શુક્રવાર, 17 જુલાઈ, 2015

સાત વર્ષ, પાંચ મહિના, ચાર દિવસ, ભાગ-2

(વહી ગયેલી વાર્તા: સમય મહેતા તેની કૉલેજના મિત્રના લગ્નમાં જયપુર જાય છે. ત્યાં તે પહેલી જ નજરે કમળની પાંખડી જેવી આંખોવાળી એક અતિ સુંદર અજાણી યુવતીના પ્રેમમાં પડે છે. એક આકસ્મિક મુલાકાતમાં સમય તે યુવતીને બાહુપાશમાં જકડીને ગાઢ ચુમ્બન આપે છે. યુવતીનો પરિચય થાય તે પહેલાં તેને જયપુરથી મુમ્બઈ આવી જવું પડે છે. સાત વર્ષના વહાણાં વાયા બાદ અચાનક એક દિવસ તે કમળનયની જેવી દેખાતી એક યુવતી તેની કારની સામે આવીને ઊભી રહે છે અને ઝડપથી ભીડમાં ગાયબ થઈ જાય છે. સમય ઊંડી ગડમથલમાં ડૂબી જાય છે. કોણ હતી તે યુવતી?

હવે આગળ વાંચો.....)

સાત વર્ષ, પાંચ મહિના, ચાર દિવસ, ભાગ-2 
  
થોડા દિવસો બાદ બાંદરાના એક મૉલમાંથી બહાર નીકળીને સમય થોડીવાર ઊભો હતો. મગજમાં હજી કારની સામે આવેલી યુવતિનું દ્ગશ્ય મમળાવતો હતો ત્યાં...
કહેવાય છે કે સમય કોઈની રાહ નથી જોતો. તો તમે કોની રાહ જુવો છો, મી. સમય મહેતા?” અચાનક ઘંટડીના રણકાર જેવો મધુર અવાજ પાછળથી સંભળાતાં સમય ચમકીને ફર્યો. અને ફરતાંવેંત તે સ્તબ્ધ બની ગયો. જીંસ અને લૂઝ ટોપ પહેરેલી, હાથમાં ગૉગલ્સ ફેરવતી એક અત્યંત સ્વરૂપવાન યુવતી મરક મરક હસતી ઊભી હતી. 
તમે કોઈને પહેલી વાર મળો ત્યારે હસ્તધૂનન કરવાને બદલે ઓષ્ઠ્યધૂનન કરો છો. તો અત્યારે તો એવો કોઈ ઇરાદો નથી ને?” તેણીએ આંખો નચાવતાં પૂછ્યું. 
સમયને થયું, એ જ કમલની પાંખડીઓ જેવી અણીદાર, કાળી, તેજસ્વી અને મારકણી આંખો! 
કમલાક્ષી!!અચાનક તેના મોઢામાંથી શબ્દો સરી પડ્યા.   
કમલાક્ષી? કોણ કમલાક્ષી? મને તો કમલા...છી! જેવું સંભળાયું! બસ ભૂલી ગયા? આપણે માર્ગીના લગ્નમાં સાત વર્ષ, પાંચ મહિના અને ચાર દિવસ પહેલાં મળ્યાં હતાં મળ્યાં નહિ પણ રાધર વળગ્યાં હતાં, યાદ છે?“
તમે...?! તમે અહિ અચાનક ક્યાંથી?” સમયને શું બોલવું તે સમજ ન પડવાથી જે શબ્દો હોઠે આવ્યા તે બોલી નાખ્યું.
નાગર જ્ઞાતિમાં પત્નીને માનાર્થ બહુવચનમાં તમે કહેવાનો રિવાજ છે. પણ તમે હજી મને એ દરજ્જો આપ્યો નથી તેથી તું કહીશ તો ચાલશે. ધેટ રીમાઈંડ્સ મી, ચાલો આપણે લગ્ન કરી નાખીએ. આજે તો શનિવાર છે અને સાંજના ચાર વાગ્યા છે તેથી કૉર્ટ તો બંધ હશે. ભારત સેવા સમાજમાં જઈને લગ્ન કરીશું? યજ્ઞકુંડમાં અગ્નિની સાક્ષીએ ચાર ફેરા ફરી લઈએ. આમે ય આજકાલ ગોર મહારાજને મંત્રો પણ પૂરા આવડતા નથી હોતા અને જે આવડતા હોય છે તેના ઉચ્ચાર બરાબર કરતા નથી હોતા. મને સપ્તપદીની બધી પ્રતિજ્ઞાઓ મોઢે છે. ફેરા ફરતાં ફરતાં હું બોલું તેમ તું બોલજે. લગ્ન સમ્પન્ન! બોલ, ક્યારે જશું? પછી તું મને તમેકહીશ તો ચાલશે.
લલ..ગ્ન?! તમે આ શું બોલો છો? આમ અચાનક લગ્ન કેવી રીતે થાય?” સમય દિગ્મૂઢ બનીને થોથવાતાં બોલ્યો.
કેવી રીતે? અરે! હમણાં તો મેં લાંબું લચક ભાષણ આપ્યું. તારું ધ્યાન ક્યાં છે! એની વે, તને વિસ્તારથી સમજાવું પણ અહિં અધવચ્ચે ઊભા ઊભા વાત નહિ થાય. ચાલ સામે કાફે કોફી ડેમાં જઈને નિરાંતે બેસીએ. કમ.કહી યુવતી કાફે તરફ ચાલવા માંડી. સમય પાસે મુંગે મોઢે તેને અનુસરવા સિવાય કોઈ રસ્તો ન હતો.
કાફેમાં એક કોર્નર ટેબલ પસંદ કરી યુવતી બેઠી અને અનુચર-માફક સમય પણ સામે બેઠો. ઑર્ડરની વિધિ પતાવી યુવતી બોલી, “ હમ્ મ ! જો સમય, અત્યારે સાડાચાર થયા છે. તારે માટે મેં સાત વર્ષ, પાંચ મહિના, ચાર દિવસ અને  સાડા સોળ કલાક રાહ જોઈ છે. તું કહે તો ટોટલ કેટલી સેકંડ મેં રાહ જોઈ છે તે પણ બતાવી શકું છું. હું સી. એ. છું. ગણત્રી કરવી મારા ડાબા હાથનો ખેલ છે. હવે મને સમય ગુમાવવો પોસાય તેમ નથી. મને 26 વર્ષ થયાં. મારા મમ્મા-પપ્પા ક્યારનાં લગ્ન માટે મારી પાછળ પડ્યાં છે. હું એમને એક જ જવાબ આપું છું કે મને સમય મળતો નથી, સમય મળશે એટલે તરત લગ્ન કરી લઈશ. હવે તું મને મળી ગયો છે અને એક ઘડી પણ બગાડવા માગતી નથી. તેથી તું જલદી તારીખ નક્કી કરી નાખ.
અરે! પણ હું તો તમને બરાબર ઓળખતો પણ નથી. તમે સીધી લગ્નની વાત કરો છો!
ઓળખતો નથી? સાત વર્ષ, પાંચ મહિના ચાર દિવસ અને સાડા સોળ કલાક પહેલાં જ્યારે વળગીને હોઠમેળાપ કર્યો હતો ત્યારે ઓળખતો હતો? “               
એ બધું સાચું પણ હું તમારી સાથે લગ્ન કરી શકું તેમ નથી.
કેમ નથી કરી શકે તેમ? તું પરણેલો છે?”
ના.
તો કોઈ ગર્લફ્રેંડ છે?”
ના.
તો કોઈ અફેર-લફરું છે?”
ના એવું કાંઈ નથી પણ હું તારે લાયક નથી.
લાયક નથી એટલે? નપુંસક છે?”
ઑફ કોર્સ નોટ.
તો પછી વોછે?”
વોટ ડુ યુ મીન વો ?”
આઈ મીન ગે છે?”         
ઓહ જસ્ટ શટ અપ.
તો પછી તારો પ્રૉબ્લેમ શું છે? ઓકે. કદાચ તું એરેંજ્ડ મેરેજમાં માનતો હોય અને માતા-પિતાની પરવાનગી વિના કોઈ કમીટમેંટ કરવા ન માગતો હોય તો તેનું સોલ્યુશન તો અત્યારે જ લાવી દઉં. તારાં પેરેંટ્સ ગાંધીનગરમાં રહે છે અને મારાં અમદાવાદમાં આપણે બન્ને એક જ જ્ઞાતિનાં છીએ.  મમ્માને  હું હાલ  ફોન કરી દઉં અને તે પપ્પાને લઈને અર્ધી કલાકમાં તારે ઘેર પહોંચી જશે. તારાં મમ્મી-ડેડીને મને જોવી હોય તો મારા સેલ પર ફેસ ટાઈમથી લાઈવ ઈંટર્વ્યુ આપવા પણ તૈયાર છું. હવે બોલ શું કરવું છે?”
એવી કોઈ જરૂર નથી. પણ હું તો તમારું નામ પણ નથી જાણતો!“     
ઓ..હો! એમ વાત છે! તો એનો પણ નિવેડો હમણાં લાવી દઉં.જમણો હાથ લંબાવી તે બોલી,” મારું નામ સૌમ્યા નિરંજન વોરા. વતન ભાવનગર. પપ્પા અમદાવાદમાં સ્ટેટ બેંકમાં આર. એમ. છે. મમ્મી ગુજરાત કૉલેજમાં સંસ્કૃતની પ્રોફેસર છે. એક નાનો ભાઈ છે-સૌજન્ય, વડોદરામાં મીકેનીકલ એંજિ. ના છેલ્લા વર્ષમાં છે અને નેટની તૈયારી કરે છે. પ્રહલાદનગરમાં એક નાનકડો બંગલો છે. મારી ઊમર તો તને જણાવી. મેં ડીસ્ટિંક્શન સાથે બીકોમ કરીને સીએ કર્યું. તું કૉલેજમાં ટોપર હતો તો મારું નામ પણ સીએમાં અમદાવાદના ટોપ ટેનમાં હતું. છેલ્લા પાંચ વર્ષથી ઈંટરનેશનલ બેંકમાં નોકરી કરું છું જેમાં ચાર વર્ષ દિલ્હીમાં અને એક વર્ષથી મુમ્બઈમાં છું. ભલા માણસ, હાથ તો મિલાવ! કે પછી તને હોઠ મિલાવતાં જ આવડે છે!”     
સમયે જમણો હાથ લંબાવીને સૌમ્યા જોડે હાથ મેળવ્યો.
જોયું હવે હસ્તમેળાપ પણ થઈ ગયો! હવે તું તારે મને તમેકહીશ તો હું વાંધો નહિ ઉઠાવું. એમ તો મને કોઈ પેટ-નેમ કે વહાલનું નામ આપીશ તો પણ પ્રેમથી વધાવી લઈશ! પણ હવે ચાલો આપણે ક્યાંક દરિયા કિનારે બેસીએ.
કાફેનું બિલ ચૂકવી ટેક્સી કરી બંને કફ પરેડની પાળીએ દરિયાની સાંનિધ્યમાં બેઠાં. સાંજનો સમય હતો દરિયાનો ઘેરો અવાજ વાતાવરણને આલ્હાદક બનાવતો હતો. સૂર્ય અસ્તાચળ ભણી ગતિ કરતો હતો. પવનની આછી લહેરખીઓ માહોલને ઔર રોમાંચક કરતી હતી.
ઓકે. તો હવે મૂળ વાતનું અનુસંધાન કરીએ. હવે તું મને ઓળખે છે. હું ભણેલ ગણેલ અને દેખાવે પણ નાખી દેવા જેવી નથી. તો શું વાંધો છે?”     
ઓહો. હવે તો હું ખરેખર તારે લાયક નથી.
વળી પાછું લાયક નથી? શા માટે?”
અરે! લગ્ન કરીને તને રાખું ક્યાં? ઝૂંપડીમાં? મારી કમાણી કોઈ નથી, રહેવા ઘર નથી, અહિં બાંદરાની ઝૂંપડપટ્ટીમાં એક નાની ઝૂંપડીમાં રહું છું.
આ લીવાઈસનું જીંસ અને બ્રાંડેડ ટીશર્ટ, કાંડે મોંઘીદાટ ઘડિયાળ, તારો આઈ ફોન વિ તારા હળાહળ જૂઠની ચાડી ખાય છે.
અરે, આ બધું તો આઈપીએલને આભારી છે.
હું સમજી નહિ.
અત્યારે આ ક્રિકેટ મેચ ચાલે છે ને તેમાં છેલ્લી મેચમાં મેં ખેલો પાડ્યો હતો તેમાં તગડી રકમ મળી હતી.”        
ખેલો પાડ્યો હતો, મતલબ?”
સટ્ટો કર્યો હતો. હવે સમજી?”
અને બે દિવસ પહેલાં મેં તને હોંડા સીટી કારમાં જોયો હતો તે પણ ખેલાને લીધે?”
સો ઇટ વોઝ યુ! ના. તે ગંગુતાઈને આભારી છે.
 “અને આ ગંગુતાઈ કોણ છે?”
મારી બાજુના ઝૂંપડામાં રહે છે. તે મારી પાડોશણ-કમ-કૂક છે. તેનો નવરો યાને વર કોઈ શેઠને ત્યાં ડ્રાઈવરની નોકરી કરે છે. તે બીમાર હતો તેથી થોડા દિવસ મેં બદલી ભરી. હોંડા તેના શેઠની ગાડી હતી. મારી નહિ.
પણ મૃણાલ પાસેથી મને જાણવા મળ્યું હતું કે તું કૉલેજ ટોપર હતો અને ટાટા માં નોકરી મળી હતી અને જમશેદપુર પોસ્ટીંગ થયું હતું. તો શું થયું?”
મૃણાલ કોણ?”
તારા દોસ્ત રાજેશની પત્ની!
હેં! રાજેશે બીજાં લગ્ન કર્યાં?”
ઓહો! માર્ગી ઈ જ મૃણાલ. મરાઠીમાં લગ્ન પછી વહુનું નામ બદલી નાખે. પણ, તું વાત બદલમાં. વ્હોટ હેપંડ?”
હા. એક વર્ષ જમશેદપુર પ્લાંટમાં નોકરી કરી પછી આઇઆઇએમ બેંગલોરમાં એમબીએ કર્યું.
વા..ઉ! ત્યાં પણ ટોપર?”
ના. પણ તારી જેમ ટોપ ટેનમાં....
હુર્રરરે! તો તો મારું સાત વર્ષ, પાંચ મહિના, ચાર દિવસ રાહ જોવાનું લેખે લાગ્યું! પણ તારું આઇઆઇએમમાંથી જ પ્લેસમેંટ થયું હશે ને?”
હા ટીસીએસમાં. અહિં મુમ્બઈમાં જ. પેકેજ પણ સારું હતું બલ્કે ઘણું સારું હતું. મેં મારી બચત, અને બેંકમાંથી લોન લઈને અંધેરીમાં ફ્લેટ પણ ખરીદી લીધો. ઘર પણ વસાવી લીધું.
અને ઘરવાળી બનવા માટે સાત વર્ષ, પાંચ મહિના, ચાર દિવસ, અઢાર કલાકથી રાહ જોતી, તારા પ્રેમમાં પાગલ એક છોકરી તારી સામે તૈયાર બેઠી છે. રાહ શું જુવે છે કરી નાખ મારા કપાળે કંકુનો ચાંદલો !
હા. પણ...
હા! તારી હા છે ને?! એક મિનિટ, હું કંકુની ડાબલી પર્સમાં લઈને જ આવી છું. થોભ, આપું છું.
અરે! તું થોભ. હવે પરિસ્થિતિ પલટાઈ ગઈ છે. એક વખતનો વેલ પ્લેસ્ડ સમય હવે બદલાય ગયો છે.
મને માંડીને વાત કર.”   
બે વર્ષ ટીસીએસમાં કામ કર્યા પછી એક લિમિટેડ કમ્પનીની મને એક્ઝીકુટીવ ડાયરેક્ટર તરીકેની ઓફર આવી. ખૂબ સારું પેકેજ હતું. ત્યાં કામ કરતાં ખબર પડી કે અહિં તો દાળમાં કાળું છે. ત્યારે જ કમ્પની છોડી દીધી હોત તો સારું થાત. પણ મને થયું મારે મારા કામથી નિસ્બત બીજી બાબતોમાં મારે શું કામ માથું મારવું ? એક વર્ષ પહેલાં ભાંડો ફુટ્યો અને કમ્પનીના એમડી અને સીઈઓ જેલ ભેગા થયા. બીજા પણ અમુક ઑફિસરોને છાંટા ઊડ્યા પણ હું બચી ગયો. કમ્પનીને તાળાં લાગ્યાં.
પણ તને તો તારા સીવી પરથી બીજે તરત જોબ મળી જાય.
એ જ તો રામાયણ થઈ. સીવી માં એ ફર્મનું નામ આવે એટલે અરજી કચરા ટોપલીમાં જાય. એક બાજુ બેંકની લોન ચાલુ હતી જે બચત હતી તેમાંથી ગાડું ગબડાવે રાખતો હતો. પણ આઠ મહિનાથી હપ્તા નથી ચૂકવાયા. મારું ખાતું એનપીએ થઈ ગયું. બેંક મૅનેજર મારી પાછળ પડ્યો છે. વારંવાર ફ્લેટ સીલ કરી દેવાની અને ઑક્શન કરવાની ધમકીઓ આપે છે. એકવાર કલેક્શન એજંટના માણસો આવ્યા અને તોડફોડ કરવાની ગર્ભિત ધમકી આપી.
ગર્ભિત ધમકી એટલે?”
એટલે પાણીનો કાચનો ગ્લાસ હાથમાંથી પડતો મૂક્યો અને કહે કે આ તો અકસ્માતે તૂટી ગયો. પણ અકસ્માતે બીજું ઘણું બધું તૂટી શકે. આથી મેં ત્યાં રહેવાનું જ છોડી દીધું. કોઈની મદદથી બાંદરામાં ઝૂપડપટ્ટીમાં જગ્યા મળી ગઈ.
તો હાલ કામ શું કરે છે?”
સફેદ કોલરની છૂટક મજૂરી કહી શકે એવું કામ ક્યાંક ને ક્યાંક મળી રહે. કોઈવાર ડ્રાઈવરી પણ કરી લઉં.” 
બેંકવાળાએ તને ઑકશનની નોટિસ આપી છે? લોન કેટલી બાકી છે?”
ના. વાત એમ છે કે મૅનેજર બદમાશ છે તેને કોઈ થર્ડ પાર્ટીને ફ્લેટ સસ્તામાં વેચી મરાવવામાં રસ છે. મને પહેલાં તો ઓફર કરી કે પાર્ટી તમારી લોન ભરપાઈ કરી આપશે તમે વેચાણ દસ્તાવેજ કરી આપો. અત્યારે મારા એરિયાના ભાવ ચાર ગણા થઈ ગયા છે. મેનેજરને તગડું કમિશન મળે તેમ છે.
તારા આ પ્રોબ્લેમનો ઉકેલ પણ છે મારી પાસે. તારા લોન પેપર્સ મને બતાવજે. તારી લોન હું ભરી દઈશ.
દહેજની લાલચ આપે છે?”
દહેજ નહિ, વગર વ્યાજની લોન. મને તું ધીરે ધીરે પાછા આપી દે જે. હું કાચનો ગ્લાસ નહિ ફોડું! પણ તારા ખેલાના ધંધા હવે બંધ હો!
સૉરી, પણ હું તારી પાસેથી પૈસા ન લઈ શકું. મારા પપ્પા પાસેથી નથી લીધા તો! અને લગ્ન કરવાની શરતે તો નહી જ.
સમય મહેતા! તમે એંજિનીયર નકામા થયા, તમારે વાર્તા લેખક બનવાની જરૂર હતી. તમે અત્યાર સુધી જે વાત કરી તેમાં પોઇંટ વન પર્સેંટ પણ સત્ય નથી. કોઈ અકળ કારણસર હળાહળ જૂઠ્ઠાણું ચલાવ્યું છે તમે. એમ શું કામ કર્યું તે મને સમજાતું નથી. પણ એક વાત ચોક્કસ છે કે તમે પણ મને પ્રેમ કરો છો. નહિ તો સાત વર્ષ, પાંચ મહિના, ચાર દિવસ, સુધી મારી રાહ ન જોતા હોત.
અરે! સાવ સાચી જ વાત મેં કરી.....
સાવ ખોટી વાત. નાવ, લીસન ટુ મી. બે વર્ષ પછી તેં ટીસીએસ છોડી ત્યાં સુધી બરાબર. પણ પછી તું કોગ્નીઝંટમાં જોડાયો અને હજી તેમાં જ છે. થોડા વખત પહેલાં મારી બેંકે અમારા એક ક્લાયંટની લોન એપ્લીકેશન વાયેબીલીટી અનાલીસીસ માટે તમને આપી હતી. તેની કોઈ ક્વેરી માટે હું તારી ઓફિસે આવી હતી અને તમારા મૅનેજર મી. ખાડીલકર સાથે મીટિંગ હતી. ત્યારે મેં તને કોંફરંસમાં કોઈ ક્લાયંટ સાથે બેઠેલો જોયો હતો. ખાડીલકરને પૂછતાં તેણે જણાવ્યું કે તું ફર્મમાં પાર્ટનર છે અને ખૂબ હોશિયાર છે. તારી છૂટથી પ્રશંસા કરી. વાત વાતમાં મેં સિફતથી ખાડીલકર પાસેથી તારી વિષે માહિતી કઢાવી. એ પછી મેં તારી રીસેપ્શનિસ્ટ નિધિ સાથે દોસ્તી કરી લીધી અને તે દિવસે તારી કાર સામે હું  આવી હતી. તારી કારના નંબર પરથી તારા ઘરનું એડ્રેસ પણ જાણી લીધું. અને તારે ઘેર પણ જઈ આવી. તારા વૉચમેન પાસેથી પણ જાણવા યોગ્ય વિગત મેળવી લીધી. ખાસ તો તું પરણ્યો નથી તે વિગત. આજે તું અહિં મૉલમાં ક્લાયંટ મીટિંગ માટે આવવાનો છે તે પણ નિધિ પાસેથી જાણ્યું. હવે જો, સુરજ આથમવાની તૈયારીમાં છે. સુર્યબિમ્બની નીચલી કોર ક્ષિતિજને એટલે કે દરિયાના પાણીને થોડીવારમાં અડક્શે. આ ગોધૂલી સમય છે. આપણામાં આ સમયે લગ્ન થાય. માટે કાંઈ પણ નાટક કર્યા વિના તું તારા પ્રેમનો એકરાર કર. સુર્યબિમ્બ સમ્પૂર્ણપણે પાણીમાં વિલીન થાય ત્યાં સુધીનો તને સમય આપું છું. તને ખાત્રી આપું છું કે જો તું હજી પણ ના પાડીશ તો પછી હું કદાપિ મારું મોઢું તને નહિ બતાવું.સૌમ્યા એક શ્વાસે બધું બોલી ગઈ છેલ્લે તેનો અવાજ ગળગળો થઈ ગયો હતો.

એની કોઈ જરૂર નહિ પડે. ઊભી થા.કહી સમય ઊભો થયો અને સૌમ્યાના બંને હાથ પોતાના હાથમાં લીધા. સૌમ્યા! મારી કમળનયની! સાત વર્ષ, પાંચ મહિના, ચાર દિવસ મેં પણ તારી જ રાહ જોઈ છે. તેં મને તારા જીવનસાથી તરીકે પસંદ કરીને મને ધન્ય કર્યો છે. હા. હું પણ તને અપાર પ્રેમ કરું છું. શું તું મારી જીવન સહચરી બનીશ?”
સૌમ્યાની આંખમાંથી આનંદના આંસુની ધાર વહેવા લાગી. તે કાંઈ પણ બોલ્યા વિના સમયને ભેટી પડી.
અરે! વેઈટ, વેઈટ.કહી સમયે સૌમ્યાને અળગી કરી.
વળી પાછું શું થયું?” સૌમ્યાને ધ્રાસકો પડ્યો.
તારી પર્સમાંથી પેલી કંકુની ડબ્બી તો કાઢ!
કંકુની ડબ્બીમાંથી કંકુ લઈ સમયે સૌમ્યાના કપાળમાં ચાંદલો કર્યો. બંને ફરી આલિંગનમાં એકબીજાને  વીંટાઈ વળ્યાં. સાત વર્ષ, પાંચ મહિના, ચાર દિવસ, અને ઓગણીસ કલાક પહેલાં ભજવાયેલું દ્ગશ્ય પુનઃ ભજવાયું.                                      
સમાપ્ત  કે શરૂઆત?!! 

વાર્તાના પ્રથમ ભાગ  માટે અહિ ક્લિક કરો. 
સાત વર્ષ, પાંચ મહિના, ચાર દિવસ ભાગ-1


4 ટિપ્પણીઓ: