શુક્રવાર, 12 જુલાઈ, 2013

સાંજે શું બનાવું?-2 પત્નીની પ્રતિક્રિયા


(બે-એક વર્ષ પહેલાં 'વાર્તાલાપ' પર એક લેખ પ્રકાશિત થયો હતો "સાંજે શું બનાવું?"  હમણાં એક ભાવકે તે વાંચી પ્રતિભાવ આપ્યો. જેના પરથી આલેખની પ્રેરણા મને મળી છે. ભાવક ઉત્કંઠાબેનનો આભાર! -ભજમન)


અષાઢ માહિનાના રવિવારની સવાર હતી. સરસ મજાની આદુવાળી દોઢ કપ ચા પેટમાં પધરાવીને હીંચકા પર બેઠો બેઠો હું અંગ્રેજી છાપાના સમાચાર વાંચી રહ્યો હતો. મ્યુઝિક સીસ્ટમમાંથી ધીમા સ્વરે સીતાર પર મલ્હાર રાગની મધુર સુરાવલીઓ લહેરાતી હતી. બહાર ઝરમર વરસાદ વરસતો હતો. વાતાવરણ શાંત અને આલ્હાદક હતું. તેવામાં...   
આ તમે શું ધજાગરો કરતા ફરો છો?” શ્રીમતીજીએ હાથમાંનું ગુજરાતી છાપું નીચે ફેંકતાં ગર્જના કરીહું ચમક્યો. આકાશની ગર્જના આમ અચાનક ઓરડામાં ક્યાંથી થઈ!
હું શું ધજાગરો કરતો ફરું છું? શેનો ધજાગરો? વાત શું છે?”
આ છાપામાં તમે શું લખ્યું છે?”
શું લખ્યું છે?”
શ્રીમતીજીએ જમીન પરથી છાપું ઉઠાવી મારા હાથમાં આપ્યું અને મારો એક લેખ- “સાંજે શું બનાવું?”- તેમાં છપાયો હતો તેના પર આંગળી મુકી બતાવ્યો.   
અરે! આ તો મારો લેખ છે. એમાં આટલી ઊકળી શું ગઈ?”
તે ઊકળે નહિ તો શું કરે! તમે હવે આપણા ઘરની વાતો જાહેરમાં ઊછાળવા લાગ્યા?”
અરે ડીયર! આ એકલા આપણા ઘરની નહિ, ઘર ઘરની વાત છે. દરેક ઘરમાં ગૃહિણીઓનો આ યક્ષપ્રશ્ન હોય છે. દરેક પતિઓ આ ત્રાસનો શિકાર થતા હોય છે.”    
“એમાં ત્રાસ શેનો? એક સાદો સીધો સરળ પ્રશ્ન તમને ત્રાસજનક લાગે છે?”
“રોજ રોજ એકનો એક સવાલ પૂછાયા કરે તો ત્રાસજનક ન લાગે? તમે સ્ત્રીઓ રસોડાની રાણી કહેવાવ છો પણ વાનગી શું બનાવવી તે નક્કિ નથી કરી શકતી?   
“કોઈ દિવસ એવો વિચાર કર્યો છે કે શા માટે આ પ્રશ્ન પૂછાય છે?
“શા માટે?”
“જોયું! ત્રાસવાદની બૂમરાણ મચાવવી છે, તેનો ઉકેલ તો દૂરની વાત પણ કારણ શોધવાની એ દરકાર નથી કરવી! તમે પુરુષો પણ યુપીએ સરકાર જેવા જ છો. હાથ પગ હલાવવા નહિ, બસ હીંચકા પર બેઠાં બેઠાં સૂફિયાણાં નિવેદનો બહાર પાડતાં રહેવું. નોકરી-ધંધો કરી પૈસા કમાઈને લાવો એટલે જાણે મોટો મીર માર્યો!
સવારના ઘરની બહાર નીકળી જાવ અને સાંજ પડે ઘેર આવી ટીવી સામે બેસી જાવ! ઘર કેમ ચાલે છે તે ક્યારે પણ પૂછ્યું?”
“અરે! સ્ત્રીઓએ તો પુરુષોનો આભાર માનવો જોઇએ કે તમને સ્વતંત્રતા આપી!”
શું ધૂળ સ્વતંત્રતા? ઘર ચલાવવાની જવાબદારીની બેડી પગમાં પહેરાવી દીધી અને પાછા સ્વતંત્રતાનાં બણગાં ફૂંકવાં! તમારે એ બહાને જવાબદારીમાંથી છટકીને ચરી ખાવું છે! 
“હવે એમાં છટકી જવાની ક્યાં વાત આવી? પુરુષો પોતાની આર્થિક જવાબદારી તો નિભાવે જ છે ને? મનુ મહારાજના વખતથી આ સામાજિક વ્યવસ્થા ગોઠવાઈ છે કાંઇ આજ કાલની નથી.”
“થયું! કોઇ દલીલ ન મળે એટલે વેદ-પુરાણનો હવાલો આપી દેવાનો! આ એકવીસમી સદી છે સાહેબ! હવે સ્ત્રીઓ પુરુષો સાથે ખભેખભા મેળવીને કામ કરે છે. આર્થિક જવાબદારીમાં પણ સરખેસરખો હિસ્સો આપે છે. એવું કોઇ કાર્યક્ષેત્ર નથી કે જેમાં સ્ત્રીઓ સક્રિય ન હોય.
હા, ચાલો માન્યું કે સ્ત્રીઓ પણ હવે કમાવા જાય છે પરંતુ તે મોટા ભાગે શહેરી વિસ્તારમાં. દેશની 70 ટકા સ્ત્રીઓ ગ્રામ્ય પ્રદેશમાં વસે છે અને તે ફક્ત ઘર સંભાળવાનું જ કાર્ય કરે છે કે નહિ? પાશ્ચાત્ય દેશોની જેવી સમાજ વ્યવસ્થા હજી સુધી ભારતમાં પ્રચલિત નથી થઇ.
“એક ઓર જુઠાણું! કોણે કીધું કે ગામડામાં સ્ત્રીઓ ફક્ત ઘર જ સંભાળે છે? ખેતીના કામમાં પણ સ્ત્રીઓ પુરુષોની હારોહાર કામ કરતી હોય છે. ખેતરમાં નીંદવાનું કામ, પાક લણવાનું કામ, ખળીમાં અનાજ સાફ કરવાનું કામ આ બધાં કાર્યોમાં સ્ત્રીઓનો મોટો ફાળો હોય છે. એ ઉપરાંત દુધાળાં ઢોરની માવજત અને દુધ ઉત્પાદનમાં માત્ર સ્ત્રીઓ જ કાર્યરત હોય છે એ રીતે તેઓ પણ આર્થિક જવાબદારીઓ ઉપાડતી હોય છે. સાથોસાથ ઘરની જવાબદારી તો ખરી જ. શહેરમાં સ્ત્રીઓ બાળકોને લેવા-મુકવા જતી હોય છે તો ગામડામાં કૂવા કે નદીએથી પાણી ભરવાનું કામ કરતી હોય છે. માટે મનુ મહારાજના નામે પુરુષો ચરી જ ખાય છે.!”
“મને એ નથી સમજાતું કે આ બધાને સાંજની રસોઈ સાથે શું સંબંધ છે?”
“એ જ તો રામાયણ છે. જે દિવસે પુરુષોને આ સમજાશે તે દિવસથી સ્ત્રીઓને “સાંજે શું બનાવું? નો યક્ષપ્રશ્ન પૂછવો નહિ પડે!”
“હજી ન સમજાયું.”
“અહિં મુદ્દો ઇંન્વોલ્વમેંટનો છે. સામાન્ય રીતે ઘરની રોજિંદી કાર્યવાહીથી અજાણ અને તે તરફ દુર્લક્ષ સેવતા પુરુષોને રસ લેતા કરવાનો આડકતરો ઈશારો છે.”
“પણ હું કહું કે ભજીયાં બનાવ તો તું આ નથી કે તે નથી કહીને તે સજેશન રીજેક્ટ કરી દે છે. અંતે તો તારે જે બનાવવું હોય તે જ બનાવે છે! આમાં ઈન્વોલ્વમેંટ ક્યાં આવ્યું?
“આથી પુરુષોને ખબર પડે કે ઘર કેમ ચાલે છે, ઘરમાં કઈ ચીજ નથી, શું છે અને શું લાવવાનું છે, અને જે લભ્ય છે તેમાંથી સ્ત્રીઓ કેમ ઘરનું ગાડું ચલાવે છે. તમે પણ થોડી ઘણી રસોઇ કરી જાણો છો છતાં તમે કોઇ દિવસ એમ ઑફર કરી કે ચાલ આજે હું તને કોઇ વાનગી બનાવીને ખવડાવું?”
“ઓકે,ઓકે. હથિયાર હેઠાં, બસ! ચાલ, આજે હું તને પૂછું, સાંજે શું બનાવું?”
                                                         
                                              =è>><<ç=  

અગાઉના લેખ માટે અહિ ક્લિક કરો>>  "સાંજે શું બનાવું?"

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો