શુક્રવાર, 27 મે, 2011

તમે પાતળા કેમ છો?

                                                              તમે પાતળા કેમ છો ?                                       -ભજમન

એક મિત્ર ના રિસેપ્શનમાં જવાનું થયું. નવ પરિણીત દંપતીને અભિનંદન આપી, અલ્પાહાર ને ન્યાય આપી રહ્યો હતો ત્યાં અચાનક કોઈનો જોરદાર ધબ્બો પીઠ પર પડ્યો ! ને સાથે જ, ‘કેમ પંડિત !’ નો કર્કશ અવાજ કાને અથડાયો. પીઠ પાછળ થયેલા આ અચાનક આક્રમણના ફળ સ્વરૂપે હાથમાંના અલ્પાહારની ડીશે પૃથ્વી પ્રતિ પ્રયાણ કર્યું. જમીનદોસ્ત થયેલ વાનગીઓ તરફ શોકાતુર દ્રષ્ટી નાંખી મેં સન્મુખ થયેલી સ્થૂલકાય વ્યક્તિ પર પ્રશ્નાર્થ નજર ઠેરવી.

‘?... ...??’

‘ઘણા વખતે મળ્યા આપણે, અલ્યા ! ક્યાં ખોવાઈ ગયો હતો ?’ મારા હાથને પોતાના પાવડા જેવડા અને જેવા પહોળા, ખરબચડા બે પંજાની પકડમાં લઇ જોરથી હલાવતાં પૂછ્યું, ‘આમ બાઘાની જેમ શું જુએ છે ? ઓળખાણ ન પડી ?’

પુરા એક સો એક રૂપિયાના ચાંલ્લાના બદલામાં મળેલ અલ્પાહારને ધૂળમાં મેળવનાર આ મિત્ર પર આવતા રોષને અટકાવી, મોં પર કૃત્રિમ સ્મિત રેલાવી, આ ભીમકાય મહાશય કઈ (અ)શુભ ઘડીએ મારા મિત્ર બન્યા હશે, એનો તાગ મેળવવા મગજમાં અરજંટ SMS મોકલવા લાગ્યો. સાથોસાથ મારો હાથ ખભાથી ખડી જાય તે પહેલાં તેની લોખંડી પકડમાંથી છોડાવ્યો.

‘બે વર્ષમાં તો તું ખૂબ ઉતરી ગયો, યાર !’ એમણે બોલવાનું ચાલુ જ રાખ્યું, ‘શું માંદો હતો ?’

‘ના રે ! આઇ એમ ઓલરાઇટ !’ મેં જવાબ આપ્યો. ’બોલ, ક્યાં છે હમણાં ? નર્મદા યોજનામાં જ કે બીજે ?’ મેં વાત ફેરવી.

એ મિત્ર સાથે થોડી આડી અવળી વાતો કરી છુટો પડ્યો. પણ મારા પાતળા શરીર માટે ચિંતા પ્રગટ કરનાર એ પહેલી વ્યક્તિ ન હતી. વર્ષોથી મારી “ચાર ફૂટ, ચોવીસ ઇંચ” ની ઊંચાઈ કે “ચોસઠમાં ચાર કમ” કિલોગ્રામ વજનમાં કશો જ ફરક નથી પડ્યો. અને છતાં વિવિધ સ્થળે અને સમયે વિધ-વિધ લોકોએ મારા પાતળા શરીર માટે ચિંતા દર્શાવી છે! હું પાતળો હોઉં તેમાં લોકોએ શા માટે પાતળા થવું જોઇએ ?

એક હિતચિંતક વડીલ મિત્રએ તો મારા પાતળાપણાનું રહસ્ય પણ શોધી કાઢ્યું હતું ! ‘અલ્યા પંડિત ! કેમ આજકાલ દેખાતો નથી ?’ રસ્તામાં મને અટકાવી પૂછ્યું.

‘હું દેખાતો નથી ? તમને ? જરૂર તમને આંખે મોતિયો આવ્યો હશે !’ મેં ટોળમાં કહ્યું.

'હેં ? મોતિયો ? શું બકે છે ?'

‘હા હા. ઘણીવાર નાની ઉંમરમાં આંખે મોતિયો આવવાના દાખલા બન્યા છે ! તમારે સત્વરે કોઇ આંખના સારા દાક્તરની સલાહ લેવી જોઇએ. કહે છે કે ડૉ. વાંઢા બહુ હોંશિયાર છે.’ મેં ગંભીરતાનો ડોળ કરતાં કહ્યું.

