શુક્રવાર, 10 મે, 2013

છૂના હૈ આસમાન - 7 કલ્પના સરોજ

('છૂના હૈ આસમાન' શ્રેણીમાં આપણે એવી વીરલ વ્યક્તિઓની નોંધ લઇએ છીએં કે જેઓએ જીવનમાં અમાપ સંઘર્ષનો સામનો કરીને પણ શ્રેષ્ઠતા પામવાનો પ્રયત્ન કર્યો છે. આજે  એવી એક હિંમતવાન ભારતીય દલિત મહિલા કલ્પના સરોજ ના દ્રઢ મનોબળને નમન કરશું!)

સ્લમડોગ મીલીયોનર્સ નામની ફિલ્મમાં એક ઝૂપડપટ્ટીમાં રહેતો ચાવાળો છોકરો સંજોગવશાત કરોડપતિ થાય છે. ઠીક છે, ફિલ્મોમાં અને વાર્તાઓમાં તો આવું બને પણ વાસ્તવમાં આમ થવું શક્ય નથી એમ આપણામાંથી ઘણાએ વિચાર્યું હશે. પરંતુ વાસ્તવિક જીવનમાં એક જાનદાર અબૂધ મહિલાએ રેગ્ઝ ટુ રીચીઝ’(Rags to Riches) સાર્થક કરી અપ્રતિમ સિદ્ધિ હાંસલ કરી છે.

મહારાષ્ટ્રનું એક નાનકડું ગામડું રેપત્ખેઢા. આ નાના ગામના એક ગરીબ, દલિત પોલીસ કોંસ્ટેબલની અબૂધ, અભણ બાળાએ હિમ્મત, સંઘર્ષ અને દ્રઢ મનોબળથી ઉત્પાદન ઉદ્યોગ ક્ષેત્રમાં ઉચ્ચ શિખરો હાંસલ કર્યાં.તેના ગામમાં દલિતોને અસ્પૃશ્ય ગણવામાં આવતા હતા. સવર્ણોના કૂવામાંથી પાણી લેવાની પણ છૂટ ન હતી. તેને ભણવા માટે આઠ માઈલ ચાલીને જવું પડતું. આઠ વર્ષની કન્યા કલ્પનાને શાળામાં બધા અછૂત કહેતા તો તેના મનમાં સવાલો ઉઠતા. તે માને પૂછતી કે આમ કેમ? જવાબમાં મા તેને નસીબનો દોષ બતાવી વાસ્તવિકતા સ્વિકારી લેવાનું કહેતી. તેના એક કાકાને લાગ્યુંકે આ કાળી કદરૂપી છોકરીને ભણવાની શું જરૂર છે! અને બાર વર્ષની કુમળી વયે તેને મુમ્બઈના સ્લમ એરિયામાં પરણાવી દીધી. અસ્પૃશ્ય તરીકે સમાજનો બહિષ્કાર અને તિરસ્કાર પામેલી અભણ કન્યાનું લગ્નજીવન લાંબું ન ટક્યું. પતિથી તરછોડાઈને આ કન્યા ગામડે પાછી ફરી પણ સમાજમાં સમાઇ ન શકી. હતાશ બાળાએ આપઘાતનો પ્રયાસ કર્યો પણ વિધાતાએ કંઈ જુદું જ ધાર્યું હતું. એ બચી ગઈ.  

આપઘાતમાંથી ઉગર્યા પછી કન્યાએ જીવનમાં નવેસરથી પ્રયાણ શરૂ કર્યું. પોતાના ભાગ્યને પોતે જ ઘડવાનો નિર્ણય કર્યો. કુટુમ્બ  સાથે લડત કરી, ફરી આપઘાતની ધમકી પણ આપી અને તે મુમ્બઇ પાછી આવી, હોઝીયરીની એક ફેક્ટરીમાં બે રૂપિયાના રોજથી મજૂરીએ જોડાઈ, બપોરના લંચબ્રેકના સમયમાં સિલાઈ મશીન પર હાથ અજમાવતી. થોડા વખતમાં તેને સિલાઈ કામ સોંપવામાં આવ્યુ અને પાંચ રૂપિયા રોજ કમાવા લાગી. લોખંડના કબાટ બનાવતા એક નાના કારખાનાના માલિક સાથે પુનર્લગ્ન કર્યાં. પરંતુ વિધિનું વિધાન કઇંક જુદું જ હતું. પતિનું અવસાન થયું. કન્યાએ હાર ન માની. પતિના ધંધાની લગામ પોતાના હાથમાં લીધી. સ્ટીલના કબાટના ધંધામાંથી બચત કરીને બાંધકામના ધંધામાં ઝંપલાવ્યું. બસ પછી તો પાછું વાળીને પણ ન જોયું. વિધાતાને હાર આપી. 


આવા મજબૂત મનોબળવાળી અને હુન્નરશાળી મહિલા,
તે કલ્પના સરોજ


ગરીબાઈ અને અસ્પૃશ્યતાના દૈત્યને સારી રીતે ઓળખતી કલ્પનાએ વેપારની સાથે અન્ય પીડિતોનો સાથ ન છોડ્યો. અવારનવાર તે પોતાના ગામમાં જતી અને ગરીબોને દવા, ભોજન, કપડાં વિ. નું વિતરણ કરતી. સ્કૂલ અને કૉલેજ શરૂ કરી. 

“લોકશક્તિ મારી મૂડી છે.” કલ્પના સરોજ હંમેશ કહે છે. મશહૂર ઉદ્યોગપતિ રામજી કાનાણીએ સ્થાપેલી
કામાણી ટ્યુબ્સ લી. ખોટના ખાડામાં પડી. દેવાંના ડુંગર ખડકાયા હતા.  કંપનીને માથે રૂ.116 કરોડનું દેવું, 500 કર્મચારીઓના પગાર અને પ્રોવિ. ફંડની બાકી રકમ અને લેણદારોના 170 ઉપર કૉર્ટ કેસો વિ. થી કોઇપણ નાણાં રોકનાર દસ ગાઉ દૂર ભાગે. પરંતુ જ્યારે IDBI KTL હરરાજી માટે મુકી ત્યારે હિમતવાન મહિલા કલ્પના સરોજે પુનરૂત્થાનની સ્કીમ મુકી અને તે સ્વીકારાઇ. તેણીએ લેણદારોના બધાં દેવાં ચૂકવી દીધાં. કામદારોના રૂ. 85 કરોડનાં બાકી લેણાં ચૂકવી દીધાં. વાસ્તવમાં રૂ.90 લાખ વધારે ચૂકવીને કામદારોનાં દિલ જીતી લીધાં. આજે કામાણી ટ્યુબ્સ લી. 10000 ટન બિન-લોહધાતુની પાઈપ અને ટ્યુબ ઉપરાંત તાંબુ અને અન્ય માલ-સામાનનું ઉત્પાદન કરે છે. તેના ચેરપર્સન તરીકે કલ્પના સરોજ પદ શોભાવે છે. તેની પુત્રીએ હૉટલ મેનેજમેંટનો અભ્યાસ કર્યો છે અને કલ્પનાએ દિકરીને એક હૉટલ ખરીદી આપી છે. દિકરો અવીએશન પાયલોટ છે. કદાચ તેને માટે એરલાઈન કંપની શરૂ કરે! 

આવી શૂન્યમાંથી સર્જન કરનારી આ દલિત મહાશક્તિ મહિલાને વાર્તાલાપ બિરદાવે છે.


<<<<<>>>>>

પૂરક માહિતી:
AWARDS RECEIVED:
  • સાવિત્રી ફૂલે આદર્શ મહિલા એવૉર્ડ - શ્રી. સુરાડકર, આઇ. જી. મહારાષ્ટ્ર રાજ્ય, 1999.
  • માતા સાવિત્રી જ્યોતિબા ફૂલે એવૉર્ડ - પૂર્વ વ. પ્ર. માનનીય શ્રી વી.પી સીંઘ, 2001.
  • રાજીવ ગાંધી એવૉર્ડ ફોર વીમેન આંત્રપ્રેન્યોર.  
 ________________
સ્રોત: http://www.kalpanasaroj.com/index.aspx
Times of India, Los Anjeles Times, Careerpath

2 ટિપ્પણીઓ:

  1. ગજબનાક વ્યક્તિ.
    આમ પણ બને.
    -----------
    તમારી આ શ્રેણી આખી વાંચવી જ પડશે.

    જવાબ આપોકાઢી નાખો
  2. આવી હિમ્મતને કયા શબ્દોમા વર્ણવવી?

    જવાબ આપોકાઢી નાખો