશના કોમ્પુટરમાં લોડ કરી, ફાઈલ લોક કરીને આવ્યો હતો સવારે આદેશ અને બીગબૉસ મી. બાફના મળીને પ્રાઈસ નાખીને અપલોડ કરવાના હતા. આદેશે મને પૂછ્યું હતું કે અપલોડનો ટાઇમ શું છે.  મેં  કીધું હતું કે બાર વાગ્યાનો છે. આજે જ હું ઑફિસે મોડો પહોંચ્યો. હવે આ લોકો સાડા અગિયાર વાગ્યાથી સાઈટ ખોલવાનો પ્રયત્ન કરતા હતા પણ સાઈટ ખૂલે જ નહીં!”
“એમાં તારો શું દોષ ?”
“અરે એ જ તો લોચો છે. તપાસ કરતાં ખબર પડી કે ટેંડર અપલોડ કરવાનો સમય દસ વાગ્યાનો હતો પછી સાઈટ ક્યાંથી ખૂલે ! ટેંડર ક્લોઝ થઈ ગયું હતું. મારે કારણે કંપનીને એક કરોડનું નુકશાન થયું.”
“હમ્મ..! ઈઝ ઇટ વેરી સીરીયસ ? એક નહિ તો બીજું ટેંડર આવશે. તમારી કંપની માટે એક કરોડનો શું હિસાબ?”
“નુકશાન તો ખરું જ ને વળી? અમારે રેલ્વેમાં એંટ્રી જોઈતી હતી તેથી આ ટેંડર ઈમ્પોર્ટન્ટ હતું. બ્લડી હેલ !”
“ચીલ,ચીલ, રિતુ. પણ મને એ સમજણ ન પડી કે તેં ટાઇમમાં લોચો કેમ માર્યો. રેલ્વેએ ટાઈમ વહેલો કરી નાખ્યો હતો કે તેં જોવામાં ભૂલ કરી હતી?”
“આમ તો બધે બાર વાગે જ ટેંડર અપલોડ કરવાનું હોય છે. પણ આ લોકોએ દસ વાગ્યાનો સમય રાખ્યો હતો. અમે રેલ્વેમાં પહેલી વખત જ કોમ્પીટ કરતા હતા અને અમે પહેલેથી જ બધી રીતે અભ્યાસ કરીને તૈયારી કરી હતી. છેલ્લા ત્રણ દિવસથી હું આની જ પાછળ હતો. વી વેર વેરી મચ હોપફુલ ઓફ ગેટીંગ ઇટ.”  
“પછી?”  
“મેં આ ડીબેકલની સંપૂર્ણ જવાબદારી સ્વીકારીને એ જ વખતે મારું રાજીનામું ધરી દીધું.”
“હેં..!!”
“હા. આદેશ કાંઈ પણ બોલ્યા વિના મારું રાજીનામું લઈને મી. બાફનાની કેબીનમાં ગયો. ચાર કલાક પછી સાંજે મને બાફનાએ કેબીનમાં બોલાવ્યો. આદેશ પણ હતો. તેણે મને સીધા જ સવાલો કર્યા કે શું હું આ કંપનીથી કંટાળી ગયો છું? મને બીજે ક્યાંય સારી ઑફર મળી છે? જ્યારે મેં જવાબમાં ના પાડી ત્યારે કહે તો પછી કોઈ ડોમેસ્ટિક પ્રોબ્લેમ છે? વાઈફ સાથે કે માતા-પિતા સાથે કોઇ અણબનાવ છે? કે પછી તાજેતરમાં કોઇ એવી ઘટના બની હોય જેથી મન પર બોજો હોય? આના જવાબ પણ ના જ હોય તે તું જાણે છે.”
“હમ્ ! પછી?”
“પછી મારા રાજીનામાનો કાગળ મારી તરફ ફેંકીને ગરજ્યા કે તો પછી આ શું નાટક છે? ભાગેડૂ માનસિકતા-Escapist Mentality ધરાવો છો? ભૂલ કરીને ભાગી જવું, જવાબદારીમાંથી છટકી જવું, એ બધાં તો કાયરતાનાં લક્ષણ છે. આઈઆઈએમમાં આવું શીખવે છે? છેલ્લા પાંચ વર્ષમાં કંપનીએ મારી પાછળ જે રોકાણ કર્યું છે તેના હિસાબમાં એક કરોડ તો કાંઈ નથી. શું હું કંપનીને વધારે નુકશાન પહોંચાડવા માગું છું? વિ. વિ. માય ગૉડ, મારા તો ટાંટિયા ઢીલા થઈ ગયા.”
“હેટ્સ ઑફ્ફ ટુ બાફના! મને તારા બૉસ માટે માન થાય છે. તેણે સો ટકા સાચી વાત કરી એમાં કોઇ શક નથી”

રાતની નીરવ શાંતિમાં બેઠકરૂમમાં થતી આ વાતચીત રસિકભાઇ-રોહિણીબેનના કક્ષમાં સ્પષ્ટ સંભળાતી હતી. રાજીનામાની વાત સાંભળી રોહિણીબેન બહાર જવા ઊભાં થયાં પણ રસિકભાઈએ તેમને અટકાવ્યાં.

”પછી બાફના એકદમ શાંત થઈ ગયા મને કહે લૂક રિતેશ યુ આર એન એસેટ ઑવ ધી કંપની. તમે તો એનાલીસ્ટ છો. આમ કેમ બન્યું તે શોધી કાઢો અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ઊભી જ ન થાય તેનું ધ્યાન રાખો. યોર રેસિગ્નેશન ઇઝ રીજેક્ટેડ.”
“બ્રેવો, બ્રેવો !” રીટા તાળી પાડી ઊઠી.” ઑફિસમાં તો સોપો પડી ગયો હશે નહિ?”
“ના. અમારા નાનકડા ગ્રુપ સિવાય કોઈને આ બાબતની જાણ ન હતી. પણ પછી બાફનાએ એક ઇંટરેસ્ટીંગ વાત કરી. મને કહે રેલ્વેના જીએમનો તેની ઊપર ફોન હતો અને અમે કેમ ટેંડરમાં ભાગ નથી લીધો તેમ પૂછતા હતા. બાફનાએ તેને જણાવ્યું કે અમારા હાથમાં ત્રણ-ચાર મોટા પ્રોજેક્ટ છે તેથી આ નાના ટેંડર માટે તે મેનપાવર ફાળવી શકે તેમ નથી. જીએમએ તેને જણાવ્યું કે મિનીસ્ટ્રીમાં મુમ્બઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે ફાઈલ મુકાઈ છે અને છ-આઠ મહિનામાં મંજૂરી મળી જશે અને તેમાં અમે ભાગ લઈએ તેવી તેની ઈચ્છા છે. બાફનાએ મને કહ્યું કે અત્યારથી તૈયારી શરૂ કરી દો. એ પ્રોજેક્ટ મારે જ સંભાળવાનો છે. સાથે એમ પણ કહ્યું કે આજની ઘટના અમે ભૂલી ગયા છીએ પણ તમારે નથી ભૂલવાની એ ઘટનાને દિશાસૂચક બીકન તરીકે હમેશા યાદ રાખવી અને સેલ્ફ અનાલિસીસ કરવાનુ પણ કહ્યું.”
“રાઈટ. તો પછી અનાલીસીસનો શું નિશ્કર્ષ આવ્યો?”
“એ જ તો પ્રોબ્લેમ છે, ઋત! આ બન્યું ત્યારથી મગજમાં એ જ વાત ઘૂમરાયા કરે છે કે હું અપલોડ ટાઈમ જોવાનું કેમ મિસ કરી ગયો. આટલી ગંભીર ભૂલ કેવી રીતે થઈ? મેં એમ કેમ માની લીધું કે બાર વાગ્યાનો સમય હશે!, સા...લું કાંઈ સૂઝતું જ નથી.”
“હું સમજી શકું છું કે તને કેમ કાંઈ સૂઝતું નથી. રિતુ, તું માનસિક થાકથી પીડાય છે.”
“વૉટ ડુ યુ મીન?”
“યસ. માનસિક થાકના પરિણામનું આ એક ક્લાસિક ઉદાહરણ છે. યૂ સી રિતુ, આપણે બંને માનસિક મજૂર છીએં. આખો દિવસ મગજની પાસે પરિશ્રમ કરાવીએ છીએં. મારી વાત કરું તો પ્રોગ્રામ ડેવલપ કરવામાં ઝીણી ઝીણી અસંખ્ય બાબતોનો ખ્યાલ રાખવો પડે. ક્લાયંટને પોતાને ઘણી વખતે તેની જરૂરિયાતની પૂરી ખબર નથી હોતી. ટ્રબલશૂટીંગ તો એનાથી ય વધારે સ્ટ્રેસફુલ હોય કેમકે તેમાં ટાઈમ કન્સ્ટ્રેઈંટ હોય. સિસ્ટમ ડાઉન હોય તેથી કસ્ટમર ઊંચોનીચો થતો હોય તેને બને તેટલી ઝડપથી સેટરાઈટ કરવાની હોય. તારે પણ પ્રોજેક્ટમાં હજાર જાતના નાના મોટા પ્રશ્નોને હલ કરવા પડતા હશે. આમ મગજ હમેશા તનાવ યુક્ત દશામાં હોય. એમાં રાતના ઉજાગરા કરીએ તેથી મગજ પર વધારાનો બોજ પડે મગજને પણ આરામની જરૂર હોય. ઉજાગરા કરવાથી મગજને થાક લાગે છે.”
“ઓહ! કમ ઓન ઋત, એક દિવસ ઓફિસમાં રાત્રે કામ કર્યું તેમાં મગજને થાક ન લાગે. મારું મગજ એટલું નબળું નથી.”    
“એક દિવસ નહિ, મીસ્ટર! આગલે દિવસે તું બે વાગ્યા સુધી ફૂટબોલની મેચ જોતો હતો. આમ તો તું વિચાર કર, છેલ્લા દોઢ મહિનાથી લગભગ રાતના ત્રણ વાગે તું સૂવા આવે છે. પરદેશમાં ટેસ્ટ મેચ રમાય અને તું સતત પાંચ પાંચ દિવસ, અરે ભૂલી!, પાંચ પાંચ રાત ઉજાગરા કરીને ત્રણ વાગ્યા સુધી મેચ જુવે. સવારના પાછી ઓફિસ તો હોય જ. આમ દિવસના અઢારથી વીસ કલાક સતત કામ કરે તો મગજને શ્રમ તો પડેને! આને “મેંટલ ફટીગ”-માનસિક થાક કહે છે. મગજની કાર્યક્ષમતા ઓછી થઈ જાય. રોજની સાતથી આઠ કલાકની ઊંઘ તંદુરસ્તી માટે આવશ્યક છે. રિતુ! હવે આપણે વિદ્યાર્થી નથી રહ્યા. તું આખી રાત વર્લ્ડકપ ફાયનલ જોઈને સેમેસ્ટર પરીક્ષા આપવા ગયો હતો એમ તેં મને એકવાર કહ્યું હતું. ત્યારની વાત જૂદી હતી ખરેખર તો મેચ જોઈને તું પરીક્ષાની તાણથી મુક્ત થયો. પરીક્ષા સમયે હું તો ખાસ વહેલી સૂઈ જતી અને સવારે વહેલી ઊઠી અલારિપૂનો રિયાઝ અર્ધી કલાક વધારે કરતી. હવે આપણી સાથે ઘણી બધી બીજી બાબતો સંકળાયેલી છે.  અરે! કોમ્પ્યુટરમાં પણ એક સાથે ઘણી બધી વીંડો ખોલી નાખો તો રેમ ઓવરલોડ થાય અને કોમ્પ્યુટર “હેંગ” થઈ જાય કે સ્લો થઈ જાય છે. તો આપણે તો માણસ છીએં. મેંટલ સ્ટ્રેસ તો લાગે જ ને! આપણે ધારી ઝડપે કામ ન કરી શકીએં. ટાઈમ મેનેજમેંટ અસ્તવ્યસ્ત થાય. આને લીધે કામનો ભરાવો થાય અને નાની નાની બાબતો પ્રત્યે બેધ્યાન થઇ જવાય. તેં આવેશમાં આવીને રાજીનામું આપી દીધું. સ્ટ્રેસ સહન ન કરી શક્યો. હવે તું બાફનાનો દાખલો લે આખી ઘટનાને તેણે કેવી રીતે લીધી! ટેંડર ચૂકી ગયા તે હકીકત હતી તેને બદલી શકાય તેમ ન હતી. કદાચ તમે લેટ સબમીટ કરવાનો પ્રયત્ન કર્યો હોત અને તેમાં સફળ થયા હોત તો પણ છેવટે તો અસ્વિકાર્ય જ રહેત અને માર્કેટમાં તમારું નામ ખરાબ થાત તે નફામાં. આખી નકારાત્મક બાબતને તેણે કેવી ખૂબીથી હકારાત્મક બનાવી નાખી! રેલ્વેના જીએમને પટ્ટી પઢાવી દીધી, તારા જેવા હોંશિયાર અને સીનીયર એમ્પ્લોયીને કંપની છોડતાં અટકાવ્યો અને વધારામાં તેનો હાથ ઉપર રાખ્યો. નુકશાનને રોવાને બદલે તેને મિનિમાઈઝ કરી દીધું! ના બદલી શકાય તેવી બાબતનો ખેલદિલીથી સ્વિકાર કરો. સ્ટ્રેસ મેનેજમેંટનો આ એક અગત્યનો સિધ્ધાંત છે.
“વાઉ! તું તો મનોવૈજ્ઞાનિક બની ગઈ!”
“હમણાં જ મેં સ્ટ્રેસ મેનેજમેંટ પર એક આર્ટિકલ વાંચ્યો હતો. તને ફોરવર્ડ કરીશ. તેમાં એક બીજી ઈંટરેસ્ટીંગ વાત એ લખી છે કે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓ સ્ટ્રેસ મેનેજમેંટ સારી રીતે કરી શકે છે. ખાસ કરીને વ્યવસાયી કે નોકરિયાત મહિલાઓ  જે ઓફિસની અને ઘરની જવાબદારીઓ સક્ષમતાથી અને કુશળતાથી પાર પાડતી હોય છે.”  
“તારી વાત કરે છે?”
ના. હું સદભાગી છું કે મારી માથે હજી ઘરની જવાબદારી નથી. બાળકોની પણ જવાબદારી નથી.
બધી નોકરિયાત ગૃહિણીઓને મમ્મી જેવી સાસુ  નથી મળતી હોતી. કોઇના સાસુ-સસરા વૃધ્ધ હોય, સાથે ન રહેતા હોય અથવા હોય જ નહિ. નાના દેર કે નણંદ હોય, છોકરાં ઉછેરવાનાં હોય. સવારના બ્રેકફાસ્ટથી માંડીને રાતની રસોઇ સુધીની સંપૂર્ણ જવાબદારી સંભાળવાની હોય છે. બજારમાંથી માલસામાન પણ લાવવાનો હોય. પરદેશમાં પણ આવી પરિસ્થિતિ હોય છે પણ ત્યાં પુરુષો ઘરકામમાં તેમજ અન્ય જવાબદારીઓમાં સરખે ભાગે હિસ્સેદારી કરતા હોય છે. અને અહિંયાં ? અહિંયાં એક ગ્લાસ પાણી પણ જાતે ન પી શકે! વીમેન આર ક્ન્વેંશનલી મોર મલ્ટિટાસ્કીંગ ધેન મેન. આમાં આપણે સાસરિયાના કે પતિના માનસિક ત્રાસની તો વાત જ નથી કરતા.”
“એટલે હું ઘરની જવાબદારી અદા નથી કરતો એમ?”
“હું વ્યક્તિગત વાત નથી કરતી. તારી કે મારી નહીં પણ જનરલ વાત કરું છું. અને તારી વાત કરીએ તો આપણા બાથરૂમના વૉશબેસીનનો નળ દસ દિવસથી લીક થાય છે. પ્લમ્બરને ફોન કરવાનું તને કીધું હતું, તેં ફોન કર્યો?
“અરે હા! કાલે જ કરી દઈશ.”
“રહેવા દેજે. પપ્પાએ પ્લમ્બરને બોલાવી રીપેર કરાવી દીધો. બે દિવસથી રીપેર થઈ ગયો છે ને તને ખબર પણ નથી! ક્રિકેટ મેચ જોવામાંથી સમય મળે તો ને!”
 “મેડમ! ક્રિકેટ મેચમાં જ તેં મને બોલ્ડ કર્યો હતો ખબર છે ને?”
“મેં તને બોલ્ડ કર્યો હતો કે તેં મારો કેચ કર્યો હતો!”
રિતેશે અમ્પાયરની જેમ આંગળી ઊંચી કરી.
“શુંઉઉ...? આમ આંગળી કેમ ઊંચી કરે છે?”
“તારી જોરદાર અને ચોટદાર અપીલ સ્વિકારીને હું મને આઉટ જાહેર કરું છું .અને હવે મેડમ1 તારી મેચ પૂરી થઈ ગઈ હોય તો પેવેલીયનમાં જઈએં? અને તારી જવાબદારી વધારવાનો પ્રોજેકટ હાથ ધરીએં !.”
બદમાશ!” શરમથી પાંપણો ઝૂકાવી રીટા બબડી. 
..અને બંનેએ એકબીજાના હાથમાં હાથ પરોવી શયન કક્ષ તરફ પ્રયાણ કર્યું.
                                        
આખો વાર્તાલાપ એકચિતે રસથી સાંભળતાં રોહિણીબેને હાથ જોડી ઈશ્વરને મનોમન વંદન કર્યું અને ડાહી વહુનાં ઓવારણાં લીધાં.
*######*
07/03/2013.

4 ટિપ્પણીઓ: