શુક્રવાર, 23 માર્ચ, 2012

છૂના હૈ આસમાન - 4, અનિતા નૈરે


'છૂના હૈ આસમાન' શ્રેણીમાં આપણે એવી વીરલ વ્યક્તિઓની નોંધ લઇએ છીએં કે જેઓએ જીવનમાં અમાપ સંઘર્ષનો સામનો કરીને પણ શ્રેષ્ઠતા પામવાનો પ્રયત્ન કર્યો છે. આજે  એવી એક હિંમતવાન ભારતીય આદિવાસી યુવતી અનિતા નૈરે ના દ્રઢ મનોબળને નમન કરશું!


સરોવરના જળમાં એક નાનો પત્થર પડે ને સારાએ સરોવરની સપાટી પર તરંગો ફેલાય જાય. એક નાનકડી મીણબત્તીની જ્યોત આખા ઘરમાં પ્રકાશ ફેલાવે છે. ”વાર્તાલાપ”માં આ પહેલાં યુ-ટ્યુબની એક ચિત્રમાલિકા જ્યોત સે જ્યોત જલે શિર્ષક નીચે આપી હતી. આ વાતનું એક જ્વલંત ઉદાહરણ મધ્યપ્રદેશની એક આદિવાસી યુવતીએ દ્રઢ નિર્ધાર અને હિંમત વડે પૂરું પાડ્યું છે.

મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાના રતનપુર ગામના આદિવાસી શ્રમજીવી શિવરામ નૈરેનાં લગ્ન 13 મે, 2011 ના રોજ અનિતા સાથે થયાં. અનિતા સાસરે આવી અને બીજે જ દિવસે તેણીએ જાણ્યું કે શૌચક્રિયા માટે ઘરમાં જાજરૂ નથી. ઘરમાં જ નહિ, આખા ગામમાં ક્યાંય જાજરૂ ન હતું! તેને કહેવામાં આવ્યું કે જંગલમાં જઇ આવવાનું, ગામનાં બધાં જ બૈરાં સદીઓથી આમ જ કરે છે! બી.એ.નાં બે વર્ષ જેટલું ભણેલી આ આદિવાસી યુવતીને આ વાત ગળે ન ઉતરી. તેણે તો પિયરની વાટ પકડી. પતિને આખરીનામું આપ્યું કે ઘરમાં જાજરૂની વ્યવસ્થા કરો પછી જ હું સાસરે આવીશ! આમ એક સભ્ય શૌચ-વ્યવસ્થા માટે તેણીએ પોતાના વૈવાહિક જીવનને હોડમાં મુક્યું.        

(અનિતા નૈરે ને "સુલભ સ્વચ્છતા એવૉર્ડ" આપતા
કેંદ્રીય ગ્રામિણ વિકાસ  મંત્રી શ્રી જયરામ રમેશ). 
મામલો પંચાયત પાસે પહોંચ્યો. પંચાયતે અનિતાની દલીલો સાંભળીને તેની તરફેણમાં ચુકાદો આપ્યો. પંચાયતના રૂ.2200 અને જિલ્લા વહીવટી તંત્ર (MNREG) તરફથી રૂ.3400 ની મદદથી જાજરૂ બંધાયું. ત્યારે અનિતાજી શ્વસુર ગૃહે પાછાં આવ્યાં. પણ તે ચૂપ ન બેઠી રહી. ગામની અન્ય સ્ત્રીઓને જંગલમાં શૌચક્રિયાનો વિરોધ કરવા સમજાવી અને આઠ મહિનામાં 326 કુટુમ્બોના આ ગામમાં 80 જાજરૂ બંધાયાં! જિલ્લા કલેક્ટર શ્રીચંદ્રશેખરે અનિતાને જિલ્લા સ્વચ્છતા અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી. દિલ્હીની સુલભ ઇંટરનેશનલ સંસ્થાએ તેને "સુલભ સ્વચ્છતા એવૉર્ડ" અને રૂપિયા પાંચ લાખ પુરસ્કાર રૂપે આપ્યા. આપણા રાષ્ટ્રપતિ માન. શ્રીમતિ પ્રતિભા પાટીલે તેણીનું હાલમાં જ વિજ્ઞાન ભવનમાં સન્માન કર્યું. 



વિચાર  પૂર્તિ
શહેરોમાં વસતા લોકોને આ વાતની ગંભીરતા કદાચ ના સમજાય પણ સંયુક્ત રાષ્ટ્રસંઘના એક અભ્યાસ મુજબ દુનિયાની કુલ વસ્તીના ફક્ત ત્રીજા ભાગના લોકોના નસીબમાં જ યોગ્ય શૌચ-સફાઇની સુવિધા ઉપલબ્ધ છે. આપણા દેશમાં 1.2 બિલિયનની વસ્તીમાં 894 મિલિયન મોબાઇલ ફોન છે જ્યારે ફક્ત 366 મિલિયન લોકો વ્યવસ્થિત જાજરૂનો ઉપયોગ કરે છે! આપણને એક નહિ અસંખ્ય અનિતાની જરૂર છે.
_____ 
Photo: Ministry of Rural Development website

2 ટિપ્પણીઓ:

  1. અનિતાને એક પત્રકારે પૂછ્યું કે આ પાંચ લાખ રુપિયાનું શું કરશો. અનિતાએ જવાબમાં જણાવ્યું કે પહેલાં તો હું મારા ઘરમાં નહાવાની ઓરડી બંધાવીશ.

    જવાબ આપોકાઢી નાખો
  2. NICE GHATANA.....It's Inspirational.
    It is an EYEOPENER to ALL & it can lead to SAMAJ PARIVARTAN
    DR. CHANDRAVADAN MISTRY
    www.chandrapukar.wordpress.com
    Invite you to Chandrapukar

    જવાબ આપોકાઢી નાખો