શુક્રવાર, 24 મે, 2013

છૂના હૈ આસમાન-8 पङ्गुं लङ्घयते गिरिम्


'છૂના હૈ આસમાન' શ્રેણીમાં આપણે એવી વીરલ વ્યક્તિઓની નોંધ લઇએ છીએં કે જેઓએ જીવનમાં અમાપ સંઘર્ષનો સામનો કરીને પણ શ્રેષ્ઠતા પામવાનો પ્રયત્ન કર્યો છે. આજે  એવી એક હિંમતવાન ભારતીય અપંગ રમતવીર યુવતી અરૂણિમા સિંહા ના દ્રઢ મનોબળને નમન કરશું!


मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिम्
 यत्कृपा तमहं वन्दे परमानन्द माधवम् ॥

આ શ્લોકને સાચા અર્થમાં ચરિતાર્થ કરી બતાવનાર એક ભડવીર રમતવીર યુવતીની આજે આપણે વાત કરીશું. ત્રેવીસ વર્ષની અરૂણિમા સિંહા, ઉત્તરપ્રદેશના આંબેડકર જિલ્લાના નાનકડા ગામ અકબરપુરની રહેવાસી, અવધ યુનિવર્સિટીની છાત્રા છત્તીસગઢ તરફથી રાજ્યકક્ષાએ વૉલીબોલ રમી હતી અને મધ્યપ્રદેશ તરફથી નેશનલ લેવલે ફુટબોલ રમી હતી. સન 2011માં તે પોતાના ગામથી પદ્માવતી એક્સપ્રેસમાં જનરલ કોચમાં નોકરી માટે CISFની પરીક્ષા આપવા દિલ્હી જઇ રહી હતી ત્યારે ત્રણ ગુંડાઓએ તેની ચેન અને પર્સ લૂંટવાનો પ્રયત્ન કર્યો. તેણે બહાદૂરી પૂર્વક સામનો કર્યો. પણ તેની મદદે કોઇ ન આવ્યું. ઝપાઝપીમાં ગુંડાઓએ તેને રાયબરેલી પાસે ચાલતી ટ્રેને ફેંકી દીધી ! તે બીજી રેલ્વે ટ્રેક પર પડી અને તે ટ્રેક પર ગાડી આવતી હતી. ઘવાયેલી અરૂણિમાએ ઊભા થવાનો પ્રયત્ન કર્યો પણ પૂરેપુરી સફળ ન થઇ. અને એક પગ પરથી ગાડી પસાર થઇ ગઇ. ગામલોકો તેની મદદે આવ્યા અને તેને હોસ્પિટલ ભેગી કરી. રાયબરેલીની હોસ્પિટલ અને ત્યાંથી દિલ્હીની   AIMSમાં તેને સારવાર મળી. ચેપને ફેલાતો અટકાવવા તેનો પગ ઘૂંટણથી કાપવો પડ્યો. 


સ્પોર્ટ્સ મીનીસ્ટ્રી તરફથી તેને તાત્કાલિક રૂ.25000/-ની અને ત્યારબાદ રૂ. બે લાખની આર્થિક મદદ મળી રેલ્વે બૉર્ડે રેલ્વેમાં નોકરીની આપવાની તૈયારી બતાવી. જોકે રેલ્વે પોલીસ લૂંટની વાત માનવા તૈયાર ન હતી અને આપઘાતના પ્રયાસ તરીકે ઘટાવવાનો પ્રયત્ન કર્યો. એવો આરોપ મુક્યો કે વિષમ લગ્નજીવનને કારણે તે દુખી હતી. સગાંવ્હાલાંઓએ પણ તેનો સાથ છોડી દીધો. ડૂબતા જહાજમાંથી ભાગતા ઉંદરોમાં સગાં સૌથી પહેલા જ હોય! આવી ઘટનામાં પણ રાજકારણ પેસી ગયું. માયાવતી સરકારે તેને રાજ્યકક્ષાની ખેલાડી તરીકે સ્વીકારવાની ના પાડી. અપંગ અરૂણિમા તેના કુટુમ્બની એકમાત્ર કમાઉ સભ્ય હતી. મીડિયામાં આ વાત ચકચારે ચઢી અને આખા દેશમાં તેને માટે સહાનુભૂતિ અને રાજ્ય સરકારને ફિટકાર મળ્યા. મોડે મોડે રાજ્ય સરકાર જાગી અને યુનિવર્સિટીમાં કોચ તરીકે નોકરી આપવાની ઑફર કરી.   


અરૂણિમા હિમત ન હારી. ક્રિકેટર યુવરાજ સિંગ તેને મળવા ગયો અને તેણે તથા હરભજને રૂ. એક એક લાખ આપ્યા. યુવરાજસિંગ પરથી પ્રેરણા લઇને અરૂણિમાને થયું “હું પણ મારી જીંદગીમાં કાંઇક બની શકું.” પ્રોસ્થેટિક પગ લગાવ્યા પછી તે એવરેસ્ટ વિજેતા બચેંદ્રી પાલના ઇકો એવરેસ્ટ એક્સપીડીશનની સભ્ય બની અને માઉંટેનીયરીંગની તાલીમ લીધી. 2012માં કાશ્મીરમાં 6622મી. ઊચું ચશ્મેર કાંગરીનું શીખર સફળતાપૂર્વક સર કર્યું. પણ તેનું લક્ષ્ય તો ઊંચું હતું. કાઠમંડુથી શરૂઆત કરીને 52મે દિવસે તે એવરેસ્ટના શિખરે પહોંચી તે દિવસ હતો એડમંડ હીલેરી અને તેનસીગે પ્રથમ વખત એવરેસ્ટ સર કર્યું તેની 60મી વર્ષગાંઠનો. આ સફ્ળતા મેળવનાર તે વિશ્વની પ્રથમ અપંગ મહિલા છે. સાચા અર્થમાં તે આકાશને આંબી!! 

આ બહાદૂર અને જાંબાજ નારીને 'વાર્તાલાપ'ના ઝાઝા જૂહાર! 
+++><+++ 

તસવીરો અને વિગત સંદર્ભ:-
www.IBTimes.co.uk

3 ટિપ્પણીઓ:

  1. બહુ જ પ્રેરણાદાયક પરિચય. આટલી વિગત તો કોઈ અખબારે નથી આપી. તમે સરસ કામ કર્યું છે.
    M.D.Gandhi
    U.S.A.

    જવાબ આપોકાઢી નાખો