શુક્રવાર, 27 એપ્રિલ, 2012

નોકરિયાત સ્ત્રીઓ સુખી હોય છે?-સિક્કાની બે બાજુ


ગત સપ્તાહે મારી પોસ્ટ “આપ શું વિચારો છો?-6 નોકરિયાત સ્ત્રીઓ સુખી હોય છે?”  મુકતી વખતે મારા સ્વાનુભવના એક-બે પ્રસંગ લેખને ટુંકાવવા મુક્યા ન હતા. જે અહિં મુક્યા છે.


એક રવિવારે સવારે હું મારા મિત્રને ઘેર ગયો હતો. મિત્ર સરકારી અમલદાર હતા. અમે ડ્રોઇંગ રૂમમાં બેઠા હતા અને ફ્લેટનો દરવાજો ખુલ્લો જ હતો. અમારી વાતચીત ચાલતી હતી ત્યાં દરવાજે કચરો લેવા માટે બાઇ આવીને ઊભી રહી. મિત્રે તેના શ્રીમતીજીને બે-ત્રણ હાક મારી પણ ભાભીનો કોઇ પ્રતિભાવ કે જવાબ ન આવ્યો. થાકીને અને થોડા અકળાઇને મિત્રએ કચરાવાળાં બહેનને પછી કચરો લઇ જવા કહ્યું.
થોડા સમય પછી ભાભી બેઠક રૂમમાં આવ્યાં અને મિત્રએ ઉધડો લેતા સ્વરે કહ્યું, “તું ક્યાં હતી? કચરાવાળી બાઈ આવી હતી. મેં તને બે-ત્રણ બૂમ મારી પણ તેં સાંભળ્યું નહીં!”
“અરે! હું બાથરૂમમાં વૉશીંગ મશીનમાં કપડાં ધોતી હતી. મશીનના અવાજમાં તમારી હાકલ નહિ સંભળાઇ હોય. હવે.. ...”
“મેં તેને કીધું છે એ તો પાછી આવશે.”
“ત્રણ દાદરા ચઢીને કોઇ પાછી નહિ આવે. મારે જ કચરો ભરેલી બાલદી લઈને નીચે જવું પડશે.” ભાભીએ આછા રોષ અને છણકા સાથે જવાબ આપ્યો.
*  

જ્યારે હું સોનોગ્રાફી મશીનોનો વ્યવસાય કરતો હતો ત્યારની વાત છે. એક ડૉક્ટર યુગલને મશીન ખરીદવું હતું અને શાંતિથી વાતચીત થાય માટે મને રવિવારે ઘેર બોલાવ્યો હતો. સવારના નવેક વાગ્યે હું તેઓને ઘેર પહોંચ્યો. ડૉક્ટર બેઠક રૂમમાં વેક્યૂમ ક્લીનર ફેરવતા હતા. મને ઈશારાથી સોફા પર બેસવા જણાવ્યું અને હાથની પાંચ આંગળીઓ અને અંગૂઠો બે વાર ભેગા કરી દસેક મિનિટ થશે તેમ કહ્યું. મેં બેગમાંથી કેટલોગ અને ઑર્ડર બુક કાઢી ટેબલ પર મુક્યાં અને રાહ જોતો બેઠો. ડૉક્ટર સફાઈ પૂરી કરી વેક્યૂમ ક્લીનર મુકવા અંદર ગયા. તેવામાં મેડમ નેપકીનથી હાથ લુછતાં લુછતાં બહાર આવ્યાં.  
“ગુડ મૉર્નીંગ, મેમ!” મેં ઊભા થઇ વીશ કર્યું.
“અરે! નાણાવટીભાઇ તમે આવી ગયા છો? વિપુલ! મી.નાણાવટી આવ્યા છે.” તેણે ડૉક્ટરને બોલાવ્યા.
“હા. મને ખબર છે.” ડૉ. વિપુલ બહાર આવ્યા.”ક્યારના આવ્યા છે. તું અંદર હતી.”
શું તમે પણ...?” મેડમે થોડો ક્ષોભ અને થોડી શરમ મિશ્રીત ભાવે ડૉ.વિપુલને ટપાર્યા. ”નાણાવટીભાઇને લાગશે કે સર્જન થઇને ઘરકામ કરે છે.!”
“નોટ ટુ વરી! તું ગાયનેકોલોજીસ્ટ થઈને વાસણ ઘસી શકે તો હું વેક્યૂમ ક્લીનર ન ફેરવી શકું? દર્દીઓના પેટમાંથી તો આનાથી વધારે ગંદકી સાફ કરૂં છું.” પછી મારી સામે જોઇ બોલ્યા, “આજે અમારા રામાએ ગુલ્લી મારી છે.”
=><=
(પાત્રોનાં નામ બદલી નાખ્યાં છે.)

4 ટિપ્પણીઓ:

 1. હા. મને ખબર છે.” ડૉ. વિપુલ બહાર આવ્યા.”ક્યારના આવ્યા છે. તું અંદર હતી.”
  ‘શું તમે પણ...?” મેડમે થોડો ક્ષોભ અને થોડી શરમ મિશ્રીત ભાવે ડૉ.વિપુલને ટપાર્યા. ”નાણાવટીભાઇને લાગશે કે સર્જન થઇને ઘરકામ કરે છે.!”
  “નોટ ટુ વરી! તું ગાયનેકોલોજીસ્ટ થઈને વાસણ ઘસી શકે તો હું વેક્યૂમ ક્લીનર ન ફેરવી શકું?
  2 VARTAO...& ONE's MESSAGE is the HOUSE WORK should be SHARED by HUSBAND & WIFE...when help needed by the WIFE the HUSBAND should not be ashamed OR think ALL WORK in the HOUSE is the duty of a Wife
  DR. CHANDRAVADAN MISTRY
  www.chandrapukar.wordpress.com
  See you on Chandrapukar

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. કમાતી ગૃહિણીને કુટુમ્બમાંથી સ્નેહ અને સહકાર મળે તો અર્ધી સમસ્યા ઓછી થાય. બાકી બધાને તો પહોંચી વળે. મુલાકાત બદલ આભાર!

   કાઢી નાખો
 2. પ્રિય ભજમનભાઈ;
  પ્રેમ.
  તમે વર્ણવેલા બે પ્રસંગો કહે છે કે સ્ત્રીના સુખ દુખ માટે તેની નોકરી એટલી જવાબદાર નથી પણ પતિની સમજદારી અને પત્ની પ્રત્યેનો પ્રેમ વધુ જવાબદાર છે.એવું જ પ્રુરુષના સુખ દુખ માટે પણ છે જ. જરુરી છે માનવીમાં બુધ્ધીનો વિકાસ થઈ રહ્યો છે તેટલો પ્રેમનો વિકાસ થાય.સમસ્યા એ છે કે આપણે આપણા બાળકોને પ્રેમ ઓછો અને ચાલાકીઓ વધારે શિખવીએ છીએ અને આપણને ખબર નથી આપણે શું શિખવી રહ્યા છીએ. જ્યારે પરીણામ જોઈએ છીએ ત્યારે ક્યારેક નોકરીને તો ક્યારે, બોસને કે પતિને દોષી ઠેરવી સંતોષ માની લઈએ છીએ. મૂળ પ્રશ્ન ત્યાંનો ત્યાં જ ઉભો રહે છે અને પાંદડા રોગની ચર્ચાઓ અને તેના ઈલાજોની સલાહો આપ્યા કરીએ છીએ. મારા ગુરુ કહેતા," સમસ્યા ચાહે કોઈપણ હોય. ઈલાજ એક અને માત્ર એક જ છે "ધ્યાન""
  પ્રભુશ્રીના આશિષ.
  શરદ.

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. પતિ-પત્નીને અન્યોન્ય સમજદારી અને પ્રેમ ન હોય તો નોકરી ન કરતી ગૃહિણીને પણ દુખ થાય. સંબંધમાં વિસંવાદિતા સર્જાય. પ્રેમ બધી સમસ્યાનો એક સાચો ઉપાય છે. તે તદ્દન સાચું. રસપૂર્વક ચર્ચામાં ભાગ લેવા બદલ આભાર!

   કાઢી નાખો