શુક્રવાર, 6 મે, 2011

૧૨૩, એક્ષટેન્શન બંગલો

(આજે એક નાની નવલિકા પ્રસ્તુત છે. આશા છે આપ સહુને ગમશે. આપના પ્રતિભાવની આતુરતાપૂર્વક રાહ જોઈશ.)

૧૨૩, એક્ષટેન્શન બંગલો

- ભજમન

'અરે કાકા, ઉઠો. મુલાકાતનો ટાઇમ પૂરો થયો. ચાલો ઘેર જાઓ.'

સંજીવની હોસ્પિટલની નર્સે બાંકડા પર બેસીને ઊંઘી રહેલી ૪૫-૫૦ વર્ષની એક વ્યક્તિને ઢંઢોળીને જગાડી. નર્સે જોયું કે માણસ કોઇ ઉચ્ચ વર્ગનો, ગૃહસ્થ કુટુમ્બનો હોવો જોઇએ. મોંઘો સફારી સુટ પહેર્યો હતો. કાંડે સોનેરી પટ્ટાવાળી ઘડિયાળ પણ કિંમતી હોય તેમ લાગતું હતું. ગૃહસ્થ સફાળો જાગૃત થયો અને ચોતરફ બાઘાની જેમ જાણે કોઇ અજાણી ભોમકામાં આવી ચડ્યો હોય તેમ જોવા લાગ્યો. પછી નર્સની સામે જોઇ બોલ્યો, '૧૨૩, એક્ષટેંશન બંગલો.'

નર્સ કાંઇ સમજી નહિ. 'ચાલો, ચાલો વડિલ, ઊભા થાઓ.’

'મારે ૧૨૩, એક્ષટેંશન બંગલો જવું છે.'

'હા, તો બહારથી વાહન મળી જશે. જાઓ.

ગૃહસ્થ ધીમેથી ઊભો થયો ખિસ્સા પર હાથ મુકતાં બૂમ પાડી, 'મારો મોબાઇલ?.. મારું પાકિટ? કોઇ મારું પાકિટ લઇ ગયું ! ચોર ! ચોર !'

નર્સ ગુંચવાઇને ઊભી રહી ગઇ. ત્યાં સામેથી એક યુવાન સ્ત્રી પોલિસ ઓફિસરના ડ્રેસમાં આવતી હતી તેનું ધ્યાન આ બૂમાબુમ તરફ ખેંચાયું. તે પાસે આવી અને પૂછ્યું. 'શું ધમાલ છે?'

નર્સ બોલી, 'આ કાકાનું પાકિટ ને મોબાઈલ કોઇ લઇ ગયું.'

'ક્યાંથી ગયું? ક્યારે ગયું?'

'મેડમ, ખબર નથી. આ કાકા તો અહિં ઊંઘી ગયા હતા. વીઝિટીંગ અવર્સ પૂરા થયા હતા એટલે મેં તેમને જગાડ્યા. પણ એ તો ક્યારના બંગલો, બંગલો બબડ્યા કરે છે. પાકિટ-બાકિટની મને કાંઈ ખબર નથી.’

'અરે ! ખિસ્સામાંથી ક્યાંક નીકળી ગયું હશે જરા આજુબાજુ તપાસ કર.'

નર્સે બાંકડા પાછળ અને વાંકા વળી બાંકડા નીચે જોયું.

'મળ્યું ! પાકિટ તો અહિં નીચે જ છે.'

'મારે ૧૨૩, એક્ષટેંશન બંગલો જવું છે.'

આ બધો શોર સાંભળીને હોસ્પિટલનો સિક્યોરિટી ગાર્ડ ત્યાં આવ્યો. નર્સે તેનો ઉધડો લીધો. ' અલ્યા, ક્યા ધ્યાન રાખતા હૈ? આ કાકાકા મોબાઇલ કોઇ લે ગયા.'

'એક મોબાઇલ કિસીકો મિલા થા મૈને રીસેપ્શનપે જમા કરવાયા હૈ. અભી લાતા હું.'

સિક્યોરિટી ગાર્ડ રીસેપ્શન તરફ દોડ્યો. સજ્જને આ બધાથી બેખબર થઇ ચાલતી પકડી.

'અરે તમે ક્યાં ચાલ્યા? ઊભા રહો. આ રહ્યું તમારું પાકિટ અને તમારો મોબાઇલ હમણાં આપું છું.' પોલીસ ઓફિસરે તેમને રોક્યા.

‘૧૨૩, એક્ષટેંશન બંગલો’ સજ્જન બબડ્યા

'હા થોડીવાર ઊભા રહો હું તમને ત્યાં પહોંચાડવાની વ્યવસ્થા કરું છું.'

એટલી વારમાં સિક્યોરિટી ગાર્ડ આવ્યો અને ઓફિસરના હાથમાં મોબાઇલ આપ્યો. ઓફિસરે જોયું કે મોબાઇલની બેટરી ખલાસ હતી અને ચાલુ થઇ શકે તેમ ન હતો. તેણીએ સજ્જનના હાથમાં મોબાઇલ પકડાવતાં પૂછ્યું, 'આ જ તમારો મોબાઇલ છે?'

'હા. પણ ચાલુ નથી. મારે ૧૨૩, એક્ષટેંશન બંગલો જવું છે.'

'હા. ચાલો હવે તમને તમારે ઘેર મુકી જાઉં. ચાલો મારી સાથે.' સજ્જનનો હાથ પકડી તેણી બહાર પોતાની બાઈક પાસે દોરી ગઈ. પાર્કિંગમાં ચોતરફ એક નજર ફેરવીને તેણીએ મનોમન કંઇંક નોંધ લીધી.

'ચાલો મારી પાછળ બેસી જાઓ'

'ના. તમે મને પોલીસ સ્ટેશન લઈ જશો. મારે ૧૨૩, એક્ષટેંશન બંગલો જવું છે.’

' અરે! તમારે ઘેર તમને મુકી જઇશ. ગુજરાત પોલીસ તમારી સેવામાં. તમારા બંને હાથ મારી કમર ફરતા બરાબર વીંટાળી લો. અને હાથના આંકડા ભીંસીને જકડીને બેસજો.' પેલા ગૃહસ્થ ના ના કરતાં, બાઇકની પાછળ ગોઠવાયા તો ખરા પણ પછી અચકાયા.

'અરે, તમારા હાથ આગળ લાવો ! ચિન્તા કરો મા. તમારી સામે છેડતીનો કેસ નહિ કરું.'

લેડી ઓફિસરે બાઇક દોડાવી. થોડા સમય પછી એક બંગલાના દરવાજા પાસે આવી,
બાઇક ઉપર બેઠે બેઠે જ દરવાજો ખોલી બાઇક કમ્પાઉંડની અંદર લીધી. ગૃહસ્થ નીચે ઉતર્યા. ઓફિસરે બાઇક સ્ટેન્ડ ઉપર ચઢાવી.


'લો આવી પહોંચ્યાં.'

'પણ ૧૨૩, એક્ષટેંશન બં..ગલો ..?’

કાંઇ પણ બોલ્યા વિના ત્રણ પગથિયાં ચઢી ઓફિસરે પેન્ટના ખિસ્સામાંથી ચાવી કાઢી તાળું ખોલી, બારણાં ઉઘાડી, ત્યાં જ ઊભા ઊભા કમર પર હાથ રાખી ગૃહસ્થ તરફ આતુરતાથી સુચક નજરે જોયા કર્યું. ગૃહસ્થ આ મૌન આદેશ નકારી ન શક્યા ચૂપચાપ તે પણ પગથિયાં ચઢવા લાગ્યા. ઘરમાં પ્રવેશી યુવતી તેને સીધા ડાયનિંગ ટેબલ તરફ દોરી ગઇ. ખુરશી પર બેસાડી, ફ્રીજમાંથી પાણીની બોટલ કાઢી ગ્લાસમાં પાણી ધર્યું. એક ડ્રોઅરમાંથી ગોળીનું પાટીયું લીધું તેમાંથી બે ગોળીઓ કાઢી.

'લો પાણી પીઓ અને આ બે ગોળી પણ લઇ લો'

'ગોળી? શાની છે? મારે ૧૨૩...'

યુવતીની આદેશ ભરી નજર અને હાથના ઈશારાથી ગૃહસ્થ ચૂપ થઇ ગયા.અને દવા લઇ લીધી.

યુવતીએ પાઈનેપલ જ્યૂસની બરણીમાંથી જ્યૂસનો ગ્લાસ ભર્યો.

'આ જ્યૂસ પીવો. ત્યાં સુધીમાં હું કપડાં બદલીને આવું છું. પછી ઝટપટ જમવાનું ગરમ કરી લઉં અને આપણે જમી લઇએ.' એમ કહી તે અંદરના રૂમમાં અદ્રશ્ય થઇ ગઇ.


થોડા સમય પછી ટુંકી બરમુડા શૉર્ટ અને લૂઝ ટૉપ પહેરીને તે બહાર આવી. ખભા સુધીના વાળને કાબૂમાં રાખવા પીળા રંગનું બૅન્ડ તેણીના કાળા ભમ્મર વાળ પર શોભતું હતું. મધુર સ્વરે ફિલ્મી ગીત ગણગણતાં યુવતી ઝપાટાભેર જમવાની તૈયારી કરવા લાગી. તેની ગોરી ચિત્તાકર્ષક દેહયષ્ઠિ અને પ્રત્યેક અંગના હલનચલનથી નીતરતા સૌંદર્યને ગૃહસ્થ અવાક્ નયને નીરખી રહ્યા.
કોઇપણ જાતના સંવાદ વિના જમવાનું પતી ગયું.

'ચાલો હવે તમે પણ કપડાં બદલી ને સૂઇ જાઓ. તમને નાઇટ ડ્રેસ આપું છું.'

'પણ ૧૨૩, એક્ષટેંશન બં..ગલો ..?’

‘જુવો રાતના બહુ મોડું થયું છે. તમે અત્યારે અહિં જ રાત રોકાઇ જાઓ.'

'પણ હું ક્યાં સૂવું ?'

'ક્યાં સૂવું ?! અરે મારી સાથે, મારી બેડમાં, બીજે ક્યાં ! મી.જયરાજ સેહગલ! હા, તમે જયરાજ સેહગલ છો. ઓટોમોબાઇલ સ્પેરપાર્ટસ બજારના રાજા. અને હું છું તમારી પત્ની નંદિની પટેલ આજથી દસ વર્ષ પહેલાં આપણે પ્રેમમાં પડ્યા. રાધર, હું તમારા પ્રેમમાં પડી. હું બાવીશની, તમે પાંત્રીસના; બધાના વિરોધ છતાં ત્રણ વર્ષ પછી આપણે પરણ્યાં. અને આ ૧૨૩ એક્ષટેન્શન બંગલો, તમારું-આપણું- ઘર જ છે. મેં તમારી ઓફિસે ફોન કર્યો હતો તો અબ્બાસે કહ્યું શેઠ તો ગાડી લઇને પાંચ વાગ્યાના નીકળી ગયા છે. મોબાઇલ તમારો સ્વિચ ઑફ આવતો હતો. મને થયું તમે કોઇક કામમાં ગુંચવાઇ ગયા હશો તેથી હૉસ્પિટલ થઇને ઘેર જાઉં. સદ્‍ભાગ્યે તમે પણ સંજીવની માં જ હતા, પણ ત્યાં બેહોશ થઇ ગયા ! યાદ છે? દિવાળી પર આપણને બાઈક્નો અકસ્માત નડ્યો હતો? મારી બાઈક પરથી તમે ફેંકાઇ ગયા હતા ત્યારે કોઇ ઇજા થઇ ન હતી પણ બે દિવસ બેભાન અવસ્થામાં રહ્યા હતા. ત્યારે જ ડૉક્ટર દવેએ મને ચેતવી હતી કે ગમે ત્યારે અચાનક તમને સ્મૃતિભ્રંશ થઇ શકે અને તે માટે દવા પણ આપી રાખી હતી. હવે થોડા દિવસ ઘેર આરામ જ કરજો. હું અબ્બાસને ફોન કરી દઇશ. એ બધું સંભાળી લેશે. તમારી ગાડી પણ હોસ્પિટલના પાર્કિંગમા પડી હશે તે પણ મંગાવી લેશે.

'નંદિની....?'

હા. હું જ નંદિની. અને યાદ કરો, તમે હોસ્પિટલે શું કામ ગયા હતા ? હોસ્પિટલે ગયા પણ કામ અધુરૂં મુક્યું હતું. મેં રીપોર્ટ લઇ લીધો છે. અને જ…ય ! કોંગ્રેચ્યુલેશન્સ !! રીપોર્ટ પોઝીટીવ છે, તમે બાપ બનવાના છો !'

'નંદુઉઉ…!!' કહેતાં જયરાજે નંદિનીને બાહુપાશમાં જકડી લીધી.
                                                                                                                                                  

                                                                     ========XoX=======

2 ટિપ્પણીઓ:

  1. chadravada mistry મનેં ને
    વિગતો દર્શાવો 04:40 પૂર્વ મધ્યાહ્ન (18 કલાક પહેલા)

    Unable to post my Comment


    SO the the Comment copied/pasted with this Email>>>>

    હા. હું જ નંદિની. અને યાદ કરો, તમે હોસ્પિટલે શું કામ ગયા હતા ? હોસ્પિટલે ગયા પણ કામ અધુરૂં મુક્યું હતું. મેં રીપોર્ટ લઇ લીધો છે. અને જ…ય ! કોંગ્રેચ્યુલેશન્સ !! રીપોર્ટ પોઝીટીવ છે, તમે બાપ બનવાના છો !'
    'નંદુઉઉ…!!' કહેતાં જયરાજે નંદિનીને બાહુપાશમાં જકડી લીધી.

    જવાબ આપોકાઢી નાખો
  2. chadravada mistry મનેં ને
    વિગતો દર્શાવો મે 7 (5 દિવસ પહેલા)
    Unable to post my Comment


    SO the the Comment copied/pasted with this Email>>>>

    હા. હું જ નંદિની. અને યાદ કરો, તમે હોસ્પિટલે શું કામ ગયા હતા ? હોસ્પિટલે ગયા પણ કામ અધુરૂં મુક્યું હતું. મેં રીપોર્ટ લઇ લીધો છે. અને જ…ય ! કોંગ્રેચ્યુલેશન્સ !! રીપોર્ટ પોઝીટીવ છે, તમે બાપ બનવાના છો !'
    'નંદુઉઉ…!!' કહેતાં જયરાજે નંદિનીને બાહુપાશમાં જકડી લીધી.

    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    Read this Varta...Nice one.
    The Ending of the Varta as above.
    A man's Destiny Changed....memory lapses...
    The style of the story-telling nice !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    www.chandrapukar.wordpress.com
    Inviting you to Chandrapukar..not seen you there for a long time !

    જવાબ આપોકાઢી નાખો