‘હો... ...હો ! એમ વાત ઉડાવી ન નાખ, બચ્ચુ ! બિમાર તો નો’તો ને ? આ શરીર કેમ સાવ નખાય ગયું છે ?’

‘ના, ના. કશું જ નથી થયું મને. આ તો હમણાં કામ જરા વધારે રહે છે એથી.. .. ‘

‘હા, હા. એ તો હું જાણું ને તારું કામ શું હોય તે ! કોઇ છોકરીના પ્રેમમાં પડ્યો લાગે છે ! તમે આજકાલના જુવાનડા વ્યર્થ લાગણીવેડામાં લોહીનું પાણી કરો એવા છો !’

‘હું એવા વેવલાવેડા કરું એમ તમને લાગે છે ?’ મેં વિરોધ કર્યો.

‘ના, પણ તું જો ખરેખર સીરીયસ હોઉં તો બોલી દે જે. આમ તો હું ફોરવર્ડ છું. તારો બેડો પાર કરી દઇશ ! શરમમાં ન રહેતો ! એ ફ્રેંડ ઈન નીડ ઇઝ ફ્રેંડ ઈંડીડ ! શું સમજ્યો ?’

એક કલાકની મથામણ અને એક કપ ચાયના ભોગે એમને સમજાવ્યું કે હું પ્રેમમાં નથી પડ્યો.

‘તો પછી પ્રેમમાં પડ !’ એમણે ધડાકો કર્યો. ‘કદાચ તારું શરીર એથી વળે પણ ખરૂં !’ કહી છુટા પડ્યા.

શું દુનિયા છે ! કોઇ વાતે સંતોષ નહિ ! ભારે શરીરવાળા પાતળા થવા માટે પ્રયત્નો કરે અને પાતળા શરીરવાળા જાડા થવા માટે ! એમાં મારા જેવો સંતોષી જીવ “જૈસે થે” જીવન ગાળવાનો પ્રયત્ન કરતો હોય તો તેને સલાહ સુચનો મળ્યા જ કરે ! અલબત્ત, હું પાતળાપણાના પ્રેમમાં છું એમ નથી. પાતળા શરીરને કારણે મારે અનેક મશ્કરીના ભોગ પણ બનવું પડ્યું છે. યુનિવર્સિટી યુનિયનની ચુંટણીમાં વી.પી. તરીકે અમારી કોલેજનો ઉમેદવાર ચુંટાયો હતો. વણલખ્યા નિયમ મુજબ, વિજયી ઉમેદવારને ઊંચકી લઇ અમે સરઘસાકારે કેમ્પસમાં ફેરવવા લઇ ચાલ્યા. પરંતુ, વિજયના જોમ કરતાં હીપોપોટેમસના ભાઇ જેવા ઠક્કરનું વજન વધારે પડતું નીકળ્યું ! ઠક્કરને તુરત જ નીચે ઉતારી દીધો. હવે ?

‘ઠક્કરને બદલે પંડિતને ઉંચકીશું ?’ કોઇના ફળદ્રુપ ભેજામાંથી કીમિયો ઊગી આવ્યો. તે આમે ય ઠક્કરનો પાકો મિત્ર છે અને વળી વજનમાં હલકો !’ સહુએ એકી અવાજે આ વિચાર વધાવી લીધો. મારો અભિપ્રાય તો શેના પૂછે જ ? મારા વડે જરા પણ પ્રતિકાર થાય તે પહેલાં તો હું ‘એરબોર્ન ’ થઇ ગયો ! મારા એક હાથમાં ઠક્કરનું પોસ્ટર કોઇએ પકડાવી દીધું અને ઠક્કરના નામનો વિજયનાદ કરતા અમે આગળ ધપ્યા. ગુલાલથી ગુંગળાતો, ધૂળથી ધૂંધવાતો, એકથી બીજા ખભા પર બાસ્કેટબોલની માફક ઉછળતો, કૂદતો, અથડાતો, કૂટાતો, અટવાતો, ટીપાતો સારા ય કેમ્પસમાં ફર્યો. જ્યારે ઠક્કર મહાશય હાથીની જેમ ડોલતા ડોલતા હાર પહેરીને સહુનું અભિવાદન ઝીલતા આગળ ચાલતા હતા !

તમને કદાચ મારી ઈર્ષા થતી હશે કે વિના ચુંટાયે ખ્યાતિ મળી ખરૂં ! પણ સાહેબ, રૂમ પર જઈને પલંગ પર જે પડતું મુક્યું છે! શરીરનું અંગેઅંગ 'ઠક્કર ઝીંદાબાદ' ના પોકાર પાડતું હતું. બે દિવસમાં પોણો ડઝન નોવાલ્જીન લીધી અને વીંટોજીનોની બે ડઝન ટ્યુબો ખલાસ કરી ત્યારે આ ‘કામચલાઉ વી.પી.‘ હરતા ફરતા થયા ! વધારામાં ઠક્કરની પાર્ટી ગુમાવી તે નફામાં !

તમે જાડા હોવ તો મશ્કરીના ભોગ બનો, પાતળા હોવ તો પણ પરિહાસનું લક્ષ્ય બનો ! ટ્રેન,બસ કે હવાઇજહાજમાં પાતળા લોકોને ખાસ કંસેશન મળવું જોઇએ ! પાતળા મનુષ્યોનું વજન ઓછું હોય અને વળી જગ્યા પણ ઓછી રોકે છતાં પૈસા જાડા મનુષ્યો જેટલા જ આપવાના ! આમ બે રીતે નુકસાન વેઠવું પડતું હોય છે ! વજનદાર તેમજ વધુ જગ્યા રોકે તેવા સામાન માટે રેલ્વે, બસ કે ટ્રાંસપોર્ટવાળા તમારી પાસેથી વધુ દર માગશે પરંતુ પાતળા, હલકા-ફુલકા મનુષ્યોને કોઇ ફાયદો નહિ કરી આપે !

એક વખત ઓચિંતા મારે બહારગામ જવાનું થયું. ગાડીમાં ભીડ સખત હતી. મજૂરને પૈસા આપીને બંદાએ તો બારી પાસેની સીંગલ સીટ મેળવી લીધી. ગાડી ઊપડી ત્યાં સુધી તો કશો વાંધો ના આવ્યો. મારી એટેચી બાજુમાં રાખીને મેં સુવાંગ ખુરશી સાચવી રાખી.( લાગતા વળગતા નોંધ લે !) બીજા સ્ટેશને જેવી ગાડી ઊભી રહી કે બારીમાંથી બેગ, બિસ્ત્રો, થેલીઓ વિગેરે સામાન ધડાધડ અંદર ફેંકાવા લાગ્યો ! સામાનથી જાતને બચાવતો હું પ્રતિકાર કરું-ના-કરું, ત્યાં તો એક સ્થૂલકાય, ભદ્ર મહિલા, “હેવી અર્થમુવર” ની જેમ વચ્ચેના મુસાફરોને ખસેડતાં, હડસેલતાં, ધકેલતાં, ધસમસતાં આવી પહોંચ્યાં. આવીને બારીમાંથી પોતાના પાંચેક વર્ષના પુત્રને પણ અંદર લઇ લીધો. અને ગાડી ચાલી. મહિલાએ પોતાનું અર્ધું શરીર બારીમાંથી બહાર કાઢ્યું. મને થયું, પોતાના પાતળા પતિદેવને પણ પુત્રની જેમ પ્લેટફોર્મ પરથી અંદર ખેંચી લેશે કે શું ?! પણ સદભાગ્યે એમણે સુકલકડી સહચર પર સલાહ સુચનોની ઝડી વરસાવી ! ગાડી પ્લેટફોર્મની બહાર નીકળી એટલે એમણે શરીર બારીની અંદર ખેંચ્યું. અને મેં નિરાતનો શ્વાસ લીધો ! હકડેઠઠ ડબ્બામાં એમણે ચોમેર સર્વગ્રાહી નજર ફેરવી. છેવટે એમની અમી દ્રષ્ટિ (!) મારા પર ( વાસ્તવમાં મારી ખુરશી પર !) પડી. પરંતુ હું એમની નજર શેનો ગણકારું ! હું તો ચોપડીમાં ડોકું ઘાલીને સાહિત્ય સૃષ્ટિમાં ડૂબી ગયો હોઉં તેવો ડોળ કરી બેઠો રહ્યો.

થોડી વારે તેમણે બાબાને બારી ની લાલચ આપીને મારી પાસે બેસવા સમજાવ્યો. પરંતુ (મારા સદનસીબે ) એમના સુપુત્રને અજાણ્યું લાગવાથી ન માન્યો આમ સીટમાં ભાગ પડાવવાનું એમનું પહેલું તીર ખાલી ગયું ! રાંધવાના ગેસના સિલિંડર જેવા પોતાના ભારેખમ શરીરને મારી બાજુમાં સીટ પર ગોઠવવાનો પ્રયત્ન કર્યો પણ “ભાર છે ભાજીના કે તેલીયો વઘાર પી જાય !” મેં તેમને દ્રઢતાથી, જરા પણ ખસવાની ના પાડી દીધી. ખલ્લાસ ! મશીનગનમાંથી ગોળીઓ છુટે તેમ શબ્દોની ઝડી વરસી ! “ભીડમાં બૈરાં માણસને જગ્યા કરી આપવી જોઇએ.” “નાનું છોકરું ક્યાં સુધી ઊભું રહી શકે ?” વિગેરે વાક્યબાણોથી મારા અંતરાત્માને ઢંઢોળવાનો પ્રયત્ન થવા લાગ્યો. આજુબાજુ ઊભેલા બીજા પરોપકારી (!) અને અદેખા સજ્જનોનો તેમને સાથ મળ્યો. ના છુટકે મારે બાબાને બાજુમાં બેસાડવો પડ્યો !

ટ્રેનમાં કે બસમાં જ્યારે જ્યારે મને બેસવાની જગ્યા મળી હોય ત્યારે અન્યના બાળકોને મારે સાંકડે મુકડે, એક પગ પર બીજો પગ ચઢાવી જગ્યા કરી આપવી પડે ! મારા આ જોડીદારો ચાલુ વાહને અચૂક ઊંઘી જવાના ! અને એમના તેલથી તરબોળ માથા વડે મારા કપડાં પર અવનવી ડીઝાઇન પાડવાના ! ઘણાં છોકરાંઓને બિસ્કિટ વગેરે ખાવાનું આપ્યું હોય તો પોતાના લાળવાળા, ગંદા હાથ મારા પેંટ પર લુછતાં જરાય અચકાવાના નહિ ! અને આ સર્વ મુશ્કેલીનો સામનો મારે કરવો પડે કેમકે હું પાતળો છું ને !

કંટાળીને એક વખત હું ડોક્ટર પાસે ગયો. મને ટેબલ પર સુવાડ્યો. છાતી-પેટ વગેરે ઠોકી ઠોકીને તપાસ્યાં. ચારેબાજુ ઉથલાવી-ફેરવીને વિવિધ નિરીક્ષણમાંથી પસાર કરીને એમણે નિદાન જાહેર કર્યું, ‘તમને કોઇ રોગ નથી.’

‘એ તો મને ખબર છે, ડોક્ટર સાહેબ ! પરંતુ મારે તો વજન વધારવું છે ! ‘ મેં સ્પષ્ટતા કરી.

‘તમે શાકભાજી પુષ્કળ લો. બધાં જ શાક ખાઓ છો ?’

‘જી હા. શાક તો બધાં જ ભાવે છે.’

‘સારું, હું દવાઓ લખી આપું છું. આ દવા સવાર-સાંજ જમ્યા પછી બે-બે ચમચી, આ

ગોળીઓ‌--- ‘

એમણે બે-ત્રણ જાતની દવાઓ, ટીકડીઓ જમ્યા પહેલાં પીવાની, જમ્યા પછી પીવાની, રાત્રે સુતાં પહેલાં લેવાની, સુતાં પછી લેવાની ! અઠવાડિએ એક વખત લેવાનાં એવાં છ ઇંજેક્શનો વિગેરે વગેરે લખી આપ્યું. દવાનું લાંબુ-લચક લિસ્ટ જોઇને જ ડોક્ટરની ફી તો વસૂલ થઇ ગઇ એમ લાગ્યું ! છેવટે કહે, ‘જુવો, દૂધ અને ફળ ઉપર હાથ રાખો અને ખાસ તો તમે પાતળા છો એવો ખ્યાલ જ મનમાંથી કાઢી નાખો !’

ડોક્ટરને મારે કેમ સમજાવવું કે મારા પાતળા શરીર માટે મારા કરતા મારાં આપ્તજનો વધારે ચિંતા સેવે છે ! કહેવાની જરૂર નથી કે ત્રણ મહિનાના કોર્સ પાછળ ખાસ્સા રુપિયાનું પાણી કરવા છતાં મારા વજનમાં નોંધપાત્ર પણ વધારો ન થયો.

‘તમે નિયમિત કસરત કરવાનું રાખો.’ એક પહેલવાન મિત્રે સલાહ આપી.

‘થોડી ઘણી કસરત તો હું કરી લઉં છું.’

‘અચ્છા ! સરસ. કઇ કઇ ?’

‘સૂર્ય નમસ્કાર, શિર્ષાસન, બેઠક વિગેરે.’ મેં સમજણ આપી. ‘પણ તેનાથી કોઇ ફર્ક નથી પડતો.’

‘તો પછી સવારના દોડવા જવાનું રાખો.’ એ મિત્ર મને એમ જલદી છોડે તેમ ન હતા !

‘અરે ભલા માણસ ! દિવસ આખો ઓછી દોડાદોડી થાય છે કે વળી સવારમાં પણ દોડવા જાઉં !’

એક નિસર્ગોપચાર પ્રેમી સજ્જને વળી બસ્તી પ્રયોગના અનેક લાભ વિગતથી વર્ણવ્યા અને પૂરા આત્મવિશ્વાસથી ઉમેર્યું કે આ પ્રયોગથી શરીરના બાંધામાં ધરમૂળ ફેરફાર થશે. મેં એમને કહ્યું કે મને મારા આ બાંધાથી પૂરતો સંતોષ છે અને વજન વધારવાનો કોઇ શોખ નથી કે નથી કોઇ જરૂરિયાત જોતો. એ સજ્જનને કદાચ હું અકડુમિયાં લાગ્યો હોઇશ ! તેમણે મોં ચઢાવી ચાલતી પકડી. મને મારા પાતળા હોવા વિષે કદી પણ અણગમો કે અસંતોષ નથી થયો. અને સામાન્ય જીવનયાપનમાં ખાસ કશી અડચણ પણ નથી નડી. ”ઊઠું છું, બેસું છું, ખાઉં છું, પીવું છું, કરું છું લીલા લહેર !”

હા ! એક વાર, ફક્ત એક વાર મને મારા પાતળા હોવા વિષે ક્ષણિક અફસોસ થયો હતો. પાતળા હોવાને કારણે મારે પાછી પાની કરવી પડી હતી. ના, ના. એ કોઇ યુધ્ધ ન હતું છતાં મારે હાર સ્વીકારવી પડી હતી. ભણી લીધું, નોકરી મળી. સારી મળી. પછી ચાલી છોકરીની શોધ. એક છોકરીને જોવા જવાનું નક્કી થયું. ‘ઇંટર્વ્યુ’ ગોઠવવામાં આવ્યો. મારા કુટુમ્બીઓ સાથે હું છોકરીને ઘેર ગયો. પ્રારંભમાં ઔપચારિક વાતચીત ચાલી. રૂમમાંથી ધીમે ધીમે અન્ય લોકો અમને બંનેને એકલાં મુકીને ચાલ્યાં ગયાં.

થોડી ક્ષણો રૂમમાં સંપૂર્ણ શાંતિ છવાઇ ગઇ. કોણ પહેલ કરે બોલવાની ? અમે બંને એકબીજાની નજર ચુકવીને જોતાં રહ્યાં. છેવટે બંનેએ એક સાથે જ બોલવાનું શરૂ કર્યું ! આડીતેડી વાતો ચાલી. કુછ ઇધર કી, કુછ ઉધર કી ! પ્રારંભિક ક્ષોભ દૂર થતાં વાતચીતમાં થોડી છુટ થઇ એટલે સહેજ અચકાતાં અચકાતાં તેણીએ લાગલો જ પ્રશ્ન કર્યો, ‘ત... તમે પાતળા કેમ છો ?’

‘કેમ, પાતળા હોવું એ ગુનો છે ? તમે પણ પાતળાં જ કહેવાઓ !’ મેં આંખોમા પ્રશંસાના ભાવ લાવી સસ્મિત કહ્યું.

‘એ ખરૂં. પણ બૉયઝ તો પાતળા ન હોવા જોઇએ.’

મેં એને પાતળા હોવાના ફાયદા વર્ણવ્યા. લોકસાહિત્યથી માંડીને આધુનિક ફિલ્મો સુધી પાતળાપણાનો જ પ્રભાવ છે તેમ જણાવ્યું. “મારા પાતળિયા પરમાર” કે “પાતલડી પરમાર” અને “આ તો કહું સું રે પાતળિયા તને અમથું !“ વગેરે લોક ગીતો ટાંકી સમજાવ્યું કે અનાદિ કાળથી સ્ત્રીઓ હમેશાં પાતળા પુરુષને ઝંખતી આવી છે ! ધીરે રહીને કહ્યું કે આધુનિક ફેશન પ્રમાણે હવે લોખંડના પલંગને સ્થાને બેડરૂમમાં લાકડાના નાજુક પલંગ હોવાથી પલંગની જીંદગી લાંબી થાય છે ! છેલ્લા તીર તરીકે એ પણ યાદ આપ્યું કે ગોવિંદા શરૂઆત ની ફિલ્મોમાં પાતળો હોવાથી જ વધારે પ્રખ્યાત થયો હતો અને જેમ જેમ સ્થૂલકાય થતો ગયો તેમ તેનો પ્રભાવ ઘટી ગયો ! અરે! અમિતાભ પણ પાતળો છે માટે જ એની બોલબાલા છે !

કદાચ અંતિમ દલીલથી એનું મન થોડું પીગળ્યું હોત, પણ વ્યર્થ ! જ્યાં “મુને ઘેલી કરી ભીમસેને” ત્યાં આપણું શું ચાલે ?! ચિંતા ન કરશો ! મને એવી છોકરી મળી કે જેને પાતળિયો કંથ મેળવવાની હોંશ હતી અને તે હોંશ તેણે રંગેચંગે પૂરી કરી ! કહેવાય છે પ્રસન્ન દામ્પત્ય એને કહેવાય, જેમાં પતિ-પત્ની એકબીજાના પૂરક હોય ! સમજી ગયાને !?

આમ મારા પાતળા હોવા માટે મારા આપ્તજનો-મિત્રોને ચિંતા મુક્ત કરવાના પ્રયત્નો સંપૂર્ણત: નિષ્ફળ નીવડ્યા પછી હું એવા નિષ્કર્ષ પર આવ્યો છું કે ભગવાનને ઘેર ‘રો મટીરિયલ્સ’ જ ’એડલ્ટરેટેડ’ હશે ! આથી મનુષ્ય યત્ન સફળ થાય જ ક્યાંથી ? માટે હવે મને જો કોઇ પૂછે છે કે “તમે પાતળા કેમ છો ?” તો હું માત્ર સ્મિતથી જ જવાબ વાળું છું !

=========

(લખ્યા તા. 24/05/1972).

2 ટિપ્પણીઓ:

  1. from Dr.Chandravadan Mistry"Chandrapukar" via email
    fo Bhajamanbhai>>>>>
    Bhajmanbhai,
    I have PROBLEM posting my COMMENT for a Post on your Blog.
    Is it no possible to make the FORMAT of LOGGING a bit easier bt the NAME/EMAIL only ???
    If so, I an post my comment directly there…IF you wany to keep the FORMAT as it is then ADD one more GROUP “Anonoumous” & thus I had posted my comment on other Blogs with theFormat similar to yours.
    MY COMMENT>>>>>
    આમ મારા પાતળા હોવા માટે મારા આપ્તજનો-મિત્રોને ચિંતા મુક્ત કરવાના પ્રયત્નો સંપૂર્ણત: નિષ્ફળ નીવડ્યા પછી હું એવા નિષ્કર્ષ પર આવ્યો છું કે ભગવાનને ઘેર ‘રો મટીરિયલ્સ’ જ ’એડલ્ટરેટેડ’ હશે ! આથી મનુષ્ય યત્ન સફળ થાય જ ક્યાંથી ? માટે હવે મને જો કોઇ પૂછે છે કે “તમે પાતળા કેમ છો ?” તો હું માત્ર સ્મિતથી જ જવાબ વાળું છું !…..
    Bhajamanbhai,
    Read the Post.
    In this “Hasyalekh”you are GREAT !..Meaing “Tame Kamal Kari !”
    The end of this Varta gives a SOLUTION to mny problems of our Life.
    Observing the SILANCE (Maunata) and responding witha SMILE.
    I also take the opportunty of answering to your recent communication by an Email with a thought that “One Language for all could be the SOLUTION to the EXISTING World Problems”
    NO NO…may not be so !….Even with one language of the FEW these FEW are NOT at HARMONY with eachother too. Humans are given the FREEDOM, and within that freedom he has to choose his/her DESTINY by doing the RIGHT or the WRONG thing…Hearing the ATMAPUKAR & doing the ACTS lead to the RIGHT PATH !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. ચંદ્રવદનભાઇ, આપનો આભાર! ટિપ્પણીના ફોર્મેટમાં 'અજ્ઞાત' ઉમેરી દીધું છે તેથી હવે પ્રતિભાવ પોસ્ટ કરવામાં વાંધો નહિ આવે. સુચન બદલ આભાર.

      કાઢી નાખો