મીઠે મેં ક્યા હૈ?
માર્કેટીંગના માણસ તરીકે મને એડ્વર્ટાઈઝીંગમાં હમેશાં રસ રહ્યો છે. વિવિધ બ્રાન્ડના પણ એક સરખા ઉત્પાદનને જાહેરાતના દશ્ય અને શ્રાવ્યના માધ્યમથી અનોખી રીતે રજુ કરવાની આ કળા ખૂબ પડકાર રૂપ છે. તેમાં પણ જ્યારે ટીવી પર કોઇ કલ્પનાશીલ અને સર્જનાત્મક જાહેરાત જોવા મળે ત્યારે મન પ્રસન્ન થઇ જાય છે. આજે આવી મને ગમી ગયેલી કેટલીક એડ તમારી સાથે શેર કરું.
૧. સોલ્જરની નજર !- ભારતી એરટેલ ૩જી ની આ જાહેરાતમાં દૂર સરહદ પરનો એક યુવાન સિપાહી પોતાની પત્નીને વીડિયો ફોન પર બોલાવે છે. અને તાકી રહે છે. પત્નીની ગરદન પરનો એક તલ (બ્યુટી સ્પોટ) તેને નજરે પડતો નથી. પત્ની સાથે ગાળેલી નાજુક રોમાંચક પળોમાં જાણે ખોવાઇ જાય છે! પત્ની કૃત્રિમ ગુસ્સાથી છણકો કરે છે. પણ તેમાંથી પણ સ્નેહ નીતરે છે. પ્રેમથી કટાક્ષમાં તેની ભટકતી જીંદગી માટે પોતાનો રોષ પ્રગટ કરે છે. સાથે સાથે ગરદન પરનાં ઝૂલ્ફાંને હટાવી પતિને રીઝવે પણ છે! છેવટે તે એક ભારતીય નારી છે ! પતિને પ્રેમથી તેની ફરજપરસ્તી પ્રત્યે સભાન કરે છે "એક સોલ્જરની નજર ક્યારેય નીચે ન હોવી જોઇએ!" આફ્રિન!!
http://www.youtube.com/watch?v=2_zNs_tSLAo
૨.મીઠે મેં કુછ મીઠા હો જાએ - કેડબરી ડેરી મિલ્ક ચોકલેટની આ જાહેરાત તો અદ્ભૂત છે! દેશના ઘર ઘરમાં બનતી એક સર્વ સામાન્ય ઘટનાને ખૂબ જ સરસ રીતે દર્શાવવામાં આવી છે. એકદમ ઓછા સંવાદ સાથે આ એડ ઘણું બધું કહી જાય છી. તમારી કલ્પના શક્તિને છુટ્ટો દોર આપી દો! સદ્યસ્નાતા પત્ની ભીના વાળથી પતિને છાંટા ઉડાડી સંયુક્ત કુટુમ્બમાં મળતી ક્ષણિક એકાંતની પળોનો લાભ લઇ પતિની છેડતી કરે છે. અને નયનો ને બાકીનું કામ સોંપી દે છે પણ ત્યાં તો સાસુમા અણધાર્યું ડોકિયું કરે છે ! જાણે રસગુલ્લામાં કારેલું !!
http://www.youtube.com/watch?v=C44vihlOixk
૩.વાયર્સ ધેટ ડઝ નોટ કેચ ફાયર! - હવેલ કેબલ્સની આ જાહેરાતમાં કોપીરાઇટર એકપણ શબ્દનો ઉપયોગ કર્યા વિના ઘણું બધું કહી જાય છે! મહાનગરની સ્કાયસ્ક્રેપર ઈમારતોની તળેટીમાં રડવડતી ગરીબીનું બિહામણું દ્રશ્ય. ભાંગેલ તૂટેલ ઝૂંપડીમાં એક હાથે રોટી શેકતી અને બીજા હાથે ભૂખ્યા શિશુને હીંચકો નાખતી એક મા. નાનક્ડો કિશોર માને અસહાય ભરી નજરે જોતો રહે છે. પણ જ્યારે માંને રોટી શેકતાં દાઝતી જુવે છે ત્યારે તે રહી નથી શકતો અને ઉકરડામાંથી કેબલના ટુકડામાંથી ચીપિયો બનાવી આપે છે ! ચીંથરે વિંટ્યું રતન !! વાયર્સ ધેટ ડઝ નોટ કેચ ફાયર!
http://www.youtube.com/watch?v=nI5v4Bc2D-o&playnext=1&list=PL6CC1E58FB4DA3842
ખખૂબજ ઊંચી સોચ સાથે ટૂંકમાં પોતાની અસરકાર રજૂઆત...
જવાબ આપોકાઢી નાખો