(પતિ-પત્નીના અતિ અંગત અને નાજુક સંબંધો અને તેના પ્રશ્નો પર આધારીત આ વાર્તાં છે. સુખી દાંપત્ય જીવનમાં કોઈ ક્ષણે અણધાર્યો વળાંક આવે કે સંબંધોના તાણાવાણા વીંખાય જાય છે. બંનેના સંયુક્ત પ્રયત્નો છતાં લગ્નજીવન જોખમમાં આવી પડે છે. હસતું રમતું કુટુંબ પળવારમાં છિન્નભિન્ન થવાના આરે આવી પહોંચે છે. ત્યારે પતિ કે પત્ની વિચારે છે, "તો મારે શું કરવું?)
તો મારે શું કરવું?
-ભજમન નાણાવટી
“ઊફફ્ ! બહુ થયું, માર્દવ! હવે આ નથી સહન થતું.” કહી
સંગીતાએ માર્દવને હડસેલ્યો અને તેના હાથમાંથી રમકડું લઈને જોરથી ઘા કર્યો.
“પણ સંગી ડીયર! બીજું હું શું કરું?” માર્દવે નિમાણા ચહેરે અને
નિરાશાભર્યા સ્વરે સંગીતાને કહ્યું. “તું જાણે છે છેલ્લા થોડા વખતથી આપણે આ ઉપાય
અજમાવ્યો છે. તું એમ માને છે કે મને પસંદ છે? મારી નબળાઈ દૂર કરવાના સઘળા ઉપાય
આપણે કરી ચૂક્યા છીએં. અંતે ડો. પારેખના સૂચન મુજબ આ રમકડું વાપરવાનું શરૂ કર્યું.
અત્યાર સુધી તો તું ખુશ હતી, હવે અચાનક શું થયું?”
***
માર્દવ અને સંગીતા જુગતેજોડી. જાણે કે મેઈડ ફોર ઈચ અધર.
માર્દવ એક સફળ ચાર્ટર્ડ એકાઊંટન્ટ હતો અને તેની પોતાની કંપની ચલાવતો હતો. સંગીતા
માનસશાસ્ત્રના વિષય સાથે એમ. એ., પીએચડી હતી અને શહેરની એક પ્રખ્યાત કોલેજમાં
પ્રોફેસર હતી. કવિતાઓ પણ લખતી અને એક કાવ્ય પુસ્તિકા પણ પ્રકાશિત કરી ચૂકી હતી.
બંનેનો બાવીસ વર્ષનો સુખી સંસાર હતો. અઢાર વર્ષની એક પુત્રી નતાશા અને ચૌદ વર્ષનો
પુત્ર સન્માન હતા. નાનું કુટુંબ, સુખી કુટુંબની વ્યાખ્યા પરિપૂર્ણ કરતાં હતાં.
પરંતુ ત્રણ વર્ષ પહેલાં માર્દવને એક હળવો સ્ટ્રોક આવ્યો. તેમાંથી તો તે સાજો થઈ ગયો
પણ તેની અસર એક અંગ પર મૂકતો ગયો. તે અંગની ચેતના લુપ્ત થઈ ગઈ. માર્દવ તેની જાતીય
ક્ષમતા ગુમાવી બેઠો. કેટલાય ન્યુરૉલોજીસ્ટ, મનોરોગ નિષ્ણાતો, સેકસ થેરાપીસ્ટને
બતાવ્યું. એલોપથી, હોમીયોપથી, યુનાની વિ. દવાઓ
અજમાવી જોઈ. વિદેશી નિષ્ણાતોની પણ સલાહ લીધી. બધું જ વ્યર્થ. વૈદ-હકીમ અને
જડીબુટ્ટીઓના અખતરા પણ કરી જોયા. ડૂબતો તરણું ઝાલે તેમ અશ્વશક્તિ અને સિંહબળની
ગોળીઓ લીધી. પરિણામ શૂન્ય. સંગીતા ધીરજપૂર્વક તેને સાથ અને સહકાર આપતી હતી.
સંગીતા પોતે પણ માનસશાસ્ત્રી હતી. છતાં બંનેએ માનસશાસ્ત્રી
ડો. પારેખની સલાહ લીધી. ડો. પારેખે બંનેને સંયુક્ત રીતે અને અલગ અલગ સાંભળ્યા. માર્દવ
પોતાની નબળાઈને કારણે પત્નીને ખુશ કરી શકતો ન હતો એથી દુખી હતો અને મનોમન હિજરાતો
હતો. સંગીતા સમજદાર હતી અને માર્દવની મનોવ્યથાથી પૂરી રીતે વાકેફ હતી. પોતાનાથી
બને તે રીતે માર્દવને ખુશ કરવાના પ્રયત્નો કરતી. પોતે ખુશ છે તેવો ડોળ કરતી. માર્દવ
આ પામી જતો અને તેથી વધુ દુખી થતો. પણ આખરે સંગીતાની શારીરિક જરૂરિયાત સંતોષાતી
નહીં. તેની રાતો અજંપામાં વિતતી.
આની અસર તેના શરીર પર પણ દેખાવા લાગી. બાવીસ વર્ષના સહજીવન
અને બે બે પ્રસૂતી પછી પણ તેણીએ શરીર સૌંદર્ય જાળવી રાખ્યું હતું. છેંતાળીસ વર્ષે
પણ તેનું સુગઠિત તન અને સપ્રમાણ બાંધો તેની ઊમર દસ વર્ષ ઘટાડી નાખતી હતી. પરંતુ
થોડા વખતથી તેનો સ્વભાવ ચીડિયો થઈ ગયો હતો. વાત વાતમાં અકારણ ગુસ્સે થઈ જતી.
કોલેજમાં વિદ્યાર્થીઓની માનીતી હોવા છતાં હવે ક્લાસમાં સરખું ધ્યાન આપીને ભણાવી
શકતી ન હતી. તેણે પોતાના શરીરની કાળજી લેવાનું પણ છોડી દીધું હતું. હમેશા અપટુડેટ
તૈયાર થતી અને પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતી સંગીતા, સહુની સાથે હસી મજાક કરતી સંગીતા,
વાતો કરતી સંગીતા હવે કોલેજમાં થાકેલી, નિસ્તેજ, અતડી રહેવા લાગી હતી. તેને થતું,
કોને માટે લપેડા કરવા? શા માટે ખાવા-પીવામાં કાળજી રાખવી? ઘણીવાર તે છાને છાપને
આંસૂ સારી લેતી.
તેના બાળકોએ પણ સંગીતાના સ્વભાવ પરિવર્તનની નોંધ લીધી હતી. સન્માનને
ખાસ સમજ પડતી ન હતી પણ નતાશા પુખ્ત ઊમરની હતી તેને આછી-પાતળી શંકા પડી હતી. નતાશાએ તે નોંધ્યું કે બેડરૂમમાં મોમ-ડેડના બેડ
અલગ થઈ ગયા હતા. પણ મોમને કેવી રીતે પૂછવું? મોમ-ડેડ વચ્ચે વાતચીત પણ કામ પૂરતી
થતી હોય તેમ લાગ્યું. ડેડના આનંદી સ્વભાવનું ઝરણું જાણે કે સૂકાઈ ગયું હતું. ક્યાં
અગાઊનું હસી-મજાક અને આનંદની છોળો ઊછાળતું ઘરનું વાતાવરણ અને ક્યાં અત્યારનું
શાંત, ગમગીન વાતાવરણ. બંને બાળકો પણ અસ્વસ્થ હતાં. તેઓ પોતાની રીતે મોમ-ડેડને ખુશ
કરવાના પ્રયત્નો કરતાં. મોમના અકારણ ગુસ્સા તરફ દુર્લક્ષ સેવતાં.
ડો. પારેખે યુગલની આપવીતી સાંભળીને તેઓને કોઈ પણ પ્રકારની
દવા લેવાની મનાઈ કરી. તેણે બે-ત્રણ પ્રકારના સેકસ ટૉય્ઝમાંથી કોઈ એક, બે અથવા
ત્રણેયનો ઉપયોગ કરવાનું સૂચવ્યું. જેનાથી સંગીતા તૃપ્તિનો અનુભવ કરી શકે.
ન મામા કરતાં કાણો મામો શું ખોટો? એ ન્યાયે એક સાધનની પસંદગી
કરી અને તેઓએ ઉપયોગ શરૂ કર્યો. શરૂ શરૂમાં નવીનતાને લીધે બધુ સુપેરે ચાલ્યું. પરંતુ
પછી સંગીતાને લાગ્યું કે કાંઈક ખૂટે છે. તે નક્કી કરી શકતી ન હતી કે શું ખોટ છે.
પોતે આનંદ અનુભવે છે પણ સંતોષ નહીં. પોતાના મનોવિજ્ઞાનના પુસ્તકોમાં ખાંખાંખોળા
કરીને જવાબ શોધવાની કડાકૂટ પણ કરી ચૂકી. પરંતુ ક્યાંય સંતોષજનક ઉત્તર ન મળ્યો. ડો.
પારેખ પાસે પણ કોઈ ઈલાજ ન હતો. તો પણ માર્દવને ખરાબ ન લાગે તે માટે તેણે સહકાર
આપવાનું ચાલુ રાખ્યું.
***
પણ એક રાતે દબાવી રાખેલો અસંતોષ જ્વાળામુખીની જેમ ફાટી
નીકળ્યો. તેણે માર્દવના હાથમાંથી સાધન ઝૂંટવીને ફેંકી દીધું.
“સોરી મારદુ, બટ ઇટ ઈઝ યુઝલેસ.” સંગીતાએ હતાશાના ભાવ સાથે કહ્યું.
“સંગી, વોટ ઈઝ યોર પ્રોબ્લેમ? આઈ એમ ટ્રાઈન્ગ માય બેસ્ટ.
તું મને હુમિલીએટ કરે છે. મને અપમાનજનક લાગે છે. સ્ટ્રોક પહેલાં તને ક્યારેય કોઈ
ફરિયાદ હતી?” માર્દવનો પણ પિત્તો ગયો.
“માર્દવ, આ ફક્ત શારીરિક જરૂરિયાત પૂરી કરતું નિર્જીવ
યાંત્રિક રમકડું છે. તે સંતોષ ન આપી શકે. મને,.., મ.. મને હું ધંધાદારી સ્ત્રી હોવ
તેવું લાગે છે. કાંઈક ખૂટે છે.“ સંગીતાએ આર્જવ ભર્યા સવારે કહ્યું.
“શું ખૂટે છે તે કહીશ મને? ડો. પારેખને પૂછીને કોઈ બીજું
સારું મોડેલ હોય તો તે લઈ આવીએ. બાકી હવે જે છે તે આ જ છે. છતાં તારું મન ન માનતું
હોય તો કોઈ શૈયાસાથી શોધી લેવાની તને મારા તરફથી છૂટ છે. હું વાંધો નહીં લઉં.”
“મા.. ર્દ.. વ! શું બકે છે તેનું કાઈ ભાન છે તને?” સંગીતા
રોષથી ભડકીને ઊભી થઈ ગઈ. તેનો ચહેરો લાલઘૂમ થઈ ગયો. આંખો આંસૂથી છલકાઈ ગઈ. તે આગળ
કાઈ બોલ્યા વિના રૂમમાંથી બહાર નીકળી ગઈ.
***
નતાશાએ જોયું કે મોમ-ડેડના રૂમ અલગ થઈ ગયા હતા.
બે-ચાર દિવસથી એક બીજા સાથે વાતચીત પણ કરતાં ન હતા. ડેડી બ્રેકફાસ્ટ કર્યા વિના
ઓફિસે ચાલ્યા ગયા હતા. હવે તેનાથી ન
રહેવાયું, તેણે પૂછ્યું, “મોમ, કાંઈ પ્રોબ્લેમ છે? ડેડી સાથે અબોલા છે?”
સન્માન બોલી ઊઠયો, “મોમ, તું અને ડેડી ડીવોર્સ લેવાના છો?”
“તું ચૂપ કરીશ? જેમ ફાવે તેમ બોલે છે!” નતાશાએ તેને ટોક્યો.
“તમે બંને ચૂપ કરો. તમારા ભણવામાં ધ્યાન આપો. જે બાબતમાં
ખબર ન પડતી હોય તેમાં માથું નહીં મારવાનું.” સંગીતા તાડૂકી.
“પણ મોમ, તું આજ કોલેજે પણ નથી ગઈ! યુ હેવ ટુ ટેલ મી. તમારા
બંનેના બેડરૂમ પણ જુદા કરી નાખ્યા છે. શાનો ઝગડો છે તમારા બે વચ્ચે? અમારે શું
સમજવું?” નતાશાએ હતી એટલી હિમત ભેગી કરીને કહ્યું.
“ધેટ ઈઝ નન ઑવ યોર બીઝનેસ. અમારી અંગત બાબતમાં તમારે કોઈએ
માથું મારવાની જરૂર નથી. સમજી? તું કોલેજ ભેગી થા અને તું સ્કૂલની તૈયારી કર.” સંગીતાનો
પારો ચઢેલો જ હતો.
“પણ તું કેમ કોલેજે નથી ગઈ?” નતાશાએ પૂછપરછ ચાલુ રાખી.
“મારું માથું દુખે છે તેથી લીવ પર છું. બસ? હવે સંતોષ થયો?
હવે મને ડીસ્ટર્બ ન કરતી.” કહી તેના બેડરૂમમાં ચાલી ગઈ.
આખો દિવસ સંગીતાએ બેચેનીમાં ગાળ્યો. રાતના પણ જેમતેમ ડીનર
કરીને પોતાના બેડરૂમમાં ચાલી ગઈ. પણ નીંદર શાની આવે? એકાદ ચોપડી લઈને વાંચવાનો
પ્રયાસ કર્યો પણ તેમાં પણ મન ચોંટતું ન હતું.
“મારે શું કરવું જોઈએ?” એ જ પ્રશ્ન આખો દિવસ તેના મગજમાં
ચકરાયા કરતો હતો. રાત્રે પણ તેણે પીછો ન છોડ્યો. “મારે શું કરવું? માર્દવ પણ ખરો
છે! બાવીસ વર્ષના સહજીવન પર એક જ વાક્યમાં પૂર્ણવિરામ મૂકી દીધું! બસ, આટલો જ
પ્રેમ?”
“તેણે ખોટું શું કહ્યું? પ્રેમ છે એટલે તો તને છૂટ આપી.
તેને ખેલદિલી કહેવાય !” અંતરમાંથી અવાજ આવ્યો.
“ખેલદિલી? શાની ખેલદિલી? એમ કોઈ સાથીદાર શોધવો સહેલો છે? આ
ઉમરે મને કોણ મળે?”
“કેમ ન મળે? ચાળીસ પછી તો સ્ત્રી પુન: યૌવન પ્રાપ્ત કરે.
અને તું તો હજી યુવાન જ દેખાય છે, બે છોકરાંની મા હોવા છતાં.”
“બકવાસ. અને ધારો કે કોઈ મળે તો તેનો વિશ્વાસ કેમ કરી શકાય?
શું ગેરેન્ટી? ઊલમાંથી ચૂલમાં પડ્યા તો? તો શું બીજું પાત્ર શોધવાનું? અને તેમાં
નિષ્ફળતા મળે તો ત્રીજું? તો પછી મારા ને ધંધાદારી સ્ત્રી વચ્ચે ફરક શું રહ્યો? એમ
જેને તેને જાત થોડી સોંપી દેવાય? ના. ના.
એ ઉપાય તો આઉટ. સ્ત્રી-પુરૂષ વચ્ચેનું ઐક્ય ફક્ત શારીરિક જ નથી તેમાં
પોતાપણાની હૂંફ અને સ્નેહ હોય છે તો જ પરમ આનંદની પ્રાપ્તિ થાય. સ્નેહસભર સ્પર્શનો
અનોખો આનંદ છે. તેની અપેક્ષા અન્ય પાસે ન કરી શકાય અને મળે પણ નહીં. માટે બકવાસ.
પણ તો મારે શું કરવું? અસંતોષની પીડા હવે અસહ્ય થઈ પડી છે તે પણ હકીકત છે. તો શું
ડીવોર્સ લેવા? ના,ના. નતાશા અને સન્માનનું શું થાય? તેઓનું જીવન બરબાદ થઈ જાય.”
“આવા તો અસંખ્ય કિસ્સા સમાજમાં હોય છે તું એકલી નથી પીડા
ભોગવતી. પડ્યું પાનું નિભાવી લેવાનું એ જ ઉપાય છે.” વળી અંતરમાંથી ઠપકો આવ્યો.
“નૉનસેન્સ!”
“નૉનસેન્સ નહીં. આ જ સેન્સ છે. તું માર્દવને પ્રેમ નથી
કરતી? માર્દવ તને પ્રેમ નથી કરતો? શું તે પ્રેમની કોઈ કિમત જ નહીં? પ્રૌઢાવસ્થામાં
શું કરીશ? જ્યારે કોઈ ઉપાય ન હોય ત્યારે વર્તમાન પરિસ્થિતિનો સ્વીકાર કરવો એ જ
સાચો રસ્તો છે. ક્ષણિક આનંદ માટે જીંદગીભરના
સાથને છેહ આપવાનો?”
પણ સંગીતાનું મન માનતું ન હતું. “સ્વીકાર શું કામ કરવો? કોઈ
ઉપાય તો ખોળવો જ પડે. આમ ન ચાલે. તો મારે શું કરવું?”
વિચારમાં ને વિચારમાં રાત ક્યાં વીતી ગઈ તેનું ભાન ન
રહ્યું. અચાનક ટેબલ પર પડેલા મોબાઈલમાં જોયું તો સમય ૦૬:૧૦ બતાવતો હતો. કાચની
ફ્રેંચ વીન્ડોમાંથી સવારનો આછો ઉજાસ આવી રહ્યો હતો. ઉષારાણી સૂર્યદેવને આવકારવા
નભમાં અવનવા રંગો પાથરતી હતી. પંખીઓ માળો છોડીને આમતેમ ઊડાઊડ કરતાં હતાં. કલબલાટ પણ
કરતાં હશે પણ બંધ એસી રૂમમાં અવાજ આવતો ન હતો. સંગીતા શૂન્યમનસ્ક ચહેરે રૂમમાં
આમતેમ નજર ફેરવતી હતી. મારે શું કરવું? પ્રશ્ન તેના મગજમાં ઘણની જેમ પડતો હતો.
અચાનક તેની નજર ખૂણામાં ટીપોય પર પડેલા તાનપૂરા પર પડી. થોડીવાર તે ત્યાં જ તાકી રહી.
પછી તેની આંખમાં એક ચમક આવી, તે ઊઠી, તાનપૂરા પાસે જઈ સ્પર્શ-વંદન કર્યું. જમીન પર
એક આસન પાથર્યુ, મોબાઈલમાં ટ્યુનર એપ ચાલુ કરી. તાનપૂરા પરની ધૂળ સાફ કરી તેના તાર
ખેંચીને સૂર મેળવ્યા. પછી સુખાસનમાં બેસી
તાનપૂરાને ખોળામાં લીધો. તાનપૂરાના તારમાંથી ષડજ અને પંચમના સૂર રેલાવા લાગ્યા.
આંખો બંધ કરી સંગીતા થોડીવાર સૂર સાથે ઐક્ય સાધવા લાગી અને પછી હળવે સ્વરે રાગ
ભૈરવનો આલાપ શરૂ કર્યો. થોડીવાર પછી ચીજના બોલ તેના ગળામાંથી ઉપસ્યા “જા..આ .. ગો,
મોહન પ્યારે”.
##***##
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો