શુક્રવાર, 2 એપ્રિલ, 2010

વાત્સલ્યનો વલોપાત?

     ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
મુર્ધન્ય સાહિત્યકાર જૉસેફ મેકવાનને ભાવભીની શ્રદ્ધાંજલિ.
ઈશ્વર તેમના આત્મા ને શાંતિ આપે.
________________________________________

( ગુજરાતી સાહિત્યમાં કૌટુંબિક સંબંધો વિષે લખાયું છે તેમાં મુખ્યત્વે સ્ત્રીના દ્રષ્ટિકોણથી લખાયું છે. પછી તે સંબંધ સાસુ-વહુનો હોય, મા-દિકરીનો હોય, કે પતિ-પત્નીનો હોય વ. નારીની વ્યથા, નારીની કથા. સંબંધોના આ તાણાવાણામાં સ્ત્રી હમેશાં પોતાની વ્યથા ને વાચા આપી શકે છે કે આંખોથી  વહેતા વારિ દ્વારા પણ વ્યક્ત કરી જાણે છે. પણ પુરુષ?  અહિં એક પિતા-પુત્રની વ્યથાને વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો છે. - ભજમન)  


વાત્સલ્યનો વલોપાત?


‘તને દેવુએ વાત કરી, ભાઇ ?’ માએ ડાઇનીંગ ટેબલ પર મારી સામે બેઠક લેતાં પૂછ્યું.

‘શાની વાત, મા ?’ મેં દેવાંશી સામે નજર નાખતાં વળતો પ્રશ્ન કર્યો.

‘આ મુનિભાઇનો સૌજન્ય જુદો થયો તેની. આજકાલના જુવાનિયાઓ પરણે કે બસ! બૈરી પાછળ આંધળા થઇ જાય. આવનારીને પણ લટકમટક થઇને ફરવું હોય એટલે સાસુ-સસરા તો આંખના કણાની જેમ ખૂંચતા હોય.’ માએ રકાબીમાં ચા કાઢતાં પ્રસ્તાવના કરી.

‘પણ સૌજન્ય અને સુહાસને હું સારી રીતે ઓળખું છું. સૌજન્ય જુદો થયો હોય તો તેમાં સુહાસ કારણભૂત હોય તેમ માનવું મુશ્કેલ છે. કદાચ મુનિકાકાનો દોષ હોય. પણ અચાનક શું થયું ? સિંગાપુર જતાં પહેલાં તો હું એને મળ્યો હતો. મંદાકાકીને તપાસવા ગયો હતો ત્યારે જ વળી !’ મેં નાસ્તો પૂરો કરી ચાનો પ્યાલો પાસે ખેંચ્યો. ‘ક્યારે જુદા થયા?’

‘બે દિવસ પહેલાં જ. વિજયનગરમાં તાત્કાલિક ફ્લેટ ભાડે લીધો અને પે’રેલે લૂગડે જ રે’વા હાલી નીકળ્યા.’ માએ માહિતી આપી.

‘તું એમ કર, સાંજના ક્લિનિક પર આવ. ત્યાંથી સીધા સૌજન્યને ઘેર જઇશું.’ મેં દેવાંશીને સુચન કર્યું. ‘તારી પાસે એડ્રેસ છે ને ?’

‘હા. ગઇકાલે જ એમના ઘેર જઇ આવી. સુહાસભાભી જ આવીને લઇ ગયાં હતાં.’

‘ભલે તો. રાતના જમશું ત્યાં. હું સૌજન્યને ફોન કરી દઇશ’

‘પણ સૌજન્યભાઇ હમણાં રજા પર છે તમે ફોન ક્યાં કરશો ?’

‘એમ ? તો ઘરની આજુબાજુ કોઇનો ફોન નંબર નથી ?’ મેં ઊભા થતાં પૂછ્યું.

‘ના. નંબર તો નથી. હજુ હમણાં જ ત્યાં રહેવા ગયા છે તેથી.. .. ‘ દેવાંશીએ ગાડીની ચાવી મારા હાથમાં મુકતાં કહ્યું.

‘કોઇ વાંધો નહિ. તું તારે સાડા આઠે ક્લિનિક પર આવી જજે. ચાલો મા, હું જઉં છું.’

‘હા ભાઇ ! અને ટાઇમ મળે તો મંદાની ખબર કાઢતો આવજે. આમ તો જોકે હવે સારું છે.’

‘’ભલે.’ કહી મેં ગાડી તરફ પ્રયાણ કર્યું.

ક્લિનિક પર પહોચતાં સુધી મનમાં મુનિકાકા અને સૌજન્ય જ રમતા રહ્યા. હું અને સૌજન્ય બાળપણથી જ સાથે મોટા થયા હતા. એક જ પોળમાં બાજુ બાજુમાં રહેવાનું અને એક જ સ્કૂલમાં એક જ બેંચ પર બેસીને ભણવાનું. એ એન્જિનિયરિંગ કૉલેજમાં ગયો અને હું મેડિકલમાં. તોયે અમારી મૈત્રી અતૂટ જ રહી. મુનિકાકાએ પાલડીમાં બંગલો કરાવ્યો અને પોળ છોડી તેમાં રહેવા ગયા.

સ્ટેટ્સથી આવ્યા પછી મેં નવરંગપુરામાં ફ્લેટ લીધો તેથી એકબીજાથી દૂર રહેવાનું થયું. વળી એની સર્વિસ અને મારી પ્રેક્ટિસના અલગ અલગ સમયને લીધે મળવાનું પણ ઓછું થતું. તેમ છત્તાં મહિનાના એકાદ રવિવારે તો અમે સાથે હોઇએ જ. ઘણીવાર તો ક્લિનિક પર મને મળવા દોડ્યો આવે. મુનિકાકાના ઉગ્ર સ્વભાવને લીધે તે ઘણીવાર મને કહેતો પણ ખરો કે, ‘પપ્પા સાથે લાંબો વખત રહી શકાય તેમ લાગતું નથી.‘ હું એને શાંતિથી કામ લેવાનું સૂચવી ટાઢો પાડતો અને વળી ગાડું ચાલતું. પરન્તુ ભૂગર્ભમાં ચાલતું આ તોફાન આટલી જલદી પર્વતના પડને વીંધીને બહાર વિનાશનાં વાદળો નોતરશે એમ ધાર્યું ના હતું. છેલ્લે છેલ્લે પિતા પુત્ર વચ્ચેનું અંતર ઘણું વધી ગયું હશે તેમ લાગે છે. આથી સૌજન્ય જૂદો થયો તેની મને નવાઈ ન લાગી પણ સુહાસનું નામ કેમ આવ્યું એ એક રહસ્ય હતું. તેથી જ મેં આજને આજ મળવા જવાનું નક્કી કર્યું.
# # #

‘હું ધારતો જ હતો કે તમે બન્ને જરૂર આવશો. આવો !’ સૌજન્યએ ફ્લેટના દરવાજા પર અમને આવકારતાં કહ્યું.

‘અરે ભાઇ ! તું તો ચુપચાપ નવા ઘરમાં રહેવા લાગ્યો અને અમને જાણ પણ ના કરી ? કેમ પાર્ટી આપવી પડે એટલે?’

‘પાર્ટી તો ત્યારે અપાય કે જો કોઇ આનંદની ઉજવણી હોય. કુટુંબથી વિખૂટા પડવાની પાર્ટી શાની ?’ સૌજન્યએ વિષાદભર્યા સુરમાં જવાબ આપ્યો.

મને તેના જવાબમાં વિષાદની સાથે રોષ, અકળામણ અને ફરિયાદના સુર પણ સંભળાયા. મેં તે તરફ દુર્લક્ષ કર્યું.

‘સુહાસ, શું રસોઇ કરી છે ? અમે એમાં ભાગ પડાવવાના છીએ !’

‘અરે ! કોઇ વાંધો નહિ. ગરમાગરમ મુઠિયાં તૈયાર જ છે. તમે બેસો. થોડીવારમાં હું લાવું છું.’

સુહાસ સ્વાગતની તૈયારીમાં પડી. દેવાંશી તેની મદદમાં લાગી. ડ્રોઇંગ રૂમમાં થોડીવાર ભારે મૌન છવાયું. કેવી રીતે વાતની શરૂઆત કરવી તેની મને સમજ પડતી ન હતી. અમે લંગોટિયા દોસ્તો હતા. અમારાં કુટુંબો પણ એક્બીજાની ખુબ નજીક હતાં છતાં એક્બીજાની આંતરિક કૌટુંબિક બાબતોમાં ક્યારેય માથું ન મારતા. આથી થોડી મુંઝવણ અનુભવતો હતો. પરંતુ સૌજન્ય મારી આ અસમંજસ કળી ગયો.

‘તો તું જાણવા આવ્યો છે ને કે હું જુદો કેમ થયો ?’ તેણે મૌન તોડ્યું.

‘હા. પણ ગેરસમજ ન કરતો. હું ધારું છું તેં બહુ વિચાર કરીને આ નિર્ણય લીધો હશે. પણ મને-અમને બહુ દુઃખ થયું.’

‘તો મને-અમને શું આનંદ થયો છે ? જે મા-બાપે આપણને પ્રેમ, ઉષ્મા અને વાત્સલ્યથી ઉછેર્યા હોય તેને ઘડપણમાં, કે જ્યારે સંતાનોની ખાસ જરૂર હોય ત્યારે, છોડવા પડે – જુદા થવું પડે તે અપાર દુઃખદાયક પરિસ્થિતિ છે.’ બોલતાં બોલતાં સૌજન્ય ગળગળો થઇ ગયો. તેની આંખો ભીની થઇ ગઇ.

થોડું અટકી તે આગળ બોલ્યો, ‘તને થોડીઘણી તો ખબર છે કે મારે પપ્પા સાથે નાની નાની ચકમક ઝરતી રહેતી હતી જ. પણ જનરેશન ગેપ માનીને હું ગણકારતો નહિ. મારી સર્વિસને આજકાલ કરતાં બાર વર્ષ થયાં. આજ સુધી તેમણે મારી પાસેથી એકપણ પૈસો નથી લીધો. ઘર તો એમના જ પગારમાંથી ચલાવવાનું એવો તેનો આગ્રહ, માનો કે હઠાગ્રહ હતો. સુહા ની આયુર્વેદની ડીગ્રી પણ ધૂળ ખાય છે. અરૂણા ટ્રસ્ટના પટેલકાકા જાતે ઘેર આવીને સુહાસને ટ્રસ્ટ હોસ્પિટલમાં જોડાવાનું આમંત્રણ આપી ગયા હતા. ત્યારે હજુ સુતપાનો જન્મ થયો ન હતો. સૂક્તિ પણ ત્રણ જ વર્ષની થઇ હતી. પપ્પાએ પટેલકાકાને બારોબાર જ ના પડાવી દીધી. મને કે સુહાને પૂછવાની પણ દરકાર ન કરી!  પણ છેલ્લા બે વર્ષથી તેઓ નિવૃત્ત છે. પગાર કરતાં પેંશન તો ઓછું જ હોય....'

'ચાલો, પહેલાં પેટપૂજા કરી લો.' સુહાસ અને દેવાંશી નાસ્તાની ડીશો લઇને આવ્યા.' પછી શાંતિથી બેસીશું.' કહી સુહાસે સહુને અન્ય વાતોમાં પરોવ્યા. સહુ નાસ્તાને ન્યાય આપવા લાગ્યા. નાસ્તા પછી થોડીવાર સૂક્તિ અને સુતપા સાથે ગમ્મત કરી. હૃદય કેમ અમારી સાથે  નથી આવ્યો એ સૂક્તિને સમજાવતાં નાકે દમ આવી ગયો. સુહાસ અને દેવાંશી બન્ને બાળકોને સુવડાવવા અંદરના રૂમમાં લઇ ગયા.

‘અરે ભાઇ, ઘરખર્ચની ક્યાં વાત કરે છે, મારા અંગત ઉપયોગ માટે ખર્ચ કરું એ પણ તેને મંજૂર ન હતું. સરકારી નોકરીમાં હતા ત્યારે ગાંધીનગર આવવા જવા માટે સરકારી ગાડી મળતી. આથી હું પપ્પાની જૂની ફિયાટ લઇને ફેક્ટરીએ જતો. તે નિવૃત્ત થયા પછી મેં ફિયાટ કાઢીને મારુતિ લેવાનું કહ્યું તો માન્યા નહિ. મેં ચુપચાપ ઝેન લીધી તો અઠવાડિયા સુધી તે મારી સાથે બોલ્યા નહિ. એ પછી પણ ‘ઘરમાં બે ગાડીઓની શું જરૂર ?’ ‘સાવ રમકડાં જેવી છે.’ એમ કટાક્ષો કર્યા કરે. આપણે બન્ને ક્લબના સભ્ય બન્યા તે પણ એમને ગમ્યું ન હતું. ‘હાર્દિક તો ડૉક્ટર છે. એને પોસાય, આપણે થોડા પૈસાવાળા છીએ ? એવા ધનવાનના શોખ શું રાખવાના?’  એમ કંઇને કંઇ સંભળાવ્યા કરે.

‘પણ સૌજન્ય થોડું ઇગ્નોર કરવાનું. બધું મન પર નહિ લેવાનું. આવી નાની મોટી બાબતો તો દરેક ઘરમાં બનતી હોય છે.'

'મેં એમ જ કર્યું. અત્યાર સુધી ધીરજથી બધું કાનઢાળ કરતો ગયો. પણ જ્યારે સૂક્તિના ભવિષ્યનો સવાલ આવ્યો ત્યારે તો સુહાસ પણ અકળાઈ ગઈ.'

'હા. હાર્દિક, પપ્પાજી આ બાબતમાં મમત પર ચઢી ગયા છે.' સુહાસ પણ વાતોમાં જોડાઈ. એ બંન્ને ક્યારે આવીને બેસી ગયા તે વાતોમાં ખ્યાલ ન રહ્યો.

‘કેમ શું થયું ?’

‘પપ્પાની ઇચ્છા સૂક્તિને પાલડીમાં જ દીવાન બલ્લુભાઇ શાળામાં મુકવાની હતી. અમે તેને. સેંટ્રલ સ્કૂલમાં મુકવા માગતા હતા. પપ્પાએ તેનો સખત વિરોધ કર્યો.’

“નજીકની શાળા સારી, હું પણ તેને તેડવા મૂકવા જઈ શકું. વળી સ્કૂલનો પ્રિન્સિપાલ મારો દોસ્ત છે, પ્રવેશ મળવાની કોઇ તકલીફ નહિ પડે.’ તમે લોકો આજની ફેશનમાં તણાઇને અંગ્રેજી માધ્યમનો મોહ રાખો છો. તમે ગુજરાતી માધ્યમમાં ભણ્યા તો શું વાંધો આવ્યો ? હાર્દિક ડોક્ટર થયો, તું એન્જિનિયર થયો ! તમારું ભણતર ખરાબ હતું ?”

‘હાર્દિક, હું પણ સૌજન્યને અત્યાર સુધી વારતી અને પપ્પાજી નારાજ ન થાય તેવા પ્રયત્નો કરતી. પણ એમનું એમ માનવું છે કે અમે તમારી વાદે વાદે આ નિર્ણય લીધો છે. “હાર્દિક તો ડોક્ટર છે, તેને આવા ખર્ચા પોસાય આપણને ન પોસાય. કાલ સુતપાનું ભણતર શરૂ થશે, બંન્નેના આવા રાજવી ખર્ચા ક્યાંથી કાઢશો ? “‘ સુહાસે પણ ઝુકાવ્યું.

‘પણ ભણતરનો ખર્ચો તો તું આપી શકેને ?’ હાર્દિકે પ્રશ્ન કર્યો.

‘અરે, સુહાએ જ્યારે વધારાના ખર્ચને પહોંચી વળવા નોકરી કરવાની અથવા ખાનગી પ્રેક્ટિસ કરવાની વાત કરી તો તેમનો રોષ ભભૂકી ઊઠ્યો. “તારી વહુને બહાર મટકવાના ચટકા છે માટે તમે આ બધો કારસો કર્યો છે. આ બધું મારા ઘરમાં નહિ ચાલે.“  એમ છેલ્લી પાટલીએ બેસતાં આકરાં વેણ કાઢ્યાં.’

‘હાર્દિક, માબાપની સેવા કરવી એ દરેક સંતાનની ફરજ છે એમ હું માનું છું અને સુહા પણ દિલથી સાથ આપતી હતી. પરંતુ માબાપે પણ સંતાનોના સંસારમાં અમુક હદ સુધી જ હસ્તક્ષેપ કરવો જોઇએ એમ તને નથી લાગતું ? આપણાં બાળકોનું ભવિષ્ય ઘડવાનો આપણને અધિકાર ખરો કે નહિ ? પપ્પા, એ કેમ ભૂલી જાય છે કે જેમ તેમને એક બાપનું હૃદય છે તેમ મારા મનમાં પણ પિતૃત્વની ભાવના અને વાત્સલ્ય ઉભરાય છે. પોતે ગામઠી, મ્યુનિસિપાલિટીની સ્કૂલમાં ભણ્યા હતા તોય આપણને એ.જી. પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલમાં મુક્યા? છેક પોળમાંથી આપણે એ.જી. સુધી, પહેલાં ઘોડાગાડીમાં, પછી રિક્ષામાં ન જતા ? અને તારા કરતાં પહેલાં મારી સાઈકલ આવી હતી, યાદ છે ને ?’

‘હવે એમને પૌત્રીને નિશાળે લેવા-મુકવા જવાની હોંશ ન હોય ?’

‘તો અમારી હોંશનું કોઇ મુલ્ય જ નહિ ? તેમણે પોતે શું કર્યું ? પોળનું જૂનું મકાન કાઢીને પાલડીમાં બંગલો કરાવ્યો કે નહિ ? ત્યારે દાદા વિના વિરોધે અમારી સાથે રહેતા જ હતા કે નહિ ? મને તો પપ્પા કરતાં દાદાજી વધારે વાસ્તવવાદી અને મોડર્ન વિચારના લાગતા હતા. યાદ છે ને તને, ફુટબોલ મેચ રમવા જયપુર જવા દેવા માટે દાદાએ જ મારો સાથ આપીને પપ્પા પાસે હા પડાવી હતી તે ! ‘

‘અને આપણાં લગ્ન પણ દાદાજીને લીધે જ થઇ શક્યાં હતાં ને ?’ સુહાસે યાદ અપાવી.

‘હા. તું તો એનો સાક્ષી છે. ત્યારે પપ્પાએ શરૂ શરૂમાં “પોળવાળી” સુહા સાથે લગ્ન કરવાની ના જ પાડેલી ને ? એ તો દાદા વચ્ચે પડ્યા. સમ હાવ હું પપ્પાને કદાચ સમજી નથી શક્યો. જો આ જનરેશન ગેપનો સવાલ હોય તો દાદાજી તેમનાથી પણ વધારે રૂઢિચુસ્ત ન હોવા જોઇએ ? જોવાનું એ છે કે આ જ પપ્પાએ દાદાની મરજી વિરુદ્ધ મને પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા યુએસએ મોકલ્યો ! હું ત્યાં જ રહ્યો હોત તો મને અહિં કરતાં ઘણી વધારે સારી નોકરી મળી હોત. અને........ છોકરી પણ !’ તોફાની નજર સુહાસ સામે નાખતાં સૌજન્ય બોલ્યો.

‘હા, હા. પે’લી એલીઝા તો પાછળ જ પડી ગઇ હતી નહિ ?  અરે! હજી ક્યાં પીછો છોડે છે? આ ડીસેમ્બરમાં તે અને તેનો હસબન્ડ નંબર ટુ ( -કે થ્રી, સૌ’ ?) અહિં ભારત દર્શન માટે આવવાના છે ને !’ સુહાસ મસ્તીમાં આવી ગઇ. ‘આ તમારા મિત્ર ત્યાં ટ્રેનિંગમાં ગયા ત્યારે એલીઝા જોડે જૂની દોસ્તી ફરી તાજી કરી આવ્યા છે. કોણ જાણે શું રાસલીલા ખેલી આવ્યા છે !’

આમ થોડી આડવાતથી વાતાવરણમાં હળવાશ ફેલાઈ.

‘પણ સૌજન્ય હવે તું આગળ શું કરવા માગે છે ? આવા ફ્લેટમાં કાયમ થોડું રહેવાય ? ‘
‘મારો વિચાર એકાદ વરસ આ ફ્લેટમાં કાઢી નાખવાનો છે. દરમ્યાનમાં આપણે જમીન લીધી છે ત્યાં બંગલો બનાવવાનું નક્કી કર્યું છે. આજે જ સુહા અને હું આર્કિટેક્ટ જોડે ચાર કલાક ચર્ચા કરી આવ્યા. આ અઠવાડિયું મેં રજા લીધી છે. પહેલા બે દિવસ પપ્પાને મનાવવા પાછળ ગાળ્યા પણ તેઓ અડગ છે. મને દાદાની ખૂબ યાદ આવી. આજે તે હોત તો આ પરિસ્થિતિ ઊભી જ ન થઇ હોત ! સદભાગ્યે મમ્મી મજબૂત છે. અને અમારી સાથે છે. મતલબ તેમણે અમારા આ પગલાંને ટેકો આપ્યો છે. ફક્ત ટેકો જ નહિ પણ કહોને કે પ્રોત્સાહન આપ્યું છે. તેમને તો શ્રદ્ધા છે કે પપ્પાની જીદ લાંબી નહિ ચાલે.’

‘અરે મમ્મીજીએ તો મને કહ્યું કે સુહા બેટા, તમે જરાય મનમાં ન લાવશો. તમારા નવા બંગલામાં આપણે સહુ સાથે ગૃહ પ્રવેશ કરીશું. વિયોગ આપણને વિવશ અને વિહ્વળ બનાવે પણ એ જ વિયોગ વહાલમાં વધારો કરે. મમ્મીજી ગ્રેટ છે !.’ બોલતાં બોલતાં સુહાસ ભાવવિભોર થઇ ગઈ.

‘પપ્પા પણ ગ્રેટ જ છે. પણ કોઇવાર તેમની ગ્રેટનેસ રીગ્રેટ કરાવે છે. પપ્પા આપણને ખૂબ પ્રેમ કરે છે એની મને ખબર છે.’

‘ગુડ. મંદાકાકી સમજે છે એટલે અર્ધો પ્રોબ્લેમ તો સોલ્વ થઇ ગયો.‘

‘હાર્દિક! આઇ ફીલ ડીસ્ટ્રેસ્ડ એંડ હેલ્પલેસ. એક પુત્ર તરીકે હું મારી ફરજ ચૂકી જતો હોઉં એમ મને લાગ્યા કરે છે. આ અમેરિકા નથી. આપણો દેશ છે. અહિં દરેક માબાપની એવી અપેક્ષા હોય છે કે પાછલી ઉંમરે સંતાન તેની સંભાળ લે. શું પપ્પાએ મને ઉછેરવામાં, ભણાવવામાં કોઇ ભોગ નહિં આપ્યો હોય? ચોક્કસ આપ્યો હશે. અમદાવાદમાં જ રહીને, બદલી નહિ સ્વિકારીને તેઓએ પ્રમોશનની અનેક તકો ગુમાવી હશે કે જેથી સોનાલી અને મારું ભણતર સારી સ્કૂલમાં થાય અને બગડે નહિ. તેમણે પોતાની પ્રગતિના ભોગે અમારી ઉન્નતિનો માર્ગ સરળ કરી આપ્યો. હાર્દિક ! પુત્ર તરીકે મારા કર્તવ્ય પાલનમાં હું ઊણો ઉતર્યો હોઇશ, પરંતુ એક પિતા તરીકે મારા સંતાનો પ્રત્યે મારું કોઇ કર્તવ્ય ખરું કે નહિ ? સૂક્તિ અને સુતપાના ભવિષ્યનો પાયો જો અત્યારે મજબૂત નહિ બનાવું તો આગળ જતાં તે ક્યારેય સાબૂત નહિ બની શકે. આ પ્રક્રિયામાં કોઇ ‘એક્શન રીપ્લે’ શક્ય નથી. પપ્પાને હજુ પણ સમજાવી શકાય, તેમની જીદ, હઠ, કે દુરાગ્રહનો ઉપાય શક્ય છે. અમે તનથી ભલે છુટા પડ્યા, મનથી અલગ નથી થયા એ મને ખાતરી છે. પપ્પાના દિલમાં અમારે માટે ની લાગણીમાં જરાપણ ઓટ કે ઓછપ નહિ આવી હોય. હા, તાત્કાલિક અમારી વચ્ચે થોડું અંતર વધ્યું છે પણ સમય જતાં એ અંતર હું દૂર કરી શકીશ. છોકરાંઓના ઉછેરમાં જો નબળાઇઓ રહી જશે તો તે દૂર કરવી અશક્ય છે. બસ. આથી જ મેં આ પગલું લીધું છે, લેવું પડ્યું છે.’

‘અને હાર્દિક, તું તો જાણે છે કે હું મંદાકાકી જોડે બચપણથી જ અનોખા બંધનથી સંકળાયેલી છું. મને કે 'સૌ' ને સ્વતંત્ર રહેવાનો શોખ જ નથી. સંયુક્ત પરિવારમાં પરસ્પરની લાગણી અને હૂંફનો જે અનુભવ છે તે અલગ રહેવામાં કદાપિ પ્રાપ્ત નથી થવાનો.’

‘રાઇટ. અને એથી જ મેં એવી નોકરી અને છોકરી શોધ્યાં જેથી અમદાવાદમાં સ્થાયી થવાય. નહિં તો યુએસએમાં જ ન રહેત !’

‘હા, અને પે’લી ગોરી ગધેડી જોડે ઘરસંસાર માંડતે !’ સુહાસે છણકો કર્યો.

‘અરે, નારે ! ઘરસંસાર તો મારી ભોળી ભામિની સુહાસ જોડે જ માંડવાનો હતો. છેક બાળપોથીથી મારી પાછળ પડી છે ! પણ લગ્ન પછી તું યુએસએ આવી શકી હોત, પપ્પા ક્યારેય આવવા તૈયાર ન થાત.’ સૌજન્ય પાછો ગંભીર થઇ ગયો. ‘હાર્દિક, તારા બંગલાનું મોડેલ આજે અમે દોશીને ત્યાં જોઇને આવ્યા. બંગલાનું કામકાજ ક્યારે શરૂ કરવાનો છે ?’

‘મારા બંગલાનો પ્રોજેક્ટ થોડો મોડો શરૂ થશે. પેલો મારો ફ્રેંડ રાજેશ શાહ નહિ ? યુએસ માં કાર્ડિયાક સર્જન છે તે ? વેલ, તેની સાથે હાર્ટ સર્જરીની હોસ્પિટલ શરુ કરવાનો છું. હાલમાં જ એસજી હાઇવે પર જમીનનું ફાઈનલ થઇ ગયું. હવે હોસ્પિટલ પ્રોજેક્ટને અગ્રિમતા આપવી પડશે.’

‘અરે વાહ ! અભિનંદન ! સુહા, તો તો આઇસક્રીમ થઇ જાય !’

આઇસક્રીમ ખાઇ ને અમે છુટ્યા પડ્યા. ઘેર આવી પથારીમાં લંબાવ્યું પણ નિદ્રા વેરણ થઇ પડી. કોણ સાચું ? મુનિકાકા ? સૌજન્ય ? સૌજન્યની વાતો સાંભળ્યા પછી મને તેનો દોષ લાગતો ન હતો. આવો પ્રેમાળ પુત્ર અને કહ્યાગરી પુત્રવધુ હોય તોય મુનિકાકાને સુખના સાગરમાં સહેલ કરવાને બદલે દુઃખનો દરિયો ડહોળવાનું કેમ સૂઝ્યું હશે ? પુત્ર પ્રત્યેનો અતિપ્રેમ, અતિસંરક્ષણ,   માલિકીપણામાં પરિવર્તીત થતા હોય તેમ લાગ્યું . પિતાનું વાત્સલ્ય,  પિતાનું વહાલ એ પુત્રની વ્યથા બને તો એ વાત્સલ્યનો વલોપાત જ કહેવાય કે બીજું કંઇ ? મંદાકાકીના શબ્દો સાચા પડે એ પ્રાર્થના સાથે હું નિદ્રાદેવીને શરણે થયો.

=================XXX================

(લખ્યા તા 09/07/1996.)

4 ટિપ્પણીઓ:

  1. સરસ વાર્તા..પ્રેમમાં બંધન નહી..મુક્તિનો એહસાસ થવો જોઇએ નહીંતર એ પ્રેમ પણ ભારરૂપ બની રહે..દરેકે પોતાના પ્રિય પાત્રના જીવનમાં થૉદો અવકાશ રાખવો જ રહ્યો. સ્નેહ કોઇની વેદનાનું કારણ બને..વાત્સ્લયનો વલોપાત બની રહે..એમાં પ્રેમ કરત માલીકીની...મમત્વની ભાવના વધારે દેખા દેતી હોય છે.
    આમ પણ અમુક ઉમર પછી વળગણો..મમત્વ ઓછા કરી સંતાનોને એના આકાશમાં ઉડવાની આઝાદી મળવી જ જોઇએ... વયો ધર્મ..દરેક વયને એનો ચોક્કસ ધર્મ..એની ગરિમા હોય છે..

    જવાબ આપોકાઢી નાખો
  2. Even after 2 days, this article is not going away from my mind; many such observations came in my mind after/while reading your post. My previous comment is also in that context (for one other family I know and for this family as well), Just curious to know, what happened after few years now?
    They are together? Or still painful emotions?

    જવાબ આપોકાઢી નાખો